આઇનામ : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આ ગીતો આસામની સ્ત્રીઓ શીતળાદેવીને પ્રસન્ન કરવા ગાય છે. આઇ એટલે મા. જેમાં આઇના નામનો જપ હોય તે આઇનામ. આઇનામનાં ગીતો દ્વારા દેવીની સ્તુતિ થાય છે. આ ગીતોને ‘ફૂલો’ તરીકે ઓળખવામાં આવે છે. આઇને ખુશ કરવા માટે અમુક દિવસે આ ગીતો ગવાય છે અને ગીતોને તાળીઓના તાલ અપાય છે. આ ગીતોમાં આઇને સાત બહેનો હોવાની કલ્પના કરાઈ છે. આઇનાં બીજાં નામો આવે છે તેમાં ભવાની, દુર્ગા, ચંડી વગેરે છે. આ ગીતોમાં માતાની પ્રશસ્તિની સાથે સાથે શીતળાથી હેરાન થતા બાળકને નિદ્રા આવે એ જાતનું વર્ણમાધુર્ય હોય છે. કેટલાંક ગીતોમાં તો કલ્પનાનું માધુર્ય હોય છે અને સાહિત્યિક ગુણવત્તા પણ હોય છે. દા.ત., ‘સાત પર્વતને પાર કરતી આઇની બહેનો આવે છે અને રસ્તામાં ઘાસ, લતાઓ, વૃક્ષો બધાં શીશ ઝુકાવીને એને વંદન કરે છે. સોનેરી પતંગિયું એની રૂપેરી પાંખથી એમની આસપાસ પ્રદક્ષિણા ફરતું આરતી ઉતારે છે.’

પ્રીતિ બરુઆ