આણંદજી કલ્યાણજીની પેઢી

February, 2001

આણંદજી કલ્યાણજીની પેઢી : અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિરૂપ આ સંસ્થા તીર્થરક્ષાર્થે ઉદભવેલી. પાલીતાણાના પ્રાચીન જૈન શત્રુંજયગિરિતીર્થનો વહીવટ અમદાવાદમાં કેન્દ્રિત થયો તેમાંથી પેઢીનો જન્મ થયો. એનાં નામઘટક પદો કેવળ ધ્યેયસૂચક છે, વ્યક્તિસૂચક નહિ. આ લબ્ધપ્રતિષ્ઠ પેઢીને વીસમી સદીમાં બીજાં તીર્થો પણ સોંપાયાં. ગુજરાતનાં તારંગા, કુંભારિયાજી, ગિરનાર, શેરીસા; મધ્યપ્રદેશનું મક્ષીજી; રાજસ્થાનમાં રાણકપુર, ઘાણેરાવ, ચિતોડ, ઉપરાંત બિહારના સુપ્રસિદ્ધ સમ્મેતશિખરતીર્થના માલિકીહક્કની કામગીરી અને અમદાવાદનાં કેટલાંક દેરાસરોનો વહીવટ પણ તેને સોંપાયાં છે.

પેઢીના અસ્તિત્વનો પ્રાચીનતમ લિખિત પુરાવો ઈ. સ. 1731નો ઉપલબ્ધ છે. સત્તરમી સદીમાં થયેલા, અમદાવાદના પ્રથમ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને તેમની અનેક પેઢીઓના વંશજોએ પેઢીની કરોડરજ્જુનું કામ કર્યું છે. ઔપચારિક આવશ્યકતા પૂરવા છેક 1880માં ઘડાયેલા અને 1912 તથા 1969માં સુધારાયેલા બંધારણ અનુસાર પેઢીનો કારોબાર નગરશેઠ કુટુંબના એક સભ્ય સહિતના નવ વહીવટદાર પ્રતિનિધિઓ પોતાનામાંથી ચૂંટાયેલા પ્રમુખની રાહબરીમાં, ભારતભરના 130 પ્રાદેશિક પ્રતિનિધિઓના સહયોગથી ચલાવે છે.

પેઢીએ તીર્થરક્ષાકાર્યમાં રાજકીય, કાનૂની, અર્થવ્યવસ્થાકીય, ધાર્મિક અને કળાવિષયક પક્વતા અને શાણપણ સતત દાખવ્યાં છે. જિનમંદિરોની પરિરક્ષા, યાત્રાળુઓ માટે સર્વાંગી સગવડવાળી વ્યવસ્થા, તીર્થોના માલિકીહક્કની જાળવણી, દાનોનાં સાચવણી–વ્યય—વૃદ્ધિ ઇત્યાદિ તેના ચિંતાવિષયો છે. પેઢીએ ન્યાય્ય હક્કો માટે શત્રુંજય અંગે પાલીતાણા રાજ્ય સાથે; સમ્મેતશિખર, મક્ષીજી આદિ અંગે બિહાર સરકાર કે દિગંબરો સાથે વિધિસરના કાનૂની સંઘર્ષોમાં કદી ધીરજ ગુમાવી નથી. પેઢીના ભૂતપૂર્વ પ્રમુખ કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા થયેલાં પેઢી-હસ્તકનાં જીર્ણોદ્ધાર-કાર્યો પણ પેઢીની કાર્યદક્ષતાના સીમાસ્તંભો છે.

ભારતભરનાં અન્ય શ્વેતાંબર જૈન તીર્થોમંદિરોને જીર્ણોદ્ધારાદિ માટે આર્થિક સહાય અને માર્ગદર્શન, જીવદયાર્થે સૌરાષ્ટ્રના છાપરિયાળી ગામની જમીનો અને પાંજરાપોળનો જંગી વહીવટ, કેટલાંક ધાર્મિક ટ્રસ્ટોનો વહીવટ, ઉપરાંત સાધનહીન સાધર્મિકો, સાધુ-સાધ્વીઓ, છાત્રો અર્થે સદ્વ્યય, જૈન પ્રકાશનોને અનુદાન, અલ્પસાધન જૈનો માટે આવાસરચના જૈવું સંવિભાગકાર્ય  – આ છે પેઢીનો કાર્યવિસ્તાર.

પ્રકાશનવિભાગ, પુસ્તક-વેચાણ વિભાગ અને વિશાળ દફતરખાનું એ પેઢીનાં અધ્યયનોત્તેજક અંગો છે.

‘ધ હિંદુ રિલીજ્યસ એન્ડાઉમેન્ટ્સ કમિશન’ના 1960’-62ના હેવાલમાં યોગ્ય રીતે જ પેઢીની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. પેઢી યુગધર્માનુસાર પોતાને હસ્તકનાં તીર્થો અને ધનરાશિને સવિશેષ સંસ્કારલક્ષી, કરુણાલક્ષી બનાવવાની દિશામાં કામ કરે છે.

નીતીન ર. દેસાઈ