અહિંસા

મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે તેવાં યુદ્ધકીય અસ્ત્રશસ્ત્રનું સતત વધતું ઉત્પાદન – જેમાં ઝેરી ગૅસ અને વાયુ ઉપરાંત અંતરીક્ષમાં ફેલાઈ શકે તેવાં શસ્ત્રોનો પણ સમાવેશ થાય છે – આ સર્વ વિવિધ પ્રકારની અને જુદી જુદી કક્ષાએ ચાલતી હિંસાનાં ઉદાહરણ છે. વિજ્ઞાન અને તંત્રવિદ્યાનાં થતાં નવાં સંશોધનનો વિનિયોગ પણ હિંસાત્મક હેતુ માટે મોટા પાયા ઉપર થઈ રહ્યો છે.

વ્યાપક બનતી હિંસાની પ્રતિક્રિયા રૂપે તેમજ સ્વતંત્ર વિભાવના તરીકે અહિંસાની અગત્ય અને તેનો મહિમા વધતાં જતાં દેખાય છે. આમ થાય તે સ્વાભાવિક છે, કારણ કે જેમ હિંસા તેમ અહિંસાનો ખ્યાલ માનવસંસ્કૃતિની પરંપરાના એક ભાગ તરીકે હંમેશાં રહ્યો છે. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં તેમજ તેના વિવિધ ધર્મોમાં અહિંસાનું માહાત્મ્ય સ્વીકારાયું છે. ગાંધીજીએ કહેલું તેમ, અહિંસા પૃથ્વીના ભૂપૃષ્ઠ ઉપર આવેલી પર્વતમાળાઓ જેટલી પ્રાચીન છે.

અહિંસાની વિભાવનાનો વિકાસ, તેનો આધુનિક સંદર્ભ તેમજ અહિંસાનો વિજ્ઞાન સાથેનો સંબંધ તથા અહિંસક રાજ્યની કલ્પનાનું રાજ્ય કેવું હશે તેની વિચારણા અહીં પ્રસ્તુત છે.

વિભાવનાનો વિકાસ : હિંસા અર્થાત્ મારવું, હણવું, નાશ કરવો આદિ અર્થ ધરાવનાર શબ્દનો નકારાત્મક અર્થ દર્શાવતો શબ્દ તે અહિંસા. અહિંસા એ યમનિયમમાં સમાવેલો એક વિશ્વભરનો આચારસિદ્ધાંત છે. તેની શરૂઆત વૈદિક સાહિત્યથી થઈ ગણાય.

કોઈ પણ પ્રાણીનો ઘાત કરવો નહિ, એ મતલબનો આગ્રહ અને તેને લગતાં વર્ણનો ભારતીય આચારસંહિતામાં ઠેર ઠેર મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં માનવજીવનમાં અહિંસાનું મહત્વ શું છે તે સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. તે પ્રમાણે અહિંસા પરમધર્મ હોવાની વાત મહાભારતમાં નિર્દિષ્ટ છે. પાતંજલ યોગદર્શનમાં અહિંસાનો યમનિયમોમાં સ્વીકાર કરીને તેનાથી વૈરત્યાગ થાય છે એવાં સૂત્રો આપ્યાં છે. તે જ પ્રમાણે પુરાણો અને વૈષ્ણવ સંપ્રદાયનાં લખાણોમાં અહિંસાનું મહત્વ સ્વીકારાયેલું હોઈ ભારતીય વિચારસરણીમાં આચારસંહિતાનો સ્રોત વહેતો રહેલો જોવામાં આવે છે.

અહિંસાના આ સ્રોતનો કેટલોક ભંગ કામ્ય કર્મોમાં દેખાય છે. નિત્ય, નૈમિત્તિક અને કામ્ય કર્મો પૈકી દરરોજ કરવામાં આવતા પંચમહાયજ્ઞોમાં અહિંસાનું પ્રાધાન્ય છે, પરંતુ કેટલાંક નૈમિત્તિક અને કામ્ય કર્મોમાં જીવતાં પશુઓનો બલિ આપવાનો રિવાજ ભારતમાં જોવામાં આવે છે. આ હિંસક કર્મની ચર્ચાવિચારણામાં યજ્ઞમાં આપેલો બલિ હિંસા નથી એ દર્શાવતી અનેક દલીલો કરવામાં આવે છે. તેમાં આ કાર્ય પ્રત્યેની સામાજિક મનોવૃત્તિનાં દર્શન થાય છે. આવા પશુબલિ સામે વૈદિક પરંપરામાં પણ વિરોધ થતો અને તેને માત્ર પ્રતીક રૂપે ગણીને પશુહિંસાથી વિમુખ રહેવાનો વિચાર ક્રમશ: દૃઢ થતો દેખાય છે. અહિંસાની પ્રક્રિયામાં મન, વચન અને કર્મથી પણ હિંસા ન થાય તે બાબત ધ્યાન રાખવાની વિચારણા અને તેને અનુરૂપ આખ્યાયિકાઓ ઘણા પ્રમાણમાં જોવામાં આવે છે.

આમ, ભારતીય પરંપરામાં અહિંસાનો વિચાર દૃઢ થતો દેખાય છે. તેને યોગમાર્ગ તથા વૈષ્ણવ અને સ્માર્ત પરંપરાએ પુષ્ટ કર્યો છે.

સિંધુ નદીની સંસ્કૃતિની મુદ્રાઓમાં મહાયોગીની મુદ્રા જોતાં તેમાં શિકારી અને વનસ્પતિઆહારી પ્રાણીઓ નૈસર્ગિક વેર તજીને યોગીની આજુબાજુ ઊભેલાં દર્શાવ્યાં છે તે અહિંસાની શક્તિ હોવાનું અનુમાન છે, એ રીતે સાત્વિક શક્તિમાં અહિંસાનું તત્વ અવિનાભાવે સંકળાયેલું દેખાય છે.

આમ, ભારતીય પરંપરામાં અહિંસાનું બળ આચારધર્મમાં દેખાય છે, તેની તાત્વિક ભૂમિકા જીવનતત્વની અને વૈયક્તિક જીવનની વિચારણામાં દેખાય છે. વૈયક્તિક રીતે જીવંત પશુ, પંખી, પ્રાણીઓ, વનસ્પતિ આદિ લક્ષ ચોર્યાસી યોનિઓમાં ફરીને મનુષ્યજન્મ ધારણ કરીને મોક્ષ મેળવે છે. આ માન્યતાની સાથે સંકળાયેલી પુનર્જન્મની માન્યતા ચાર્વાક સિવાયનાં તમામ દર્શનોમાં જોવામાં આવે છે. આ તત્વની પાર્શ્વભૂમિકામાં અહિંસાના આચારધર્મનો વિકાસ જોઈ શકાય.

જેમ વૈદિક પરંપરામાં અહિંસાનું બળ સ્વીકારાયું છે તેમ બૌદ્ધ પરંપરામાં પણ તેનો સ્વીકાર થયેલો દેખાય છે. તેમાં પણ આચાર તરીકે અહિંસાનો ઉલ્લેખ ત્રિપિટકોમાં જોવા આવે છે. બૌદ્ધ શ્રમણ તથા ઉપાસકોમાં અહિંસાની ઉપાસના થતી. તેની આત્યંતિક કક્ષાએ બૌદ્ધ આહારની ચર્ચા જોવા જેવી છે. બૌદ્ધ ઉપાસકો તથા શ્રમણોમાં માંસાહાર ત્યાજ્ય ન હતો, પરંતુ શ્રમણને ભિક્ષા આપવા માટે જો પશુવધ થયો હોય તો તે માંસ શ્રમણોને માટે અસ્વીકાર્ય બનતું હોવાનો સ્પષ્ટ મત છે, પાતિમોક-ખાદિમાં હિંસા માટેનું પ્રાયશ્ચિત્ત પણ આપવામાં આવેલું દેખાય છે. બૌદ્ધ ત્રિપિટકો વૈદિક કર્મકાંડના કામ્ય કર્મમાં થતી હિંસા વિરુદ્ધ અને અહિંસાની તરફેણમાં પોતાનો મત સ્પષ્ટ રીતે રજૂ કરે છે અને એ રીતે ઉપનિષદોમાં તથા વૈદિક મતમાં દેખાતા અહિંસાના વિચારોને અનુમોદન આપે છે. તેમની સમ્યગ્ આજીવિકાની વિચારણામાં અહિંસાનું મન, વાણી અને કર્મથી પાલન કરવાનો આચારધર્મ વ્યવસ્થિત રીતે દેખાય છે.

અહિંસાના આચારનું મન, વાણી અને કર્મથી પાલન કરવાનો વૈદિક તથા બૌદ્ધ માર્ગનો આગ્રહ છે. જૈન માર્ગમાં અહિંસાની અત્યંત સૂક્ષ્મતાથી વિચારણા કરવામાં આવી છે. જૈન આચારસંહિતામાં અહિંસાનું સ્થાન સર્વોપરી મનાયું છે.

જૈન આગમસાહિત્યમાં અને ત્યારપછીનાં લખાણોમાં જીવ, જીવોના પ્રકારો, હિંસાના પ્રકારો તથા અહિંસાના નિયમોની ઘણી ચર્ચા છે. જીવસૃષ્ટિમાં તિર્યંચ, માનવ, દેવ, નારકી તથા એકેન્દ્રિયથી શરૂ કરીને પંચેન્દ્રિય જીવોની સૃષ્ટિનાં વર્ણનો મળે છે. આ તમામ જીવો પ્રત્યે અહિંસાપાલન કરવાનો જૈન શાસનનો મત છે. જૈન શાસનમાં હિંસાનાં બે સ્વરૂપો દ્રવ્યહિંસા અને ભાવહિંસા છે. તેનાથી વિરક્ત રહેવાની સૂક્ષ્મ ચર્ચા છે. દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસાથી વિરક્ત થવું વધુ અગત્યનું છે. આ સૂક્ષ્મ ચર્ચાને લીધે અહિંસાપાલનનું વ્રત ઘણું મુશ્કેલ લાગે છે, તેથી તેનું વ્યવહારુ સ્વરૂપ કેવું હોવું જોઈએ તે બાબતની જૈન સાહિત્યમાંની ચર્ચામાં અણુવ્રત અને મહાવ્રતના વિચારો ધ્યાનપાત્ર છે.

અહિંસાનું તાત્વિક સ્વરૂપ હિંસાથી પર રહેવાનું છે. તેનું વર્ણન અને ચર્ચા જેટલી સરળતાથી થાય છે, તેટલી સરળતાથી તેનું પાલન થતું નથી; કારણ કે વિશ્ર્વમાં ચાલતા ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ચક્રમાં દરેક જીવ પોતાની યોનિમાં પોતાનું નૈસર્ગિક જીવન વ્યતીત કરે એ વિચાર પ્રબળ છે. આ વિચારનાં અવરોધક બળોમાં જીવન દરમિયાન જરૂરી આહાર, સામાજિક બાહ્યાભ્યંતરવ્યવસ્થા તથા યુદ્ધાદિ અનેક પરિબળોની ગણના થાય છે; તેથી સંપૂર્ણ અહિંસાની મર્યાદા દૃષ્ટિગોચર થતી હોય છે. દરેક મનુષ્યે શક્ય તેટલું અહિંસાનું પાલન કરવું જોઈએ એવો વિચાર બળવાન બન્યો છે.

આવા વિચારોને લીધે સંરક્ષણ જેવા અમુક પ્રસંગોમાં અનિવાર્ય હિંસા થાય ત્યારે તેને હિંસા નહિ ગણવાના વિચારો તમામ પરંપરાઓમાં દેખાય છે; તેમ છતાં જીવનમાં આહાર, વિહાર, વ્યવસાય, ધંધા આદિમાં થતી જીવહિંસાનો વિચાર કરીને બને તેટલો આચાર અહિંસક રાખવાની પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હિંસાથી પર રહેવા માટે શાકાહારની મહત્તા સ્વીકારાઈ છે. ખેતી, મત્સ્યોદ્યોગ, ખાટકીનો ધંધો, આદિ ન કરવા બાબત બળવાન વિચારણા અને તે પ્રમાણેના આચાર ભારતમાં જોવામાં આવે છે. કેટલીક વાર યુદ્ધની અમર્યાદ હિંસાથી ક્ષોભ પામીને અહિંસા ધારણ કરનાર રાજા અશોક જેવાં દૃષ્ટાંતો પણ નજરે પડે છે. જેમ ભારતમાં અહિંસા માટેના વિચારો જોવામાં આવે છે તેમ ઇસ્લામમાં પણ અહિંસાના વિચારો દેખાય છે. તેનું સર્વોત્તમ શિખર ‘સુલહકુલ’ના વિચારમાં છે. આ વિચારમાં માત્ર પોતાના મતાવલંબીઓમાં અહિંસાનું પાલન કરવા જેવો આંશિક વિચાર નથી, પરંતુ સમગ્ર માનવજાતને ‘સુલહકુલ’ અર્થાત્ વિશ્વશાંતિનો વિચાર આવરી લે છે; એટલું જ નહિ, પણ તેમાં જીવહિંસાની પણ મના ફરમાવવામાં આવી છે.

ખ્રિસ્તી સંપ્રદાયમાં ‘તું કોઈને મારીશ નહિ’ જેવો ઉપદેશ આપવામાં આવે છે. બાઇબલના જેનેસિસમાં બે વિચારો રજૂ થયા છે. તેમાં એક વિચાર અનુસાર માનવે શાકાહારી રહેવાની વાત છે, જ્યારે બીજા વિચાર પ્રમાણે માનવને પૃથ્વી પર સર્વોચ્ચ સ્થાન આપીને તેના આહાર માટે પ્રાણીહત્યાનો બાધ ગણ્યો નથી. તેમાં પણ ઈશ્વરનાં સહુ સંતાનો વચ્ચે વેરઝેર અને હિંસાની નાબૂદીની વિચારણા જોવામાં આવે છે. સમગ્ર દૃષ્ટિએ જોતાં જગતની તમામ સંસ્કૃતિઓ અહિંસાની ભાવના કુટુંબ, જાતિ, સમાજથી મર્યાદિત અને આહાર માટેની મર્યાદિત હિંસાનો સ્વીકાર કરતી હોવા છતાં જીવનજરૂરી આહારનો નાશ ન થાય તેટલી અહિંસાની વૃત્તિ રાખીને વ્યવહાર કરતી જોવામાં આવી છે; પરંતુ પોતાના વર્તુળ બહાર હિંસાનાં કૃત્યો આચરવાની અને યુદ્ધ કરવાની વૃત્તિ પણ દૃષ્ટિગોચર થાય છે. આ હિંસક કૃત્યો માટે વિકસેલાં સાધનોની વિનાશક શક્તિ આજે એટલી પ્રબળ છે કે તેનો ઉપયોગ ન થાય એ માનવજાતના હિતમાં છે એમ સમજાવાથી અને આપણા પૃથ્વીરૂપી આવાસ પર મર્યાદિત સાધનસામગ્રી છે તેનું જ્ઞાન થવાથી તેનું યોગ્ય સંરક્ષણ અને ઉપયોગ કરવાની વૃત્તિથી આજના અહિંસાના વિચારો પ્રભાવિત છે. અહિંસાના આવા પ્રબળ વિચારોનો વિશ્વવિખ્યાત પ્રયોગ ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે કર્યો હતો. તે માર્ગે આજે ઘણું કાર્ય થઈ રહ્યું છે અને વિશ્વના રાજકારણ પર તેની ઘેરી અસર પડેલી છે.

આધુનિક સંદર્ભ : અહિંસા એટલે હિંસાનો અભાવ; પરંતુ અહિંસા નકારાત્મક ખ્યાલ નથી. શબ્દરચનાની દૃષ્ટિએ તે ભલે નકારાત્મક લાગે; પણ તેમાં વિધેયાત્મક દૃષ્ટિએ બીજું ઘણું અપેક્ષિત છે. જેમ સૌંદર્ય કુરૂપતાનો અભાવ નથી, પણ બીજું ઘણું વિશેષ છે, તે જ પ્રમાણે અહિંસાનું અર્થઘટન થાય. બુદ્ધ અને મહાવીરથી માંડીને આજના યુગમાં ગાંધીજી જેવા આર્ષ દ્રષ્ટાએ અહિંસાની પ્રતિષ્ઠા કરી છે અને તેને પરમધર્મ જાણ્યો છે. અહિંસાને સમજવા માટે હિંસા વિશે પૂરો ખ્યાલ મેળવવો જોઈએ. હિંસાનો સર્વસાધારણ અર્થ ઈજા પહોંચાડવી, પ્રહાર કરવો કે હુમલો કરવો એવો થાય છે; પછી તે બે વ્યક્તિ વચ્ચે હોય કે સમુદાયો વચ્ચે. હિંસાનો – સશસ્ત્ર હિંસાનો મોટા પાયા ઉપર ઉપયોગ એટલે લડાઈ કે યુદ્ધ; પરંતુ જેમ સ્થૂલ તેમ સૂક્ષ્મ સ્વરૂપે – માનસિક આઘાત, અપમાન/અવહેલના દ્વારા પણ હિંસાનું આચરણ થઈ શકે છે. ટૂંકમાં, હિંસા એટલે વ્યક્તિઓ કે સમુદાયો વચ્ચેનો એવો વ્યવહાર, જેમાં એકમેકને શારીરિક કે માનસિક હાનિ પહોંચતી હોય. હિંસા એટલે વિઘાતક વ્યવહાર; પછી તે વ્યક્તિઓ વચ્ચે હોય કે સમુદાયો વચ્ચે હોય, શારીરિક હોય કે માનસિક હોય. પરંતુ આ તો પ્રત્યક્ષ હિંસા થઈ. હિંસાનું આચરણ પરોક્ષ સ્વરૂપે પણ થઈ શકે છે. આવી પરોક્ષ હિંસાનો કર્તા જોઈ શકાતો નથી. તે છૂપા સ્વરૂપે એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે સમાજમાં પ્રવર્તે છે. આવી હિંસા સમાજના બંધારણમાં સામાન્ય રીતે અન્યાય કે અસમાનતાના ફળ રૂપે જોવા મળે છે. તેનું મૂળ તત્વ-રહસ્ય શોષણમાં રહેલું છે. જ્યાં જ્યાં વ્યક્તિનું કે સમુદાયનું શોષણ થાય છે ત્યાં ત્યાં હિંસાની પ્રતીતિ થાય છે. આવી પરોક્ષ રીતે ચાલતી હિંસાનું સાચું સ્વરૂપ સમજીને ગાંધીજીએ શોષણ એટલે હિંસા તેમ કહેલું. આથી હિંસા સમાજના પોતમાં જાણ્યેઅજાણ્યે વણાઈ ગઈ છે. તેને સમાજગત (structural) હિંસા કહેવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં સમાજની રચના અને તેનો વ્યવહાર અન્યાય, વિષમતા, અસમાનતા અને અસહિષ્ણુતાના પાયા ઉપર હોય એમ લાગે છે, તેની ભીતરમાં સૈકાજૂની હિંસા ધરબાયેલી પડેલી છે. દારુણ ગરીબી, ભૂખમરો, નિરક્ષરતા, બેકારી વગેરે પરોક્ષ કે સમાજગત હિંસાનાં સ્વરૂપો છે. જ્યાં માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાતી ન હોય, જ્યાં એના માનવીય ગૌરવને છાજે તેવું જીવન જીવવાને માટે તે અશક્ત હોય, જ્યાં થોડા લોકો સમૃદ્ધિમાં રાચતા હોય અને મોટાભાગના મૂળભૂત માનવહક્કથી વંચિત હોય ત્યાં આ હિંસાનું તાંડવ ચાલે છે તેમ કહી શકાય. સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, આધિપત્ય (dominance), સ્ત્રીઓ પ્રત્યેનો અણછાજતો વર્તાવ, રંગભેદની નીતિ, મજૂરોનું શોષણ, બાળકો પ્રત્યેની ક્રૂરતા જેવાં શોષણનાં વિવિધ સ્વરૂપો પરોક્ષ હિંસા છે. તે દૂર થાય તો જ અહિંસા સંભવી શકે.

હિંસાને આથી પણ વધારે વ્યાપક દૃષ્ટિએ જોઈએ તો માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોમાં પણ વિષમતા જણાવા લાગી છે. આજે પહેલી જ વાર પ્રકૃતિ દ્વારા પૃથ્વી તરફથી આપણને જે સાધનસામગ્રી ઉપલબ્ધ છે તેમાં ઓટ આવી છે. આવતાં પચીસ-ત્રીસ વર્ષના ગાળામાં તે ખૂટી જાય તેવી સંભાવના ઊભી થઈ છે. આમ થવાનું કારણ તે સાધનસામગ્રીનો વિપુલ પ્રમાણમાં થતો ઉપયોગ છે. આ સાધનસામ્રગીના અઘટિત ઉપયોગ કે શોષણના કારણે માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોનો નવેસરથી વિચાર કરવાનો સમય આવી પહોંચ્યો છે. પ્રકૃતિ ઉપર માનવી દ્વારા વિવિધ રીતે થતું આક્રમણ અને મોટા પાયા ઉપર થતું શોષણ પણ હિંસા જ છે. જેમ માનવી માનવી વચ્ચે તેમ માનવીના પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેના વ્યવહારોમાં પણ હિંસાત્મક અભિગમ અપનાવાયો છે, તેને પરિણામે સમગ્ર દુનિયામાં એક વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રકૃતિ અને પ્રાણીજગતના વૈવિધ્યને પોષવા ને સાચવવામાં માનવીનું લાંબા ગાળાનું હિત સમાયેલું છે. માનવી અને પ્રકૃતિ એકમેકની સાથે અનેક તાણાવાણાથી ગૂંથાયેલાં છે, એકમેક ઉપર આધારિત છે, તે ભૂમિકા ઉપર જ માનવજીવન ટકી અને વિકસી શકે તેમ છે, તેની પ્રતીતિ વર્તમાન સંદર્ભમાં સારાયે જગતને થઈ છે. પ્રકૃતિની સાધનસામગ્રી સીમિત છે એ સમજાવાની સાથે પ્રકૃતિ અને પ્રાણીમાત્રને તેમની પોતાની સુરક્ષાનો હક્ક છે એવો અભિગમ હવે વ્યાપક અને અનિવાર્ય બન્યો છે. આ દૃષ્ટિએ પણ સમાજના કેન્દ્રમાં હિંસાને બદલે અહિંસાની સ્થાપનાની આવશ્યકતા સમજાય છે.

હિંસા વિશેની આ ચર્ચા પછી અહિંસાની વિભાવના કેટલી અર્થગંભીર છે તેનો ખ્યાલ આવે છે. અહિંસાને વરેલા સમાજમાં ન્યાય, સમાનતા, સામાજિક અને રાજકીય ભાગીદારી, જવાબદાર નાગરિકત્વ અને માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની પ્રતિષ્ઠા થાય છે. અહિંસા એક ઉદાત્ત સિદ્ધાંત હોવા ઉપરાંત વર્તમાન સમાજવ્યવસ્થા અને દુનિયાથી તદ્દન ભિન્ન એવું આદર્શ જીવનનું ચિત્ર ઉપસાવતું સંપૂર્ણ દર્શન છે.

અહિંસક સમાજમાં બંને પ્રકારની હિંસાનો લોપ થાય છે. પ્રત્યેક વ્યક્તિની રોટી, કપડાં, મકાન, શિક્ષણ, દાક્તરી સેવા વગેરે મૂળભૂત જરૂરિયાતો જ્યાં સંતોષાય છે, ત્યાં સામાજિક ન્યાય પ્રવર્તે છે; તેથી સંઘર્ષનો ઉકેલ પરસ્પર સમજૂતીથી શાંતિમય રીતે થાય છે. અહિંસક સમાજની કલ્પનાના પાયામાં છેલ્લામાં છેલ્લા માણસનાં હિત અને જરૂરિયાતોને રક્ષવાની ભાવના રહેલી છે. ગાંધીજીએ પ્રબોધેલો ‘અંત્યોદય’ કે ‘સર્વોદય’ સમાજ આ ભાવનાને વરેલો છે.

જેમ હિંસા તેમ અહિંસા પણ એક પ્રક્રિયા છે. તેમાં વિધેયાત્મકતા ઉપરાંત ક્રિયાશીલતા રહેલી છે. અહિંસા ગતિશીલ છે. અહિંસામાં માનનાર વ્યક્તિ જાગ્રત, જવાબદાર અને સક્રિય હોય. તે જ્યાં અન્યાય જુએ ત્યાં તેનો મૂક કે નિ:સહાય પ્રેક્ષક બની શકે નહિ. અન્યાય સહન કરે તો તેમાં તે ભાગીદાર બને છે તેમ તેને લાગે. આથી તેનો સામનો કરવાની નૈતિક જવાબદારી આપમેળે જ તેની ઉપર આવી પડે છે. અન્યાયનો સામનો કરવામાં સંઘર્ષ આવી પડે તો તે તેમાં નિર્ભયતાથી ઝંપલાવશે અને પોતાની જાતને હોડમાં મૂકશે. અન્યાયનો શાંત પ્રતિકાર – સત્યાગ્રહ, અહિંસાનો અંતર્ગત ભાગ છે. સાધન અને સાધ્યનો પણ અહીં સુમેળ હશે.

હિંસા જીવનનો હ્રાસ કરે છે; તો અહિંસા જીવનનું અભિવાદન કરે છે, તેની પ્રતિષ્ઠા કરે છે અને તેને આદર્શની ઉન્નત ભૂમિકા ઉપર મૂકવાનો પુરુષાર્થ કરે છે. માનવજીવનની રક્ષા કરવામાં તે માનવીને હિતકર મૂલ્યોનું સંગોપન કરે છે, તેમનો વિસ્તાર વધારે છે, તેમને સુદૃઢ કરે છે.

અહિંસક સમાજ શાંતિને વરેલો સમાજ હશે. તેમાં માનવીય ગૌરવ, માનવહક્ક, સ્ત્રીપુરુષસમાનતા, વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક ન્યાય પ્રસ્થાપિત થયેલાં હશે. એક આદર્શ સમાજ તરીકે તેમાં સત્ય, પ્રેમ અને ભાઈચારો સદાય વિકસતાં રહેશે.

પૃથ્વી ઉપરના સમગ્ર જીવનનો અનેક વાર સંપૂર્ણ નાશ કરી શકે તેવી ક્ષમતા ધરાવતાં પરમાણુશસ્ત્રો, પર્યાવરણના અસંતુલનની વધતી જતી સમસ્યાઓ તથા ગરીબી અને અમીરી વચ્ચે વધતા જતા અંતરના વિવિધ ભય સામે જેના દ્વારા શાંતિની સ્થાપના થઈ શકે એવો કલ્યાણમાર્ગ અહિંસા ચીંધે છે.

અહિંસા અને વિજ્ઞાન : ભારતની સંસ્કૃતિમાં અહિંસાની પરંપરા છે. તેમાં જીવદયા, પ્રાણીમાત્ર તરફ અનુકંપા, ધાર્મિક વ્રતો અને આચારવિચારનો ખ્યાલ છે. ગાંધીજીની મોટી સિદ્ધિ એ હતી કે તેઓ આ પરંપરાને ઊર્ધ્વગામી બનાવીને વ્યક્તિમાંથી સમસ્ત પ્રજાના આચારવિચારના સ્વરૂપમાં લઈ ગયા. અહિંસાના આ સામાજિક સંદર્ભ પ્રમાણે શોષણ એટલે હિંસા અને શોષણવિહીન સમાજ એટલે અહિંસક સમાજ એમ સ્પષ્ટ થયું.

ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાને હરણફાળ ભરી અને તે માનવજીવનમાં વ્યાપી ગયું, પરંતુ તેનું એક વિપરીત પરિણામ તે પરમાણુશસ્ત્રો અને હીરોશિમા-નાગાસાકી ઉપરનો એ શસ્ત્રોનો ઉપયોગ. આવાં શસ્ત્રો શક્ય બન્યાં તેની પાછળ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિકની સાપેક્ષવાદની શોધ હતી, જેની દ્વારા નાના પરમાણુમાં અપાર શક્તિ પડેલી છે તેમ નક્કી થયેલું.

નાઝી જર્મનીના ગૂંગળાવતા વાતાવરણમાંથી નીકળીને આઇન્સ્ટાઇન અમેરિકામાં આવ્યા અને યુરોપમાંથી આવેલા બીજા વૈજ્ઞાનિકોએ સાથે મળીને તેમના સિદ્ધાંતને અનુસરીને પરમાણુબૉમ્બ બનાવવાનું નક્કી કર્યું. બીજા વિશ્વયુદ્ધના 1945ના વર્ષના કટોકટીના દિવસોમાં આ પ્રકારનો બૉમ્બ બન્યા પછી તેનો ઉપયોગ ન કરવાનો પત્ર આઇન્સ્ટાઇને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને મોકલ્યો, પણ તે તેમને મળે તે પહેલાં જ રૂઝવેલ્ટનું અવસાન થયું (એપ્રિલ 12, 1945). તેમના અનુગામી ટ્રૂમૅને આ શસ્ત્રનો ઉપયોગ જાપાન ઉપર કરવાનું નક્કી કર્યું. હીરોશિમા અને નાગાસાકી ઉપર નખાયેલા આ પરમાણુબૉમ્બથી થયેલા ભયાનક વિનાશથી આઇન્સ્ટાઇનને ભારે આઘાત પહોંચ્યો. આ શસ્ત્ર બનાવવાની સમગ્ર પ્રક્રિયાનું ‘પહેલું બટન’ પોતે દાબ્યું હતું તેનો તેમને ઊંડો પશ્ચાત્તાપ હતો. આથી જ તેમણે કહેલું કે હવે પછીનું માનવજીવન બધી દૃષ્ટિએ બદલાઈ ગયું છે.

સમાજની જરૂરિયાતો સંતોષવાના માનવીના પ્રયત્નોમાંથી જ વિજ્ઞાનનો વિકાસ થાય છે એટલે વિજ્ઞાનનો સામાજિક સંદર્ભ તો છે જ, પરંતુ વિજ્ઞાનવિકાસથી સમાજ પ્રગતિ કરે છે તેની સાથે ઘણા પ્રસંગે વિજ્ઞાનવિકાસના બહુજનહિતવિરુદ્ધ ઉપયોગ થયાના દાખલા પણ બનતા રહ્યા છે અને જ્યારે જ્યારે આવું બને છે ત્યારે ત્યારે વિજ્ઞાનના આવા દુરુપયોગ સામે સમાજમાંથી વિરોધ કરતાં પરિબળો ઊભાં થતાં આવ્યાં છે. આવાં પરિબળોમાં અહિંસાના સામાજિક સંદર્ભનાં મૂળ છે. માનવસમાજના આ ગુણધર્મને આત્મસંરક્ષણનો સામાજિક સિદ્ધાંત કહી શકીએ. પરમાણુશસ્ત્રની શોધના કારણે માનવઅસ્તિત્વનો ગંભીર સવાલ ઊપસી આવ્યો છે. સ્વાભાવિક રીતે જ માનવસમાજનું ધ્યાન ગાંધીજીના અહિંસાના પ્રયોગો તરફ ખેંચાયું છે. વિજ્ઞાન અને અહિંસાનું પરસ્પર અવલંબન સમાજમાં તેનાથી સ્પષ્ટ થયું છે.

આઇન્સ્ટાઇનની ભવ્ય કારકિર્દીની સાથોસાથ મહાત્મા ગાંધીનો અહિંસા દ્વારા સત્યની ખોજનો મોટો પ્રયોગ પણ ભારતમાં ચાલ્યો. જેમ વિજ્ઞાન સત્યની શોધ કરતું રહે છે તેમ ગાંધીજી પણ જીવનપર્યંત ‘સત્ય એ જ પરમેશ્વર’ એમ કહીને અહિંસા દ્વારા સત્યની ખોજ કરતા રહ્યા હતા. અહિંસાનો સામાજિક પાયા ઉપર ઉપયોગ કરીને ગાંધીજીએ તેનું મહત્વ અને માહાત્મ્ય સ્પષ્ટ કર્યું. આ એક અદભુત યોગાનુયોગ હતો. એક તરફ વિજ્ઞાન તેની ચરમસીમાએ પહોંચ્યું તો બીજી તરફ તેનો સામાજિક સંદર્ભ વિઘાતક રીતે વિપરીત દિશામાં આગળ નીકળ્યો, જે માનવીના ભાવિ માટે જોખમકારક બન્યો. બરાબર તે જ વખતે અહિંસાનો મોટા પાયા ઉપર સફળ પ્રયોગ કરીને ગાંધીજીએ માનવજીવન માટે એક ઉપકારક મૂલ્યની પ્રતિષ્ઠા કરી, જાણે કે પરમાણુબૉમ્બની સામે સમાજનો પ્રતિઘોષ ન હોય !

આઇન્સ્ટાઇનની સાપેક્ષતાની શોધથી જગતને જોવાની અને સમજવાની એક નવી દૃષ્ટિ સાંપડી હતી. તેની પાછળ તીવ્ર કલ્પનાશક્તિ અને ગાણિતિક પૂર્વદૃષ્ટિ હતાં અને તે દ્વારા તેઓ સત્યને પામવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જગતને સમજવાના ત્રણ રસ્તા હતા : (1) અવલોકન દ્વારા, (2) અવલોકનોથી નિરાળું અને તેનાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નિસર્ગનું જગત – એટલે કે, જગત-સત્વ. (3) ગણિત અને તર્કની મદદથી અનુભવજ્ઞાનની તારવણી દ્વારા જગતની રચના દર્શાવતું ગાણિતિક જગત. વિજ્ઞાનવિકાસની શરૂઆતમાં માત્ર અવલોક્ધા ઉપર આધારિત જગતનો ખ્યાલ હતો; પરંતુ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ અવલોકનો વચ્ચે સૂત્રતા જણાવા લાગી, જુદાં જુદાં પાસાં નિયમબદ્ધ જણાયાં. તેના ઉપરથી જગત-સત્વની કલ્પના થઈ, જેને સમજવા અવલોકનોના પાયા ઉપર ગાણિતિક જગત રચીને જગત-સત્વનો પરિચય મેળવવાનો પ્રયત્ન થયો, પરંતુ આઇન્સ્ટાઇને તેમાં ફેરફાર કર્યો અને અવલોકનથી પર જઈને શુદ્ધ ગણિતથી ગાણિતિક જગત રચી તે મારફત જગત-સત્વનો પરિચય મેળવવાનો તેણે નવો ચીલો પાડ્યો. અવલોકનથી પર જઈને મુક્ત વિચારો દ્વારા જગતની રચના કરવાનો આ પ્રયત્ન આધ્યાત્મિક ચિંતન દ્વારા જગત-સત્વને પામવા જેવો થયો. આઇન્સ્ટાઇનના મત પ્રમાણે જગત-સત્વના પરિચયનો માર્ગ ગણિત અને તર્કનો માર્ગ છે. આઇન્સ્ટાઇનનો આ દૃષ્ટિકોણ ગાંધીજીના ચિંતન સાથે સરખાવી શકાય તેવો છે. ગાંધીજી સત્યની ખોજ માટે અહિંસાને સાધન ગણે છે તો આઇન્સ્ટાઇન જગતને પામવા વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. ગાંધીજી માટે સત્ય એ જ પરમેશ્વર છે એટલે કે મનુષ્યનું અસ્તિત્વ હોય કે ન હોય, સત્ય તો છે જ. તે જ પ્રમાણે અવલોકનકારનું અસ્તિત્વ હોય કે ન હોય, જગત-સત્વનું અસ્તિત્વ છે જ. આમ, બંને વચ્ચેનું મૂળભૂત સામ્ય નજરે તરી આવે છે.

પણ જેમ વિજ્ઞાનની વણજાર ચાલુ રહે છે તેમ ગાંધીજીની અહિંસાની વણજાર પણ ચાલુ રહે અને વિજ્ઞાનના દુરુપયોગથી સમાજને રક્ષણ આપે તે ખૂબ જરૂરી છે. અહિંસાને વિજ્ઞાનની ગાથા જોડે સાંકળતાં સ્પષ્ટ દેખાય છે કે સમાજને વિજ્ઞાનના લાભો મેળવવા હોય અને ગેરલાભોથી બચવું હોય તો અહિંસાનો સામાજિક સંદર્ભ સ્થાપિત કરવાની ગાંધીજીની પ્રક્રિયાને આગળ ધપાવવી જ રહી.

અહિંસક રાજ્ય : રાજ્ય દંડ પર આધારિત હોવાને કારણે અરાજકતાવાદીઓની માફક ગાંધીજી એને હિંસાનું પ્રતીક માનતા અને એનો વિરોધ કરતા. આથી જ એમની કલ્પનાનો સમાજ જેમ શોષણમુક્ત છે તેમ શાસનમુક્ત પણ છે. એમના આદર્શ રાજ્યમાં ન હોય કોઈ સત્તાધીશ કે શાસક, ન હોય કાયદો કે કાનૂન. કારણ, એમાં સર્વે નાગરિકો સ્વતંત્ર હોય, સ્વનિયંત્રિત હોય.

ગાંધીજી આદર્શવાદી ખરા, પણ કપોલકલ્પિત અવસ્થામાં રાચવાવાળા કોરા સ્વપ્નદ્રષ્ટા નહોતા. તેમણે પોતે વાસ્તવલક્ષી આદર્શવાદી હોવાને કારણે, શાસનવિહીન સમાજને અંતિમ આદર્શ તરીકે સ્વીકારવા છતાં મનુષ્યસ્વભાવની ઊણપોને ધ્યાનમાં લઈને અહિંસક રાજ્યને વાસ્તવિક આદર્શ તરીકે સ્વીકાર્યું. આ રાજ્ય એટલે સત્તા કે સ્પર્ધાના સંઘર્ષ પર નહિ પણ પરસ્પર સહકાર, સંવાદિતા અને સમાનતા પર આધારિત એવું ન્યાયયુક્ત અને સર્વહિતકારી રાજ્ય. એમાં હિંસાનો પૂર્ણપણે અભાવ તો ન હોય, કારણ મનુષ્યસ્વભાવમાં જ્યાં સુધી દૈવી તત્વની સાથે આસુરી અવશેષો પણ જોવા મળે છે ત્યાં સુધી ઓછેવત્તે અંશે હિંસાનો તેમજ પોલીસ, લશ્કર, અદાલત અને કેદખાનાંઓનો સહારો લેવો પડે છે.

અહિંસક રાજ્યની પોલીસ પોતાના દંડ કે લાઠીના આધારે લોકોને ભયભીત નહિ કરે, પણ એમના સાચા ભેરુ અને રક્ષક બની કામ કરશે. અસામાજિક તત્વોનો કે હિંસક તોફાનોનો સામનો કરવા માટે ક્યારેક એમણે લાઠી ને અશ્રુવાયુ જેવાં સાધનોનો ઉપયોગ કરવો પડે, પણ એ અંતિમ ઉપાય તરીકે જ અને તે પણ લોકો માટે પૂરી અનુકંપા સાથે જ થાય; એટલું જ નહિ, પણ એમ કરતાં જાનમાલની કોઈ હાનિ ન થાય એની પૂરી તકેદારી રાખવામાં આવે.

અહિંસક રાજ્ય અને સેના એ બે પરસ્પરવિરોધી સંજ્ઞાઓ છે, પરંતુ જગતમાં જ્યાં સુધી આક્રમક રાષ્ટ્રોનું અસ્તિત્વ અને વર્ચસ્ છે ત્યાં સુધી દરેક રાષ્ટ્રે સેના તો રાખવી જ પડે. એ સેના બીજા દેશ પર આક્રમણ કરવા માટે નહિ, પણ દેશની રક્ષા અર્થે જ કામ કરે. સૈનિકો શાંતિસેનાના અદકા સ્વયંસેવકો બની રહે. શસ્ત્રોનો ઉપયોગ કરવો જ પડે તોપણ બધા શાંતિમય પ્રયત્નો નિષ્ફળ નીવડે તો અને ત્યારે જ અંતિમ ઉપાય તરીકે કરે અને વહેલામાં વહેલી તકે હથિયાર હેઠાં મૂકી દે.

લોકોને ન્યાય મળે અને તે પણ ઓછામાં ઓછી કિંમતે અને વિના વિલંબે મળે તે જોવાની રાજ્યની ફરજ છે, એટલે શક્ય હોય ત્યાં સુધી ઝઘડાઓ – ખાસ કરીને દીવાની મુકદ્દમાઓનો નિકાલ પંચાયત સ્તરે અથવા લવાદ દ્વારા થાય એ ઇષ્ટ છે, છતાંયે અદાલતોની આવશ્યકતા તો રહેવાની જ; પણ ન્યાય અંગેની વ્યવસ્થા સરળ બને અને ત્વરિત ગતિએ કામ કરે તે માટે અહિંસક રાજ્યમાં પૂરો પ્રયત્ન થશે.

અહિંસક રાજ્ય અસામાજિક તત્વોને તો ન જ પોષે એટલે એમાં એમને માટે જેલો તો હશે જ. વળી, એમના ગુનાઓ માટે એમણે સજા પણ ભોગવવી પડશે. એ સજાનો આશય અપરાધીને દંડવા કે કનડવાનો નહિ, પણ એને સુધરવાનો અવસર આપી, આદર્શ નાગરિક તરીકે જીવતાં શિખવાડવાનો હોય એટલે કેદખાનાંઓ કાર્યશાળાઓ અને સુધારગૃહ તરીકે કામ કરશે.

અહિંસક રાજ્ય લોકોના કલ્યાણ અર્થે કામ કરતું કલ્યાણરાજ્ય તો ખરું, પણ પ્રચલિત અર્થના કલ્યાણરાજ્યથી એ એ રીતે જુદું પડે કે એનો આશય વધારેમાં વધારે લોકોનું જ નહિ, પણ અંતિમ વ્યક્તિનું કલ્યાણ અથવા અંત્યોદય સાધવાનો હશે. એનો પ્રયત્ન સર્વને સાચું, શ્રમનો મહિમા સ્વીકારતું શિક્ષણ આપી સ્વતંત્ર અને સ્વાવલંબી બનાવવાનો હોય, જેથી એનાં કાર્યો સીમિત થતાં થતાં છેવટે તદ્દન વિલીન થઈ જાય. આર્થિક ક્ષેત્રે અહિંસક રાજ્ય કર વસૂલ કરે, પણ એનો પ્રયત્ન ધીમે ધીમે, પૈસાને બદલે કર શ્રમના સ્વરૂપે લેવાનો રહેશે. વળી, સંપત્તિનું અસ્તિત્વ છે ત્યાં સુધી એનું સમાન વિતરણ થાય અને ખાનગી ઉદ્યોગપતિઓના નફા પર નિયંત્રણ રાખવામાં આવે, જેથી કોઈ પણ વર્ગનું શોષણ ન થાય અથવા નહિવત્ થાય. રાજકીય ક્ષેત્રે લોકશાહીનો પુરસ્કાર કરવામાં આવશે, પણ એ લોકશાહી સંખ્યાના બળે નહિ, પરંતુ નીતિના બળે ચાલતી એવી શાસનપદ્ધતિ હશે. ચૂંટણીઓ કરવી પડે ત્યાં સુધી એ નિયમિત અને શાંતિમય રીતે થાય અને સત્તાધારીઓ શાસક નહિ, પ્રજાના સેવક બની કામ કરે એ જરૂરી લેખાશે. પ્રશાસનના ક્ષેત્રે વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવી પંચાયતોમાં પણ પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

અહિંસક રાજ્ય નાગરિકના સર્વ અધિકારોનું રક્ષણ કરશે અને એ માટે યોગ્ય કાયદાઓ પણ ઘડશે. સાધારણ રીતે નાગરિક પાસે એવી અપેક્ષા રાખવામાં આવશે કે એ રાજ્યના કાયદાનું પાલન કરે, પણ એ સાથે જ જો શાસન અન્યાયી બને અથવા આતંક ફેલાવે તો નાગરિકોમાં એને પડકારવાની હિંમત આવે એ માટેનું વાતાવરણ નિર્માણ કરી લોકશક્તિ ખીલવવામાં આવશે. આમ, અહિંસક રાજ્ય એ સત્તાધીશોનું નહિ, પણ સત્યાગ્રહીઓનું રાજ્ય હશે. વિદેશનીતિના ક્ષેત્રે, અહિંસક રાજ્ય, માનવ માનવ વચ્ચેના મુક્તિમિલન અને વિશ્વબંધુત્વ માટે ઝંખતું અને વિશ્વમાં પ્રવર્તતાં અન્યાય અને અનીતિ સામે ઝૂઝતું રાજ્ય હશે.

આમ, અહિંસક રાજ્ય સહકાર અને પ્રેમ પર આધારિત ‘એક વિશ્વ’ના ધ્યેયની પૂર્તિ માટે પ્રયત્ન કરતું તેમજ સતત પોતાના વિસર્જન માટે મથતું એવું અનોખું અને અલ્પજીવી (હંગામી) રાજ્ય હશે.

ર. ના. મહેતા

દેવવ્રત પાઠક

પ્ર. ચૂ. વૈદ્ય

ઉષા મહેતા