અહસાની ઉસ્માન (સત્તરમી સદી) : મધ્યકાલીન સિંધી કવિ. તેમણે ઈ. સ. 164૦માં બલૂચિસ્તાનના ભગનાડી ગામેથી હિજરત કરીને સિંધના લખી ગામે વસવાટ કર્યો હતો. સિંધીમાં તેમણે ‘વતનનામા’ કાવ્યરચના કરી છે. અહસાની ઉસ્માન પૂર્વ મધ્યકાલના (સત્તરમી સદીના) કવિ હતા. એમણે ભક્તિમૂલક અનેક ‘બૈતો’ (દોહા અથવા સોરઠા, યા તો દોહા અને સોરઠા બંનેનું મિશ્રણ જેમાં હોય એવો કાવ્યપ્રકાર) રચી છે, ઉપરાંત ચોપાઈમાં પણ કાવ્યરચના કરી છે. એમના પર સૂફીવાદનો પ્રભાવ હતો. એમની કવિતામાં સૂફીવાદી ભક્તિના બંને પ્રકારો  ઇશ્કે હકીકી તથા ઇશ્કે મિજાજી  મળે છે. ઈશ્વરના વિરહની વ્યથા કવિ બુલંદ અવાજે ગાય છે. એમના સમયમાં સિંધી ઉપર અરબી-ફારસીની પ્રબળ અસર હોવા છતાં એમણે સિંધી ભાષાનું આગવું સ્વરૂપ યથાતથ જાળવી રાખ્યું છે.

જયંત રેલવાણી