આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : આશરે 120 15´થી 200 00´ ઉ. અ. અને 770થી 840 15´ પૂ. રે. તેની ઉત્તર-પૂર્વમાં તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ; અને કર્ણાટક; ઈશાને ઓરિસા; પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને દક્ષિણે તમિળનાડુ આવેલાં છે. વિસ્તાર 1,62,975 ચો. કિમી. તેનો પૂર્વનો દરિયાકિનારો 970 કિમી લાંબો છે. વસ્તી 49,386,799 (2011). રાજ્યમાં 13 જિલ્લા છે.

ભૂમિ : આંધ્રપ્રદેશને ભૌગોલિક રીતે ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય : પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા સુધીનો મેદાનનો પ્રદેશ, પૂર્વઘાટની પર્વતમાળા, પૂર્વઘાટની પશ્ચિમે આવેલો ઉચ્ચપ્રદેશ અને દરિયાકિનારાનાં મેદાનો, જે રાજ્યની લગભગ સંપૂર્ણ લંબાઈ સુધીનાં છે. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓનાં જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. આમાં ગોદાવરી અને કૃષ્ણા નદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપને કારણે અત્યંત ફળદ્રૂપ છે.

પૂર્વઘાટની પર્વતમાળા દરિયાકિનારાની સમાંતર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વતમાળાની પશ્ચિમે આવેલો ઉચ્ચપ્રદેશ દરિયાની સપાટીથી સરેરાશ 480 મીટરની ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચો પર્વત મહેન્દ્રગિરિ 1500 મી. ઊંચો છે. જમીનના સતત ધોવાણને લીધે નાની-મોટી અનેક ખીણો અને છૂટીછવાઈ ટેકરીઓ પણ રચાઈ છે. ત્રિકોણપ્રદેશની જમીન કાંપવાળી છે પણ ઉચ્ચપ્રદેશની જમીન રાતી છે અને દરિયાકિનારે રેતાળ જમીન છે. આ ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં કાળી માટી પણ જોવા મળે છે. દરિયાકિનારાનાં મેદાનો પાસે મોટાં કળણ અને તાડનાં ઝાડ જોવા મળે છે. ત્રિકોણપ્રદેશોનો પટ્ટો ખેતીલાયક છે. ઉચ્ચપ્રદેશ ખડકાળ ભૂમિ અને અનિશ્ચિત વરસાદને લીધે માત્ર સૂકા પાકો જ લઈ શકાય છે.

કૃષ્ણા, ગોદાવરી, તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગવલી મહત્વની નદીઓ છે. તુંગભદ્રા કૃષ્ણાની શાખા છે. ગોદાવરી દક્ષિણની સૌથી મોટી નદી છે. તેની લંબાઈ 1498 કિમી. છે. જળવિદ્યુત અને સિંચાઈ માટે તે ઉપયોગી છે.

માર્ચથી જૂન દરમિયાન સરેરાશ તાપમાન 230થી 280 સે. રહે છે પણ સમુદ્રથી દૂર અંદરના ભાગમાં તાપમાન 370થી 440 સે. રહે છે. ક્યારેક આ તાપમાન 500 સે. પણ થઈ જાય છે. શિયાળામાં રાત્રિ દરમિયાન 100 સે.થી 120 સે. તાપમાન રહે છે, જ્યારે સરેરાશ તાપમાન 160 સે.થી 190 સે. રહે છે. ઉચ્ચપ્રદેશ મેદાનના પ્રદેશ કરતાં વધારે ઠંડો અને વધારે ગરમ વિષમ આબોહવાવાળો હોય છે. નૈર્ઋત્યના મોસમી પવનો 500થી 1400 મિમી. વરસાદ આપે છે. રાયલસીમાનો અને તેલંગણનો પ્રદેશ વધારે સૂકો છે. પૂર્વઘાટ અને કિનારાના વિસ્તારની વર્ષાછાયામાં આવેલા ઉચ્ચપ્રદેશમાં વરસાદ ઓછો પડે છે. બંગાળના ઉપસાગર ઉપરથી વાતા ઈશાની પવનો શિયાળામાં વરસાદ આપે છે. કુલ વરસાદમાં તેનો 33 % હિસ્સો છે. ચોમાસાની શરૂઆતમાં અને અંતે ભારે વિનાશક વાવાઝોડાં પણ જોવા મળે છે.

રાજ્યની કુલ ભૂમિ પૈકી 23.3 % ભૂમિમાં ચોમાસાનાં ખરાઉ જંગલો આવેલાં છે. સાગ, વાંસ, યુકેલિપ્ટસ, કાજુ અને સરુનાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. જંગલોમાં હાથી, વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વસે છે.

આંધ્રપ્રદેશના આર્કિયન યુગના ખડકોમાંથી ક્રાયસોટાઇલ ઍસ્બેસ્ટૉસ, બેરાયટીસ, તાંબું, મૅંગેનીઝ, અબરખ વગેરે ખનિજો મળે છે. ગોદાવરીની ખીણમાં સીંગરેણીની કોલસાની ખાણો છે. ચૂનાખડકો વિપુલ પ્રમાણમાં મળે છે. યુરેનિયમ ધાતુના ઉત્પાદનમાં તેનો બીજો ક્રમ છે. ઍસ્બેસ્ટૉસના ઉત્પાદનમાં તેનો ઇજારો છે, જ્યારે ભારતના બેરાયટીસના ઉત્પાદનમાં તેનો 86 % હિસ્સો છે.

આંધ્રપ્રદેશ

લોકો : મોટા ભાગની પ્રજા તેલુગુ ભાષા બોલે છે. તમિળનાડુ અને કર્ણાટકની સરહદે આવેલા વિસ્તારોમાં તમિળ અને કન્નડ ભાષાઓ પણ બોલાય છે. લાંબડી જેવી આદિવાસી ભાષાઓ પણ વ્યવહારમાં છે. બહુમતી પ્રજા હિંદુ છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ વસે છે. મુસ્લિમો તેલંગણ વિસ્તારમાં કેન્દ્રિત થયેલા છે. વસ્તીની ગીચતાની ર્દષ્ટિએ આંધ્રપ્રદેશમાં 1 ચોકિમી. દીઠ 308 વ્યક્તિ છે. દર 1,000 પુરુષોએ આંધ્રપ્રદેશમાં 992 સ્ત્રીઓ છે (2011). અક્ષરજ્ઞાન 68 % (2011). 1961થી પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે. રાજ્યમાં કુલ સોળ યુનિવર્સિટીઓ (વિશિષ્ટ સંસ્થાઓ સહિત) છે. હૈદરાબાદમાં જ ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅન્ગ્વેજિઝ’ અને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન’ છે.

ભારતના સાંસ્કૃતિક વારસામાં આંધ્રપ્રજાનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. કળા અને સ્થાપત્યનાં ક્ષેત્રોમાં આંધ્રના લોકોએ ઉચ્ચતમ શિખરો સર કર્યાં છે. તેમનું કુચિપુડી નૃત્ય ભારતીય નૃત્યપ્રણાલીમાં આગવી ભાત ઊભી કરે છે અને દક્ષિણ ભારતીય સંગીતમાં આંધ્રસંગીતની છાંટ મોટા પ્રમાણમાં વર્તાય છે. દ્રવિડ કુળની ચાર ભાષાઓમાંની એક તેલુગુ ભારતની ભાષાઓમાં પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે. તેલુગુ તેની પ્રાચીનતા અને માધુર્ય માટે પ્રખ્યાત છે. તેલુગુ, અંગ્રેજી અને ઉર્દૂમાં અનેક સામયિકો નીકળે છે. વળી તેલંગણ પ્રદેશની ઇસ્લામી સંસ્કૃતિ રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાને પોષક રહેલી છે. રાજ્યે કેટલીક સ્વાયત્ત સંસ્થાઓ સ્થાપી છે; જે કળા, નૃત્ય, નાટક, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ગ્રામવિસ્તારોમાં લોકસંસ્કૃતિનો પ્રભાવ છે. જ્ઞાતિવાદી સામાજિક માળખું અને એમાંથી ઊભી થયેલી ખાસિયતો લોકકળામાં વિવિધતા સર્જે છે. પૌરાણિક કથાવાર્તાઓ, કઠપૂતળીના પ્રયોગો અને સ્થાનિક ગીતગાન ગ્રામવિસ્તારોનાં મહત્વનાં સાંસ્કૃતિક માધ્યમો રહ્યાં છે. ગ્રામવિસ્તારોના લોકો તેમની પ્રશિષ્ટ સંસ્કૃતિ અંગે વધુ સભાન બન્યા છે. ફિલ્મો બનાવનાર અગત્યનાં રાજ્યોમાં આંધ્રપ્રદેશ એક છે.

અર્થતંત્ર : આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર તેનો મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ, રાગી મુખ્ય ખાદ્ય પાકો છે તથા મગફળી, તમાકુ, કપાસ, શેરડી, એરંડા તેના રોકડિયા પાકો છે. તમાકુના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ગુજરાત પછી બીજા ક્રમે આવે છે. રાજ્યની ગોદાવરી અને કૃષ્ણા નદીઓ ખેતીની ર્દષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. દરિયાકિનારાના જિલ્લાઓમાં આ નદીઓનાં પાણીનો લાભ ખેતી માટે લેવાય છે. સ્વાતંત્ર્ય બાદ રાયલસીમા અને તેલંગણ જેવા સૂકા વિસ્તારો માટે આ નદીઓ અને અન્ય નદીઓનાં પાણીનો ઉપયોગ કરવાના પ્રયાસો કરાયા છે. કૃષ્ણા નદી પરનો નાગાર્જુનસાગર બંધ બહુલક્ષી યોજના છે, જેના દ્વારા સિંચાઈ થવાથી શેરડી, ચોખા અને અન્ય અનાજના ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે.

અગાઉ ઔદ્યોગિક રીતે પછાત એવો આંધ્રપ્રદેશ સ્વાતંત્ર્ય બાદ દેશનું એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય બનેલ છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. સરકારી સાહસો હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં વિકસ્યાં છે, જ્યારે ખાનગી એકમો વિજયવાડા અને ગંતુર વિસ્તારમાં ફેલાયેલા છે. દેશમાં જહાજ-બાંધકામ માટેનો સૌથી મોટો જહાજવાડો વિશાખાપટ્ટનમમાં આવેલો છે. ભારતમાં સૌથી વધુ હાથસાળ આંધ્રપ્રદેશમાં છે. સમગ્ર ભારતમાં મત્સ્ય-ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ પાંચમા ક્રમે આવે છે. ભારતમાં આ રાજ્ય ઔદ્યોગિક વિકાસમાં ચોથા ક્રમે આવે છે.

મચ્છકુંડ, તુંગભદ્રા બંધ, નાગાર્જુનસાગર અને નિઝામસાગર જળવિદ્યુતમથકો છે. નેલ્લોર રામગુંડમ્, કોઠગુંડમ્, વિજયવાડા અને હૈદરાબાદ ખાતે હુસેનસાગર થર્મલ વિદ્યુતમથકો છે. કુલ સ્થાપિત ઉત્પાદનશક્તિ (installed capacity) 6255 મૅગાવૉટ (1999-2000) છે.

પરિવહનની વ્યવસ્થા આંધ્રપ્રદેશમાં ઘણા પ્રમાણમાં વિકસી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 4,648 કિમી. અને રાજ્ય અને જિલ્લા ધોરી માર્ગો અનુક્રમે 69,051 કિમી. અને 1,37,476 કિમી. છે. તમામ ઋતુઓમાં ઉપયોગી થઈ શકે તેવા માર્ગોથી સંકળાયેલાં ગામોની સંખ્યા વધી છે.

વહીવટ : લોકસભામાં 25 અને રાજ્યસભામાં 11 બેઠકો આંધ્રપ્રદેશની છે, જ્યારે તેની વિધાનસભામાં 175 બેઠકો છે (2020). રાજ્યનું ઉપલું ગૃહ (વિધાન પરિષદ) 1985માં ‘તેલુગુદેશમ્’ની સરકાર આવ્યા બાદ તેની ભલામણથી નાબૂદ કરાયું. રાજ્યના વહીવટનું વડું મથક હૈદરાબાદ ખાતે છે. રાજ્ય કુલ 13 જિલ્લાઓમાં વહેંચાયેલું છે. રાજ્યની વડી અદાલત અમરાવતીમાં બેસે છે. દેશના સંરક્ષણ વિભાગના અનેક એકમો હૈદરાબાદ અને સિકંદરાબાદ ખાતે આવેલા છે. વિશાખાપટ્ટનમ્ નૌકાદળના પૂર્વ વિભાગનું વડું મથક છે. 2009ની રાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને બહુમતી મળતા કિરણકુમાર રેડ્ડી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.

2014 સુધી કિરણકુમાર રેડ્ડી મુખ્યમંત્રીપદે રહ્યા હતા. તેલંગણા પ્રદેશની અલગ રાજ્યની માગણી ઊઠી હતી. ડિસેમ્બર, 2009માં જ કેન્દ્ર સરકારે અલગ રાજ્યની માંગણી મંજૂર કરી હતી. 2014 પછી અલગ તેલંગણા રાજ્ય બન્યું હતું. એ પ્રક્રિયા દરમિયાન આંધ્રપ્રદેશમાં માર્ચ, 2014થી જૂન, 2014 સુધી રાષ્ટ્રપતિશાસન લાગ્યું હતું. આંધ્રપ્રદેશમાંથી તેલંગણા અલગ થયા પછી યોજાયેલી ચૂંટણીમાં તેલુગુદેશમ્ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી બન્યા હતા. ચંદ્રાબાબુ નાયડુ 2014થી 2019 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા હતા. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં વાયએસ જગમોહન રેડ્ડીનો વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીને 175માંથી 151 બેઠકો મળી હતી. એ પછી જગમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.

ઇતિહાસ : ભારતમાં મધ્યની પર્વતમાળાની દક્ષિણે આંધ્ર લોકો વસતા હોવાના ઉલ્લેખો ઈ. સ. પૂર્વે 1000ની આસપાસના ‘ઐતરેય બ્રાહ્મણ’ ગ્રંથમાંથી મળી આવે છે. મહાભારતમાં પણ આંધ્રનો ઉલ્લેખ મળે છે. ઇક્ષ્વાકુ લોકો આંધ્રભૃત્ય તરીકે ઓળખાતા હતા. તેમણે કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં રાજ્ય કર્યું હતું. તેમણે હિંદુ અને બૌદ્ધ બંને ધર્મોને પ્રોત્સાહન આપ્યું હતું, જોકે આંધ્રલોકોના અસ્તિત્વનો પુરાવો ઈ. સ. પૂર્વે ત્રીજી સદીના મૌર્યકાળમાંથી મળે છે. મહાન મૌર્યસમ્રાટ અશોકે (આશરે ઈ. સ. પૂ. 265-238) દક્ષિણમાં આંધ્રલોકોની વસાહતોનાં સ્થળોએ બૌદ્ધ સાધુઓને મોકલ્યા હતા. એ પહેલાં ઉત્તર ભારતના લોકો આંધ્રપ્રદેશ સાથે વ્યાપારી સંબંધ ધરાવતા હોવાના પુરાવાઓ મળ્યા છે. આંધ્રપ્રદેશમાં ઉતનૂર અને નાગાર્જુનકોંડા ખાતેથી લઘુપાષાણ-સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે. અશોકના શિલાલેખો પણ મળે છે. મૅગેસ્થિનીસનાં વૃત્તાંતોમાં પણ આંધ્રપ્રદેશનો ઉલ્લેખ છે.

લગભગ પહેલી સદીની આસપાસ આંધ્રવંશોમાં સૌથી વધુ પ્રખ્યાત શાતકર્ણી કે સાતવાહન સત્તા પર આવ્યા હતા. તેમણે લગભગ સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાના શાસનનો વિસ્તાર કર્યો હતો અને રોમ સાથે પણ વ્યાપારી સંબંધો બાંધ્યા હતા. સાતવાહનોનું સામ્રાજ્ય ઉત્તર અને પશ્ચિમમાં પણ દૂર દૂર સુધી વિસ્તર્યું હતું. મૌર્ય-સામ્રાજ્યની સમૃદ્ધિ પચાવી પાડવા તેઓ મગધ સુધી પહોંચી ગયા હતા. ત્રીજી સદીમાં થયેલા એક શાતકર્ણી રાજા પોતાની જાતને ‘દક્ષિણાપથપતિ’ તરીકે ઓળખાવતા હતા. તેઓ ધર્મને રાજ્યાશ્રય આપનારા હતા. મુખ્ય શહેર અમરાવતીમાં તેમણે બૌદ્ધ સ્મારકો ઊભાં કરાવેલાં અને સ્થાપત્યની તદ્દન નવી શૈલીને જન્મ આપ્યો હતો. અજન્ટાની ગુફાઓમાંનાં કેટલાંક ચિત્રો એ સમયના આંધ્રના ચિત્રકારોએ દોર્યાં હોવાનું નિષ્ણાતો માને છે. આંધ્રલોકોના આ શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ ફૂલ્યોફાલ્યો હતો અને બૌદ્ધ વિશ્વવિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી, જેમાં મહાયાન બૌદ્ધ સંપ્રદાયના સ્થાપક નાગાર્જુન (આશરે ઈ. સ. 150-250) અધ્યાપનકાર્ય કરતા હતા. નાગાર્જુનકોંડા ખાતેના અવશેષો એ ભવ્ય ભૂતકાળની આજે પણ યાદ આપે છે.

દક્ષિણના ચૌલ વંશના શાસનનો વિસ્તાર દસમી સદીમાં આંધ્રપ્રદેશમાં દક્ષિણે નેલ્લોર સુધી વિસ્તર્યો હતો, પરંતુ રાષ્ટ્રકૂટના રાજા કૃષ્ણ ત્રીજાના હાથે ચૌલોનો પરાજય થતાં તેમની આગેકૂચ નેલ્લોરમાં જ અટકી ગઈ હતી. અગિયારમી સદીમાં પૂર્વમાં ચાલુક્ય વંશના રાજાઓએ આંધ્રવિસ્તારને પહેલી જ વાર વહીવટી રીતે સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન તેલુગુ ભાષાના પ્રથમ કવિ ગણાતા નન્નાયાએ સંસ્કૃત મહાકાવ્ય મહાભારતનો તેલુગુમાં  અનુવાદ કર્યો અને એ રીતે સાહિત્યના માધ્યમ તરીકે તેલુગુનો જન્મ થયો ગણાય છે. વારંગલના કાકતીય વંશે બારમી સદી અને તેરમી સદીમાં લશ્કરી અને સાંસ્કૃતિક રીતે આંધ્રની સત્તા વધારી. એમના શાસનકાળ દરમિયાન અગ્નિ એશિયા સાથેના આંધ્રપ્રજાના વ્યાપારી સંબંધો મોટા પ્રમાણમાં વિકસ્યા હતા. કાકતીય વંશે પહેલી જ વાર સમગ્ર તેલુગુભાષી પ્રદેશ જીતી લીધો હતો. તેમના શાસન દરમિયાન શિલ્પકળા અને સાહિત્યનો વિકાસ થયો હતો. ગણપતિદેવ આ વંશનો સૌથી વધુ વિખ્યાત રાજા થઈ ગયો. તુર્કોએ હુમલા કર્યા ત્યાં સુધી એટલે કે ચૌદમી સદી સુધી તેમનું શાસન ચાલ્યું. ગોદાવરીના ત્રિકોણ પ્રદેશમાં એ સમયે ચાલુક્યોનું રાજ્ય હતું. ઉત્તરમાંથી મુસ્લિમ શાસકો આવ્યા અને તેમણે દક્ષિણમાં આક્રમણો કરતાં 1323માં વારંગલનું પતન થયું. વારંગલની નૈર્ઋત્યે આવેલ વિજયનગર સામ્રાજ્યના ઉદયે થોડા સમય માટે મુસ્લિમોની સત્તાના વિસ્તરણને ખાળ્યું હતું.

વિજયનગરનું સામ્રાજ્ય (1336-1646) આંધ્રના ઇતિહાસમાં સૌથી મહાન અને ભારતના ઇતિહાસમાં એક મહાન સામ્રાજ્ય ગણાયું છે. મધ્યયુગનું તે સૌથી છેલ્લું અને સૌથી મોટું હિન્દુ રાજ્ય હતું. આ સામ્રાજ્યની સ્થાપના હરિહરરાય અને બુક્ક નામના બે ભાઈઓએ કરી હતી. બે સદી સુધી વિજયનગર સામ્રાજ્યે દક્ષિણ ભારતના અનેક ભાષાકીય પ્રદેશોની રાજકીય એકતા સિદ્ધ કરી. વિજયનગરના લશ્કરમાં પ્રગતિવાદી સુધારાઓ કરવામાં આવ્યા અને તેને મુસ્લિમ બળો સામે ટકી રહે તેવું સક્ષમ બનાવવામાં આવ્યું. ઈ. સ. 1509થી 1529 દરમિયાન શાસન ચલાવનાર વિજયનગર સામ્રાજ્યના મહાન રાજા કૃષ્ણદેવરાયનું શાસન આર્થિક સમૃદ્ધિ, લશ્કરી સજ્જતા, શ્રેષ્ઠ વહીવટ અને કળાઓના ઉચ્ચતમ પ્રાગટ્ય માટે ઇતિહાસમાં પંકાય છે. આ ગાળા દરમિયાન તેલુગુ ભાષાનું સાહિત્ય પણ સમૃદ્ધ બન્યું. હિંદુ ધર્મના રક્ષણ માટે વિજયનગરના રાજાઓએ ખૂબ પ્રયાસ કર્યો હતો. દક્ષિણ ભારતનાં કેટલાંક વિખ્યાત મંદિરો તેમણે બંધાવ્યાં હતાં. કૃષ્ણદેવરાયના મૃત્યુ બાદ શાસનની ગાદી માટે અંદરોઅંદર ઝઘડા થવા લાગ્યા હતા. આ પરિસ્થિતિનો મુસ્લિમ શાસકોએ લાભ ઉઠાવ્યો અને તાલીકોટના યુદ્ધમાં 1565માં વિજયનગરના સામ્રાજ્યનું પતન થયું. આંધ્રવિસ્તાર સમગ્રતયા પહેલી જ વાર 1646 પછી મુસ્લિમોના અંકુશ હેઠળ આવ્યો. અહીં કુતુબશાહી વંશનું શાસન શરૂ થયું.

ઔરંગઝેબે ઈ. સ. 1687માં ગોલકોંડા પર આક્રમણ કર્યું અને તેનો કિલ્લો તોડી નાખી તેને જીતી લીધું. આથી કુતુબશાહી વંશના શાસનનો અંત આવ્યો. એ પછી નિઝામઉલ્મુલ્કે નિઝામવંશની સ્થાપના કરી. આ વંશના રાજાઓ પછીથી નિઝામ તરીકે ઓળખાવા લાગ્યા. સત્તરમી સદીમાં હૈદરાબાદના નિઝામોએ તેમના પ્રતિસ્પર્ધીઓને ખાળવા માટે, પહેલાં ફ્રેન્ચો અને પછીથી અંગ્રેજોની સહાય લીધી હતી. આના બદલામાં અંગ્રેજોએ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના ઉત્તર સરકારના જિલ્લાઓ પ્રાપ્ત કરી લીધા. આમ આંધ્રનો મોટાભાગનો પ્રદેશ 1795માં બ્રિટિશ શાસન હેઠળ આવી ગયો. જોકે તેલંગણ તરીકે જાણીતા તેલુગુભાષી વિસ્તારો નિઝામના શાસન હેઠળ રહ્યા હતા. ફ્રેન્ચોએ બદલામાં યેનામ અને કારીકલ જેવાં થોડાં નાનાં શહેરો મેળવ્યાં હતાં.

ઓગણીસમી સદીમાં ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થતાં આંધ્રના લોકોએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી. કાંડુકુરી વીર સાલિંગમ્ જેવા નેતાઓએ સામાજિક સુધારણાનો પાયો નાખ્યો. અંગ્રેજો સામેની લડાઈમાં પણ આંધ્રલોકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી. ભારત સ્વતંત્ર થયું ત્યારે નિઝામે ભારત સંઘમાં જોડાવા માટે આનાકાની કરી હતી, પણ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહભરી નીતિને લીધે છેવટે નિઝામે ભારતમાં જોડાવાનું ‘ફરમાન’ તા. 24-11-1949ના રોજ બહાર પાડ્યું હતું.

1913થી સ્વતંત્ર આંધ્ર પ્રાંત માટેની ચળવળ શરૂ થઈ હતી, પણ 1948 બાદ આંધ્રપ્રજાની અલગ રાજ્યની માગણી તીવ્ર બની. કેન્દ્ર સરકાર દ્વારા આ માગણીનો ઇન્કાર થતાં એક સ્થાનિક નેતા પોટ્ટી રામુલુએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. 52 દિવસના ઉપવાસ બાદ તા. 5-12-1951ના રોજ તેમનું અવસાન થયું. ત્યારપછી અલગ રાજ્યની માગણીને બુલંદ બનાવવા હિંસા આચરાઈ. આથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની તા. 19-12-1952ના રોજ સંસદમાં જાહેરાત કરી. તા. 1-10-1953ના રોજ આંધ્રપ્રદેશનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આંધ્રપ્રદેશે સૌપ્રથમ આ રીતે ભાષાવાર રાજ્યોની રચના માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. એમાં ભૂતપૂર્વ મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના તેલુગુભાષી જિલ્લાઓનો પણ સમાવેશ થયો. ટી. પ્રકાશમ્ રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. અગાઉના હૈદરાબાદના રજવાડાના નવ તેલુગુભાષી જિલ્લાઓ (તેલંગણ) 1-11-56ના રોજ આંધ્રપ્રદેશમાં જોડાયા. મદ્રાસ અને આંધ્રપ્રદેશ વચ્ચેના સરહદી વિવાદનો અંત, બંને રાજ્યોએ એચ. વી. પાટસકરની ભલામણો સ્વીકારતાં (23-9-1957) આવી ગયો અને 1-4-1960ના રોજ 1959નો આંધ્રપ્રદેશ અને મદ્રાસ (સરહદી ફેરફાર) ધારો અમલી બન્યો. આમ ભૂતપૂર્વ મદ્રાસ રાજ્યના ચિંગલપુર અને સાલેમ જિલ્લાઓનો 573 ચોકિમી. જેટલો વિસ્તાર આંધ્રપ્રદેશને અપાયો અને તેના બદલામાં ચિત્તૂર જિલ્લાનો 1,062 ચોકિમી. વિસ્તાર મદ્રાસ રાજ્યને તબદિલ કરાયો.

રાજ્યના તેલંગણ પ્રદેશમાં નક્સલવાદીઓની હિંસક પ્રવૃત્તિઓ 1960ના દાયકાથી ચાલુ રહી હતી. તેઓ મહદ્અંશે ઉદ્દામવાદી આર્થિક ફેરફારોની માગણી કરતા રહ્યા હતા અને વખતોવખત તેલંગણ રાજ્યની સ્થાપના માટેની માગણી પણ ઊઠતી રહી હતી. નક્સલવાદીઓ લગભગ 12 જેટલાં લડાયક જૂથોમાં વહેંચાયેલા રહ્યા છે. સૌથી લડાયક જૂથ ‘લોકયુદ્ધ જૂથ’ (People’s War Group) છે. 1970ના દાયકામાં અને ખાસ કરીને તેના ઉત્તરાર્ધમાં નક્સલવાદીઓની હિંસક પ્રવૃત્તિઓ ઘટી હતી, પરંતુ 1980ના દાયકામાં તે ફરીથી વધવા માંડી. ડિસેમ્બર, 1987માં આંધ્રના આઠ જેટલા ઉચ્ચ અધિકારીઓનું અપહરણ કરીને તેમણે ઇતિહાસ સર્જ્યો હતો. 1980ના ઉત્તરાર્ધમાં તેલુગુ ફિલ્મ-અભિનેતા એન. ટી. રામારાવના નેતૃત્વ હેઠળના ‘તેલુગુદેશમ્’ પક્ષે (સ્થાપના 29-3-82) કૉંગ્રેસને તેના ગઢ ગણાતા આંધ્રપ્રદેશમાં જબરદસ્ત શિકસ્ત આપીને સત્તા હાંસલ કરી. જાન્યુઆરી 1983માં રાજ્યવિધાનસભાની યોજાયેલી ચૂંટણીઓમાં તેલુગુદેશમને 295માંથી 201 બેઠકો મળી અને કૉંગ્રેસ(ઈ)ને માત્ર 60 બેઠકો મળી. આથી એન. ટી. રામારાવ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. રાજ્યમાં પહેલી જ વાર કૉંગ્રેસે સત્તા ગુમાવી અને એક પ્રાદેશિક પક્ષ સત્તા ઉપર આવ્યો.

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ડિસેમ્બર, 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં તેલુગુદેશમે આંધ્રપ્રદેશની કુલ 42 બેઠકોમાંથી 30 બેઠકો મેળવી. આ સાથે લોકસભામાં કૉંગ્રેસ પછી તે સૌથી વધુ બેઠકો ધરાવનાર પક્ષ બન્યો. માર્ચ, 1985માં યોજાયેલી રાજ્યવિધાનસભાની મધ્યસત્રીય ચૂંટણીઓમાં તેલુગુદેશમ્ ફરીથી 202 બેઠકો સાથે વિજયી બન્યો. કૉંગ્રેસની બેઠકો ઘટીને 49 થઈ ગઈ. એન. ટી. રામારાવ ફરીથી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા.

રામારાવે રાજ્યમાં લોકોને સસ્તા દરે અનાજ આપવાની અને વિકાસલક્ષી કામોને વેગ આપવાની નીતિ અપનાવી. રાષ્ટ્રીય સ્તરે અનેક વિપક્ષી સંમેલનો અને પરિષદોમાં તેમણે અગ્ર ભૂમિકા ભજવી. દેશનાં અન્ય રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષોને વિકસાવવા તરફ તેમનો ઝોક રહ્યો છે. જાન્યુઆરી, 1989માં તમિળનાડુની ચૂંટણીમાં દ્રવિડ મુનેત્ર કઝગમનો વિજય થતાં તેમની આ પ્રવૃત્તિને વેગ મળ્યો.

1989ના નવેમ્બરમાં સંસદ તેમજ આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં એન. ટી. રામારાવના તેલુગુદેશમ્ પક્ષની હાર થઈ અને ચેન્ના રેડ્ડીના પંતપ્રધાનપદે કૉંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવ્યો. વિધાનસભામાં તેલુગુદેશમ્ તથા અન્ય પક્ષોએ સંયુક્ત રીતે માત્ર 94 બેઠકો મેળવી, જ્યારે કૉંગ્રેસ પક્ષે 180 બેઠકો મેળવી. આંધ્રપ્રદેશની સંસદ માટેની 42 બેઠકોમાંથી તેલુગુદેશમ્ માત્ર 2 બેઠકો મેળવી શક્યો અને કૉંગ્રેસે બાકીની 40 બેઠકો કબજે કરી.

ડિસેમ્બર, 1994ની વિધાનસભાની ચૂંટણીમાં તેલુગુદેશમ્ પક્ષે ભારે બહુમતી સાથે 224 બેઠકો અને કૉંગ્રેસે 25 બેઠકો મેળવી હતી. ચંદ્રાબાબુ નાયડુ મુખ્ય પ્રધાન બન્યા. સપ્ટેમ્બર, 1999ની વિધાનસભાની ચૂંટણીમાં તેલુગુદેશમ્ પક્ષે 180, કૉંગ્રેસે 91 અને ભારતીય જનતા પક્ષે 12 બેઠકો મેળવી. તેલુગુદેશમ્ પક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન બન્યા. તેઓ આંધ્રપ્રદેશને નમૂનારૂપ રાજ્ય બનાવવા ઇચ્છતા હતા. બહેતર વહીવટ માટે તેઓ કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના ઉપયોગ દ્વારા વિભાગીય વડાઓ અને કલેક્ટર (સમાહર્તા) વચ્ચે (કમ્પ્યૂટર) જોડાણ ઊભાં કરી ફરિયાદોના ઝડપી ઉકેલની દિશામાં કાર્યરત હતા. ‘ગ્લોબલ વિઝન 2020’ હેઠળ યુનોના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશન સાથે અન્ય 20 બિનસરકારી સંગઠનો દ્વારા ‘ર્દષ્ટિનો અધિકાર’ (Right to Sight) આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ આંખોની માવજત કરવાનો અને અંધાપાને રોકવાનો છે.

1969-70 અને 72-73નાં વર્ષો બાદ 2000ના વર્ષથી તેલંગણા રાજ્યની માંગ ફરી ઉદભવી હતી. 2013 સુધીમાં તેલંગણાની માંગ વધુ તીવ્ર બની રહી હતી. 2014થી તેલંગણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.

શિવપ્રસાદ રાજગોર

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

દેવવ્રત  પાઠક