આતંકવાદ : મુખ્યત્વે રાજકીય અથવા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા વ્યક્તિઓ, સમગ્ર પ્રજા અને સરકારો સામે અકલ્પ્ય હિંસાની જિકર. તેનો ઉપયોગ ડાબેરી કે જમણેરી બંને વિચારસરણીવાળાં રાજકીય સંગઠનો, રાષ્ટ્રવાદી અને વંશગત જૂથો, ક્રાંતિકારીઓ, લશ્કર અને સરકારની ખાનગી પોલીસ દ્વારા પણ થતો રહ્યો છે. આતંક વ્યક્તિઓ કે તેમનાં જૂથમાં ભય કે ચિંતાની સ્થિતિ જન્માવે છે અને એ દ્વારા રાજકીય વર્તણૂક ઉપર અસર પાડવાનો હેતુ સિદ્ધ કરે છે. પ્રતીકાત્મક હિંસા, તેનો ઉપયોગ કે તેની ધમકી પણ અપાય છે. આતંકવાદીઓ હાનિ પહોંચાડવાની તેમની શક્તિનો ઉપયોગ સોદાબાજીમાં કરે છે, જે યોગ્ય કાનૂની પ્રક્રિયા અથવા લોકતાંત્રિક પદ્ધતિની સ્પષ્ટ અવગણના કરે છે. આમ આતંકવાદી કૃત્ય ત્રાસને તર્કના અવેજરૂપે સ્થાપે છે. વળી આતંકવાદ એક નીતિ તરીકે લોકશાહીવિરોધી છે અને તે નાગરિક અધિકારોનો ભંગ કરે છે, કારણ કે તેમની માગણીઓ, વિનંતીઓ કે આખરીનામાંઓ લોકો કરતાં વધારે પ્રમાણમાં નેતૃત્વના માળખાને લક્ષતાં હોય છે.

રાજકીય આતંકવાદીઓ ટૂંકા ગાળામાં મુખ્ય પાંચ હેતુઓ ધરાવતા હોય છે : (1) આતંકવાદીઓમાં જુસ્સો પેદા કરવો અને તે ટકાવી રાખવો, (2) પોતાની ચળવળની જાહેરાત મોટા પાયે થાય તેવાં કૃત્યો કરવાં, (3) લોકોમાં માનસિક અલગાવ પેદા કરવો અને તેમનામાં ભાગલા પાડવા, (4) વિરોધી પરિબળોને સાફ કરવાં અને (5) સરકારને પડકારીને ઉશ્કેરવી. ટૂંકા ગાળાના આ પાંચેય હેતુઓ દ્વારા લાંબા ગાળે લોકોનો વ્યાપક ટેકો મેળવવાની આતંકવાદીઓની નેમ હોય છે. આતંકવાદીઓનો પ્રત્યક્ષ હેતુ કોઈ વ્યક્તિની હત્યાનો કે સંપત્તિના નાશનો હોતો નથી,  પણ મુખ્યત્વે કરીને વિરોધીના જુસ્સાને તોડી નાખવાનો હોય છે. એક પ્રધાનની હત્યા થાય એટલે તેના અનુગામીને ચેતવણી મળી જાય છે. એક પોલીસની હત્યા થાય એટલે બીજા દસનું ખમીર તૂટી જાય છે. આમ આતંકવાદ દુશ્મનોમાં, લોકોમાં અને વિદેશોમાં સંવેદનાત્મક સનસનાટી ફેલાવવા ઇચ્છે છે.

આતંકવાદની જાહેર અસર આધુનિક પ્રસારણ-માધ્યમોને લીધે વ્યાપક પ્રમાણમાં વર્તાતી રહે છે. તેમની હિંસા દૂરદર્શન, રેડિયો અને અખબારોમાં વ્યાપક પ્રસિદ્ધિ મેળવે છે, એટલું જ નહિ પણ તેનાથી આતંકવાદીઓની માગણીઓ, ફરિયાદો કે તેમનાં રાજકીય ધ્યેયો સીધી રીતે કરોડો લોકો સુધી પહોંચી જાય છે.

આધુનિક આતંકવાદ ભૂતકાળના આતંકવાદથી જુદો પડે છે, કારણ કે આજકાલ આતંકવાદીઓ અચાનક જ નિર્દોષ નાગરિકો પર ત્રાટકતા હોય છે. આરંભમાં લોકોના ટેકાના અભાવે આતંકવાદીઓ પોતાની રાજકીય પ્રવૃત્તિઓને કાયદેસરની બનાવવા હિંસક કૃત્યોનો આશ્રય લે છે. આવાં કૃત્યોમાં વિમાનોનાં અપહરણ, બૉમ્બમારો, હત્યાઓ વગેરેનો સમાવેશ થતો હોય છે. આધુનિક સમાજે મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ખાઈ ઊભી કરી છે તેમાંથી આતંકવાદનો જન્મ થયો છે એમ પણ આધુનિકતાના ટીકાકારો જણાવે છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તથા ડાબેરી અને જમણેરી વિચારધારા વચ્ચેના મતભેદો આતંકવાદને એકબીજાની સાથે પોષતા રહ્યા હોવાના સંખ્યાબંધ દાખલાઓ ખાસ કરીને વીસમી સદીના આરંભથી જોવા મળેલ છે.

સામ્યવાદી દેશો જેવા કે સોવિયત સંઘ અને ચીન તથા પૂર્વ યુરોપના દેશોમાં આતંકવાદી પ્રવૃત્તિનો છૂટાછવાયા અપવાદો બાદ કરતાં મોટા પાયા પર વિસ્તાર હજુ સુધી થયેલો નથી. જોકે આ દેશો પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે વિશ્વના અન્ય દેશોમાં નાનાંમોટાં અનેક આતંકવાદી કૃત્યો કરનાર અમુક સામ્યવાદી સંગઠનોને નાણાકીય અને રાજકીય ટેકો આપી રહ્યા હોય છે. ફિલિપાઇન્સ અને શ્રીલંકામાંનાં સામ્યવાદી સંગઠનો આનાં પર્યાપ્ત ઉદાહરણ છે. બીજી તરફ વિકસિત લોકશાહી દેશો આતંકવાદી પ્રવૃત્તિનો મોટા પાયે ભોગ બન્યા છે અને તેથી આતંકવાદને લોકશાહીવિરોધી પ્રવૃત્તિ તરીકે ઓળખાવવાની રસમ પણ કેટલેક અંશે વાજબી રીતે ઊભી થઈ છે.

આતંકવાદના પ્રસાર અને તેના બળમાં જે તે દેશની બહારથી મળતી મદદ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આ મદદ મહદ્અંશે શસ્ત્રો અને નાણાંના સ્વરૂપમાં મળતી હોય છે. ક્યારેક કોઈએક દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાય તે માટે પણ અન્ય દેશોની સરકારો એ દેશનાં આતંકવાદી સંગઠનોને સહાય કરતી હોય છે અને નૈતિક ટેકો પણ પૂરો પાડતી હોય છે. જો કોઈ એક વંશગત કે ધાર્મિક જૂથ કોઈએક દેશમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયું હોય તો તે જૂથના અન્ય દેશોમાં વસતા લોકો તેને શસ્ત્રો અને નાણાંના સ્વરૂપમાં તથા નૈતિક અને રાજકીય ટેકો પૂરો પાડતા હોય છે. આ પરિસ્થિતિએ ક્યારેક અમુક દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં તિરાડ પણ ઊભી કરી છે.

આતંકવાદનો ધર્મ સાથેનો સંબંધ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. મધ્ય એશિયામાંના મોટાભાગનાં આતંકવાદી જૂથો ઇસ્લામધર્મીઓનાં હોય છે. એટલું જ નહિ પરંતુ પશ્ચિમ યુરોપમાંનાં મોટાભાગનાં આતંકવાદી કૃત્યો માટે તેઓ જવાબદાર છે તેમ મનાય છે. યહૂદી રાજ્ય ઇઝરાયલ વિરુદ્ધ અનેક મુસ્લિમ આતંકવાદી સંગઠનો રચાયેલાં છે. ભારતમાં પોતાનું સ્વત્વ (identity) સાચવી રાખવાના દેખીતા હેતુસર અથવા તે માટે અલગ રાજ્યની માગણી માટે જે શીખ આતંકવાદી સંગઠનો પ્રવૃત્ત હતા તેને શીખ ધર્મનાં પ્રસ્થાપિત ધાર્મિક સંગઠનો કે સ્થાનો સાથે વ્યાપક અને ઘનિષ્ઠ સંબંધ હોવાનું સતત કહેવાતું રહ્યું છે. શ્રીલંકામાં તમિળ આતંકવાદી પ્રવૃત્તિ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ વચ્ચેના વિખવાદમાં પરિણમી હોવાનો દાખલો પણ મોજૂદ છે. ધર્મઝનૂન જ્યારે રાજકીય હેતુઓ સાથે સંગઠિત સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેની આતંકવાદી બનવાની સંભાવનાઓ વધી જાય છે. આવી આતંકવાદી પ્રવૃત્તિને સીધી કે આડકતરી રીતે ધાર્મિક રાજ્યો સબળ ટેકો પૂરો પાડે છે. ઈરાન અને લીબિયા તેનાં જ્વલંત ઉદાહરણો છે. લેબેનોનની આંતરિક આતંકવાદી પ્રવૃત્તિ પણ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મીઓ વચ્ચેની રહેવા પામી છે.

ઇતિહાસ : માનવજાતિના ઇતિહાસમાં આતંકવાદ પ્રચલિત રહ્યો છે. અત્યારસુધી માત્ર સરકારો જ સંગઠિત હિંસાનું શસ્ત્ર ધરાવતી હતી. તેનો આ ઇજારો આતંકવાદીઓએ તોડી નાખ્યો છે. આતંકવાદે સ્થાપિત સરકારો સામે અભૂતપૂર્વ સમસ્યાઓ ખડી કરી દીધી છે, કારણ કે તે સરકાર તેમજ તેનાં કૃત્યોના વાજબીપણા સામે જ પડકાર ફેંકે છે.

રાજકીય આતંકવાદ સમયે સમયે વિસ્તરતો રહ્યો છે. 900 વર્ષ પહેલાં આરબ જગતમાં ‘હત્યારાઓના સમાજ’ની સ્થાપના થઈ હતી. આ હત્યારાઓ તેમના ધાર્મિક નેતાના આદેશથી હશીશનો નશો કરીને રાજકીય હત્યાઓ કરતા હતા અને તેથી પોતે અને સમાજ ભ્રષ્ટ વ્યવસ્થામાંથી મુક્ત થાય છે એમ માનતા હતા. લગભગ 200 વર્ષ સુધી આ હત્યારાઓ આરબ જગતમાં એક શક્તિશાળી બળ તરીકે અસ્તિત્વમાં રહ્યા હતા. તેઓ સુન્ની મુસ્લિમો તથા તુર્કી લશ્કરી દળો સામે લડ્યા હતા. મોંગોલ આક્રમણકારો સામે તેઓ નાશ પામ્યા, પરંતુ તેમના નીચેના બે સંસ્થાગત વ્યવહારો આજનાં આતંકવાદી સંગઠનોમાં પણ જોવા મળે છે : (1) તેઓ લોકપ્રિય આંદોલન કરતા અથવા પોતાની માન્યતાઓ લોકોમાં ફેલાવવા પ્રયાસ કરતા અને (2) સંગઠનના તમામ સભ્યો વચ્ચે ગુપ્તતાનું કડક પાલન કરતા. વળી દાણચોરી અને માદક દ્રવ્યોના વેપાર સાથે આતંકવાદને બહુ જૂનો સંબંધ છે એમ પણ આમાંથી ફલિત થાય છે.

ફ્રેન્ચ ક્રાન્તિ દરમિયાન વિખ્યાત વિચારક રોબેસ્પિયરે ક્રાન્તિના મૂલ્યને આગળ ધપાવવામાં આતંકના ઉપયોગની ખુલ્લેઆમ ભલામણ કરેલી, જેનો અંજામ 1793-94ના તેના ‘આતંકના સામ્રાજ્ય’માં આવ્યો. આધુનિક રાજકીય આતંકવાદનો આરંભ ખરેખર તો ફ્રેન્ચ ક્રાન્તિના આ ગાળા દરમિયાન થયો હતો. અમેરિકન આંતરવિગ્રહ (1861-65) બાદ ત્યાંના દક્ષિણવાસીઓએ પુનર્રચનાના ટેકેદારોને ધમકાવવા ‘કુ ક્લુસ ક્લાન’ નામના આતંકવાદી સંગઠનની રચના કરી હતી.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમ યુરોપ, રશિયા અને અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં અરાજકતાવાદના સમર્થકો દ્વારા આતંકવાદ અપનાવાયો. તેઓ માનતા હતા કે સત્તા ઉપરના માણસોની હત્યા ક્રાન્તિકારી, રાજકીય અને સામાજિક પરિવર્તન લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. 1865થી 1905 દરમિયાન અનેક રાજાઓ, પ્રમુખો, વડાપ્રધાનો અને અન્ય સરકારી સત્તાવાળાઓ અરાજકતાવાદીઓની ગોળીઓ કે બૉમ્બથી માર્યા ગયા હતા. અનેક દેશોમાં આતંકવાદનો ઘણો જૂનો ઇતિહાસ છે, છતાં ફ્રેન્ચ ક્રાન્તિ પછી 1921 સુધી રાજકીય આતંકવાદને વ્યાપક સફળતા મળી ન હતી. 1921માં બ્રિટને આયર્લૅન્ડની આતંકવાદી ઝુંબેશ સામે નમી પડીને તેને સ્વતંત્રતા આપી. 1921થી બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના અંત સુધી જર્મની, રશિયા, યુગોસ્લાવિયા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકામાં પણ એક યા બીજા પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ ચાલુ રહી હતી. જોકે તેનું કાર્યક્ષેત્ર અત્યંત મર્યાદિત હતું અને તેના હેતુઓ ચોક્કસ અને નિશ્ચિત હતા.

બીજા વિશ્વયુદ્ધ બાદ આતંકવાદ ફરીથી આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવ્યો. ત્રીજા વિશ્વના દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે આતંકવાદનો ઉપયોગ અસરકારક રીતે થયો. અલ્જીરિયા, સાયપ્રસ અને કેનિયા તેનાં જ્વલંત ઉદાહરણો છે. વીસમી સદીમાં આતંકવાદના ઉપયોગ અને વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. રાજકીય ક્ષેત્રમાં આત્યંતિક ડાબેરીઓથી માંડીને આત્યંતિક જમણેરીઓ સુધીની ચળવળોમાં આતંકવાદને અધિકૃત માન્યતા મળી છે. સ્વયંચાલિત શસ્ત્રો અને વિદ્યુતપદ્ધતિથી ફૂટતા સ્ફોટક પદાર્થોની તકનીકી પ્રગતિએ આતંકવાદીઓને વધુ ગતિશીલતા અને પ્રાણઘાતકતા અર્પી છે. લગભગ રાજ્યની નીતિ તરીકે જ આતંકવાદને માન્યતા પણ મળવા માંડી અને ઍડોલ્ફ હિટલર હેઠળના નાઝી જર્મનીમાં તથા જોસેફ સ્ટાલિન હેઠળના રશિયામાં સર્વસત્તાવાદી સરકારોએ કોઈ પણ કાનૂની પીઠબળ વિના ભયનું વાતાવરણ સર્જવા તથા રાજ્યના આર્થિક, સામાજિક અને રાજકીય હેતુઓ સાથે પ્રજા સંમત થાય તે માટે ધરપકડ, કેદ, સતામણી અને મૃત્યુદંડનો ઉપયોગ કર્યો હતો.

આતંકવાદનો ઉપયોગ ભૌગોલિક પ્રદેશ મેળવવા કે હસ્તગત કરવા માટે વિવિધ રાષ્ટ્રીય જૂથો વચ્ચેના સંઘર્ષમાં (પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલ), વિવિધ ધાર્મિક જૂથો વચ્ચેની સ્પર્ધામાં (ઉત્તર આયર્લૅન્ડમાં રોમન કૅથલિક અને પ્રોટેસ્ટંટો) અને પ્રસ્થાપિત સરકારો તથા ક્રાન્તિકારી દળો વચ્ચેની આંતરિક લડતમાં (મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ઈરાન, નિકારાગુઆ, એલ સાલ્વાડોર, આર્જેન્ટીના, ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન) થતો રહ્યો છે. પ્રવર્તમાન રાજકીય સંસ્થાઓને પદભ્રષ્ટ કરવા કે અસ્થિર બનાવવાના પ્રયાસો કરતાં જૂથો કે વ્યક્તિઓ સાથે આતંકવાદને આ રીતે સાંકળવામાં આવે છે. પશ્ચિમ જર્મનીની ‘બાદેર મેંહોફ’ ટોળકી, જાપાનનું ‘રેડ આર્મી’, ઇટાલીની ‘રેડ બ્રિગેડ’, પોર્ટોરિકોની ‘ફાલ્ન’, પેલેસ્ટાઇનમાં ‘અલફતહ’ અને અન્ય સંગઠનો, ફ્રાન્સનું ‘ડિરેક્ટ ઍક્શન’ જૂથ, ભારતમાં ‘ખાલિસ્તાન કમાન્ડો દળ’, જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટ વગેરે, શ્રીલંકામાં ‘લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ એલમ’ વગેરે વીસમી સદીના ઉત્તરાર્ધનાં પ્રખ્યાત આતંકવાદી સંગઠનો રહ્યાં છે.

ભારત : ભારતમાં રાજકીય આતંકવાદી પ્રવૃત્તિનો ઇતિહાસ વીસમી સદીના આરંભકાળથી શરૂ થાય છે. સ્વાતંત્ર્ય મેળવવાના દેખીતા ઉદ્દેશ સાથે અમુક વ્યક્તિઓ અને સંગઠનોએ રાજકીય હિંસાનો આશ્રય લઈ અંગ્રેજ સરકારને નમાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્વાતંત્ર્ય બાદ બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને આંધ્ર પ્રદેશમાં નક્સલવાદી પ્રવૃત્તિનો ફેલાવો થયો, જે ગરીબોનાં રાજકીય અને આર્થિક-સામાજિક હિતોના રક્ષણ માટે ફૂલીફાલી હતી. ઈશાન ભારતમાં મિઝોરમ, નાગાલૅન્ડ અને ત્રિપુરાનાં કેટલાંક જૂથોની પ્રવૃત્તિ ભારત સરકારને તેમની માગણીઓ સ્વીકારવા મજબૂર કરવા માટે હિંસાનો આશ્રય લેતી રહી હતી. ભારતમાં આતંકવાદનો સૌથી મોટો પડકાર પંજાબની સમસ્યાએ 1970ના દાયકાના અંતમાં ઊભો કર્યો  જેના ઉકેલ માટેના સાચા, ખોટા કે અધકચરા પ્રયાસો પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિને ડામવામાં 1988 સુધી નિષ્ફળતા પામતા રહ્યા છે. આ ગાળા દરમિયાન અલગ શીખ રાજ્યની માગણી કરતાં શીખ લડાયક સંગઠનોએ અનેક રાજકીય, ધાર્મિક અને સામાજિક નેતાઓની તથા નિર્દોષ લોકોની પંજાબમાં અને પંજાબ બહાર હત્યા કરી. જૂન 1985માં મોન્ટ્રિયલથી દિલ્હી આવતા ઍર ઇન્ડિયાના ‘કનિષ્ક’ વિમાનમાં બૉમ્બ મૂકીને 329 ઉતારુઓને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદીઓ ખાલિસ્તાનના ટેકેદાર હતા. નેવુંના દાયકામાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક કે. પી. એસ. ગીલે આતંકવાદને નિર્મૂળ કર્યો તે પછી ત્યાં જનજીવન લગભગ સામાન્ય બન્યું છે.

’90ના દાયકામાં આ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની છે. આંધ્રમાં નક્સલવાદ તથા આસામ, બિહાર અને કાશ્મીરમાં આતંકવાદ વકર્યો છે. આતંકવાદના ઓથાર નીચે મે 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ. દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન આતંકવાદના ભયના ઓથાર નીચે ડઘાઈ ગયું છે.

આતંકવાદીઓ કોઈ એક દેશમાં હિંસક કૃત્યો આચરીને બીજા દેશોમાં આશ્રય લેતા હોવાના બનાવો મોટા પાયા પર બનતાં તેમને જે તે દેશમાં પરત સોંપવા માટે વિભિન્ન દેશો વચ્ચે પ્રત્યર્પણ સંધિઓ થઈ છે. આ ઉપરાંત આતંકવાદીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા આતંકવાદી પ્રવૃત્તિ સંબંધી કાયદાઓ પણ અનેક દેશોમાં કરવામાં આવ્યા છે. બીજી તરફ પરમાણુ-શસ્ત્રોનું પ્રસારણ અને તેનો જંગી ઢગ ખડકાયો હોવાને કારણે ભવિષ્યમાં પરમાણુ-આતંકવાદ સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ બાબત અણુવિદ્યુત ઉદ્યોગનો ફેલાવો અને આતંકવાદી જૂથો દ્વારા તેના પર ત્રાટકવાની કે તેમાંથી સામગ્રી ચોરાઈ જવાની શક્યતાઓ પર આધાર રાખે છે.

આતંકવાદની સર્વસ્વીકૃત વ્યાખ્યા નક્કી કરવામાં વિશ્ર્વની સરકારો નિષ્ફળ ગઈ છે અને તેથી આતંકવાદી પ્રવૃત્તિઓને અંકુશિત કરવામાં પણ તેમને સફળતા મળી નથી. વિવિધ વિચારધારાઓ ધરાવતી અને રાજકીય મતભેદો ધરાવતી સરકારો આતંકવાદની ગંભીરતા અને તેની જટિલતા પામી શકી નથી. આ અંગેના સંનિષ્ઠ પ્રયાસો સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)માં કરાયા છે, પરંતુ તે પણ સફળ થયા નથી.

આતંકવાદને આધુનિક સમાજના એક રોગ તરીકે ગણવામાં આવે છે. આ રોગ વ્યાપી રહ્યો છે, પરંતુ તેના ઉદભવનાં અનેક કારણો હોવાને લીધે તથા તે કારણો પરસ્પર સંકળાયેલાં હોવાને કારણે તેનો કોઈ નિશ્ચિત ઉપાય શોધી શકાયો નથી. ખરેખર તો આતંકવાદ મનુષ્યસમાજમાં ઊભી થયેલી રાજકીય, આર્થિક અને સામાજિક અસમતુલા સામેના રોષનું મૂર્ત અને અત્યંત વરવું સ્વરૂપ છે. આ અસંતુલન દૂર કરવાના પ્રયાસો કહેવાતા ‘રાષ્ટ્રીય સાર્વભૌમત્વ’ના સીમાડાઓની ઉપરવટ જઈ વૈશ્વિક ધોરણે થશે તો જ આતંકવાદને નાથી શકાશે એમ લાગે છે.

વીસમી સદીના માત્ર છેલ્લા દાયકાની આતંકવાદી પ્રવૃત્તિનું વિહંગાવલોકન કરીએ તો નીચેની ઘટનાઓ મુખ્યરૂપે તરી આવે છે : (1) 1993માં મુંબઈ શહેરમાં થયેલ શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા જેની પાછળ દાઉદ ઇબ્રાહીમ મેમણનો મુખ્ય હાથ હતો. (2) 1993માં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વૉશિંગ્ટન ખાતેના મુખ્યાલય સામે થયેલ ગોળીબાર, જેમાં આઇમલ કાસી ઉગ્રવાદીનો હાથ હતો જેનું પાછળથી પાકિસ્તાનમાંથી પ્રત્યાર્પણ કરી અમેરિકામાં તેને સજા કરવામાં આવી હતી. (3) 1993માં 141 વ્યક્તિઓ સાથે દિલ્હીથી શ્રીનગર જતા ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું કાશ્મીરી ઉગ્રવાદીએ કરેલ અપહરણ (4) 1995માં ન્યૂયૉર્ક ખાતે યોજાએલ વિશ્વવ્યાપાર મેળા પર રમઝી યુસુફ નામના કટ્ટર ઉગ્રવાદીએ કરેલ બૉમ્બ હલ્લો (5) ઑગસ્ટ 1998માં નાયરોબી અને દાર-એ-સલામ ખાતેના અમેરિકન રાજદૂતાવાસો પર કરવામાં આવેલ મિસાઇલ આક્રમણ જેની પાછળ કટ્ટરપંથી ઉગ્રવાદી નેતા ઓસ્માના બિન લાદેનનો હાથ હતો. ઉગ્રવાદીઓનો આ નેતા અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપવા માટે ખાસ કેન્દ્રો ચલાવી રહ્યો છે. (6) 1999માં પવિત્ર અમરનાથ યાત્રા પર પહેલગામ ખાતે લશ્કરે તોઈબા નામના ઉગ્રવાદી સંગઠનના આતંકવાદીઓ ત્રાટક્યા હતા જેમાં 125 ઉપરાંત યાત્રાળુઓની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. (7) ડિસેમ્બર 1999માં 155 વ્યક્તિઓ સાથે કાઠમાંડુથી દિલ્હી જતા 1C 814 વિમાનનું અપહરણ કરી તેને અફઘાનિસ્તાનના કંદહાર હવાઈ મથક પર સતત આઠ દિવસ સુધી બાનમાં રાખવામાં આવ્યું હતું જેની પાછળ હરકત-અલ-અન્સાર કટ્ટરવાદી સંગઠનનો હાથ હતો.

કાશ્મીરમાં એક પછી એક હાથ ધરવામાં આવતી આતંકવાદી પ્રવૃત્તિઓને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈ. એસ. આઈ.નું સક્રિય પ્રોત્સાહન મળી રહ્યું છે આ વાત હવે પુરવાર થઈ ચૂકી છે. તેને કારણે પાકિસ્તાનને ‘આતંકવાદી રાજ્ય’ તરીકે જાહેર કરવાની માગણી જોર પકડતી જાય છે.

હેમન્તકુમાર શાહ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે