આઇડિલ : પશ્ચિમનો એક કાવ્યપ્રકાર. આઇડિલ (idyll અથવા idyl) ગ્રીક શબ્દ eidyllion – ઐદીલ્લિઓન-પરથી અવતર્યો છે. તેનો અર્થ ‘નાનું ચિત્ર’. ગ્રામીણ પરિવેશ અને પ્રાકૃતિક ચિત્ર જેમાં મનહર રીતે આલેખાયેલું હોય તેવું લઘુ કાવ્યસ્વરૂપ છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં ઍલેક્ઝાંડ્રિયન કવિસમૂહના કવિઓ અને ખાસ કરીને થિયૉક્રિટ્સ બ્રિયોન અને મોસ્ચસે રચેલાં પ્રાકૃતિક વર્ણનનાં આ પ્રકારનાં કાવ્યોનો વિકાસ થયો. ગ્રીક કવિ થિયૉક્રિટસનાં ‘આઇડિલ્સ’ આ પ્રકારની પ્રથમ કૃતિઓ છે.

યુરોપના નવજાગરણ કાળ દરમિયાન કેટલાક કવિઓએ સંવાદ-કાવ્યોથી પ્રકૃતિવર્ણનનાં કાવ્યોને જુદાં તારવવા આ શબ્દ-પ્રયોગ કર્યો હતો. તે પછી આઇડિલ કાવ્યોમાં આઇઝાક વૉલ્ટનના ‘ધ કંપલીટ એંગ્લર’થી અમેરિકન કવિ વ્હિટિયરના ‘મોડ મુલર’ સુધીની રચનાઓ આ કાવ્યપ્રકારમાં સમાવેશ પામી. ઓગણીસમી સદીના ફ્રેન્ચ કવિ વિક્ટર  રિચાર્ડ દ લેપ્રદેનાં ‘આઇદિલ્સ હિરોઇક’ (1858) અને અંગ્રેજ કવિ ટેનિસનનાં ‘આઇડિલ્સ ઑવ્ ધ કિંગ’ (1859) કાવ્યોમાં ગ્રામ-પ્રકૃતિવર્ણનની પરંપરા જળવાઈ નથી. તે પછીના સમયમાં વિવિધ વિષયો પરની લઘુકાવ્યરચના માટે આ શબ્દપ્રયોગનો નિરંકુશ પ્રયોગ થવા લાગ્યો. આ શબ્દ પરથી રચાયેલ વિશેષણ ‘આઇડિલિક (idyllic) ગ્રામજીવનની સુંદરતા, મનોહર પ્રાકૃતિક વાતાવરણ અને શાંત સ્વભાવનું સૂચન કરવા ઍલેક્ઝાંડ્રિયન કવિઓએ પ્રયોજ્યું હતું.

કૃષ્ણવદન જેટલી