અસમય (1975) : બંગાળી નવલકથા. સ્વાતંત્ર્યોત્તરકાળના જાણીતા બંગાળી નવલકથાકાર બિમલકરની આ નવલકથાને 1975નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રવીન્દ્ર પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા. ‘અસમય’ સામાજિક નવલકથા છે. એમાં કથાનાયક જે ઇચ્છે છે, જે ઝંખે છે, તે તેને મળતું જાય છે, પણ એવે સમયે કે જ્યારે એ મળ્યાનો આનંદ ન રહ્યો હોય, કારણ કે એ ઘણું તાવ્યા પછી અપાયું હોય છે. તાવ આવ્યો હોય અને મોઢું કડવું થઈ જાય ત્યારે અત્યંત ભાવતી ખાવાની ચીજ મળે ત્યારે જેમ વસ્તુપ્રાપ્તિનો આનંદ થતો નથી, તેવું  આ નાયકના જીવનમાં પણ બને છે. પોતાનું જ ઘર હોય, ભાડૂત ભાડું આપતો ન હોય, અદાલતમાં દાવો માંડ્યો હોય અને વર્ષો સુધી મુકદ્દમો ચાલે અને છેવટે જ્યારે અદાલતમાં મુકદ્દમો જિતાય ત્યારે જીતનો આનંદ ન રહે. આવું નાયકના જીવનમાં બન્યા જ કરતું હોય છે, અને એથી જ કૃતિનું નામ અસમય રાખ્યું છે. આ મનોવૈજ્ઞાનિક નવલકથા છે.

ચન્દ્રકાન્ત મહેતા