આપટે, હરિ નારાયણ (જ. 8 માર્ચ 1864; અ. 3 માર્ચ 1919, પુણે) : મરાઠી નવલકથાકાર. ‘હરિભાઉ’ નામે લોકપ્રિય બનેલા હરિ નારાયણ આપટે આધુનિક મરાઠી નવલકથાના પિતા ગણાય છે. તે પુણેના મધ્યમ વર્ગના પ્રતિનિધિ છે.
ચિપળૂણકર, ટિળક અને આગરકરે સ્થાપેલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં જોડાનાર પ્રથમ વિદ્યાર્થીસમૂહમાં તે હતા. 1883માં તે ડેક્કન કૉલેજમાં દાખલ થયા. શાળામાં હતા ત્યારથી જ એ ‘કેસરી’ વગેરે સામયિકોમાં લેખો લખતા. ચિપળૂણકરના મૃત્યુ વિશે તેમણે ‘શિષ્યજનવિલાપ’ કાવ્ય રચેલું. તેમણે અંગ્રેજી નવલકથાનાં ભાષાંતરો તેમજ શેક્સપિયરનાં નાટકો ‘હેમ્લેટ’ અને ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’નાં ભાષાંતરો કરેલાં. 1888માં તેમણે ‘કુળકર્ણી આણિ મંડળી’ નામે પ્રકાશનસંસ્થા શરૂ કરી હતી. તેમના ધનિક કાકા મહાદેવ ચિમણાજી આપટેએ સંસ્કૃતના અભ્યાસ માટે ‘આનંદ આશ્રમ’ સ્થાપીને તેનો કાર્યભાર હરિભાઉને સોંપ્યો હતો. 1890માં એમણે ‘કરમણૂક’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. તે વૈવિધ્યપૂર્ણ સામગ્રીને કારણે ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ સામયિકમાં જ તેમણે નવલકથાલેખન શરૂ કરેલું. ‘આનંદ આશ્રમ’ની પ્રવૃત્તિમાં સ્મૃતિ, ઉપનિષદો, પુરાણો, કાવ્યપ્રકાશ, નિરુક્ત વગેરે ગ્રંથો તેમણે સંપાદિત કરીને પ્રસિદ્ધ કર્યા હતા.
હરિ નારાયણ આપટેએ દશ સામાજિક અને અગિયાર ઐતિહાસિક નવલકથાઓ લખી છે. તેમાં છ-સાત અપૂર્ણ છે. સામાજિક નવલકથાઓમાં ‘પણ લક્ષાંત કોણ ઘેતો’ અને ‘મી’ (– નું ‘હું’ ગુજરાતી ભાષાંતર થયું છે) અને ઐતિહાસિક નવલકથાઓમાં ‘ઉષ:કાલ’, ‘ચંદ્રગુપ્ત’, ‘વજ્રાઘાત’, ‘ગડ આલા પણ સિંહ ગેલા’ ઉત્કૃષ્ટ કૃતિઓ છે. ‘વજ્રાઘાત’ નવલકથામાં વિજયનગરના સામ્રાજ્યના પતનની વાત છે. ‘ઉષ:કાલ’, ‘ગડ આલા પણ સિંહ ગેલા’ તથા ‘સૂર્યોદય’ અને ‘કેવળ સ્વરાજ્ય સાંઠી’ મરાઠી સત્તાના ઉદય વિશે છે. તેમણે ‘મી’, ‘યશવંતરાવ ખરે’ અને ‘પણ લક્ષાંત કોણ ઘેતો’ને આત્મકથનાત્મક રૂપ આપ્યું છે. બાળલગ્ન, દહેજ, વૈધવ્ય, નારીશિક્ષણ વગેરે સમકાલીન સામાજિક પ્રશ્નો તેમણે તેમની સામાજિક નવલકથાઓમાં ચર્ચ્યા છે. ઓગણીસમી સદીના અંતના સમાજનું એમાં આબેહૂબ નિરૂપણ છે.
તેમણે સંત સખુબાઈ વિશે પ્રભાવશાળી નાટક લખ્યું છે. વાર્તાઓ અને નિબંધો પણ પ્રગટ કર્યાં છે. 1912માં અકોલામાં મળેલ ‘મરાઠી સાહિત્ય સંમેલન’ના તે પ્રમુખ ચૂંટાયા હતા. ટૂંકી વાર્તાઓમાં ‘સ્ફુટ ગોષ્ઠિ’(1915)ના ચાર ગ્રંથો છે. મરાઠી યુગપ્રવર્તક નવલકથાકાર તરીકે તેમની ગણના થાય છે. ઐતિહાસિક નવલકથાનો પ્રવાહ મરાઠીમાં તેમની નવલકથાઓ આવ્યા પછી વેગવાન બન્યો. તેમણે પ્રસંગચિત્રો, રેખાચિત્રો, પત્રાત્મક વાર્તા વગેરેના પ્રયોગ કરેલા છે. મરાઠી સાહિત્યસર્જકોમાં તેમનું સ્થાન વિશિષ્ટ છે. તેમણે મરાઠી સાહિત્યને નવીન શૈલી અને પ્રકાર આપ્યાં.
ઉષા ટાકળકર