આઝમખાનની સરાઈ

February, 2001

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય પ્રવેશદ્વાર મુઘલકાળમાં પ્રચલિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીનો એક ઉત્તમ નમૂનો છે. 5.4 મીટર ઊંચા આ પ્રવેશદ્વારમાંથી એક વિશાળ સુંદર અષ્ટકોણીય ખંડમાં દાખલ થવાય છે, જેને ફરતા નાના અષ્ટકોણ ઓરડા આવેલા છે. ઉપર અધવચ્ચ છજાવાળી ગૅલેરી છે. નીચે તહખાનું (basement) છે, જેમાં ઊતરવા માટે બે તરફ પથ્થરની સીડીઓ છે. તહખાનાની મધ્યમાં એક સુંદર હોજ અને ફુવારો છે. ગૅલેરીનો ભાગ તથા ઓરડાઓની છતમાં મુઘલ સ્થાપત્યની કમાનો છે; તેમાં વિવિધ ભાતનું સુંદર રંગકામ હતું, જે હવે કાં તો ઝાંખું પડી ગયું અથવા નષ્ટ થયું છે.

આઝમખાનની સરાઈ

સરાઈની મધ્યમાં આશરે 45 મીટર ખુલ્લું ચોગાન છે, જેની ચારેય બાજુ પ્રવાસીઓ માટે બંધાવેલી બેમાળી ઓરડીઓ છે. આ ચોગાનની મધ્યમાં એક હોજ હતો, જેમાં ઈ. સ. 1848 સુધી સાબરમતી નદીમાંથી નહેર વાટે પાણી લાવવામાં આવતું હતું.

18મા સૈકાના મધ્યમાં થોડો સમય આ સરાઈનો ઉપયોગ શસ્ત્રાગાર તરીકે થયો હોવાનો ઉલ્લેખ છે. મરાઠાકાળમાં અહીં મરાઠા સેનાધ્યક્ષનું રહેઠાણ હતું. બ્રિટિશોના કબજામાં આવ્યા પછી ઈ. સ. 1820માં તેનું કેન્દ્રીય કારાગારમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ઈ. સ. 1905માં આગળના ભાગમાં પોસ્ટઑફિસ બનાવવામાં આવી હતી. ત્યાં હવે ગુજરાત રાજ્યના પ્રકાશનખાતાના વિતરણકેન્દ્રની કચેરી છે. ચોગાનની આજુબાજુની ઓરડીઓમાં જિલ્લા અદાલતની કચેરીઓ છે.

આ વિશાળ અને ભવ્ય સરાઈ આજે પણ આ આખા વિસ્તારમાં એક વિશિષ્ટ અને સુંદર ઇમારતનો રમ્ય નમૂનો છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ