આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ (Transactional Analysis-T. A.) : માનવીના વર્તનને સમજવાના એક બૌદ્ધિક અભિગમ તરીકે તેમજ જૂથ માનસોપચાર તરીકે આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ અર્વાચીન કાળમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ટી. એ.માં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સામાજિક વ્યવહારોનું વિશ્લેષણ કરી તેનો માનસોપચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટી. એ.ની શરૂઆત કરવાનું માન એરિક બર્નને છે. તેના વિખ્યાત પુસ્તક ‘ગેઇમ્સ પીપલ પ્લે’ (1964)થી માનસોપચારની આ પદ્ધતિ શરૂ થયાનું મનાય છે. ટૉમસ હેરિસનું ‘આઇ એમ ઓ. કે., યુ. આર. ઓ. કે.’ (1967) તેમજ મ્યૂરિયલ જોન્સ અને ડૉરોથી જૉન્ગેવૉર્ડનું ‘બૉર્ન ટૂ વિન’ (1971) એ આ વિષયનાં બીજાં નોંધપાત્ર પુસ્તકો છે.

ટી. એ.ના મૂળભૂત ખ્યાલો નીચે મુજબ છે : (1) અહંસ્થિતિઓ (ego states) : ટી. એ.માં આંતરવ્યવહાર(transaction)નો અર્થ થાય છે ઉદ્દીપક વત્તા પ્રતિભાવ. દા.ત., આપણે કોઈને કહીએ કે ‘તમને મળીને ખૂબ આનંદ થયો’ અને સામી વ્યક્તિ આપણને ‘આભાર’ કહે તો આપણા ઉદગારો એ ઉદ્દીપક છે અને સામી વ્યક્તિના ઉદગારો પ્રતિભાવ છે અને આ સમગ્ર પ્રક્રિયાને ‘આંતરવ્યવહાર’ કહેવામાં આવે છે. સામાજિક આંતરક્રિયા દરમિયાન આવા અગણિત વ્યવહારો થતા જ રહે છે. ટી. એ. વિશ્લેષકો આનાથી આગળ વધીને એમ માને છે કે આપણા મસ્તિષ્કમાં માનસિક કક્ષાએ પણ અનેક વ્યવહારો થતા રહે છે; દા.ત., આપણે કોઈના પર ખૂબ રોષે ભરાયા હોઈએ અને તેને બે શબ્દો સંભળાવી દેવાની તીવ્ર ઇચ્છા આપણને થઈ હોય, પરંતુ એ જ સમયે આપણને કોઈ ચેતવે, સાવધાન કરે અને રોકે, વિવેકબુદ્ધિ-પ્રેરિત કોઈ ‘અવાજ’ જાણે કે આપણે મનોમન સાંભળીએ કે આ સમયે મૌન રહેવું હિતાવહ છે. અંતરમાંથી આવતા આવા અવાજને મનોવૈજ્ઞાનિકો ‘અહંસ્થિતિ’ તરીકે ઓળખાવે છે. ચિત્તની ત્રણ અહંસ્થિતિઓ કલ્પવામાં આવી છે : વાલી અહંસ્થિતિ (parent ego state), પુખ્ત અહંસ્થિતિ (adult ego state) અને બાળ અહંસ્થિતિ (child ego state). વાલી અહંસ્થિતિ કેવળ વાલીમાં કે માતા-પિતામાં હોય. પુખ્ત અહંસ્થિતિ કેવળ પુખ્તવયની વ્યક્તિમાં હોય અને બાળ અહંસ્થિતિ કેવળ બાળકમાં હોય એમ માનવાનું નથી. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વમાં આ ત્રણેય અહંસ્થિતિઓ હોય છે અને તેથી જ બે વ્યક્તિઓ જ્યારે પરસ્પર વ્યવહાર કરે ત્યારે વાસ્તવમાં બે નહીં પણ છ વ્યક્તિઓ વ્યવહાર કરતી હોય છે. આ ત્રણ સ્થિતિઓને આકૃતિ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય :

જે ક્ષણે વ્યક્તિ પોતાનાં માતાપિતા કે વાલીની જેમ વર્તે તે ક્ષણે તેનામાં ‘વાલી અહંસ્થિતિ’ સક્રિય હોય છે. જે ક્ષણે વ્યક્તિ વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને વસ્તુલક્ષી રીતે વર્તે તે ક્ષણે તેનામાં પુખ્ત અહંસ્થિતિ સક્રિય હોય છે અને જે ક્ષણે વ્યક્તિ પોતે બાળક મુજબ વર્તે તે ક્ષણે તેનામાં બાળ અહંસ્થિતિ સક્રિય હોય છે.

() વાલી અહંસ્થિતિ : બાલ્યાવસ્થા દરમિયાન માતાપિતા અને મુરબ્બીઓ પાસેથી બાળકને જે સંસ્કારો મળે છે તેમાંથી વાલી અહંસ્થિતિનું નિર્માણ થાય છે. જેમ ટેપરેકર્ડરમાં ભાષણ કે ગીતનું ધ્વનિમુદ્રણ થાય છે તેમ માતાપિતા અને મુરબ્બીઓના સંસ્કારસંદેશાઓનું આપણા ચિત્તમાં મુદ્રણ થઈ જાય છે. ચિત્તમાં મુદ્રિત થયેલા આ સંદેશાઓ આપણા રોજબરોજના વ્યવહારમાં અનેક સ્વરૂપે બહાર આવે છે. માતાપિતાની હાજરી ન હોય છતાં પણ એમણે જે કોઈ સંસ્કારો આપણને આપ્યા હોય તેનાથી વિરુદ્ધનું કંઈ પણ વર્તન આપણાથી થઈ જાય તો જાણે કે કશોક અપરાધ કર્યો હોય તેવો ભાવ આપણે અનુભવીએ છીએ.

વાલી અહંસ્થિતિનાં બે સ્વરૂપ છે : પ્રેમાળ વાલી (nurturing parents) અને ટીકાકાર વાલી (critical parents). પ્રેમાળ વાલી અહંસ્થિતિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિઓને સમજે છે અને તેમની કાળજી રાખે છે. અન્ય વ્યક્તિઓ ‘બરાબર નથી’ એવું તેમને લાગવા દેતા નથી, જ્યારે ટીકાકાર વાલી તો અન્ય વ્યક્તિઓને તેમનું ‘વર્તન’ જ નહિ પણ ‘વ્યક્તિત્વ’ પણ બરાબર નથી એનું સતત ભાન કરાવતા હોય છે. ટીકાકાર વાલી ખૂબ ‘મૂલ્યાંકનલક્ષી’ હોય છે. આમ થવું જોઈએ અને આમ ન જ થવું જોઈએ, આમ વર્તાય અને આમ તો ન જ વર્તાય એવા દુરાગ્રહો તેઓ રાખતા હોય છે.

() પુખ્ત અહંસ્થિતિ : જ્યારે આપણે લાગણીના પ્રવાહમાં ખેંચાયા સિવાય તાર્કિક અને બુદ્ધિગમ્ય રીતે વર્તીએ ત્યારે પુખ્ત અહંસ્થિતિની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિના કારણે જ આપણે સમસ્યાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિહાળી શકીએ છીએ અને તેને ઉકેલવા માટેના બુદ્ધિગમ્ય નિર્ણયો લઈ શકીએ છીએ. આ સ્થિતિમાં વ્યક્તિ વિકલ્પો, સંભવિતતાઓ અને મૂલ્યોને તટસ્થ અને તાર્કિક રીતે ચકાસે છે અને પછી જ વર્તે છે.

() બાળ અહંસ્થિતિ : વ્યક્તિ પૂરી ગંભીરતાથી વિચાર કર્યા વિના લાગણીના પ્રવાહમાં ખેંચાઈને વર્તે ત્યારે બાળ અહંસ્થિતિ સર્જાઈ છે. બાળ અહંસ્થિતિનાં બે સ્વરૂપ છે : આનંદી બાળક (happy child) અને (2) વિઘાતક બાળક (destructive child). આનંદી બાળકની અહંસ્થિતિવાળી વ્યક્તિઓ મનમોજી રીતે વર્તે છે પરંતુ તેમનું વર્તન અન્ય વ્યક્તિઓને માટે વિઘાતક હોતું નથી, જ્યારે વિઘાતક બાળકની અહંસ્થિતિવાળી વ્યક્તિઓનું વર્તન ખંડનાત્મક હોય છે. વિઘાતક બાળકની અહંસ્થિતિનાં પણ બે સ્વરૂપ છે : (1) વિદ્રોહી બાળક (rebellious child) અને (2) આજ્ઞાંકિત બાળક (compliant child). વિદ્રોહી અહંસ્થિતિમાં વ્યક્તિ પોતાનાથી મોટેરાંઓ જે કંઈ કહે તેનો સખત વિરોધ કરે છે. જ્યારે આજ્ઞાંકિત અહંસ્થિતિમાં વ્યક્તિ ‘હા જી હા’ અને ‘ના જી ના’ કર્યા કરે છે.

ઉપર્યુક્ત ત્રણેય મુખ્ય અહંસ્થિતિઓમાંથી (વાલી, પુખ્ત કે બાળ) કોઈ એક સ્થિતિ વ્યક્તિમાં સતત રીતે જોવા મળે તો તેના કારણે વર્તનસમસ્યાઓ સર્જાય છે; જેમ કે, સતત વાલી અહંસ્થિતિવાળી વ્યક્તિઓ તેમના સંપર્કમાં આવતાં સૌ કોઈને બાળક જ ગણે છે. તેઓ સર્વજ્ઞ હોય તે રીતે જ વર્તે છે. તેમની સામે દલીલ થાય જ નહિ અને ભૂલેચૂકે તેમ કરીએ તો તેઓ રોષે ભરાઈ જાય છે. તેમનામાં વિનોદવૃત્તિ હોતી નથી. ઉચ્ચ સ્થાને વિરાજતા કેટલાક મહાપુરુષો કે સત્તાધીશો આ પ્રકારના હોય છે.

સતત પુખ્તવયની અહંસ્થિતિવાળી વ્યક્તિઓ વસ્તુલક્ષી રીતે વિચાર કરતી હોય છે. શાણપણની જરૂર હોય ત્યારે તે ઉપયોગી બને છે, પરંતુ તેઓમાં લાગણી અને સહાનુભૂતિનો છાંટોય જોવા મળતો નથી. તેઓ બહુ રુક્ષ અને નિર્મમ હોય છે અને તેથી જ તો લોકો તેમનાથી કંટાળી જાય છે. સતત બાળ અહંસ્થિતિવાળી વ્યક્તિઓ ક્યારેય મોટી થતી નથી. તેમને મોટા થતાં ડર લાગે છે. તેઓ પોતે કોઈ જવાબદારી લે નહિ કે પહેલ કરે નહિ; પરાધીન, પરાવલંબી અને પરાશ્રિત જ રહે. માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિમાં વાલી, પુખ્ત અને બાળ અહંસ્થિતિઓનાં શ્રેષ્ઠ તત્વોનો સુભગ સમન્વય થયેલો હોય છે. એલ. વેગ્નરના મતે પ્રેમાળ વાલી, પુખ્ત અને આનંદી બાળકની અહંસ્થિતિનો સમન્વય સર્વશ્રેષ્ઠ છે.

જીવનસ્થતિઓ (life positions) : પોતાની જાત અને અન્ય વ્યક્તિઓ વિશે વ્યક્તિએ જે ધારણાઓ બાંધી હોય તેને હેરિસ ‘જીવનસ્થિતિઓ’ તરીકે ઓળખાવે છે. આપણું પ્રત્યક્ષીકરણ આપણી પોતાની ‘જીવનસ્થિતિ’ પર આધાર રાખે છે. જીવનસ્થિતિઓની ર્દષ્ટિએ ચાર શક્યતાઓ છે :

(1) હું બરાબર નથી, તમે પણ બરાબર નથી. (I am not O. K.; you are not O. K.) : આ પ્રકારની જીવનસ્થિતિવાળી વ્યક્તિ એમ વિચારે છે કે જગતમાં પોતાનું કોઈ મૂલ્ય નથી અને બીજાઓનું પણ કોઈ મૂલ્ય નથી. જગત દુ:ખો અને યાતનાઓથી ભરેલું છે અને જીવન જીવવા જેવું નથી. તેઓ છિન્નમાનસના દર્દી જેવું વર્તન (schizoid behaviour) કરે છે અને આત્યંતિક કિસ્સાઓમાં આત્મઘાત કરે છે કે ખૂન કરી બેસે છે.

(2) હું બરાબર નથી પરંતુ તમે બરાબર છો. (I am not O. K., but you are O. K.) : આ પ્રકારની જીવનસ્થિતિવાળી વ્યક્તિ પોતાની જાતને હીન માને છે, પોતાનામાં કોઈ યોગ્યતા નથી એવી લઘુતાગ્રંથિથી તે પીડાય છે. પોતાની તુલનામાં બીજાને તે સમર્થ જ માન્યા કરે છે. આવી વ્યક્તિઓ પોતાના વાતાવરણથી વિમુખ થતી જાય છે અને એક પ્રકારની ખિન્નતા(depression)નો અનુભવ કરે છે. ગંભીર કિસ્સાઓમાં તેઓ આત્મહત્યા  પણ કરી બેસે છે. આ જીવનસ્થિતિ ઘણુંખરું આજ્ઞાંકિત બાળ અહંસ્થિતિમાંથી ઉદભવે છે.

(3) હું બરાબર છું પરંતુ તમે બરાબર નથી. (I am O. K., but you are not O. K.) : આ પ્રકારની જીવનસ્થિતિવાળી વ્યક્તિને એમ લાગે છે કે પોતે તો આ જગતની એક શ્રેષ્ઠ વ્યક્તિ છે પરંતુ બીજાઓ તેનો તેજોદ્વેષ કરે છે. બીજા તેને યાતના પહોંચાડવાનાં ષડ્યંત્રો રચે છે એમ માનીને તે બીજાઓને ત્રાસ અને યાતના પહોંચાડે છે. તે પોતાનાં દુ:ખો માટે બીજાઓને જ જવાબદાર ગણે છે. રીઢા ગુનેગારોમાં ઘણી વાર આવું વ્યામોહાત્મક વર્તન (paranoid behaviour) જોવા મળે છે. આત્યંતિક કિસ્સાઓમાં આવા લોકો ખૂન પણ કરી બેસે.

(4) હું બરાબર છું અને તમે પણ બરાબર છો (I am O. K.; you are O. K.) : આ પ્રકારની જીવનસ્થિતિવાળી વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત વલણવાળી હોય છે. તેને જીવન જીવવા જેવું, માણવા જેવું લાગે છે. તેમને પોતાની જાતમાં વિશ્વાસ હોય છે અને બીજાઓ પર પણ તે વિશ્વાસ મૂકી શકે છે. પ્રેમાળ વાલી, પુખ્ત અને આનંદી બાળક એમ ત્રણ સ્વરૂપની અહંસ્થિતિઓનો સુભગ સમન્વય જેઓમાં થયો હોય તેઓ જગતને આ રીતે જોઈ શકે છે.

અર્નસ્ટ નામના અભ્યાસીએ આ ચારેય જીવનસ્થિતિઓ અને તેમાંથી આવતાં પરિણામોને નીચેના સમચોરસ દ્વારા દર્શાવ્યા છે :

તમે ‘બરાબર’ નથી.

G. O. W. = Get-on-with

G. A. F. = Get away from

G. N. W. = Get no-where with

G. R. O. = Get rid of

લોકો વચ્ચેના આંતરવ્યવહારો : ટી. એ.ની ર્દષ્ટિએ લોકો વચ્ચેના આંતરવ્યવહારોનાં બે સ્વરૂપો છે : (i) પૂરક કે ખુલ્લા આંતરવ્યવહારો, (ii) વિપરીત કે બદ્ધ આંતરવ્યવહારો. જો વાતચીત અને વ્યવહારમાં યોગ્ય અને અપેક્ષિત પ્રતિભાવ સાંપડે તો તેને ‘પૂરક કે ખુલ્લા આંતરવ્યવહાર’ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ અયોગ્ય અને અનપેક્ષિત પ્રતિભાવ સાંપડે તો તેને ‘વિપરીત કે બદ્ધ આંતરવ્યવહાર’ તરીકે ઓળખવામાં આવે છે. પૂરક આંતરવ્યવહારમાં પ્રત્યાયન(communication)ની પ્રક્રિયા ચાલુ રહે છે જ્યારે વિપરીત આંતરવ્યવહારમાં પ્રત્યાયનની પ્રક્રિયામાં અંતરાય આવે છે. વ્યક્તિઓ વચ્ચેના આંતરવ્યવહારો પૂરક છે કે વિપરીત, ખુલ્લા છે કે બદ્ધ તેના વિશ્લેષણ પરથી જુદી જુદી અહંસ્થિતિઓની તાકાત નક્કી કરી શકાય છે; એટલું જ નહીં પણ વ્યક્તિએ ઓ. કે.-પણાની ર્દષ્ટિએ કયા પ્રકારની જીવનસ્થિતિ ધોરણ કરેલી છે તે પણ જાણી શકાય છે અને તેના આધારે તે વ્યક્તિ ભવિષ્યમાં કેવી રીતે વર્તશે તેની આગાહી પણ કરી શકાય છે.

સ્પર્શ (strokes) : બે વ્યક્તિઓ આંતરવ્યવહાર કરે ત્યારે તેઓ પરસ્પર કશીક મનોવૈજ્ઞાનિક અસર પહોંચાડે છે. આવી અસરને ટી. એ.-વિશ્લેષકો ‘સ્પર્શ’ તરીકે ઓળખાવે છે. આવા સ્પર્શથી વ્યક્તિની ‘માન્યતાભૂખ’ (recognition hunger) સંતોષાય છે. ટી. એ.-વિશ્લેષકો ‘સ્પર્શ’ કે ‘સ્ટ્રોક્સ’ને એક જૈવિક જરૂરિયાત ગણે છે. આપણો પણ અનુભવ છે કે કોઈ આપણી ગણના કરે તો આપણને ગમે છે, અવગણનાથી આપણે દુ:ખી થઈ જઈએ છીએ. આપણી તરફ કોઈ વહાલ બતાવી આપણને કોઈ માન આપે કે આપણી કોઈ કદર કરે ત્યાં આપણને ‘વિધાયક સ્પર્શ’નો અનુભવ થાય છે; એથી ઊલટું આપણો કોઈ તિરસ્કાર કરે, આપણું કોઈ અપમાન કરે કે આપણી કોઈ ઉપેક્ષા કરે તો આપણને ‘નિષેધક સ્પર્શ’નો અનુભવ થાય છે. વ્યક્તિ માત્રને વિધાયક સ્પર્શ આહલાદક લાગે છે પરંતુ જો તેને કોઈ પણ પ્રકારનો (વિધાયક કે નિષેધક) સ્પર્શ જ ન મળે તો છેવટે તે નિષેધક સ્પર્શને પણ આવકારે છે. જેની ઘરમાં અવગણના થતી હોય તે બાળક તોફાન કરીને પણ આપણું ધ્યાન ખેંચે છે. તે જાણે છે કે તોફાન બદલ તેને શિક્ષા થવાની છે છતાં તે તોફાન કરે છે. શિક્ષા સહન થશે, ઉપેક્ષા સહન થતી નથી. પતિનો પ્રેમ ન મળતો હોય તેવી પત્ની માંદી પડી જઈને પણ પતિનું ધ્યાન ખેંચે છે. અસરકારક આંતરવ્યવહાર માટે આ ‘સ્પર્શ’ સિદ્ધાંતનું મહત્વ સમજવા જેવું છે. બીજાઓની લાગણીઓને યોગ્ય સમયે સ્પર્શીએ અને બીજાઓની ‘માન્યતા મેળવવાની ભૂખ’ને સંતોષીએ તો અસરકારક વ્યવહાર શક્ય બને છે.

મનોવૈજ્ઞાનિક રમતો (psychological games) : વ્યક્તિની ‘માન્યતાભૂખ’ પૂરતા પ્રમાણમાં ન સંતોષાય તો વ્યક્તિ ‘સ્પર્શવંચિતતા’નો અનુભવ કરે છે. આ પ્રકારની વંચિતતાની પૂર્તિ કરવા તે મનોવૈજ્ઞાનિક રમતોનો આશ્રય લે છે. ટી. એ.ના માનસોપચારમાં વ્યક્તિની મનોવૈજ્ઞાનિક રમતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને તેને તેની સમજ આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક રમતની કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ હોય છે. બર્નના મતે રમત એ આંતરવ્યવહારોનો એવો એક સેટ છે, જેનું વ્યક્તિ ઘણી વાર પુનરાવર્તન કર્યાં કરે છે. ઉપર ઉપરથી એ બુદ્ધિગમ્ય લાગે છે, પરંતુ તેની પાછળ કોઈ છૂપો હેતુ રહેલો હોય છે. આ રમતો ‘આનંદ’ ખાતર નહિ પણ ચોક્કસ હેતુસર જ રમાતી હોય છે. તેની અમુક ચોક્કસ રીતે શરૂઆત થાય છે. તેના અમુક ચોક્કસ નિયમો હોય છે અને તેનું અપેક્ષિત પરિણામ પણ આવે છે. મનોવૈજ્ઞાનિક રમતનો હેતુ ક્ષતિપૂર્તિ કરીને જીવનની બાજી જીતવાનો છે. પરંતુ જે વ્યક્તિને માટે આ રમત કે રમતો સાધન મટી જઈ સાધ્ય બની જાય અથવા તો જીવનશૈલી બની જાય તે વ્યક્તિ જીવનની બાજી જીતવાને બદલે હારી જાય છે; દા.ત., કેટલીક વ્યક્તિઓ બહાનાં બતાવવાની મનોવૈજ્ઞાનિક રમત રમે છે. આવી વ્યક્તિઓ તમારી વાત સાથે સંમત થશે, પણ કરશે પોતાનું ધાર્યું જ. તમારું કહેલું સાચું હોય તો પણ તે કેમ એમ નથી કરવા માગતા તેના જાત જાતના ખુલાસાઓ તમને આપશે. આને ‘હા… પણ-(yes… but)’ની રમત કહેવામાં આવે છે. તમે કહો છો તે વાત સાચી છે કે મારે તે બંગલો ખરીદી લેવો જોઈએ પણ જુઓ ને એ કેટલે દૂર સોસાયટીમાં છે ! હજુ કોઈ રહેવા ગયું નથી, પાણીની અગવડ છે, ચોરીનો ભય છે, ભવિષ્યમાં તે લત્તો વિકસશે કે કેમ એ શંકા છે, બાંધકામના પ્રમાણમાં ભાવ વધારે છે, બાંધકામ નબળું છે, કૉન્ટ્રાક્ટર લુચ્ચો છે, પડોશ સારો નથી, હવાઉજાસ ઠીક છે પરંતુ પ્લાન સારો નથી એવાં એક હજાર ને એક બહાનાં કાઢશે. હકીકતમાં તેને બંગલા પાછળ પૈસા ખર્ચવા હોતા નથી અને પોતાને બંગલો લેવો છે તેવું બતાવ્યાં કરવું હોય છે. બર્ને ‘ગેઇમ્સ પીપલ પ્લે’ નામના તેના શકવર્તી પુસ્તકમાં સો કરતાં પણ વધારે આવી રમતોનું વિશ્લેષણ કર્યું છે અને તેમને ‘now I have got you’ (હવે તમે પકડાઈ ગયા છો)ની રમત, ‘પુઅર મી’ (ગરીબડા દેખાવાની રમત) ‘બ્લેમિશ’ (બીજાની ભૂલો કે દોષો શોધ્યા કરવાની રમત), ‘કિંગ ઑવ્ ધ હિલ’ (પોતે બીજા કરતાં હોશિયાર છે તેવો દેખાવ કરવાની રમત) અને ‘ઇફ ઇટ વૅર નૉટ ફૉર યુ’ (તમારે ખાતર જ) જેવાં રમૂજી અને અર્થસૂચક નામો આપ્યાં છે. મનોવૈજ્ઞાનિક રમતોની સમગ્ર પ્રક્રિયાને સમજવા માટે આ પુસ્તક બાઇબલ સમું ગણાયું છે.

પટકથાવિશ્લેષણ (script analysis) : વ્યક્તિએ પોતાના જીવનમાં કયા પ્રકારની ‘જીવનસ્થિતિ’નો સ્વીકાર કર્યો છે અને તે કયા પ્રકારની મનોવૈજ્ઞાનિક રમતો રમવાનું શરૂ કરે છે એના પર તેના જીવનની પટકથાનો આધાર છે. દરેક વ્યક્તિ પોતે વણી રાખેલી પટકથા મુજબ જ જીવન જીવે છે અને વ્યવહારો કરે છે. આ વ્યવહારો વિધાયક હોય, નિષેધક હોય કે પછી કશું જ પરિણામ ન લાવે તેવા અર્થહીન પણ હોય. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિની પટકથામાં ‘બાળપણના અનુભવો’ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શરૂઆતમાં ‘અશાબ્દિક’ રીતે પટકથાનું નિર્માણ શરૂ થાય છે. આ નિર્માણમાં માતાપિતા અને મુરબ્બીઓ, વાલીઓ અને વડીલો સૌ મહત્વનો ફાળો આપે છે. શિશુની પાસે જાણે કે રડાર હોય તેમ તે માતાપિતાના સંદેશાઓ ઝીલવા માંડે છે. જે બાળકોને માતાપિતાનાં લાડપ્રેમ મળતાં નથી તેઓ ‘પોતે બરાબર નથી.’ (not O. K.) એવા ભાવનો અનુભવ કરે છે. માતાપિતા અને એની આસપાસની વ્યક્તિઓ બાળક માટે જે ઉદગારો કાઢે છે તેના પરથી બાળકમાં પોતાના ‘સ્વ’ વિશેનો ખ્યાલ બંધાવો શરૂ થાય છે; દા.ત., માતાપિતા પોતાનું બાળક ‘હોશિયાર’ છે એવા ઉદગારો કાઢે તો બાળકમાં પોતે હોશિયાર છે એવો ખ્યાલ બંધાય છે, પરંતુ મા-બાપ બાળકને વારેઘડીએ ‘ઠોઠ’ કહેતાં હોય તો બાળક ‘આપણે તો ઠોઠ… પાસ થવાના જ નહિ’ એવો ખ્યાલ બાંધી લે છે. આ ઉપરાંત બાળકના જન્મનો ક્રમ (મોટો, વચેટ, નાનો ઇત્યાદિ), તેની જાતિ (છોકરો કે છોકરી), તેની જ્ઞાતિ (ઉચ્ચ વર્ણ કે નિમ્ન વર્ણ), તેનાં માતાપિતાનો સામાજિક-આર્થિક વર્ગ (ઉચ્ચવર્ગ, મધ્યવર્ગ કે નિમ્નવર્ગ), તેની સંસ્કૃતિ (જેમ કે ભારતીય સંસ્કૃતિમાં ઉછેર પામનાર ‘પ્રારબ્ધવાદી’ બને અને પશ્ચિમની સંસ્કૃતિમાં ઉછેર પામનાર ‘મહત્વાકાંક્ષી’ બને) જેવી અનેક બાબતો દ્વારા વ્યક્તિના જીવનની પટકથાના તાણાવાણા વણાય છે. ટી. એ.નું અંતિમ લક્ષ્ય વ્યક્તિની પટકથાનું વિશ્લેષણ કરવાનું છે, કારણ કે વ્યક્તિની પટકથા જ તેની અસ્મિતા અને નિયતિ નક્કી કરે છે. આ પટકથા એ વિધિના લેખ નથી અને તેથી ટી. એ.-વિશ્લેષકો માને છે કે વ્યક્તિ ધારે તો પોતાની પટકથા બદલી શકે છે. શરત એટલી જ છે કે આ માટે પોતાના અત્યાર સુધીના જીવન દરમિયાન વિચારવાની અને વર્તવાની જે અયોગ્ય વર્તન-ભાતો સ્થાપિત થઈ ગઈ છે તેને બદલવાની તૈયારી અને તત્પરતા હોવાં જોઈએ. આ પ્રક્રિયા કષ્ટદાયક છે, પરંતુ અશક્ય નથી. ટી. એ. દ્વારા વ્યક્તિ પોતાના જીવનનો રાહ બદલી શકે છે અને પોતાના વ્યક્તિત્વનું નવઘડતર કરી શકે છે.

નટવરલાલ શાહ