આચાર્ય, વલ્લભજી હરિદત્ત

February, 2001

આચાર્ય, વલ્લભજી હરિદત્ત (જ. 26 જૂન 184૦, જૂનાગઢ; અ. 17 જાન્યુઆરી 1911) : રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના વિદ્વાન ક્યૂરેટર. જન્મ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ હરિદત્ત મોહનજી આચાર્યને ત્યાં થયો હતો. 1854થી તેમણે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર અભ્યાસ કર્યો અને 186૦માં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ કર્યો. 1864માં જૂનાગઢની કન્યાશાળામાં શિક્ષક થયા અને 1867માં જૂનાગઢના સરકારી છાપખાનાના વ્યવસ્થાપકપદે નિમાયા. 1871માં ગવર્નરની જૂનાગઢની મુલાકાત પ્રસંગે તેમણે શ્ર્લોકબદ્ધ માનપત્ર ગવર્નરને અર્પણ કરેલું. 1861માં મહાન પુરાતત્ત્વવિદ ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીની સાથે તેમને ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની નકલ કરવાનું કામ સોંપાયું હતું. 1963માં પાટણમાંના શિલાલેખની નકલ કરી તે પરથી એક પુસ્તક તૈયાર કરી કાઠિયાવાડના બ્રિટિશ પૉલિટિકલ એજન્ટ કર્નલ વૉટ્સનને બતાવ્યું, પછી તેમના સંપર્કમાં આવ્યા. તેમને ઊના, દીવ, સોમનાથ-પાટણ, ચોરવાડ વગેરે સ્થળોના લેખ સંગૃહીત કરવાનું કામ સોંપાયું. સ્થાપત્ય અને પુરાતત્વના વિદ્વાન જેમ્સ બર્જેસે તેમને જૂનાગઢનાં ગૅઝેટિયર્સ માટે હકીકત પૂરી પાડવા નીમ્યા. કર્નલ જૉન વૉટ્સન તેમને રાજકોટ લઈ ગયા અને વિક્ટોરિયા જૂબિલી મ્યુઝિયમના ક્યૂરેટર તરીકે નીમ્યા. વૉટ્સનના અવસાન બાદ 1888માં તેમના નામ ઉપરથી રાજકોટમાં વૉટ્સન મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું. વલ્લભજી આચાર્યે આ મ્યુઝિયમના ક્યૂરેટર તરીકે 1૦ વર્ષ કામ કરી તેને ખૂબ સમૃદ્ધ કર્યું. વલ્લભજી કવિ અને સારા ગ્રંથકાર હતા.

તેમણે ‘ચંદ્રહાસ આખ્યાનના દુહા’, ‘વૈદિક નિઘંટુનો શ્લોકબદ્ધ કોષ’, ‘પ્રબોધ ચંદ્રોદય નાટકનું ગુજરાતીમાં ભાષાંતર’, ‘વૉટ્સન વિરહ’ (ગુજરાતી પદ્ય), ‘રામાયણ’ (સમશ્લોકી ગુજરાતીમાં) : ‘આદ્યસિદ્ધ’, ‘સૈરન્ધ્રી ચંપૂ’, ‘કીર્તિકૌમુદી’ (સમશ્લોકી ગુજરાતીમાં અને ‘વિક્રમાંકદેવ ચરિત’ (ગુજરાતી ભાષાંતર) ઉપરાંત બીજું પણ ઘણું સાહિત્ય આપ્યું છે.

કૃષ્ણવદન જેટલી