આબુરાસ : ઐતિહાસિક સામગ્રી ધરાવતી જૂની ગુજરાતી રાસકૃતિ. આ રાસનું એના કર્તાએ સૂચવેલું નામ તો ‘નેમિજિણંદ રાસો’ (નેમિજિનેંદ્ર રાસ) છે અને તે માત્ર 55 કડીઓની કૃતિ છે. કાવ્યના કર્તાનું નામ ‘પાલ્હણ’ કે ‘પાલ્હણ-પુન’ સમજાય છે અને ઈ. સ. 1233 લગભગની રચના છે. ચરણાકુલ-ચોપાઈની 6 ઠવણિઓ (કડી 1-9, 14-19, 24-27, 29-31, 36-40, 51-55) અને દોહરાની 2 ભાસ (કડી 10-13, 20-23), 28મી અજ્ઞાત છંદની કડી અને 41-50 એ 10 રોળા છંદના અર્ધની, એ રીતે સંકળાયેલી છે. આ રાસમાં તીર્થંકર નેમિનાથનું ચરિત નથી, પરંતુ આબુ ઉપર નેમિનાથનું દેરાસર કરવામાં આવેલું તેનો માત્ર આછો ઇતિહાસ છે. ગુર્જરદેશમાં ચંદ્રાવતી નામે નગરી છે, જ્યાં સોમરાજા રાજ્ય કરે છે. એના રાજ્યમાં આબુ પર્વત છે, જેના ઉપર 12 ગામ વસેલાં છે. ત્યાં અચલેશ્વર અને બાલકુમારી શ્રીદેવીનાં સ્થાન છે. આ સ્થળ નજીક વિમલશાએ બંધાવેલું ઋષભજિનેંદ્રનું દેવાલય છે. નજીકમાં જ અંબાદેવીનું સ્થાન છે, જ્યાં અનેક યાત્રીઓ યાત્રાર્થે આવે છે. ત્યાં બીજું દેવાલય નેમિનાથનું છે. એ સમયે ગુજરાતની ધુરાનો સમુદ્ધાર કરનાર લવણપ્રસાદ નામનો રાજવી હતો, જેણે સુલતાનને હંફાવ્યો હતો. એને વીરધવલ નામનો પ્રતાપી પુત્ર અને વસ્તુપાલ નામનો મંત્રી હતો, જેને તેજપાલ નામનો ભાઈ હતો. એ બેઉ ભાઈઓએ નવું દેવાલય કરાવ્યું (1230) વગેરે ઐતિહાસિક વિગતો આ રાસમાં જોવા મળે છે.

કે. કા. શાસ્ત્રી