આંબો

દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica Linn. (સં. આમ્ર; હિં. બં. આમ; ક. માવિનમારા, માવિણહણ; તે. માર્મિડીચેટુ, મ., આંબા; ત. મામરં; મલ. માવુ; અં. મગો ટ્રી) છે. તેના સહસભ્યોમાં કાજુ, ચારોળી, સમેટ, આમાતક, પિસ્તાં અને કાકડાશીંગનો સમાવેશ થાય છે.

તે વિશાળ સદાહરિત, 15થી 45 મી. ઊંચું, જાડી, આછી કાળી અથવા ઘઉંવર્ણી ઊભી તિરાડો ધરાવતી છાલવાળું વૃક્ષ છે. તે ભારે, ઘુમ્મટાકારનો પર્ણમુકુટ અને સીધું મજબૂત થડ ધરાવે છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, રેખીય-લંબચોરસ (linear-oblong) કે ઉપવલયી-ભાલાકાર (elliptic-lanceolate), 10 સેમી.થી 30 સેમી. લાંબાં અને 2 સેમી.થી 9 સેમી. પહોળાં અને અનુપપર્ણીય (estipulate) હોય છે. તેને મસળતાં સુગંધિત (aromatic) રાળયુક્ત ગંધ ઉત્પન્ન થાય છે. પુષ્પવિન્યાસ લઘુપુષ્પગુચ્છી (panicle) અને ખૂબ મોટો હોય છે; જે કેટલીક જાતોમાં 3000થી વધારે પુષ્પો ધરાવે છે. પુષ્પ નાનાં, રતાશ પડતાં સફેદ અથવા પીળાશ પડતાં લીલાં, ઉગ્ર વાસવાળાં અને મધુકારી (melliferous) હોય છે તથા એક જ પુષ્પવિન્યાસમાં નરપુષ્ટપો અને દ્વિલિંગી પુષ્પો આવેલાં હોય છે. વજ્રપત્રો અંડાકાર હોય છે અને અંદરની બાજુએ નારંગી રંગની ત્રણ મજબૂત ધારવાળી પાંખડીઓ હોય છે. પુંકેસરો 5ની સંખ્યામાં જોવા મળે છે; તે પૈકી એક જ ફળદ્રૂપ અને અન્ય ચાર વંધ્ય હોય છે. ફળ મોટું વિવિધ કદ અને આકાર ધરાવતું અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. ફળની છાલ જાડી કે પાતળી, ચર્મિલ (leathery), લીલી, પીળી, કે લાલ હોય છે અને ઘણી વાર ટપકાંવાળી અસંખ્ય ગ્રંથિઓ ધરાવે છે. મધ્ય ફલાવરણ (mesocarp) સફેદ-પીળું, પીળું કે નારંગી રંગનું, મૃદુ, રસાળ, થોડુંક ખાટું કે મીઠું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધિત હોય છે; કેટલાક પ્રકારમાં રેસા સમગ્ર ગરમાં પ્રસરેલા હોય છે તો અન્ય પ્રકારમાં રેષા અત્યંત અલ્પ હોય છે અથવા તેમનો અભાવ હોય છે. બીજ (ગોટલી) એકાકી (solitary) અને અંડાકાર હોય છે તથા સખત સંપીડિત (compressed) રેસામય અંત:ફલાવરણ (endocarp) વડે આવરિત હોય છે.

ભારતમાં આંબાની ખેતી 4,000થી 6,000 વર્ષ જેટલી પ્રાચીન છે. રામાયણ અને મહાભારતમાં આંબાના બગીચાઓનો ઉલ્લેખ છે. ‘આમ્રપુર’, ‘આમ્રપાલી’, ‘આમ્રપાલ’ વગેરે નામોનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં છે. ચરક અને સુશ્રુતે કેરીનાં વખાણ કર્યાં છે. આંબા અને કેરીઓએ અનેક કવિ અને કલાકારોને પ્રેરણા આપી છે. શિલ્પોમાં કેરી ઈ. સ. પૂ. 150ના અરસામાં જોવા મળે છે. સિકંદરે સિંધુ ખીણમાં કેરીની પેદાશ જોઈ હતી. પ્રજાતિ ઉપરનાં તાજેતરમાં થયેલાં સંશોધનો સૂચવે છે કે તેનું સંભવિત મૂળ વતન આસામ, મ્યાનમાર અને થાઇલૅન્ડ છે; જ્યાં M. indica અને M. sylvaticaનાં વન્ય વૃક્ષો જોવા મળે છે. કૃષ્ય (cultivated) કેરીની ઉત્ક્રાંતિમાં આ બે જાતિઓના નૈસર્ગિક સંકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે. કોષવિદ્યાકીય અવલોકનો મુજબ તે પરબહુગુણિત (allopolyploid) ઉદભવ દર્શાવે છે અને જનીનીય વિકૃતિઓ અને સંકરણો દ્વારા તેના અનેક પ્રકારોનો વિકાસ થયો છે.

આંબાનું વૃક્ષ (ફળ સાથે) તથા અલગ રીતે આંબાનાં પર્ણ,
મૉર (ફૂલ) અને ફળ (કેરી)

કેરીનો વિશ્વના વિવિધ ભાગોમાં થયેલો પ્રવેશ તુલનામાં આધુનિક છે. ચૌદમી સદીની આસપાસ તેનું આફ્રિકામાં વાવેતર શરૂ થયું હતું. સોળમી સદીમાં તે ફિલિપાઇન્સ પહોંચી, જ્યાંથી અઢારમી સદીમાં મૅક્સિકો અને ઓગણીસમી સદીમાં તેનો ફ્લોરિડામાં પ્રવેશ કરાવાયો હતો. સત્તરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં પણ તેની વાવણી કરવામાં આવી હતી. હાલમાં ભારત ઉપરાંત મલાયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ, યુ. એસ., ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ કેરી વવાય છે. આમ છતાં જાતોની વિવિધતા, વિપુલતા અને મીઠાશની ર્દષ્ટિએ કેરીની બાબતમાં બીજો કોઈ પણ દેશ ભારતની બરોબરી કરી શક્યો નથી.

કેરી ભારતનો સૌથી મહત્વનો ફળ-પાક (fruit-crop) છે અને ફળ-પાકના કુલ વિસ્તારનો 60 % જેટલો વિસ્તાર રોકે છે; જે આશરે 10.64 લાખ હૅક્ટર જેટલો થાય છે. સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે, તે પછી બિહારનો દ્વિતીય ક્રમ આવે છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ચેન્નાઈ અને પશ્ચિમનો દરિયાકિનારો પણ કેરીનું વાવેતર કરતા મહત્વના પ્રદેશો છે. ગુજરાતમાં 26,500 હૅક્ટરમાં આંબાનું વાવેતર થાય છે; જેમાં વલસાડ (19,700 હૅક્ટર) અને જૂનાગઢ (2,600 હૅક્ટર) પ્રથમ બે ગણાય છે. આ ઉપરાંત સૂરત, ભાવનગર, મહેસાણા, ખેડા, અમરેલી, ભરૂચ અને સાબરકાંઠા આંબાની ખેતી માટે જાણીતા પ્રદેશો છે.

ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધની આબોહવા ધરાવતા પ્રદેશોમાં આંબા સારી રીતે ઉગાડી શકાય છે. દરિયાની સપાટીથી 1,500 મીટરની ઊંચાઈ સુધી આંબા ઊગી શકે છે, પણ વ્યાપારી ધોરણે તેની ખેતી 600 મીટરથી વધુ ઊંચાઈએ શક્ય નથી. 75થી 375 સેમી. વરસાદ આંબા માટે પર્યાપ્ત ગણાય. પણ વરસાદના પ્રમાણ કરતાં વહેંચણી મહત્વની ગણાય છે. જૂનથી સપ્ટેમ્બરમાં વરસાદ અને પછીના આઠ માસ હવા સૂકી રહેતી હોય તેવી આબોહવા મૉર અને ફળો માટે શ્રેષ્ઠ ગણાય. ઑક્ટોબર સુધી વરસાદ ચાલુ રહે તો પાછલી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને પુષ્પકલી-વિભેદન (bud differentiation) ઓછું થાય છે. મૉર આવતી વખતે હિમરહિત શુષ્ક વાતાવરણ તથા ફળસહિત સર્વાંગીય વૃદ્ધિ માટે 240થી 280 સે. તાપમાન ઉત્તમ ગણાય છે. આંબાનું વાવેતર 50-450 સે. સુધીના તાપમાનવાળા પ્રદેશમાં થઈ શકે છે, પણ મૉર જુદા જુદા સમયે આવતો હોવાથી વિભિન્ન પ્રદેશોમાં ફળો પાકવાનો સમય જુદો જુદો હોય છે.

સારા ઉત્પાદન માટે 2-3 મીટર નીચા પાણીના તળવાળી, સારા નિતારવાળી ગોરાડુ, બેસર તેમજ નદીકાંઠાની જમીન ઉત્તમ ગણાય છે. ખારી-ચીકણી, ભારે, કાળી, નિતાર વગરની જમીન અનુકૂળ નથી.

ભારતમાં આંબાનું વાવેતર આદિકાળથી બીજ(ગોટલી)થી થતું આવ્યું છે. છેલ્લા ચારેક સૈકાથી બીજેતર સંવર્ધન કરાય છે. જે સારી જાતો હતી તેને બીજેતર સંવર્ધનથી સ્થિર કરી દેવાઈ છે અને સંકરણથી નવી જાતો પેદા કરવામાં આવી છે. ભારતમાં લગભગ એક હજાર કરતાં વધુ જાતો વવાય છે. વેપારની બધી જાતો કલમી હોય છે. ભારતીય કૃષિસંશોધન સંસ્થા, નવી દિલ્હી તરફથી મલ્લિકા (નીલમ x દશેરી) તથા આમ્રપાલી (દશેરી x નીલમ); ગુજરાત કૃષિ યુનિવર્સિટી તરફથી નિલ્ફાન્ઝો (નીલમ x આફૂસ); નીલેશાન (નીલમ x બનેશાન) અને નીલેશ્વરી (નીલમ x દશેરી); કોંકણ કૃષિ યુનિવર્સિટી, દાપોલી તરફથી રત્ના (નીલમ x આફૂસ) જેવી નવીન સંકર જાતો વિકસાવવામાં આવી છે.

આંબાનું પ્રસર્જન બીજથી તથા વાનસ્પતિક પદ્ધતિથી કરાય છે. આંબામાં બે વંશ હોય છે : એકગર્ભી (monoembryonic) અને બહુગર્ભી(polyembryonic). એકગર્ભી ગોટલામાં એક જ ગર્ભ હોય છે, જેને વાવતાં મળતો છોડ મૂળ આંબા જેવા ગુણો ધરાવતો નથી. બહુગર્ભી ગોટલામાં ઘણા ગર્ભ હોય છે એટલે તેને વાવીએ ત્યારે તેમાંથી ઘણા રોપ ફૂટે છે, જેને છૂટા પાડી સ્વતંત્ર રોપ તરીકે ઉછેરી શકાય છે. નાના રોપ દૂર કરીને જાત જાળવી શકાય છે. ભારતમાં મલબારની ઓલૌર સિવાય આંબાની બધી જાતો એકગર્ભી છે. મલાયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં બહુગર્ભી આંબા પેદા થાય છે. વાનસ્પતિક પ્રસર્જનમાં પ્રકાંડ-ઉપરોપણ માટે ભેટકલમ, બગલકલમ પદ્ધતિઓ અને કલિકા-ઉપરોપણમાં ફૉરકર્ટ બડિંગ પદ્ધતિ વપરાય છે. હાલમાં આંબામાં નૂતન કલમપદ્ધતિ (દા.ત., soft wood grafting) પણ પ્રચલિત થઈ છે.

આંબાની કલમો પ્રમાણિત કરવા માન્ય જાતોમાં (1) આફૂસ (2) કેસર (3) જમાદાર (4) સરદાર (5) રાજાપુરી (6) તોતાપુરી (7) બનારસી લંગડો (8) વશી બદામી (9) દશેરી (10) દાડમિયો (11) નીલમ અને (12) કરંજિયાનો સમાવેશ થાય છે.

દરેક જાતને ફળનો આકાર, રૂપ, રંગ, સ્વાદ, ગંધ, ગર્ભનો બાંધો (ગરનો બાંધો), ગોટલાનું કદ, રેસાઓનું પ્રમાણ વગેરે અગત્યની વિશિષ્ટટતાઓ હોય છે. વળી ફળ વેડ્યા પછી ધીમું પાકતું હોય અને બગડ્યા વગર લાંબું ટકતું હોય તે જરૂરી હોય છે.

રસની કેરીમાં રસનો રંગ મનપસંદ, સ્વાદ મીઠો અને રુચિકર હોય તે ઇચ્છવાજોગ છે. દરેક પ્રદેશની આગવી રસની કેરી મશહૂર હોય છે, પણ તેને બહાર મોકલતાં તેની ખાસ કિંમત ઊપજતી નથી.

ભારતનાં વિવિધ રાજ્યો તથા પ્રદેશોની કેરીની પ્રખ્યાત જાતો નીચે પ્રમાણે છે :

રાજ્ય/પ્રદેશનું નામ કેરીની જાત
ઉત્તરપ્રદેશ અને પંજાબ દશેરી, લંગડો, બૉમ્બે ગ્રીન (માલ્દા),

સમરબેહિસ્ત ચોવસા (ખાજરી), રતોલે,

સફેદા, મલીહાબાદ.

બિહાર અને પ. બંગાળ ગુલાબખસ, બૉમ્બાઈ, ઝરદાલુ,

ચોવસા, હિમસાગર, ફઝલી, બુધાજી,

સફદરપસંદ, મીઠુઆ (દેશી જાતો).

આંધ્રપ્રદેશ અને ઓરિસા સુવર્ણરેખા, બેગનપલ્લી (બનેશાન),

આલમપુર (બનેશાન), નીલમ, બૅંગલોરી

(તોતાપુરી), હીમાયુદ્દીન (ઇમામ પસંદ),

જહાંગીર, ચેરુકા રસમ, ચિનાર રસમ,

મલગોબા.

કર્ણાટક રુમાની, બેગનપલ્લી, નીલમ
મહારાષ્ટ્ર આફૂસ, પાયરી
રાજસ્થાન રસભંડાર (મારકેઆરા)
કેરળ ઓલુર, મુન્ડાપ્પા, બાપ્પાકાઈ, કાલેપડ
દ. ગુજરાત આફૂસ, કેસર, જમાદાર, રાજાપુરી,

વશી બદામી, નીલમ, તોતાપુરી,

દાડમિયો, લંગડો, કરંજિયો, દશેરી,

સરદાર

મધ્ય ગુજરાત રાજાપુરી, લંગડો, કેસર, વશી, બદામી,

કરંજિયો.

ઉ. ગુજરાત રાજાપુરી, કેસર, લંગડો, તોતાપુરી.
સૌરાષ્ટ્ર-કચ્છ કેસર, જમાદાર, રાજાપુરી.

કેરીનું ભારતમાં વાર્ષિક ઉત્પાદન 93,35,000 ટન છે; જે કુલ ફળના ઉત્પાદનના 39.4 % છે.
આંબાને રોપવા માટે 1 મીટર લાંબા, પહોળા, ઊંડા ખાડા ખોદી, તપાવી, તેમાં 30 સેમી. માટી + 50 કિગ્રા. કોહવાયેલ છાણિયું ખાતર + 100 ગ્રામ. બી.એચ.સી. (5 %)/આલ્ડ્રીન/ક્લોરોડેન નાખી તેમને ભરવામાં આવે છે. ખાડા 10-12 મીટરના અંતરે ચોરસ પદ્ધતિથી તૈયાર કરીને એક-બે વરસાદ પછી જુલાઈ-ઑગસ્ટમાં સાંધાનો ભાગ બહાર રહે તે રીતે કલમો રોપવામાં આવે છે (12 x 12 મીટરના અંતર માટે એક હેક્ટરે 70 કલમો જરૂરી ગણાય). બે-ત્રણ વર્ષ પછી નીચેની ડાળીઓ કાપવી પડે છે, જેથી વૃક્ષનો વિકાસ સારો થાય છે અને ખેડ કરવાનું પણ અનુકૂળ બને છે. આંબાના સારા ઉછેર માટે નિયમિત ગોડ, ખાતર અને પાણીની માવજત જરૂરી છે. પપૈયાં, કેળ, રીંગણાં, મરચાં વગેરે શરૂઆતનાં વર્ષોમાં વાવી શકાય. શરૂઆતનાં ત્રણ વર્ષ મૉર તોડી કાઢવો પડે છે. ચોથા વર્ષે કેરી બેસવા દેવાય છે. સરૂ, નીલગિરિ વગેરે રોપીને વાડ કરીને આંબાનું પવન, ઠંડી અને ગરમીથી રક્ષણ કરવું જરૂરી હોય છે.

આંબાવાડિયામાં પ્રતિવર્ષ બેથી ત્રણ ખેડ જરૂરી ગણાય છે. પ્રથમ વર્ષે ઝાડદીઠ 10 કિગ્રા. છાણિયું ખાતર, 400 ગ્રામ એમોનિયમ સલ્ફેટ, 500 ગ્રામ સુપર ફૉસ્ફેટ તથા 100 ગ્રામ પોટૅશિયમ ક્લોરાઇડ અપાય છે. બીજાથી નવમા વર્ષ સુધી પ્રતિવર્ષ આગલા વર્ષના ખાતરના પ્રમાણમાં ઝાડદીઠ 5 કિગ્રા. છાણિયું ખાતર, 400 ગ્રામ એમોનિયમ સલ્ફેટ, 500 ગ્રામ સુપર ફૉસ્ફેટ તથા 100 ગ્રામ પોટૅશિયમ ક્લોરાઇડનો ઉમેરો કરી તે પ્રમાણે ખાતર અપાય છે. દશમા વર્ષ દરમિયાન અને ત્યારબાદ પુખ્ત વયના ઝાડને 50 કિગ્રા. છાણિયું ખાતર, 4 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ, 5 કિગ્રા. સુપર ફૉસ્ફેટ અને 1 કિગ્રા. પોટૅશિયમ ક્લોરાઇડ આપવામાં આવે છે. ઊધઈનો ઉપદ્રવ હોય તો છાણિયા ખાતરને બદલે તેનાથી પાંચમા ભાગનો દિવેલનો ખોળ આપવો પડે છે. ખાતર ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસા બાદ – એમ બે ભાગમાં અપાય છે. ઝાડની આજુબાજુ ગોળ છીછરી નીક બનાવી તેમાં ખાતર નાખી માટી વાળી દે છે. ઝાડની ઉંમર વધતી જાય તેમ ગોળ નીકનું અંતર વધારતાં રહેવું પડે છે. છાણિયા ખાતરને બદલે લીલો પડવાસ પણ વપરાય છે. નવી કલમોને શિયાળામાં 7થી 10 દિવસે અને ઉનાળામાં 4થી 6 દિવસે પાણી અપાય છે. પુખ્ત ઝાડને ચોમાસું સારું હોય તો પાણીની જરૂર પડતી નથી. ફેબ્રુઆરીમાં કેરી જુવારના દાણા જેવડી થાય ત્યારે ઝાડદીઠ અઢી કિગ્રા. એમોનિયમ સલ્ફેટ અથવા તેનાથી અડધું યૂરિયા અપાય છે. કેરી પાકતાં અગાઉ પંદર દિવસ સુધી નિયમિત પિયત ચાલુ રાખવું પડે છે, ખાતર આપવાને બદલે 2 % યૂરિયાનું દ્રાવણ પણ ઝાડ ઉપર છાંટી શકાય છે.

કેરીને લાગુ પડતા ગંભીર રોગોમાં ભૂકી છારો (powdery mildew), કાલવ્રણ (anthracnose) અને ગુચ્છિત અગ્ર(bunchy top)નો સમાવેશ થાય છે.

ભૂકી છારો Odium mangiferae Berthet. દ્વારા થાય છે; જે પુષ્પની કલિકાઓ અને અવિકસિત ફળોને ચેપ લગાડે છે. આ રોગને લીધે પાકનું ઉત્પાદન 20 % જેટલું ઘટી જાય છે. પુષ્પનિર્માણથી શરૂ કરીને સલ્ફર પાઉડરનું ત્રણ વાર પંદર દિવસને આંતરે ડસ્ટિંગ કરવામાં આવે છે. 5 % ડી. ડી. ટી. અને 50 % સલ્ફરનો સંયુક્ત છંટકાવ ભૂકી છારાનું અને જેસ્સીદ ટિડ્ડો(hopper)નું અસરકારક નિયંત્રણ કરે છે.

કાલવ્રણ Colletotrichum gloeosporiodes Penz. દ્વારા થાય છે. તરુણ શાખાઓ, પર્ણો અને કલિકાઓ ઉપર ઘેરા ઉત્સ્ફોટ (blister) જેવાં ટપકાં ઉત્પન્ન થાય છે. મરવા ખરી પડે છે. કાળાં ટપકાં દ્વારા પાકાં ફળોની છાલ વિકૃત બની જાય છે. છાલની નીચેનો ગર કઠણ બને છે. પુષ્પનિર્માણથી શરૂ કરીને પંદર દિવસને આંતરે બેથી ત્રણ વાર અને શુષ્ક સમયગાળા દરમિયાન ત્રણથી ચાર માસના આંતરે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

ગુચ્છિત અગ્ર કે વિકૃત પુષ્પવિન્યાસ માટે જવાબદાર રોગજન નિશ્ચિતપણે ઓળખી શકાયો નથી. ટૂંકી અને જાડી શાખાઓની ટોચ ઉપર પુષ્પો ગુચ્છિત થઈ જાય છે અને લાંબાં બિંબ ઉત્પન્ન કરે છે. Eriophyes, Tyrophagus castellanii Hirst અને Typhdodromus asiaticus Evans. નામની ઇતરડીની જાતિઓ આ રોગ સાથે સંબંધિત જણાય છે. અસરગ્રસ્ત પુષ્પવિન્યાસોનો નિકાલ કરી બાળી નાખવા તે એકમાત્ર નિરોધક ઉપાય છે.

કેરીને થતા અન્ય રોગોમાં ફળનો કોહવારો Aspergillus niger van Tiegh. દ્વારા, કજ્જલી ફૂગ(sooty mould)નો રોગ Capnodium ramosum Cooke દ્વારા અને પોચા સડાનો રોગ Bacterium cartovorus દ્વારા થાય છે. પ્રકાંડ, શાખાઓ અને પર્ણોને નુકસાન પહોંચાડતી પરોપજીવી ફૂગમાં Fomes conchatus (Pers.) Gillet [સફેદ રસ (white sap) અને અંતર્વિગલન (heart rot)], Ganoderma applanatum (Pers.) Pat. (સફેદ સડો), Hexagonia discopoda Pat. & Har. (સફેદ રસ અને અંત:વિગલન), Pestalotia mangiferae P. Henn. (ભૂખરો સુકારો), Phyllosticta mortoni Fair. અને Physalospora rhodina (Berk. & Curtis) Cooke (પર્ણનો સુકારો), Polyporus gilvus Schwein. (વ્હાઇટ પૉકેટ રૉટ), Polystictus persooni Fr. (સફેદ પોચો સડો), Schizophyllum alneum (L.) Schroet. (રસનો સડો), Rhinocladium corticolum Mass. (કાળી છાલ) અને Cephaleuros mycoidea G. Karst.(રાતો ગેરુ)નો સમાવેશ થાય છે.

વાંદા (Loranthus)ની બેથી ત્રણ જાતિઓ આંબાના વૃક્ષને ઘણું નુકસાન પહોંચાડે છે. કેટલીક વાર સમગ્ર શાખાઓનો તે નાશ કરે છે.

આંબા ઉપર આક્રમણ કરતા કીટકોમાં જેસ્સીદ ટિડો (Idiocerus spp.) સૌથી ગંભીર નુકસાન પહોંચાડે છે. તેની ત્રણ જાતિઓ I. atkinsonii Leth., I. niveosparsus Leth. અને I. clypealis Leth. પૈકી પ્રથમ જાતિ મુખ્યત્વે થડ અને શાખાઓ ઉપર અને બાકીની બે પર્ણો અને પુષ્પવિન્યાસો ઉપર આક્રમણ કરે છે. ડી. ડી. ટી. અને સલ્ફરનો સંયુક્ત છંટકાવ અને પેસ્ટોક્સ-III (4 %)નો છંટકાવ લાભદાયી પુરવાર થયો છે.

આંબાનો પ્રકાંડ વેધક-મેઢ (stem borer) Batocera rufomaculata De Geer નામનો કીડો છે. તે છાલ ખોદીને અંદરની જીવંત પેશીઓમાંથી પોષણ મેળવે છે. છાલના પોલાણમાં સળિયો કે તાર નાખીને અથવા ક્લૉરોફૉર્મ અને ક્રીઓસોટના મિશ્રણનું અંત:ક્ષેપણ કરીને કે ભીની માટી દ્વારા પોલાણને પૂરી દેવાથી આ વેધક કીડાનો નાશ કરી શકાય છે.

પર્ણો ખાઈ જતી અને પ્રરોહ(shoot)ને કોરી ખાતી ઇયળોમાં Parasa Lepida G., Chlumetia transversa Wlk. અને Orthaga exvinacea M.નો સમાવેશ થાય છે. ડી. ડી. ટી.ના 0.2 %થી 0.3 %ના જલીય નિલંબન(suspension)નો છંટકાવ અને બી. એચ. સી.નો છંટકાવ અસરકારક ઉપાય ગણાય છે.

ફળમાખીઓ (Dacus ferrugineus Febr., D. zonatus Saund. અને બીજી કેટલીક જાતિઓ) ફળ ઉપર આક્રમણ કરે છે. રોગગ્રસ્ત ફળોનો નાશ એકમાત્ર ઉપાય છે. પથ્થર-ધનેડાં (stone weevils) – Cryptorrhynchus gravis Fabr. અને C. mangiferae Fabr. આંબાની તોતાપુરી જેવી કેટલીક જાતોનાં ફળ ઉપર આક્રમણ કરે છે. ચેપ લાગેલાં ફળોને બાળી નાખવામાં આવે છે.

શલ્ક-કીટકો (Aspidiotus destructor S., Leucaspis indica અને Pulvinaria psidii M.) નાજુક શાખાઓ અને પર્ણો ઉપર આક્રમણ કરે છે અને રસ ચૂસે છે. સખત શલ્ક-કીટકોનો નાશ કરવા રોસિનનાં સંયોજનોનો છંટકાવ અને મૃદુ શલ્કોનો અને Phenacoccus mangiferae G. અને Drosicha stebbingi Green જેવી ચૂર્ણી માંકડ(meals bug)ની જાતિઓનો નાશ કરવા ક્રૂડ તેલનું નિલંબન કે માછલીના તેલના સાબુનો છંટકાવ કરવામાં આવે છે. ફોલીડૉલનો છંટકાવ અસરકારક ઉપાય છે.

રાતી કીડીઓ (Oecophylla smaragdina Fabr.) આંબાને સીધેસીધી નુકસાન પહોંચાડતી નથી, પરંતુ તે અનિષ્ટકારી (noxious) શલ્કો અને માંકડની જાતિઓનું એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર વિતરણ કરવા માટે જવાબદાર હોય છે. ગૅમેક્સીનનો સલ્ફર સાથે છંટકાવ કરતાં તેમનો નાશ થાય છે.

મૉર આવ્યા પછીની માવજત ઘણી અગત્યની છે. કમોસમી વરસાદ, વધુ પડતો ભેજ, વાદળો અને હિમ જેવાં પરિબળો રોગજન સૂક્ષ્મ જીવોની અને જીવાતની વૃદ્ધિ કરે છે. ભેજને કારણે પરાગનયનમાં નિષ્ફળતા મળે છે અને ફલનીકરણ થતું નથી. મૉર ખીલ્યો હોય ત્યારે જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાથી પરાગરજ ધોવાઈ જાય છે અને ફલનીકરણ થતું નથી અને થાય તો પણ ગર્ભવિકાસ થતો નથી અને થાય તો પણ મરવા ખરી પડે છે.

આંબામાં શાખ પડે અને કેરીનો રંગ લીલાશ પડતો પીળો જોવા મળે અને કેરી ભરાવદાર થાય ત્યારે તે વેડવાનું શરૂ કરાય છે. દરેક ફળ એક એક કરીને ઉતારવામાં આવે છે અને જમીન ઉપર પછડાય નહિ કે એકબીજા સાથે અથડાય નહિ તેની કાળજી રાખવામાં આવે છે. રોગવાળાં ફળો અલગ રાખવાં જરૂરી છે. આંબો પ્રતિવર્ષ એકસરખું ઉત્પાદન (ખાસ કરીને આફૂસ) આપતો નથી. કલમી આંબો ચાર વર્ષ પછી ફળ આપવાં શરૂ કરે છે. શરૂઆતમાં તે 10થી 15 ફળોનું ઉત્પાદન આપે છે અને છઠ્ઠા વર્ષ પછી 50થી 75 ફળ અને દસમા વર્ષ પછી 300થી 500 ફળ, 20થી 40 વર્ષે 1,000થી 3,000 ફળ આપે છે. ચાલીસ વર્ષ પછી સામાન્ય રીતે તેનું ઉત્પાદન ઘટે છે. સારી સંભાળ રાખેલા આંબાવાડિયામાં 5,000 જેટલાં ફળ ઉત્પન્ન થાય છે. લંગડા, દશેરી, પાયરી, નીલમ, તોતાપુરી, સુવર્ણરેખા અને બનેશાન પ્રતિવર્ષ પ્રતિવૃક્ષે 800થી 3,000 ફળનું ઉત્પાદન આપે છે. ‘જહાંગીર’ જેવી જાતનું ઉત્પાદન 250 ફળોથી વધતું નથી.

ભારતીય કાચી કેરીનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 90.0 %; પ્રોટીન 0.7 %; લિપિડ 0.1 %; કાર્બોદિતો 8.8 %; ખનિજ ક્ષારો 0.4 %; કૅલ્શિયમ 0.01 %; અને ફૉસ્ફરસ 0.02 %; લોહ 4.5 મિગ્રા./100 ગ્રા.; કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 150 આઇ. યુ.; રાઇબૉફ્લેવિન 30 માઇક્રોગ્રામ અને ઍસ્કૉર્બિક ઍસિડ 3 મિગ્રા./100 ગ્રા. પાકી કેરીનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 86 %; પ્રોટીન 0.6 %; લિપિડ 0.1 %; કાર્બોદિતો 11.8 %; રેસો 1.1 %; ખનિજક્ષારો 0.3 %; કૅલ્શિયમ 0.1 %; અને ફૉસ્ફરસ 0.02 %; લોહ 0.3 મિગ્રા/100 ગ્રા., કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 4,800 આઇ. યુ.; નિકોટિનિક ઍસિડ 0.3 મિગ્રા.; રાઇબૉફ્લેવિન 50 માઇક્રોગ્રામ અને ઍસ્કૉર્બિક ઍસિડ 13 મિગ્રા/100 ગ્રા. કેરીની કેટલીક જાતોના પાકા ફળના ગરનું વિશ્લેષણ સારણી 1માં આપવામાં આવ્યું છે.

સારણી 1: કેરીની કેટલીક જાતોના પાકા ફળના ગરનું વિશ્લેષણ

ક્રમ જાત પાણી

%

ગ્લુકોઝ

 %

ફ્રુક્ટોઝ

 %

સુક્રોઝ

%

β–કૅરોટિન        pH

માઇકોગ્રામ/

100 ગ્રામ

1 બદામી

(આલ્ફૉન્ઝો)

80.68 3.10 4.83 8.51 5,616 4.01
2 પાયરી 82.06 2.34 3.84 9.62 3,861 3.99
3 તોતાપુરી 83.02 1.69 3.99 8.88 1,831 4.20
4 પાદીરી 79.54 1.00 2.57 12.30 4,698 3.92
5 સફેદા

લખનૌ

78.63 3.41 2.64 9.26 1,183 4.30
6 સફેદા

મલીહાબાદ

75.43 4.32 2.30 10.30 2,096 4.28
7 દશેરી 78.00 1.91 3.64 12.58 2,297 4.60
8 નીલમ 81.10 2.21 4.78 6.67 2,081 4.04

પાકાં ફળો પ્રજીવક ‘એ’નો સારો સ્રોત ગણાય છે. કૅટાલેઝ અને પૅરૉક્સિડેઝ કેરીના મુખ્ય ઉત્સેચકો છે. પોટૅશિયમ (K2O) કુલ ભસ્મના 47.37 % જેટલું હોય છે.

પાકી કેરીનો સીધો ખાવામાં ઉપયોગ થાય છે. હાલમાં કેરીનો રસ, સ્ક્વૉશ, કેરીના ટુકડા પરિરક્ષિત (preserved) સ્વરૂપે ડબ્બામાં મળે છે. પાકી કેરીના રસને સૂકવીને પાપડ રૂપે સંગ્રહાય છે. કાચી કેરીમાંથી ચટણી, મુરબ્બો, અથાણાં, આંબોળિયાં વગેરે બનાવવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર આંબાનો મૉર પ્રમેહનાશક ગણાય છે. કાચી કેરી (મરવા) તૂરી, ઉષ્ણ, સુગંધી, ખાટી, ક્ષારના સંયોગથી રુચિકર, ગ્રાહક, રુક્ષ અને કાંતિકર છે તેમજ પિત્ત, વાત, કફ અને રક્તદોષને ઉત્પન્ન કરનાર અને કંઠરોગ, પ્રમેહ, યોનિદોષ, વ્રણ અને અતિસારનો નાશ કરનારી છે. પાકી કેરી મધુર, શીતળ, જડ, બલકર, ધાતુવર્ધક, પુષ્ટિકર, ત્રિદોષનાશક, અગ્નિદીપક, વૃષ્ય, મલસ્તંભક, પ્રિય, સ્નિગ્ધ, તૂરી, સુખકારક અને કાંતિવર્ધક છે અને વાયુ, તૃષા, દાહ, પિત્ત, શ્વાસ, દમ અને અરુચિનો નાશ કરનાર છે. કેરીની ગોટલી આમાતિસાર, કૉલેરા, લોહીની ઊલટી, કરમિયા, નાકમાંથી લોહી પડે છે તે ઉપર, રક્તાર્શ અને પ્રદર ઉપર અને પરસેવો છૂટતો હોય છે તેના ઉપર અને માથામાં દારુણ રોગ થાય છે તે ઉપર ઉપયોગી છે. રાઝણ (આંજણી) ઉપર આંબાની ડાળખી કે પર્ણો તોડવાથી નીકળતો રસ ચોપડવામાં આવે છે. સર્વ પ્રકારની ગરમી, દાહ અને અતિસાર ઉપર તેની અંતરછાલ ઉપયોગી છે. ઉપદંશ ઉપર છાલનો અંગરસ બકરીના દૂધમાં મિશ્ર કરીને આપવામાં આવે છે. કાનમાં સણકા આવતા હોય તે ઉપર આંબાનો મૉર વાટી, દિવેલમાં ઉકાળી, તે ગાળી કાનમાં નાખવામાં આવે છે. સ્વરભંગ ઉપર પર્ણોનો કાઢો મધ નાખીને આપવામાં આવે છે.

કાચી કેરીનું અથાણું પેટને શાંતિકર્તા અને ભૂખને પ્રદીપ્ત કરનાર છે. કાચી કેરી છોલી, તેની ગોટલી કાઢી નાખી ઝીણી કાતરી કરી સૂકવે છે, તેને આંબોળિયાં (હિં. આમચૂર; મ. આંબોસી) કહે છે. તે દાળ-શાકમાં નાખવામાં આવે છે. તેને બાફી તેના ઉપર તેલ, રાઈ ચઢાવી અથાણા તરીકે ખવાય છે. તેની ખટાશ સાઇટ્રિક ઍસિડના કારણે છે. તે રુધિરને શુદ્ધ કરનાર છે. આંબાનો તાજો ગુંદર દાદરનો સત્વરે નાશ કરે છે. તે પગના ચીરા અને ખૂજલીમાં પણ ઉપયોગી છે.

કુમળાં પર્ણો જાવા અને ફિલિપાઇન્સમાં શાકભાજી તરીકે વપરાય છે. પર્ણોની ભસ્મ દાઝ્યા ઉપર અને દ્રવદાહ (scald) ઉપર ઉપયોગી છે. સુગંધિત પુષ્પોમાંથી અત્તર (આમ અત્તર) બનાવવામાં આવે છે. વૃક્ષની છાલમાં 16 %થી 20 % જેટલું ટૅનિન હોય છે; જેનો ચર્મશોધનમાં ઉપયોગ કરી શકાય તેમ છે. છાલમાંથી રંગદ્રવ્ય ઉત્પન્ન થાય છે; જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને ઊન ઉપર આછા પીળા રંગની સુંદર આભા (shade) આપે છે. હળદર અને ચૂનાની સાથે તેના ઉપર ગુલાબી રંગ ઉત્પન્ન કરે છે. છાલમાંથી ‘મેન્જિફેરિન’નું અલગીકરણ કરવામાં આવ્યું છે. છાલ સંકોચક (astringent) છે અને ડિફ્થેરિયા અને સંધિવામાં ઉપયોગી છે. તેની છાલ શ્લેષ્મી પટલ (mucous membrane) માટે પુષ્ટિકારક છે.

જ્યારે પ્રકાંડ ઉપરથી ફળ તોડવામાં આવે છે ત્યારે ‘ચેપ’નો રસસ્રાવ થાય છે, જે પાતળું પ્રવાહી છે અને સ્ફોટકકારી (vesicating) ગુણધર્મ ધરાવે છે. તાજા ચેપની ટર્પેન્ટાઇન જેવી ગંધ હોય છે અને તે તરત જ સુકાય છે. સૂકો ચેપ પીળા રંગનો, પારભાસક (transluscent), અર્ધઘન અને ગંધરહિત હોય છે. ચેપના ઈથરદ્રાવ્ય ઘટકમાંથી મેન્જિફેરેન (C21H34O) નામની રાળ, મેન્જિફેરિક ઍસિડ (C40H60O4), રેઝીનૉલ, મેન્જિફેરોલ (C21H36O2)5નું અલગીકરણ કરવામાં આવ્યું છે. તેનું જલદ્રાવ્ય ઘટક ગુંદર ધરાવે છે; પરંતુ તેમાં ટૅનિક કે ગૅલિક ઍસિડ હોતો નથી.

પર્ણો, છાલ, પ્રકાંડ અને કાચી કેરીના નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus સામે મધ્યમસરની પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે. પાકી કેરીમાં ફૂગ-રોધી (antifungal) સૂક્ષ્મ જીવોની હાજરી માલૂમ પડી છે.

બીજના રાસાયણિક બંધારણમાં પ્રોટીન 9.5 %; લિપિડ 10.7 %; સ્ટાર્ચ 72.80 %; શર્કરા 1.07 %; ટૅનિન 0.11 % અને ભસ્મ 3.66 %; સિલિકા (SiO2) 0.41 %; લોહ (Fe2O3) 0.03 %; કૅલ્શિયમ (CaO) 0.23 %; મૅગ્નેશિયમ (MgO) 0.34 %; ફૉસ્ફરસ (P2O5) 0.66 %; સોડિયમ (Na2O) 0.28 %; પોટૅશિયમ (K2O) 1.31 %; સલ્ફર (SO4) 0.23 % અને કાર્બોનેટ (CO3) 0.09 % હોય છે. બીજમાં કોઈ વિષાક્ત ઘટકો હોતા નથી. તે સિસ્ટીન, ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લુટામિક ઍસિડ, ગ્લાયસિન, થ્રિયોનિન, ઍલેનિન, ટાયરોસિન, હિસ્ટીડીન, આર્જિનિન, લાયસિન, પ્રોલિન, વેલાઇન, મિથિયોનિન (?), લ્યુસિન અને ફિનિલ એલેનિન નામના ઍમિનોઍસિડો ધરાવે છે.

દ્રાવકોમાં નિષ્કર્ષણ કરતાં બીજમાંથી 6 %થી 12 % જેટલી ઘન ખાદ્ય ચરબી પ્રાપ્ત થાય છે. ભારતના કેટલાક પ્રદેશોમાં અછત દરમિયાન બીજનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, તેને ભૂંજીને કે બાફીને ખાવામાં આવે છે.

આંબાનું કાષ્ઠ (વિ. ગુ. 0.59; વજન 609 કિગ્રા.થી 800 કિગ્રા./ઘમી.) ભૂખરું અથવા લીલાશ પડતું બદામી, મધ્યમસરનું મજબૂત, સખત, સુરેખ અથવા કેટલીક વાર કુંચિત (curly) કણિકામય અને બરછટ ગઠનવાળું હોય છે. ખુલ્લું થતાં તે ટકાઉ રહેતું નથી, પરંતુ પાણીમાં તે ટકાઉ બને છે. તેનું સંશોષણ (seasoning) સરળતાથી થાય છે. તેની એક સામાન્ય પદ્ધતિ મુજબ તેનું સંશોષણ કરવા તેના કાષ્ઠપટ્ટ(plank)ને મીઠાના પાણીમાં રાખવામાં આવે છે. તેને સરળતાથી વહેરી શકાય છે અને તેના ઉપર કામ થઈ શકે છે અને લીસી સપાટી બનાવી શકાય છે. ઇમારતી લાકડા તરીકેની તેની સાગના ગુણધર્મો સાથેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) આ પ્રમાણે છે : વજન 95; પાટડાનું સામર્થ્ય (strength) 75; પાટડાની દુર્નમ્યતા (stiffness) 80; થાંભલાની ઉપયુક્તતા 75; આઘાત-રોધી શક્તિ (shock-resisting ability) 100; આકારની જાળવણી 95; અપરૂપણ (shear) 105 અને કઠોરતા (hardness) 90.

પ્રકાષ્ઠનો ઉપયોગ રાચરચીલું, તળિયું, છતનાં પાટિયાં, બારીઓનાં ચોકઠાં, ચાની અને પરિવેષ્ટન માટેની તેમજ દીવાસળીની પેટીઓ, નાનાં ખપાટિયાં (splints), હલેસાં, હોડી અને ખેતીનાં ઓજારો બનાવવામાં થાય છે. તેનો પ્લાયવૂડ અને બૂટની એડીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. પરિરક્ષણ-ચિકિત્સા (preservative treatment) આપ્યા પછી પાટડા, વળો (rafter), બારી-બારણાં અને ટેકાઓ (trusses) બનાવવા માટે સાગની અવેજીમાં વપરાય છે. આંબાના કાષ્ઠમાંથી ઊંચું ઉષ્મીયમાન (callorific value) ધરાવતો કોલસો ઉત્પન્ન થાય છે.

M. sylvatica Roxb. (બન આમ, ચુચી આમ) નેપાળ, સિક્કિમ અને પૂર્વ હિમાલયમાં 300 મી.થી 1,300 મી.ની ઊંચાઈ સુધી થતી કેરીની જાતિ છે. તેનાં ફળ અંડાકાર કે ઉપવલયી, વિવિધ કદનાં, 8 સેમી.થી 10 સેમી. લાંબાં, ગર પાતળો, રેસાવિહીન અને સામાન્ય કેરી કરતાં ઊતરતી કક્ષાનાં હોય છે. તેના કાષ્ઠનો ઉપયોગ આંબાના કાષ્ઠની જેમ કરવામાં આવે છે.

અગ્નિ એશિયામાં થતી અને ખાદ્ય ફળો આપતી કેરીની અન્ય જાતિઓ આ પ્રમાણે છે : M. altissima Blanco; M. caesia Jack; M. cochinchinensis Pierre; M. foetida Lour.; M. Langifera Griff; M. Longipetiolata King; M. odorata Griff.; M. Pentandra Hook. f.; M. quadrifida Jack; M. reba Pierre; અને M. zeylanica Hook f.

જ. પુ. ભટ્ટ

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ