અવલોકના (1965) : ગુજરાતી કવિ સુન્દરમનો 1968નો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પામેલો વિવેચનસંગ્રહ. સુન્દરમ્ વેધક પર્યેષકદૃષ્ટિ છે. એમના વિવેચનલેખોના સંગ્રહોમાં ‘અવલોકના’નું સ્થાન ઊંચું છે. એમાંના ‘બ.ક.ઠા.ની કવિતાસમૃદ્ધિ’, ‘શેષનાં કાવ્યો’, ‘પારિજાત’, ‘રમણલાલ દેસાઈની કવિતા’, ‘શંકિત હૃદય’ અને ‘સંયુક્તા’ વગેરે લેખોમાં એમણે ખ્યાતનામ ગુજરાતી લેખકોની કૃતિઓની તથા તેમના સર્જનકાર્યની તટસ્થતાથી ચકાસણી કરી છે. બ.ક.ઠા.ની કવિતા વિશેનો લેખ સુદીર્ઘ છે. એમાં તેમણે ઠાકોરની કવિતામાંથી પ્રચુર અવતરણો ટાંકીને ઠાકોરની અર્થૈકલક્ષી વિચારપ્રધાન કવિતાની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ પ્રતીતિકર રીતે તારવી બતાવી છે. પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ વિશેના લેખમાં પન્નાલાલની કથનકલાની વિશેષતાઓ દર્શાવીને એમની મર્યાદાઓ પ્રતિ પણ અંગુલિનિર્દેશ કર્યો છે. ‘1941નું ગ્રંથસ્થ વાઙ્મય’ વર્ષભરના સાહિત્યની ઊડતી પણ માર્મિક સ્થાનો પર આંગળી મૂકી આપતી વિવેચનાનો ઉત્તમ નમૂનો છે.

ચન્દ્રકાન્ત મહેતા