આત્મનિર્ણયનો અધિકાર

February, 2001

આત્મનિર્ણયનો અધિકાર : પ્રત્યેક રાષ્ટ્રને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો નિર્ધારિત કરવા અંગે મળતો નિર્ણાયક અધિકાર. દરેક રાષ્ટ્રને પોતાના રાજકીય ભાગ્યનો નિર્ણય કરવાનો આ અધિકાર છે. જે રાજ્યમાં એક કરતાં વધારે રાષ્ટ્રીયતા હોય તે દરેક રાષ્ટ્રીયતાને પોતાનું અલાયદા રાજ્ય સ્થાપવાનો અધિકાર મળે છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ (1914-18) દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સને આત્મનિર્ણયના અધિકારની પરિભાષા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આત્મનિર્ણય એ ઠાલો શબ્દ નથી પણ તે ન ઉવેખી શકાય તેવો સિદ્ધાંત છે, તેની અવગણના કરનાર રાજનીતિજ્ઞો ખતરો ઉઠાવી રહ્યા છે. પ્રત્યેક રાષ્ટ્રીયતા એક અલગ રાજ્ય બને છે. તે ચોક્કસ માનવસમૂહમાં એકતા પ્રસ્થાપિત કરનાર શક્તિ બની રહે છે. ઓગણીસમી સદીના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ સિદ્ધાંત અગત્યનો બની ગયો હતો. તેને આધારે સ્વતંત્ર રાજ્યો જન્મ્યાં અને પુનર્ગઠિત થયાં. જે તે પ્રજાના રાજકીય ભાગ્યનો નિર્ણય કરવાનો તે પ્રજાને જ અધિકાર છે એમ આ સિદ્ધાંતનું પ્રતિપાદન છે.

આ સિદ્ધાંત રાષ્ટ્રીયતાના ઉદભવ અને વિકાસ સાથે વિકસ્યો છે. લૉર્ડ બ્રાઇસના મતે ‘રાષ્ટ્રીયતા એટલે એવો માનવસમૂહ, જે ભાષા, સાહિત્યવિચારો, રીતરિવાજો અને પરંપરાનાં બંધનોથી એવી રીતે ઓતપ્રોત બનેલ હોય કે પોતાને બીજાથી અલગ સમજે છે.’ અર્થાત જેની અલગ રાષ્ટ્રીય અસ્મિતા પ્રગટ થઈ હોય તેવા માનવસમૂહને રાજકીય રીતે સંગઠિત થવા અને સ્વતંત્ર બનવા આત્મનિર્ણય કરવાનો અધિકાર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં આ વિચાર સિદ્ધાંતના સ્વરૂપે સ્પષ્ટ થયો. તે પહેલાં એ અધિકાર ન સરકારો દ્વારા સ્વીકારાયો હતો કે ન લોકોએ માગેલો. તેને વિકસાવવામાં પંદરમી સદીની જૉન ઑવ્ આર્ક, સોળમી સદીનો મેકિયાવેલી, અઢારમી સદીમાં પોલૅન્ડનું વિભાજન અને કવિઓ, લેખકો તથા સાહિત્યકારોમાં કાન્ટ, હેગલ, શીલર, ગટે અને ફિખ્ટેનો ફાળો રહ્યો છે. ‘પવિત્ર જોડાણ’ના અવરોધો છતાં તે રાજકીય સિદ્ધાંત બની રહે છે. 1848 સુધીમાં રાષ્ટ્રીયતાની ભાવનાથી ઇટાલી, જર્મની ને હંગેરીમાં ક્રાંતિઓ થઈ હતી. રાષ્ટ્રો સ્વતંત્ર થવા લાગ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આ વિચાર તીવ્ર રીતે વ્યક્ત થયો. કાયમી શાંતિના ન્યાયી પાયા માટે તેનું ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ સમર્થન કર્યું હતું. પ્રજાના ભાવિ નિર્માણનો તે આધાર બન્યો.

આ સિદ્ધાંતના વારંવારના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય સ્થિરતા જોખમાય અને તે વિભાજનકારી સાબિત થાય, પરંતુ બહુસંખ્યક રાષ્ટ્રીયતા અલ્પસંખ્યક પર પોતાનું પ્રભુત્વ લાદે ત્યારે પીડિત પ્રજાને પોતાનું અસ્તિત્વ ટકાવવા આત્મનિર્ણય દ્વારા રાજ્ય સ્થાપવાનો અધિકાર આ સિદ્ધાંત આપે છે.

ધીરુભાઈ ધંધુકિયા