અસ્થિમજ્જા-પ્રતિરોપણ

January, 2001

અસ્થિમજ્જાપ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી છે. (સારણી).

             સારણી : અસ્થિમજ્જા-પ્રતિરોપણની ઉપયોગિતા

(1) રુદ્ધવિકાસકોષી પાંડુતા (aplastic anaemia)
(2) રુધિરકૅન્સર (leukaemia)
ક. ઉગ્ર મજ્જાબીજકોષી (acute myeloblastic)
ખ. દીર્ઘકાલી (chronic) મજ્જાબીજકોષી
ગ. ઉગ્ર લસિકાબીજકોષી (acute lymphoblastic)
(3) મહત્તમ (major) થૅલેસીમિયા
(4) સંયુક્ત પ્રતિરક્ષાઊણપ સંલક્ષણ (combined immune deficiency syndrome)
(5) કૅન્સરની ઔષધચિકિત્સા (chemotherapy)

પ્રતિરોપણ ત્રણ પ્રકારનાં હોય છે : (1) અસ્થિમજ્જાનો દાતા એક જ અંડકોષમાંથી ફલિત થયેલ જોડિયા ભાઈ કે બહેન હોય તો દાતા અને દર્દીનાં જનીન (gene) સમાન હોય છે. આવું ભાગ્યે જ બને છે. આને સમજનીનીય (syngenic) પ્રતિરોપણ કહે છે, જે મોટેભાગે સફળ રહે છે. (2) મોટાભાગના દર્દીઓ માટે સમાન માનવશ્વેતકોષી પ્રતિજનવાળો (HLAcompatible) ભાઈ કે બહેન દાતા હોય છે. આને અન્યજનીનીય (allogenic) પ્રતિરોપણ કહે છે. (3) કૅન્સરના દર્દીની પોતાની જ અસ્થિમજ્જાને સંગ્રહીને, તેને ભારે માત્રામાં દવા આપ્યા પછી, તેનામાં તે રોપવામાં આવે ત્યારે તેને આત્મજનીની (auto-logous) પ્રતિરોપણ કહે છે. સંયુક્ત પ્રતિરક્ષા ઊણપ સિવાયનાં દર્દોમાં દર્દીનું પ્રતિરક્ષાતંત્ર વત્તેઓછે અંશે પ્રતિરોપણનો અસ્વીકાર (rejection) કરે એવો સંભવ છે. આથી દર્દીના પ્રતિરક્ષાકોષો અને રુધિરપ્રસર્જન (haemopoietic) પેશીનો નાશ કરવા દર્દીને ભારે માત્રામાં સાઇક્લોફૉસ્ફેમાઇડ નામની દવા અને આખા શરીર પર વિકિરણ(radiation)ની સારવાર આપવામાં આવે છે.

દાતાને બેશુદ્ધ કરી તેનાં ચપટાં હાડકાંમાંથી 5૦૦થી 8૦૦ મિલી. અસ્થિમજ્જાને શોષી કાઢવામાં આવે છે. તેને હીપેરિન અને પેશીસંવર્ધક દ્રવ્ય(tissue culture medium)માં ભેળવવામાં આવે છે. સ્ટેઇનલેસ સ્ટીલની ગળણીથી ગાળીને દર્દીની નસમાં તેને ચડાવવામાં આવે છે. અસ્થિમજ્જાના કોષો દર્દીનાં હાડકાંનાં પોલાણોમાં સ્થાયી થાય છે. દાતાને 2 કે 3 દિવસમાં ઇસ્પિતાલમાંથી રજા અપાય છે. પ્રતિરોપણ સફળ થયે, લોહીમાં ભ્રમણ કરતા કોષોનું પ્રમાણ વધે છે. નવા જન્મેલા કોષોમાં દાતાનાં જનીન હોય છે. આમ, દર્દીમાં બે જુદા જુદા પ્રકારનાં જનીનવાળા અલગ અલગ કોષો પેદા થાય છે. આવા દર્દીને દ્વિજનીની (chimera) કહે છે. પ્રતિરોપણ સફળ થવાની સાબિતી દ્વિજનીનતા છે. સકણ શ્વેતકોષો(granulocytes)ને 5૦૦/ ઘમિમી.ના પ્રમાણ સુધી પહોંચતાં 2થી 4 અઠવાડિયાં થાય છે. ગંઠકકોષો (platelets) તો તેથી પણ વધુ સમય લે છે. આમ 4થી 6 અઠવાડિયાં સુધી રુધિરકોષો અને પ્રતિરક્ષાકોષોની ઊણપ રહે છે.

તેથી દર્દીને ચેપ લાગવાનું અને લોહી વહેવાનું જોખમ રહે છે. દર્દીને જીવાણુરહિત સારવાર એકમમાં ઍન્ટિબાયૉટિક દવાઓ અને લોહીના ઘટકો (blood components) આપવામાં આવે છે. નિરોપ-અસ્વીકાર (graft rejection), નિરોપ-પ્રકોપ (graft-versus-host reaction) અને રુધિરકૅન્સરનો ફરીથી થતો ઊથલો આ ચિકિત્સાની મુખ્ય સમસ્યાઓ છે. વિકિરણ અને સાઇક્લોફૉસ્ફેમાઇડને કારણે લાંબે ગાળે વંધ્યતા (sterility), મોતિયો અને કૅન્સર થવાનો સંભવ છે. વિશ્વના ઘણા ભાગમાં ઉપલબ્ધ થઈ ચૂકેલી આ સારવાર ભારતમાં  મુંબઈ, ચેન્નાઈ, બૅંગાલુરુ તથા અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે. અમેરિકામાં આશરે એક લાખ ડૉલરના ખર્ચે આ સારવાર ઉપલબ્ધ છે. રુધિર કૅન્સરના યોગ્ય તબક્કાઓમાં 5૦ %થી 6૦ % જેટલી સફળતા નોંધાઈ છે.

અસ્થિમજ્જાની પ્રતિરોપણની ક્રિયા : (1) દાતાની અસ્થિમજ્જાનું શોષણ અને સંગ્રહ, (2) અસ્થિમજ્જા-શોષણ માટે ભેદક (trochar) અને સોય (needle), (3) દાતાની શોષિત અસ્થિમજ્જા, (4) ગાળણયંત્ર (seiving device), (5) અસ્થિમજ્જાની પ્રવાહિતા વધારવા ઉમેરાતું દ્રાવણ, (6) સૂક્ષ્મદર્શક વડે અસ્થિમજ્જાના કોષોનો અભ્યાસ, (7) દર્દીમાં અસ્થિમજ્જાનું લોહીની નસ દ્વારા પ્રતિરોપણ (અંત:ક્ષેપ, infusion)

પંકજ મ. શાહ

શિલીન નં. શુક્લ