આઘાત આકૃતિ (percussion figure) : ખનિજ પર આઘાત આપીને મેળવાતી તારક આકૃતિઓ. પોલાદનું બુઠ્ઠી અણીવાળું ઓજાર (punch) સંભેદિત પડરચનાવાળાં કેટલાંક ખનિજોની છૂટી પાડેલી માફકસરની પાતળી તકતીઓ (cleaved plates) પર મૂકીને આછો ફટકો મારવાથી ત્રણ, ચાર કે છ રેખીય વિકેન્દ્રિત કિરણ જેવી તારક આકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે. આ પદ્ધતિ અખત્યાર કરવાથી ઓછાવત્તા પ્રમાણની, પણ સુસ્પષ્ટ તડો ખનિજ-સપાટીઓ પર પડે છે, જેને સ્ફટિક સ્વરૂપો સાથે સંબંધ હોય છે અને તે પૈકીની એકાદ તડ હંમેશાં સમતાની તલસપાટીને સમાંતર હોય છે.

અબરખ તકતી પર આઘાત આકૃતિ

આ સંદર્ભમાં હેલાઇટ (Nacl) સ્ફટિકના ક્યૂબ ફલક (1૦૦) પર ચાર કિરણવાળી આઘાત આકૃતિ રચાય છે, જેના ભુજ ક્યૂબિક સમતાના ત્રાંસા તલ સાથે સુસંગત હોય છે, એટલે કે રહોમ્બ્ડોડેકાહેડ્રૉન (11૦) ફલકોને સમાંતર તડો પડે છે. આ જ પ્રમાણે ઑક્ટાહેડ્રૉન (111) ફલક પર ત્રણ કિરણવાળી આકૃતિ રચાતી હોય છે. અબરખ-તકતીઓને અનુલક્ષીને આઘાત આકૃતિઓનું નિરીક્ષણ-પરીક્ષણ કરતાં જણાઈ આવ્યું છે કે બાહ્ય સ્ફટિક રૂપરેખાવિહીન ખનિજોની સંભેદ તકતીઓ પર મેળવવામાં આવતી આકૃતિઓ તેમની વાસ્તવિક ફલક દિકસ્થિતિ (true crystal orientation) માટે નિર્ણાયક બની રહે છે. અહીં આપેલી છ કિરણવાળી આઘાત આકૃતિ અબરખ-સ્ફટિકનાં જુદાં જુદાં ફલકોની દિકસ્થિતિનો પૂર્ણ ખ્યાલ આપે છે – જે પૈકીની એક શાખા ક્લાઇનોપિનેકૉઇડ(૦11)ને સમાંતર તથા બાકીની બે શાખાઓ બેઝલપિનેકૉઇડ (૦૦1) અને પ્રિઝ્મ(11૦)ને જોડતી સ્ફટિકનારને સમાંતર હોવાનું નક્કી કરી શકાય છે. આ ઉપરાંત અબરખ-તકતી ઉપર ઓજાર દ્વારા અપાતા દાબના બળને કારણે આઘાત આકૃતિથી અલગ એવી ઓછી-સ્પષ્ટ છ કિરણવાળી બીજી આકૃતિ પણ ઉત્પન્ન થતી હોય છે, જે આઘાત આકૃતિથી ત્રાંસી દિશામાં હોય છે, અને તેને દાબ-આકૃતિ (pressure-figure) કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ