આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે વનવાસીઓ અને ડુંગરો, પહાડો, કંદરા કે કોતરોમાં વસનારાઓ માટે ગિરિજનો જેવા પર્યાયો પણ વપરાય છે. ગુજરાતમાં આજ સુધી રાનીપરજ, કાળીપરજ જેવા શબ્દો વપરાશમાં હતા. ભારત સ્વતંત્ર થયું તે પછી બંધારણની 342મી કલમ અનુસાર પ્રગટ કરાયેલી અનુસૂચિ(યાદી)માં સમાવિષ્ટ તમામ (આશરે 230 જેટલી) આદિજાતિઓ માટે અનુસૂચિત જનજાતિ (scheduled tribe) શબ્દ વપરાય છે. માનવશાસ્ત્રીઓ પ્રજાતિજૂથ (ethnic tribe) શબ્દ જેવા વ્યાપક પારિભાષિક શબ્દમાં આદિજાતિ પર્યાયનો સમાવેશ કરે છે. આદિજાતિ કે આદિવાસીઓ એક એવો સામાજિક સમૂહ છે જે એક જ પ્રદેશમાં રહેનારો, સમાન ભાષા બોલનારો, સમાન રિવાજો અને સંસ્કૃતિ તથા સમાન રાજકીય વ્યવસ્થા ધરાવે છે. આમ તેઓ (1) મહદ્અંશે પહાડો અને જંગલોમાં વસે છે. (2) તેમની સમાજરચના સાદી અને સરળ છે. મોટેભાગે ગોત્રવ્યવસ્થા પર તે આધારિત છે. તેમની આગવી સંસ્કૃતિ રિવાજો, પ્રથાઓ છે. (3) તેમનું આર્થિક જીવન ઘણે અંશે જંગલો પર અને પ્રાથમિક ઢબની ખેતી પર આધારિત છે. (4) અર્થવ્યવસ્થા સાદી અને સરળ છે. વિનિમયપદ્ધતિ પર રચાયેલી છે. (5) તેમનું ધાર્મિક જીવન પ્રકૃતિનાં તત્વોને ગૂઢ શક્તિઓ માની પૂજા કરનાર પિતૃપૂજા તથા કુલચિહન કે ટેટેમ-આધારિત અને ભગત, ભૂત-પ્રેત, જાદુ, મંત્ર-તંત્રમાં શ્રદ્ધાના પાયા પર રચાયેલું છે. (6) તેમનું આગવું ન્યાયતંત્ર અને રાજકીય સંગઠન છે. (7) તેમને મહદ્અંશે પોતાની આગવી બોલી છે.

જગતમાં આદિજાતિઓનું અસ્તિત્વ મુખ્યત્વે કર્કવૃત્તથી મકરવૃત્તના વિસ્તારોમાં જોવા મળે છે. ન્યૂગિયાના, આફ્રિકામાં, ઉત્તર તથા દક્ષિણ અમેરિકામાં તેમજ ભારત, ઑસ્ટ્રેલિયા, મ્યાનમાર, સિલોન વગેરે દેશોમાં મુખ્ય વસ્તી. સંખ્યાની દૃષ્ટિએ આફ્રિકા પછી ભારતના આદિવાસીઓનો ક્રમાંક બીજો આવે છે. ભારતમાં અનેક આદિજાતિઓ પ્રાચીન કાળથી જુદા જુદા ભૌગોલિક પ્રદેશોમાં વસવાટ કરે છે. 1991ની વસ્તીગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓની વસ્તી 6,77,58,380 અર્થાત્ સમગ્ર ભારતની કુલ વસ્તીના 8.08 ટકા જેટલી થાય છે. જનસંખ્યાની દૃષ્ટિએ મધ્ય પ્રદેશમાં સર્વાધિક 1,53,99,034 છે. તે પછીના ક્રમ ઓરિસા 70,32,214, બિહાર 66,16,914, મહારાષ્ટ્ર 73,18,281, ગુજરાત 61,61,775, રાજસ્થાન 54,74,881, આંધ્રપ્રદેશ 41,99,481, પશ્ચિમ બંગાળ 38,08,760 તથા કર્ણાટક 19,15,691 વગેરે આવે છે. માનવશાસ્ત્રીઓ ભારતમાં વસતી આદિજાતિઓનું (1) ભૌગોલિક, (2) પ્રજાતીય, (3) ભાષાકીય અને (4) આર્થિક – એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરે છે. આ ચતુર્વિધ વર્ગીકરણના આધારે ભારતની આદિજાતિઓની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ વર્ણવી શકાય.

(1) ઉત્તર અને ઈશાન વિસ્તારમાં પૂર્વ કાશ્મીર, પૂર્વ પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશનો ઉપલો ભાગ, સિક્કિમ, આસામ, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ અને મેઘાલયના પહાડી પ્રદેશમાં વસતી લેપ્ચા, લેમ્બુ, ગદ્દી, ગુજ્જર, થારુ, ભોટિયા, કૂકી, આકા, ખાસા, ખાસી, ગારો, મિશમી, ગેલોંગ, ડાફલા, આપાતાની, નાગા, બોડા, મિઝો વગેરે આદિજાતિઓના લોકોનો સમાવેશ થાય છે. તેઓ શિકાર, પશુપાલન, ફરતી તેમજ પગથિયા ખેતી દ્વારા અને જ્યાં ચાના બગીચાઓ કે નાનાંમોટાં કારખાનાંઓ છે ત્યાં મજૂરો તરીકે કામ કરી જીવનનિર્વાહ કરે છે. તેમના દેખાવમાં મૉંગોલ પ્રજાતીય તત્વ વિશેષ જોવા મળે છે અને તેઓ ચીની-તિબેટી ભાષાજૂથની બોલીઓનો ઉપયોગ કરે છે.

(2) મધ્ય વિભાગમાં પશ્ચિમ બંગાળ, ઓરિસા, બિહાર, ઉત્તર પ્રદેશનો દક્ષિણ ભાગ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીની ઉત્તરેથી માંડીને ગંગાની દક્ષિણે આવેલો પ્રદેશ તથા વિંધ્યાચલ, સાતપુડા, અરવલ્લી અને બસ્તરનો ડુંગરાળ અને વન્ય વિસ્તાર આમાં સમાઈ જાય છે. આ વિભાગની મુખ્ય આદિજાતિઓમાં સાંથાલ, હો, ઉરાંવ, બિરહોર, મુંડા, બૈગા, ગોંડ, ખારિયા, મારિયા, મુરિયા, ભૂઈયા, અગરિયા, ખોંડ, કંધ, સાવરા, ભીલ, મીના વગેરે ગણાવી શકાય. તેઓ પશુપાલન, ખોરાક-સંકલન અને ઔદ્યોગિક વસાહતોમાં કે ખાણકામમાં મજૂરી કરીને ગુજારો કરે છે. આમાં બિહારના સાંથાલ, હિલખા ખારિયા, કોરવા, બિરહોર, માલ પહારિયા વગેરે; ઓરિસાના ભૂઈયા, કંધ, બોન્ડો, પોરોજા, જુઆન્ગ, કોયા, સઓરા, ગોધા તથા મધ્ય પ્રદેશના મારિયા ગોન્ડ, મારિયા, હલબી, મુરિયા, હિલમારિયા વગેરે ફરતી અથવા પ્રાથમિક ખેતી કરે છે. ઉપરાંત ધાતુકામ, વાંસકામ, માટીકામ, વણાટકામ, કાષ્ઠકામ, કોલસો પાડવો વગેરે જેવા હસ્તહુન્નરો મારફત જીવનનિર્વાહ કરે છે. આ વિભાગના આદિવાસી ઇંડો-આર્યન તથા મુંડારી ભાષાજૂથની બોલીઓનો વપરાશ કરે છે. દેખાવમાં તેઓ વિશેષ પ્રમાણમાં પ્રોટોઑસ્ટ્રોલૉઇડ પ્રજાતીય અંશો ધરાવે છે.

(3) દક્ષિણ વિભાગમાં કૃષ્ણા, કાવેરી, ગોદાવરી અને તુંગભદ્રા જેવી નદીઓ વહે છે. ત્યાં અને પશ્ચિમની તથા પૂર્વની પહાડી ઘાટીઓમાં પથરાયેલા આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના પ્રાદેશિક વિસ્તારોમાં ટોડા, કોટા, કાદર, ચેંચુ, કુરુમ્બા, કડબા, ઇરુલા અને પલયન જેવી આદિજાતિઓ રહે છે. તેઓ દ્રવિડ કુળની અંદર સમાતી અને તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ ભાષાઓના પ્રભાવવાળી બોલીઓ વાપરે છે. તેમનો જીવનનિર્વાહ મુખ્યત્વે શિકાર, માછીમારી અને ખોરાકસંકલન દ્વારા થાય છે, આંધ્રપ્રદેશના રેડ્ડી, કોયા, તાલુંગ કોલમ, નાઇક પોડ ‘પાંડુ’ નામની ફરતી ખેતી કરે છે; અને ખેતીનો લગભગ અભાવ હોવાથી તેમનું જીવનધોરણ અત્યંત નીચું છે. તેમના દેખાવમાં નીગ્રિટો ઉપરાંત પ્રોટો-ઑસ્ટ્રોલૉઇડ પ્રજાતીય તત્વો નજરે પડે છે.

સામાજિક દૃષ્ટિએ મોટાભાગની આદિજાતિઓ પિતૃસત્તાક અને પિતૃવંશીય કુટુંબવ્યવસ્થા ધરાવે છે. દક્ષિણના ટોડા, કોટા, ઇરુલા અને પલયન તથા ઉત્તર-પૂર્વાંચલના ખાસી અને ગારો જાતિના આદિવાસીઓમાં માતૃવંશીય અને માતૃસ્થાનીય કુટુંબવ્યવસ્થા જોવા મળે છે. ત્રણે વિભાગની ઘણી બધી આદિજાતિઓમાં મામાફોઈનાં સંતાનો વચ્ચે લગ્ન કરવાની પ્રથા પ્રવર્તે છે.

આમ, ભારતની ચારે દિશાઓમાં જુદા જુદા વિસ્તારોની આદિજાતિઓમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ભાતીગળ વૈવિધ્ય જોવા મળે છે. મોટાભાગના આદિવાસીઓ આર્થિક રીતે પછાત હોવા છતાં ગીત, નૃત્ય, સંગીત અને લોકસાહિત્ય તેમજ ચિત્ર, શિલ્પ અને વાસ્તુકળા તથા હસ્તહુન્નર જેવી કળા-કારીગરીને કારણે તેઓ સમૃદ્ધ જીવન જીવે છે. અનેક સદીઓથી રમતાં ભલાંભોળાં પ્રકૃતિનાં સંતાનો જેવાં તેમને ગણી શકાય.

રમેશ શ્રોફ