અહમદ, ઝિયાઉદ્દીન (જ. 13 ફેબ્રુઆરી 1873, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 23 ડિસેમ્બર 1947, લંડન, યુ.કે.) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ગરીબ પરિવારમાં જન્મેલા ઝિયાઉદ્દીન અહમદે પોતાની તેજસ્વિતાને આધારે શિષ્યવૃત્તિઓ મેળવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1904માં ગોટિન્જનમાં ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી., લંડનની મૅથેમૅટિકલ સોસાયટીના સભ્ય, અને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના ફેલો બન્યા હતા. 1919માં તેઓ પ્રખ્યાત એમ. એ. ઓ. કૉલેજના આચાર્ય બન્યા. અસહકારની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધી, મૌલાના મહમ્મદઅલી અને ખિલાફત આંદોલનના નેતાઓ શિક્ષણબહિષ્કારના એલાન સાથે અલીગઢ આવ્યા ત્યારે અહમદે યુક્તિ અને હિંમતપૂર્વક આ કૉલેજનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. ડિસેમ્બર 192૦માં મુસ્લિમ યુનિવર્સિટી ધારો અમલમાં આવતાં તેઓ પ્રો-વાઇસ ચાન્સેલર બન્યા. ત્યારબાદ 1935થી 1947 સુધી તેઓ અલીગઢ યુનિવર્સિટીના વાઇસચાન્સેલરપદે રહ્યા. યુનિવર્સિટીના કામે જ જ્યારે તેઓ લંડન ગયા હતા ત્યારે ત્યાં જ તેમનું અવસાન થયું. રેલવે, વ્યાપાર અને જાહેર અર્થવિધાનના વિષયોમાં નિષ્ણાત એવા અહમદ પાછળથી મુસ્લિમ લીગમાં જોડાયા હતા.

હેમન્તકુમાર શાહ