આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની પ્રક્રિયા તરીકે ગણવામાં આવતી. પણ હવે એમ માનવામાં આવતું નથી. સમાજપરિવર્તનની વિવિધ પ્રક્રિયાનો દોર પશ્ચિમી સમાજે અથવા વધુ વિકસિત સમાજોમાં હજુ આજે પણ ચાલુ જ છે. પશ્ચિમી અથવા યુરોપીય સંસ્થાઓનું બિનપશ્ચિમી કે બિનયુરોપીય દેશોમાં આરોપણ એટલે આધુનિકીકરણ અથવા તો સમાજના એક ચોક્કસ પ્રકાર તરફની સંક્રાંતિ એટલે આધુનિકીકરણ એમ પણ હવે માનવામાં આવતું નથી. છેલ્લી દોઢેક સદી દરમિયાન એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના સમાજોમાં થયેલાં રાષ્ટ્રીય મુક્તિ-આંદોલનો અને તેના પરિણામે નવાં રાષ્ટ્રોનો ઉદય, મૂડીવાદી સમાજોમાં સતત થતું રહેતું પરિવર્તન, ‘રાષ્ટ્રવાદી’ કે ‘સમાજવાદી’ ક્રાંતિઓ દ્વારા જૂનાં સામંતશાહી કે સામ્રાજ્યવાદી શાસનતંત્રો ઉખેડી સમાજોને બળજબરીથી ‘આધુનિક’ બનાવવાના અનેકવિધ પ્રયોગો, જુદા જુદા પ્રકારનાં આયોજિત અર્થતંત્રોનો ઉદય અને ઉત્તરોત્તર ‘આધુનિક’ બનતા જતા વિવિધ સમાજોમાં પશ્ચિમી અને બિનપશ્ચિમી તત્વોનું જોવા મળતું મિશ્રણ – આ બધાંને કારણે એ હવે સ્પષ્ટ બનતું જાય છે કે આધુનિકીકરણના એક કરતાં વધારે નમૂના (models) છે, આધુનિકીકરણ સાધવાના પણ એક કરતાં વધારે માર્ગ છે.

આવાગમન અને સંવહનનાં ઉત્તરોત્તર બનતાં જતાં અદ્યતન માધ્યમોએ આધુનિકીકરણની પ્રક્રિયાને સંકોરવામાં કદાચ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્ર-રાષ્ટ્ર, સમાજ-સમાજ અને સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચેના સતત વધતા આદાન-પ્રદાન દ્વારા એમાં ગતિ આવેલી છે. વિશાળ ભૂમિખંડો વચ્ચેનાં ભૌગોલિક અંતરો ઘટ્યાં છે; સંદેશાવ્યવહારનાં અત્યંત ઝડપી સાધનોએ વિશ્વસમાજને એક ગ્રામસમાજ જેવી નિકટતા અનુભવતો કરી મૂક્યો છે, એને કારણે વિશ્વ આખામાં એક પ્રકારની સામાજિક-સાંસ્કૃતિક સમરૂપતા (homogeneity) જોવા મળે છે. વિશ્વના ઇતિહાસમાં પહેલી જ વાર પશ્ચિમી અને બિનપશ્ચિમી સભ્યતાઓના સહિયારા વારસદાર જેવી વિશ્વસભ્યતા વિકસી રહી હોય એવું લાગે છે.

આધુનિકીકરણની પ્રક્રિયા એ સતત થતી રહેતી ક્રાંતિ જેવી ગતિશીલ અને સંકુલ પ્રક્રિયા છે. તે અનુભવને વિવિધ માપનો દ્વારા વ્યક્ત કરવો અથવા તેનું મૂલ્યાંકન કરવું એ લગભગ અશક્ય છે. વ્યક્તિઓ અને સંસ્થાઓમાં કેવી રીતે પરિવર્તન થાય છે તેના ખુલાસા આપતાં સર્વસ્વીકૃત વૈચારિક માળખાં ઉપલબ્ધ નથી કે આવું પરિવર્તન કેવી રીતે સિદ્ધ કરી શકાય તે સૂચવતા તૈયાર નુસખા પણ હાથવગા નથી. એ ખરું કે વિકાસની ટોચે પહોંચેલા સમાજો અલ્પવિકસિત અથવા ઓછા આધુનિક સમાજો સમક્ષ ભવિષ્યનું રેખાચિત્ર રજૂ કરે છે. હાલના વિકસિત સમાજોએ ભૂલ કરતાં કરતાં શીખવાની (trial and error) પદ્ધતિએ સદીઓની ભારે જહેમતને અંતે ઠીક ઠીક કિંમત ચૂકવીને જે હાંસલ કર્યું છે તેને અલ્પવિકસિત અથવા ઓછા આધુનિક સમાજો પ્રમાણમાં ઓછા સમયમાં પણ વ્યવસ્થિત તેમજ પદ્ધતિસરના આયોજન દ્વારા સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે; અને તેમને વત્તેઓછે અંશે સફળતા પણ મળતી જાય છે.

આધુનિકીકરણ સમાજનાં બધાં જ પાસાંઓને સ્પર્શતી એક વ્યાપક પ્રક્રિયા છે. કોઈ પણ સમાજની આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ(systems)માં થતાં પરિવર્તનો એ આ વ્યાપક પ્રક્રિયાના અંગભૂત ભાગરૂપ છે. સમાજના એક પાસામાં થતો ફેરફાર બીજાં પાસાંને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે, આર્થિક પ્રથામાં થતા ફેરફારો સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાંઓને પ્રભાવિત કરે છે. ઉપરાંત, બીજા સમાજોમાં થતા ફેરફારોની અસર પણ થયા વિના રહેતી નથી. આમ, આધુનિકીકરણની પ્રક્રિયા આંતર-બાહ્ય પરિબળોથી સતત ગતિશીલ રહેતી પ્રક્રિયા છે. આ કારણે પણ તેની ચોક્કસ વ્યાખ્યા આપવાનું વધુ મુશ્કેલ બને છે. આમ છતાં, ભૂતકાળનાં અથવા પરંપરાગત સમાજો કરતાં જુદાં પણ કેટલાંક સમાન લક્ષણો અથવા વલણોની આસપાસ એક વ્યાપક અને સામાન્ય પ્રક્રિયા તરીકે આપણે આધુનિકીકરણની વ્યાખ્યા કે ઓળખ આપી શકીએ. આવી વ્યાખ્યામાં મુખ્યત્વે નીચેનાં લક્ષણો અથવા વલણોનો સમાવેશ કરી શકાય.

(1) સમાજના જ્ઞાનરાશિમાં સતત અને ઝડપથી વધારો થતો રહેતો હોય; એટલું જ નહિ, વિવિધ ચીજવસ્તુઓનાં ઉત્પાદન અને સેવાઓના નિર્માણમાં ખપમાં આવે એવી ટૅકનૉલૉજીઓમાં આ જ્ઞાનરાશિનો સભાનપણે અને સતત વિનિયોગ થતો રહેતો હોય.

(2) ઊર્જાનાં નવાં અને ઉચ્ચતર સ્વરૂપોના ઉપયોગથી વધુ ને વધુ કાર્યક્ષમતા હાંસલ કરવામાં આવતી હોય.

(3) સમાજશાસ્ત્રીઓ જેને લૌકિકીકરણ (secularization) કહે છે એ પ્રક્રિયા સમાજનાં વિવિધ અંગોપાંગોમાં પ્રસરતી હોય. એટલે કે, જૂનાંપુરાણાં કર્મકાંડ કે પારંપરિક પ્રવૃત્તિઓને બદલે બિનઅંગત અને ઉપયોગિતાલક્ષી મૂલ્યો અને ધોરણોની આસપાસ બૌદ્ધિક રીતે સંગઠિત અથવા આયોજિત પ્રવૃત્તિઓ અને કાર્યશૈલીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય.

(4) અર્થકારણમાં સ્વયં-સમર્થિત (self-sustaining) અથવા સ્વયં-પોષિત વૃદ્ધિની અમુક એક માત્રા હાંસલ કરવામાં આવી હોય, ઉત્પાદન અને ઉપભોગ બંનેમાં સતત વધારો થતો રહે એ રીતે આર્થિક વૃદ્ધિ થતી રહેતી હોય અને આવી આર્થિક વૃદ્ધિ તે જ સમાજનાં આર્થિક પરિબળો દ્વારા થતી રહે, એ માટે એને બીજા સમાજ પર ઝાઝો આધાર રાખવો પડતો ન હોય.

(5) રાજ્યતંત્રમાં લોકોની સામેલગીરીની અમુક એક માત્રા હાંસલ કરવામાં આવી હોય, જે તે સમાજ સમક્ષના વિવિધ નીતિવિકલ્પોની વ્યાખ્યા કરવામાં કે તેમને પસંદ કરવામાં અમુક પ્રકારની લોકભાગીદારી હોય. બીજા શબ્દોમાં, લોકશાહી પ્રતિનિધિત્વની કોઈ ને કોઈ પ્રથા અસ્તિત્વમાં હોય.

(6) સાંસ્કૃતિક ક્ષેત્રમાં જેને ઐહિક, બુદ્ધિનિષ્ઠ (rational) ધોરણો, વલણો કહેવાય છે, તેનો ઠીક ઠીક પ્રમાણમાં પ્રસાર થયેલો હોય, પોતાની હાલત કે પ્રશ્નો માટે કોઈ પારલૌકિક તત્વને અથવા પોતાના નસીબને કારણભૂત કે જવાબદાર માનતા ન હોય, પોતાની સમસ્યાઓનો ઉકેલ ઐહિક અને બુદ્ધિનિષ્ઠ અભિગમથી લાવી શકાશે એમ મહદંશે લોકો માનતા હોય.

(7) સમાજના વિવિધ સ્તરો અને કક્ષાઓમાં ગતિશીલતા સતત વધતી જતી હોય, વ્યક્તિઓ ભૌતિક, સામાજિક, માનસિક, અંગત અથવા વૈયક્તિક એમ વિવિધ ક્ષેત્રોમાં અમુક પ્રકારની મોકળાશ અનુભવતી હોય, જન્મનિર્મિત સ્થાનમાં જન્મદત્ત ભૂમિકા ભજવવાને બદલે વધુ પ્રમાણમાં સ્વપુરુષાર્થથી સમાજમાં પોતાનાં સ્થાન અને ભૂમિકા અંકે કરતી હોય. ટૂંકમાં, સમાજમાં એક પ્રકારની મોકળાશ અને ગતિશીલતા અનુભવાતી હોય.

(8) ઉપરની ખાસિયતો ધરાવતી સમાજવ્યવસ્થામાં વ્યક્તિ અસરકારક રીતે કામગીરી બજાવી શકે તે માટે તેના વ્યક્તિત્વમાં અમુક ચોક્કસ ફેરફારો થયેલા હોય. આવી સમાજવ્યવસ્થાના જુદા જુદા વિભાગો, જેવા કે અર્થકારણ, રાજકારણ, સમાજકારણ, સંસ્કૃતિ વગેરેમાં તે કામ કરી શકે અને યથાશક્તિ યોગદાન આપી શકે તે સારુ તેના વ્યક્તિત્વમાં તેને અનુરૂપ જરૂરી ફેરફાર થયેલા હોય, અને આ પ્રક્રિયામાં આધુનિક શિક્ષણનો, ઔપચારિક અને અનૌપચારિક બંનેનો, ફાળો ખાસ મહત્વનો હોય.

સમાજનાં સામાજિક-વસ્તીશાસ્ત્રીય પાસાંઓ તેમજ સામાજિક સંગઠનનાં તંત્રાત્મક કે માળખાગત પાસાંઓમાં થતા ફેરફારોના સંદર્ભમાં આધુનિકીકરણની પ્રક્રિયાનાં કેટલાંક સમાન લક્ષણો અથવા વલણો તારવવાનો પ્રયાસ કેટલાક સમાજશાસ્ત્રીઓએ કર્યો છે. આધુનિકીકરણની પ્રક્રિયાના ભાગ રૂપે સામાજિક-વસ્તીશાસ્ત્રીય પાસાંઓમાં થતા પરિવર્તનને વર્ણવવા ‘social mobilisation’ (સામાજિક ઉદ્યુક્તિ) એવો શબ્દપ્રયોગ કાર્લ ડોઈજે યોજ્યો છે. તેઓ જણાવે છે કે, ‘સામાજિક ઉદ્યુક્તિ એટલે એવી પ્રક્રિયા જેમાં જૂની સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પ્રતિબદ્ધતાનાં મુખ્ય બંધનો ધોવાઈ જાય, તૂટી જાય અને સમાજીકરણ તેમજ વર્તનની નવી ભાતો સામાન્ય લોકો માટે સહજસેવ્ય બને.’ યંત્રો, મકાનો અને વપરાશી ચીજવસ્તુઓના પ્રદર્શન દ્વારા આધુનિક જીવનનાં કેટલાંક પાસાંઓનો તાદૃશ પરિચય આ પ્રક્રિયાને સહાયરૂપ થાય છે. સંદેશાવ્યવહાર અને સંવહનનાં અદ્યતન સાધનો, રહેઠાણોમાં ફેરફાર અને શહેરીકરણ, શિક્ષણ અને સાક્ષરતામાં વધારો, કૃષિવિષયક ધંધાવ્યવસાયોમાં, ઉદ્યોગો અને વિવિધ સેવાઓમાં રોજગારીનો પ્રવાહ , આ બધાં પણ આ પ્રક્રિયા દરમિયાન દૃષ્ટિગોચર થાય છે.

પણ આધુનિક સમાજોમાં જોવા મળતું વધુ મહત્વનું લક્ષણ તો મનુષ્યોની વૈયક્તિક પ્રવૃત્તિઓ અને સંસ્થાકીય માળખાંઓમાં આવતું પરિવર્તન છે. જૂના અથવા પરંપરાગત સમાજમાં વ્યક્તિનું સ્થાન અને તેણે આજીવન કરવાની કામગીરી તેના જન્મ થકી નક્કી થઈ જતી. તેની મોટા ભાગની સામાજિક પ્રવૃત્તિ લોહીસંબંધ અથવા જન્મનિમિત્ત સંબંધોથી બંધાતાં જૂથો પૂરતી સીમિત રહેતી. પણ આધુનિક સમાજમાં વ્યક્તિનું સ્થાન તેમજ ભૂમિકા તેના જન્મ કે આવા લોહીસંબંધથી બંધાયેલા જૂથથી નક્કી થતાં નથી કે મર્યાદિત થતાં નથી. તેણે કેળવેલી લાયકાત કે પ્રાપ્ત કરેલી સિદ્ધિથી તેનાં સ્થાન અને ભૂમિકા વિશેષત: નક્કી થાય છે. આવા સમાજમાં સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠાનું વિતરણ પણ જન્મદત્ત દરજ્જા કે સ્થાનને આધારે થતું નથી. આર્થિક જીવનમાં વૈયક્તિક સંબંધોને બદલે બજારનાં બિન-અંગત પરિબળો નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને રાજકારણમાં સત્તાના પરંપરાગત દાવાને સ્થાને મતદાન દ્વારા વ્યક્ત થતી શાસિતોની મુક્ત પસંદગી, રાજકીય પક્ષોની પ્રવૃત્તિ અને અમલદારશાહી દ્વારા વહીવટ – આ બધાંનું મહત્વ સ્વીકારાય છે.

પણ આધુનિક સમાજ પરંપરાગત સમાજ કરતાં જે ખાસ બાબતમાં જુદો પડે છે તે તાંત્રિક વિભિન્નીકરણ (structural differentia-tion). કાર્યવિભાજન અને વિશિષ્ટીકરણની વધુ ઊંચી માત્રાને કારણે પરંપરાગત સમાજમાં એક જ તંત્ર અથવા માળખું નોખું નોખું કામ કરતું હોય છે, ત્યાં કાર્યવિભાજનની માત્રા ઘણી ઓછી હોય છે. તેમજ ખાસ પ્રકારના કામ માટે વિશિષ્ટ તંત્ર કે માળખું રચવામાં કે નિભાવવામાં આવતું નથી. આધુનિક સમાજમાં જુદાં જુદાં કામ માટે જુદાં જુદાં તંત્રો કે માળખાં રચવામાં આવે છે, જેને તાંત્રિક વિભિન્નીકરણ તરીકે ઓળખવામાં આવે છે અને વિશિષ્ટ કામગીરી માટે તેવાં જ વિશિષ્ટ તંત્રો રચવામાં આવે છે. આમ, તાંત્રિક વિભિન્નીકરણ, કાર્યવિભાજન અને વિશિષ્ટીકરણ એ આધુનિક સમાજનું ઘણું મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. સામાજિક પ્રવૃત્તિનાં બધાં ક્ષેત્રોમાં આ ત્રણે કેટલા પ્રમાણમાં સિદ્ધ થયાં છે તે બાબતને જે તે સમાજ કેટલા પ્રમાણમાં ‘આધુનિક’ થયો છે, તેના એક નિર્દેશાંક તરીકે ઘટાવવામાં આવે છે.

આધુનિક સમાજોનું ત્રીજું મહત્વનું લક્ષણ રાજકારણ અથવા રાજકીય ક્ષેત્રને લગતું છે. સમાજમાં આધુનિકતાના પગરણ સાથે જન્મદત્ત સ્થાન અને ભૂમિકા વચ્ચેનો સંબંધ પહેલો આર્થિક ક્ષેત્રમાં તૂટે છે, ત્યારબાદ તેનું અનુસરણ રાજકીય ક્ષેત્રમાં થાય છે, સમાજમાં શાસનના જન્મદત્ત અથવા પારંપરિક દાવાઓનું ધોવાણ થવા લાગે છે, અને શાસનસત્તાનું મૂળ શાસિતોમાં છે. શાસનધુરા સંભાળનારા, શાસિતોને કોઈ ને કોઈ રીતે જવાબદાર છે, તેવો ખ્યાલ ધીરે ધીરે લોકસ્વીકૃતિ પામવા લાગે છે. શાસકોએ શાસિતોનું સમર્થન અમુક ચોક્કસ સમયને અંતરે મેળવતા રહેવું જોઈએ, એવા લોકશાહી સિદ્ધાંતનો સ્વીકાર થાય છે અને તે માટે ચૂંટણીઓ યોજવાનું જરૂરી માનવામાં આવે છે. ટૂંકમાં, લોકશાહી વલણો અને શાસકોની શાસિતો પ્રત્યેની જવાબદારીના અમુક પ્રકારના ખ્યાલનો સ્વીકાર તેમજ તેનો અમલ આધુનિક સમાજોનું એક નોંધપાત્ર લક્ષણ ગણાય છે.

કેટલાક સમાજશાસ્ત્રીઓ લૌકિકીકરણને આધુનિકીકરણના એક મહત્વના નિર્દેશાંક તરીકે ઘટાવતા હોઈ તેનો થોડો ઉલ્લેખ કરવો જરૂરી છે. લૌકિકીકરણની પ્રક્રિયા આમ તો દરેક ઐતિહાસિક સભ્યતામાં વધતેઓછે અંશે કાર્યરત હોય છે, પણ આધુનિક સમાજોમાં તેની માત્રા વધુ હોય છે. લૌકિકીકરણ એટલે વૈયક્તિક વર્તન અને સામાજિક સંગઠનના એવા કેટલાક સિદ્ધાંતો જે કોઈ પણ આધુનિક સમાજનાં ઉદય, જતન અને સાતત્ય માટે જરૂરી માનવામાં આવે છે. તેમાં નીચેના ત્રણનો મુખ્યત્વે સમાવેશ કરી શકાય :

1. સામાજિક ક્રિયાનું સ્વરૂપ : પારંપરિક સમાજમાં રહેતા મનુષ્યની તુલનામાં આધુનિક સમાજમાં રહેતો મનુષ્ય જે કંઈ કરે છે, તે એકંદરે પોતાની પસંદગીથી કરે છે. સ્વ-પસંદગીથી કશું કરવાની સ્વતંત્રતા જેટલી આધુનિક મનુષ્યને છે, તેટલી જૂના પરંપરાગત સમાજમાં રહેતા મનુષ્યને નથી.

2. પરિવર્તન પ્રત્યે સમાજનું વલણ અથવા અભિમુખતા : આદિમ અથવા પૂર્વઆધુનિક સમાજોમાં પરિવર્તનને બદલે સાતત્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તે સમાજમાં પરિવર્તન એટલો આવકાર કે સ્વીકાર પામતું નથી, જેટલો આવકાર કે સ્વીકાર આધુનિક સમાજોમાં પરિવર્તનને પ્રાપ્ત થાય છે. આદિમ અથવા પૂર્વ-આધુનિક સમાજ અને આધુનિક સમાજ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પૂર્વ-આધુનિક સમાજ પરંપરા અથવા સાતત્યને સંસ્થીકૃત કરવામાં વિશેષ શક્તિ ખર્ચે છે, જ્યારે આધુનિક સમાજ પરિવર્તનને સંસ્થીકૃત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે કેટલાક સમાજશાસ્ત્રીઓ પરંપરા અને આધુનિકતાને એકબીજાની વિરોધી ગણતા નથી. તેઓ માને છે કે કોઈ પણ સમાજમાં પરંપરા અને આધુનિકતા બંને હોય છે. સમાજમાં ખરેખર જે પ્રક્રિયા ચાલે છે તેમાં પરંપરાઓનું આધુનિકીકરણ થાય છે, તેવી જ રીતે આધુનિકતાને સંસ્થીકૃત કરી તેમનું પરંપરાઓમાં રૂપાંતર થાય છે. પરંપરાઓના આધુનિકીકરણનું જેટલું મહત્વ છે, તેટલું જ મહત્વ અંકે કરેલી આધુનિકતાનું પરંપરાઓમાં રૂપાંતર કરવાનું પણ છે.

3. સંસ્થાઓનાં વિભિન્નીકરણ અને વિશિષ્ટીકરણની વધતી માત્રા : તેનો અગાઉ ઉલ્લેખ થયો છે. સમાજનાં આવશ્યક કાર્યો અથવા પ્રવૃત્તિઓ માટે અલાયદી સંસ્થાઓનાં નિર્માણ અને સંચાલનને વિભિન્નીકરણ કહેવામાં આવે છે. આમાં શ્રમના સામાજિક વિભાજનનો સિદ્ધાંત કામ કરે છે. આધુનિક સમાજમાં આવી સંસ્થાઓ વધુ ને વધુ માત્રામાં સ્વાયત્તતા ભોગવતી થાય છે અને સમાજની બધી પ્રવૃત્તિઓમાં વિશિષ્ટીકરણનો વિસ્તાર અને પ્રસાર થાય છે.

લૌકિકીકરણને આધુનિક સભ્યતાની એક પાયારૂપ પ્રક્રિયા માનવામાં આવે છે. અન્ય કશાના પ્રભાવ હેઠળ નહિ, પણ પોતાની રીતે જ વિચારવાની શક્તિ ધરાવતા અને વિવિધ વિકલ્પોથી સભાન એવા મનુષ્યો દ્વારા પસંદગી કરવાની મોકળાશનો તેમાં સમાવેશ થાય છે. સાથે તેમાં વ્યક્તિની પોતાની જાત પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે, પ્રાકૃતિક જગત પ્રત્યે, માનવ-અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પ્રત્યે અને જ્ઞાન, ટૅકનૉલૉજી, અર્થકારણ, રાજકારણ વગેરે પ્રત્યેની અભિમુખતાનો પણ સમાવેશ કરવામાં આવે છે. લૌકિકીકરણની આ પ્રક્રિયા બીજાના ટેકા વિના સમાજમાં ટકી અને પાંગરી શકે નહિ. પ્રથમ તો એ સમગ્ર સામાજિક સંદર્ભનો ભાગ બની જવી જોઈએ. જ્ઞાન, ટૅકનૉલૉજી, અર્થકારણ અને રાજકારણમાં સ્વયં-પોષિત વિકાસને સંકોરે નહિ ત્યાં સુધી તેની માત્રા અને વ્યાપ બંનેમાં વધારો થતો રહેવો જોઈએ. લૌકિકીકરણ સમાજમાં એકમૂલ્યપ્રથામાંથી મૂલ્યબહુતા (value-pluralism) ભણીની ગતિ પણ વ્યક્ત કરે છે. જેમ જેમ આવી મૂલ્યબહુતા વિકસતી જાય છે તેમ તેમ એકીકૃત અથવા સુશ્લિષ્ટ સામાજિક પ્રથા જે આદિમ અથવા પૂર્વ-આધુનિક સમાજનું એક લક્ષણ મનાય છે, તેનું ધોવાણ થવા લાગે છે.

શિક્ષણ આધુનિકીકરણની પ્રક્રિયાનું ઘણું મહત્વનું અંગ મનાય છે. આધુનિક સમાજમાં સાર્વત્રિક સાક્ષરતા અનિવાર્ય ગણાય છે, શિક્ષણના તમામ સ્તરોમાં વૃદ્ધિ જોવા મળે છે, લઘુતમ શિક્ષણનું ઊંચું ને ઊંચું પ્રમાણ જરૂરી બને છે, સર્વસામાન્ય (general) શિક્ષણને બદલે વિશિષ્ટ કાર્યો અને સેવાઓ કાર્યક્ષમ રીતે બજાવી શકાય તે માટે વિશિષ્ટ અને ટૅકનિકલ શિક્ષણ પર વિશેષ ભાર મુકાય છે. મહત્વનો ફેરફાર તો શિક્ષણના સમયગાળામાં થાય છે. જીવનના એક તબક્કાએ અગાઉ શિક્ષણ પૂરું થઈ જતું, એને બદલે સતત પલટાતા સંજોગો અને જરૂરિયાતોને પહોંચી વળવા શિક્ષણની પ્રક્રિયા લગભગ આજીવન ચાલુ રહે છે, શિક્ષણના ધ્યેયો વિશે જ નવેસરથી વિચારણા થાય છે.

આધુનિક સમાજમાં આવતી ગતિશીલતાની ઘેરી અસર સામાજિક સ્તરીકરણ પર થાય છે. સમાજની મોટાભાગની વસતિ મધ્યમ સ્તરે રહેતી થાય છે, જ્યારે નાની લઘુમતી જ સમાજનાં ટોચ અને તળિયે રહી જાય છે. સમાજના વિવિધ સ્તરોમાં પરિવર્તનને બદલે સાતત્યની ઊંચી માત્રા સિદ્ધ થાય છે. સમાજના વિવિધ સ્તરો વચ્ચેની ખાઈ પુરાવા લાગે છે, વર્ગ-વર્ગ વચ્ચેના ઘેરા તફાવતો ઓગળવા લાગે છે. આવક, શિક્ષણ, જીવનશૈલી વગેરે બાબતોમાં અગાઉ જોવા મળતા તીવ્ર ભેદો ઓછા થવા લાગે છે. મૂલ્યો, વલણો, વિચારધારાઓ, કાર્યપ્રેરણાઓ, અપેક્ષાઓ, જીવનધ્યેયો – આ બધાંમાં એક પ્રકારનું સમાનીકરણ (equalisation) જોવા મળે છે. અર્થકારણ, રાજકારણ, શિક્ષણ, સંસ્કાર વગેરેમાં થતા ફેરફારો સમાજના સ્તરીકરણમાં થતા ફેરફારોને સંકોરે છે. સમાનીકરણ અથવા સમતાવાદી વલણો અસ્તિત્વ ધરાવે છે ખરાં; તેમ છતાં, આધુનિક સમાજોમાં કૌટુંબિક, વંશીય, પ્રાદેશિક, શૈક્ષણિક, બાળઉછેર વગેરે બાબતોમાં વૈવિધ્ય ચાલુ રહેતાં મોટા તફાવતો અને વિષમતાઓ સમૂળગાં નામશેષ થયાં નથી.

પરંપરાગત સમાજોની તુલનામાં આધુનિક સમાજો પરિવર્તનના પડકારોને પહોંચી વળવાની અદભુત શક્તિ ધરાવે છે એ ખરું; પણ આવનાર પરિવર્તનને અગાઉથી પારખવાની (anticipate) અને તે માટે તૈયારીઓ કરવાનીય શક્તિ ધરાવે છે. ઇચ્છિત દિશામાં આગળ વધવા પરિવર્તનનાં પરિબળો પેદા કરવાની અને પછી તેમને પહોંચી વળવાની શક્તિ પણ ધરાવે છે. ટૂંકમાં, આયોજિત પરિવર્તન કરવાની શક્તિની બાબતમાં આધુનિક સમાજો અગાઉના સમાજો કરતાં ગુણાત્મક રીતે જુદા પડે છે.

પૂર્વ-આધુનિક સમાજોમાંથી આધુનિક સમાજો ભણીની સંક્રાન્તિના કેટલાક પડકારો અને પ્રશ્નો પ્રત્યે કેટલાક સમાજવિજ્ઞાનીઓએ ધ્યાન દોર્યું છે. આ સંક્રાંતિ શાંતિમય હશે કે હિંસક, એ વિશે ઠીક ઠીક મતભેદ પ્રવર્તે છે. માર્કસવાદીઓ સંઘર્ષની અમુક માત્રાને અનિવાર્ય ગણે છે. છેવટે જ્યારે બધે આધુનિકીકરણનો પ્રકાશ પથરાશે ત્યારે સંઘર્ષની શક્યતા નાબૂદ થશે અને જે કંઈ સંઘર્ષ રહેશે તે સંસ્થાકીય અને સંસ્કારી રીતોથી ખાળી શકાશે, એમ કેટલાક શ્રદ્ધા વ્યક્ત કરે છે.

આધુનિકીકરણને કારણે સૌથી મોટો પ્રશ્ન અથવા પડકાર એ ઊભો થાય છે કે ઘણા આગળ વધેલા દેશો અને પાછળ રહી ગયેલા દેશો વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધતું જાય છે. દરમિયાન જૂના રાષ્ટ્રીય સંઘર્ષો ચાલુ રહેશે. કુદરતી સાધનસંપત્તિ અને તેમનો ઉપયોગ કરનાર વિજ્ઞાન અને ટૅકનૉલૉજી એ બેઉ બાબતોમાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના તફાવતો નજીકના ભવિષ્યમાં ઓછા થાય તેમ લાગતું નથી, તેના ગંભીર પડકારોનો સામનો વિશ્વની પ્રજાઓને કરવાનો રહેશે. દરમિયાન, અણુશક્તિની સંહારક શક્તિને જો નાથવામાં નહિ આવે તો માત્ર મનુષ્ય-અસ્તિત્વ સમક્ષ જ નહિ, સમગ્ર સજીવ સૃષ્ટિ સામેનો ગંભીર ખતરો ચાલુ રહેશે.

વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિવેકહીન ઉપયોગ અને ઉપભોગવાદી સંસ્કૃતિના સહિયારા સર્જન જેવી પર્યાવરણીય સમસ્યા અને પ્રદૂષણના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પણ આધુનિક સમાજોએ લાવવાનો રહેશે.

આધુનિકીકરણે આખા વિશ્વને આવરી લેનારી એક વૈશ્વિક સભ્યતાને જન્મ આપ્યો છે. સાથે એ જ પ્રક્રિયાએ અનેક ગંભીર પ્રશ્નો અને પડકારો પણ સર્જ્યા છે. એ બધાને પહોંચી વળવાની શક્તિ પણ વૈશ્વિક કક્ષાએ વિકસાવવાની રહેશે. મનુષ્યજાતિ એ કેટલા પ્રમાણમાં વિકસાવી શકે છે, તેના પર મનુષ્યસહિત સજીવ સૃષ્ટિના અસ્તિત્વનો આધાર રહેશે.

દિનેશ શુક્લ