આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ

February, 2001

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ (જ. 13 માર્ચ, 1892 આંધ્રપ્રદેશ, અ. 30 જૂન,  1984 સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેલુગુમાં રાષ્ટ્રપ્રેમની કવિતા રચનાર પ્રથમ રાયપ્રોલુ હતા. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સમયે અભ્યાસ છોડી સ્વાતંત્ર્યયુદ્ધમાં ઝંપલાવેલું. તેમની કવિતામાં પ્રચંડ ઊર્મિવેગ જોવા મળે છે. એમનાં કાવ્યોમાં પ્રાચીન અને અર્વાચીન ચિંતનનો સમન્વય તેમજ છંદ અને નિરૂપણરીતિની પ્રયોગશીલતા દૃષ્ટિએ પડે છે. એમના કાવ્યસંગ્રહો છે : ‘જડકુરચુલુ’, ‘આન્ધ્રાવલિ’, ‘રમ્યાલોકમ્’ તથા ‘તૃણકંકણમ્’. એમની કવિતામાં રંગદર્શિતા ધ્યાન ખેંચે છે. એમની કવિતા પર ટાગોરના રહસ્યવાદનો પ્રભાવ છે. વિશેષે કરીને એમનાં ભક્તિકાવ્યોમાં ટાગોર જાણે તેલુગુમાં ઈશ્વરને ઉદબોધન કરતા હોય એવું લાગે.

ચન્દ્રકાન્ત મહેતા