આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)

February, 2001

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો.

Isamu Akasaki

ઇસામુ, આકાસાકી

સૌ. "Isamu Akasaki" | CC BY 4.0

આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને 1964માં નાગોયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રૉનિક્સમાં ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી. કૉલેજકાળ દરમિયાન તેઓ મંદિરોની મુલાકાત લેતા, જ્યાં સ્થાનિક લોકો ભાગ્યે જ જતા. તેઓ ભણતરમાંથી પણ આનંદ લેતા અને ઉનાળુ રજાઓ દરમિયાન શિન્શુ પર્વતો પર ફરતા. તેમનો વિદ્યાર્થીકાળ ઘણો સંતોષકારક રહ્યો.

આકાસાકીએ અર્ધવાહક તકનીકી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું. તેમણે 1960ના દશકાના અંત-સમયે ગૅલિયમ નાઇટ્રાઇડ(GaN) આધારિત વાદળી ડાયોડ (LED) પર કામ શરૂ કર્યું. ક્રમશ: તેઓ GaN સ્ફટિકની ગુણવત્તા સુધારતા ગયા. તેઓ તેજસ્વી ગૅલિયમ નાઇટ્રાઇડ (GaN) pn સંગમયુક્ત વાદળી ડાયોડ(LED)ની શોધ માટે પ્રખ્યાત છે. આ શોધને કારણે તેજસ્વી તથા ઊર્જાની બચત કરે તેવા સફેદ પ્રકાશના સ્રોતોનું અસ્તિત્વ શક્ય બન્યું.

આકાસાકીએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક શૈક્ષણિક સ્થાનો શોભાવ્યાં છે તથા અનેક સંશોધન-યોજનાઓના માર્ગદર્શક તરીકે કામગીરી બજાવી છે. 2006માં નાગોયા યુનિવર્સિટીએ આકાસાકી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. સંશોધનક્ષેત્રે આ સંસ્થા મહત્વનો ફાળો આપી રહી છે. અત્યારે આકાસાકી નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે નાગોયા યુનિવર્સિટી તથા મીજો યુનિવર્સિટીમાં કાર્યરત છે. તેઓ 2004થી મીજો યુનિવર્સિટીના નાઇટ્રાઇડ અર્ધવાહક સંશોધન-કેન્દ્રના નિદેશક છે તથા આકાસાકી સંશોધન-કેન્દ્રમાં સંશોધનઅધ્યેતા તરીકે કાર્યરત છે.

આકાસાકીને અનેક ઇનામો અને પુરસ્કારો મળ્યાં છે, જેમાં મહત્વનાં આ મુજબ છે : 2002માં ‘આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઍવૉર્ડ, જે જાપાન સોસાયટી ઑવ્ ઍપ્લાઇડ ફિઝિક્સ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. 2003માં સાયન્સ કાઉન્સિલ ઑવ્ જાપાન દ્વારા પ્રેસિડેન્ટનો પુરસ્કાર અને 2011માં એડિસન મેડલ તથા 2014માં નોબેલ પુરસ્કાર પણ મળેલા.

 પૂરવી ઝવેરી