આકાશભાષિત : સંસ્કૃત નાટ્યપ્રયોગમાં પરંપરાથી રૂઢ થયેલી વાચિક અભિનયની એક પ્રયુક્તિ. ‘આકાશમાં – શૂન્યમાં – બોલાયેલું.’ સામું પાત્ર હોય જ નહિ છતાં જાણે એણે કહેલું સાંભળીને રંગભૂમિ પરનું પાત્ર ‘શું કહે છે ?… એમ ?’ એ પ્રકારે સામાના શબ્દો પણ પોતે ઉચ્ચારીને સંવાદ ચલાવે તે. એકપાત્રી સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’માં તેનો વિટ પ્રકારનો નાયક આ જ યુક્તિથી નાટ્યવસ્તુને આગળ ચલાવે છે.

ભાસના ‘દૂતવાક્યમ્’ એકાંકીમાં દુર્યોધન માત્ર આ પ્રયુક્તિથી કેવળ અભિનયના જોરે આખી રાજસભાનું વાતાવરણ ઊભું કરતો બતાવાયો છે. એને આયોનેસ્કોના પ્રસિદ્ધ નાટક ‘ધ ચેર્સ’ સાથે સરખાવાયું છે. ડ્રામેટિક મૉનોલૉગમાં વકતા સામે અષ્ટ ઊભેલા શ્રોતાને અનુલક્ષીને પણ માત્ર પોતે જ વક્તવ્ય કરે છે, જ્યારે ‘આકાશભાષિત’માં સામે ઊભેલા અષ્ટ વક્તાના સંવાદો પણ ઉપસ્થિત નટ ‘‘શું કહે છે ? …એમ’’ એ પ્રયુક્તિથી દોહરાવે છે એ ભેદ મહત્વનો છે.

રાજેન્દ્ર નાણાવટી