અષ્ટાધ્યાયી (ઈસુની પૂર્વે પાંચમી સદી) : પાણિનિએ પોતાના સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોનો આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ. સૂત્રોની સંક્ષિપ્તતા જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સંદિગ્ધ અને અર્થહીન ન રહે તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને ચૌદ પ્રત્યાહાર (ટૂંકાં રૂપ બનાવવા માટેનાં) સૂત્રોમાં ગોઠવીને ‘શિવસૂત્રો’ કે ‘માહેશ્વરસૂત્રો’ તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે. તેનાં પ્રથમ ચાર સૂત્રોમાં દીર્ઘ પ્રકાર સિવાયના સ્વરો, પાંચમા અને છઠ્ઠા સૂત્રમાં અંત:સ્થ વર્ણો, સાતમામાં અનુનાસિક વ્યંજનો, આઠમા અને નવમામાં ‘ક’ વગેરે વર્ગના ત્રીજા અને ચોથા (ઘોષ) વ્યંજનો, અગિયારમા અને બારમા સૂત્રમાં એક વર્ગના પહેલા અને બીજા (અઘોષ) વ્યંજનો તેમજ તેરમા અને ચૌદમા સૂત્રમાં ઉષ્માક્ષરો આપ્યા છે.

‘અષ્ટાધ્યાયી’ના દરેક અધ્યાયના ચાર પાદ છે અને પ્રત્યેક પાદમાં ટૂંકા, ચીવટવાળા અને સૌષ્ઠવભર્યા નિયમો સૂત્રશૈલીમાં આપવામાં આવ્યા છે. પ્રથમ સાત અધ્યાયો અને આઠમાનો પહેલો પાદ મળીને ‘સપાદ સપ્તાધ્યાયી’ કહેવાય છે. તેમાં પ્રક્રિયાની દૃષ્ટિએ પ્રથમ પ્રયોજાતાં મહત્વનાં સૂત્રોની ગોઠવણી છે. આઠમા અધ્યાયના બાકીના ત્રણ પાદને ‘ત્રિપાદી’ કહે છે, જે સપાદ સપ્તાધ્યાયી કરતાં ઓછા મહત્વની છે. તેથી તેનાં સૂત્રોની પ્રવૃત્તિ સપાદ સપ્તાધ્યાયીનાં સૂત્રોની પ્રવૃત્તિની પછી થાય છે.

પ્રથમ અધ્યાયમાં સંજ્ઞા, પરિભાષા ઉપરાંત ક્રિયાપદના આત્મનેપદ તેમજ પરસ્મૈપદ અને કારકના નિયમો (સૂત્રો) છે. બીજા અધ્યાયમાં સમાસ, વિભક્તિ, અર્થ તેમજ લોપવિષયક સૂત્રો છે. ત્રીજા અધ્યાયમાં તિઙન્ત (ધાતુનાં રૂપો) અને કૃદન્ત (ધાતુસાધિત) રૂપોનો વિષય છે. ચોથા અને પાંચમા અધ્યાયમાં પુંલિંગ શબ્દોને સ્ત્રીવાચક બનાવનારા સ્ત્રીપ્રત્યયો, તદ્ધિત (નામસાધિત) રૂપો, વિભક્તિપ્રત્યયો અને સમાસાન્ત પ્રત્યયોનાં સૂત્રો છે. છઠ્ઠામાં ધાતુઓના દ્વિર્ભાવ (બેવડાવવું), સંધિવિષયક, ઉદાત્ત વગેરે સ્વરોની શબ્દવિષયક તેમજ સમાસવિષયક ચર્ચા, સમાસમાં થતા ફેરફારો અને ‘અંગ’ને પ્રત્યય મળતાં થતા ફેરફારોની ચર્ચા છે. સાતમા અધ્યાયમાં અંગ અને પ્રત્યયની ચર્ચા આગળ ચાલે છે. આઠમા અધ્યાયમાં શબ્દ અને પ્રત્યય મળવાથી પરસ્પર થતા ફેરફાર વિશેની ચર્ચા છે.

‘અષ્ટાધ્યાયી’ની રચનાપદ્ધતિ મૌલિક, અર્થપૂર્ણ અને રોચક છે. સૂત્રો કાર્યાનુસાર છ નામથી ઓળખાય છે :
1. સંજ્ઞાસૂત્રો, 2. પરિભાષાસૂત્રો, 3. વિધિસૂત્રો (વિધાન કરે તે), 4. નિયમસૂત્રો (ચોક્કસ નિયમન કરે તે),
5. અધિકારસૂત્રો અને 6. અપવાદસૂત્રો વિધિસૂત્રો અને નિયમસૂત્રોના કાર્યપ્રદેશને મર્યાદિત કરે છે. પૂર્વસૂત્ર કરતાં પછી આવતું સૂત્ર બળવાન હોય છે, પણ અપવાદસૂત્રને પહેલાં મૂકવામાં આવે છે. (સંબોધન વિભક્તિને પ્રથમામાં ગણીને સાતેય વિભક્તિઓના પ્રત્યયોનું પ્રત્યાહાર (ટૂંકું) રૂપ ‘સુપ્’ (પ્રથમા એકવચનનો ‘સુ’ અને સપ્તમી બહુવચનના ‘સુપ્’નો ‘પ્’ લઈને) અને પરસ્મૈપદના ‘તિ’ (ત્રીજો પુરુષ એકવચનના ‘તિપ્’નો ‘તિ’) અને આત્મનેપદનો ‘મહિઙ્’(પ્રથમ પુરુષ બહુવચન)નો ‘ઙ્’ લઈને અઢાર પ્રત્યયોનો પ્રત્યાહાર ‘તિઙ્’ બનાવવામાં આવ્યો છે.

‘અષ્ટાધ્યાયી’નાં સૂત્રોની ક્રમબદ્ધ વૃત્તિ-વ્યાખ્યા મહાભાષ્ય, કારિકા વગેરે પ્રકરણગ્રંથોમાં છે અને શબ્દ કે ધાતુનાં નિશ્ચિત રૂપ સિદ્ધ કરવાના વિષય અનુસાર વૃત્તિ પ્રક્રિયાકૌમુદી, વૈયાકરણ – સિદ્ધાંતકૌમુદી વગેરે પ્રક્રિયાગ્રંથોમાં છે. હાલમાં પણ બંને પરંપરાનુસાર ‘અષ્ટાધ્યાયી’નું અધ્યયન થાય છે.

જયદેવ જાની