આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ

February, 2001

આટરબોમ, પેઅર ડાનિયલ આમાડેઅસ (જ. 19 જાન્યુઆરી 1790, ઑસ્બૉર્ન, સ્વિડન; અ. 21 જુલાઈ 1855, સ્ટોકહોમ, સ્વિડન) : સ્વિડિશ કવિ અને વિવેચક. અપ્સાલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું અને ત્યાં જ 1835માં પ્રાધ્યાપક થયા. સ્વિડનના સ્વચ્છંદતા આંદોલનમાં આગેવાની લીધેલી. સ્વૈરવિહારી સાહિત્યમંડળના સામયિકમાં સંખ્યાબંધ કાવ્યો અને લેખો તેમણે લખેલાં. કાવ્ય વિશેના તેમના વિચારોમાં શેલિંગની નિસર્ગવાદી વિચારસરણીનો પ્રભાવ દેખાય છે. તેમનો કાવ્યસંગ્રહ ‘બ્લોં મોર્ના’ 1812માં પ્રગટ થયેલો. તેમનાં પદ્યનાટકોમાં ‘ફેગલ બ્લા’ (1814) અપૂર્ણ કૃતિ છે તો ‘લાઇકસાલાઇટન્સ’ (1824-27) પૂર્ણ કૃતિ છે. એ બંને કૃતિઓ સાહિત્યક્ષેત્રમાં આદરપાત્ર બનેલી છે. ‘સ્વેન્સ્કા સીએર ઓક સ્કાલ્ડર’ (1841-55) નામના 7 ખંડોવાળા ચરિત્રગ્રંથમાં સ્વિડિશ સાહિત્યકારોનો વિવિધ દૃષ્ટિબિન્દુથી પરિચય આપીને સાહિત્યના તે અણખેડાયેલા ક્ષેત્રમાં પણ એમણે પ્રદાન કર્યું છે.

નલિન પંડ્યા