આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું તિથિપત્ર. આ તિથિપત્રમાં બે પ્રકારનાં વર્ષો ગણવામાં આવતાં : ધાર્મિક વિધિઓ માટેનું અને વહીવટી કામકાજ માટેનું. પહેલું 2૦ દિવસના મહિના લેખે, 13 મહિનાનું 26૦ દિવસનું વર્ષ અને બીજું 2૦ દિવસના 18 મહિનાવાળું વહીવટી સૌર વર્ષ, જેમાં પાંચ દિવસ છૂટના રાખીને 365 દિવસ પૂરા કરાતા હતા. આ પાંચ દિવસ અશુભ ગણાતા. આ બંને ચક્રો (cycles) વચ્ચે 52 વર્ષે મેળ થતો. આ મેળનો સમય દેશ માટે આફતરૂપ ગણાતો. આ આફતના શમન માટે પશુબલિ સહિત ધાર્મિક વિધિઓ કરવામાં આવતી. પુરોહિતો જૂનો અગ્નિ બુઝાવી નાખતા અને વિધિની પૂર્ણાહુતિ વખતે નવો અગ્નિ પેટાવતા. આ પછી જ પ્રજાજનોએ ચૂલા પ્રગટાવવાના રહેતા. પ્રજાજીવનમાં સૂર્યપૂજા કેન્દ્રસ્થાને હતી. આવો છેલ્લો ઉત્સવ 15૦6માં ઊજવાયો હતો. (1519-2૦માં આ પ્રજા સ્પૅનિશ આક્રમણકાર કોર્તેના હાથે હાર પામી તે પછી તેમની સંસ્કૃતિ નાશ પામી.)

આ તિથિપત્ર દર્શાવતો 3.7 મીટર વ્યાસનો 25 ટન વજનનો પથ્થર 179૦માં મેક્સિકો શહેરમાંથી મળી આવ્યો છે. આના કેન્દ્રમાં સૂર્યની આકૃતિ છે અને તેની આજુબાજુના ચાર પરિસરોમાં સૂર્યના અગાઉના અવતારો દર્શાવ્યા છે. આની ફરતાં પરિઘરૂપે આઝટેક માસના 2૦ દિવસોનાં ચિહનો અંકિત કરવામાં આવ્યાં છે. માયા તિથિપત્ર ઉપરથી આઝટેક તિથિપત્ર રચાયું હોવાનું માનવામાં આવે છે.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી