અહમદપુર-માંડવી : ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરતટે આવેલું વિહારધામ. ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતનો સાગરકાંઠો ઘણો લાંબો છે. (1,6૦૦ કિમી.) પરંતુ લાંબા સમય સુધી કાંઠે કેટલાંક બંદરો તથા મહત્વનાં તીર્થધામો સિવાય નોંધપાત્ર યાત્રાધામો કે વિહારધામો જેવાં સ્થળો હતાં નહિ. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી તેને એક સર્વાંગસંપૂર્ણ રાજ્ય બનાવવાના અભિગમ હેઠળ વિશેષ વિહારધામો વિકસાવવાની નીતિ અપનાવાઈ છે. તે માટે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કરાઈ. નિગમે પોરબંદર નિકટ ચોરવાડને પ્રાથમિકતા આપી. દક્ષિણ ગુજરાતમાં તીથલ વિકસાવાયું. આ બાજુ ચોરવાડમાં ભીડ વધતી જતી હતી અને ત્યાં સાગર પણ અવારનવાર પ્રતિકૂળ થઈ જતો હતો. આ સંજોગોમાં અમરેલી જિલ્લાના ઉનાથી  12 કિમી. દક્ષિણે સાગરતટે 1984માં અહમદપુર-માંડવીનું નવતર સાગર વિહારધામ ઊભું કરાયું. દીવથી 15 કિમી. અંતરે આવેલા આ વિહારધામમાં અનેરી સૌરાષ્ટ્રશૈલીની કુટિરો બાંધેલી છે. છાપરું રાતાં નલિયાથી તથા બહાર ભીંતો ખોડીદાસ પરમારનાં સુંદર પારંપરિક શૈલીનાં ચિત્રોથી શોભે છે. અમદાવાદના જાણીતા વિશાલા ઉપાહારગૃહવાળા સુરેન્દ્ર પટેલે વિહારધામની સંકલ્પના આપી છે. યાત્રીઓને સમૂહમાં સ્વતંત્ર ઇચ્છાનુસાર રહેવાની તથા જમવાની સુવિધા અપાઈ છે. ઉનાળાની રજાઓમાં મધ્યમવર્ગનાં કુટુંબો રજાઓ સારી રીતે માણે તે લક્ષ્ય રખાયું છે. ગામની વસ્તી હજારેક જેવી છે. વિસ્તાર 6.62 ચોકિમી. છે. અહીંની વસ્તી 2,470 છે.

અહમદપુર-માંડવીનો રમણીય સમુદ્રતટ

શિવપ્રસાદ રાજગોર