અસકરી, હસન (મુહંમદ) (જ. 5 નવેમ્બર 1919, અલ્લાહાબાદ (હાલનું પ્રયાગરાજ); અ. 18 જાન્યુઆરી 1978, કરાંચી, પાકિસ્તાન) : સુપ્રસિદ્ધ ઉર્દૂ લેખક, સમીક્ષક અને અનુવાદક. અલીગઢ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવેલી. અવૈધિક રીતે તેમણે ફ્રેંચ ભાષામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. અધ્યયન-અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારેલ. દિલ્હીથી પ્રગટ થતી વિખ્યાત માસિક પત્રિકા ‘સાકી’ના લેખકગણમાં જોડાયા અને 194૦થી ‘ઝલકિયાં’ના નામે સુવિખ્યાત સાહિત્યકટાર લખતા રહેલા. વાર્તાઓ પણ તેમણે લખી છે, ‘ફિસલન’, ‘ચાય કી પ્યાલી’ અને ‘કયામત હમરકાલ આયે ન આયે’ તેમની પ્રશંસા પામેલ વાર્તાઓ ગણાઈ છે. પાકિસ્તાનની સ્થાપના પછી કરાંચી હિજરત કરી ગયા હતા, જ્યાં ઇસ્લામિયા કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

જીવનના અંતિમ દિવસોમાં તેમણે તસવ્વુફકને અપનાવ્યું હતું અને ‘ઇસ્લામિયાત’ પર લખતા રહ્યા હતા. આથી વિરુદ્ધ તેમણે પ્રારંભમાં ફ્રાન્સની નૂતન કાવ્યપરંપરાના ખ્યાતનામ કવિઓ બોદલેર, માલાર્મે, રાંબૉ અને વર્લીન વગેરેની કવિતાઓ અને વિચારોને ઉર્દૂમાં રજૂ કર્યાં હતાં. ‘ઇન્સાન ઔર આદમી’, ‘સિતારા યા બાદબાન’ અને ‘વક્ત કી રાગની’ તેમના પ્રભાવશાળી આલોચનાગ્રંથો છે. ફ્રેંચ ભાષા તેઓ સારી રીતે જાણતા હતા. ફ્લોબેર અને સ્ટેંડાલની વિખ્યાત નવલકથાઓ અનુક્રમે ‘માદામ બોવરી’ અને ‘સ્કાર્લેટ ઍન્ડ બ્લૅક’નાં સુંદર ભાષાંતરો ઉર્દૂમાં તેમણે મૂક્યાં છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા