અવપાત (fallout) : વાતાવરણમાંથી પૃથ્વી પર નીચે આવતો વિકિરણધર્મી (radioactive) પદાર્થો રૂપી કચરો (debris). આવા પદાર્થો ત્રણ કારણોને લીધે ઉત્પન્ન થાય છે : (1) કુદરતી, (2) ન્યૂક્લિયર અને થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ અને (3) પરમાણુ-રિયૅક્ટરમાં ચાલતી વિખંડન(fission)ક્રિયાને કારણે પેદા થતા વિકિરણધર્મી પદાર્થો.

વાતાવરણમાં કૉસ્મિક કિરણોને લીધે કાર્બન અને હાઇડ્રોજનના વિકિરણધર્મી સમસ્થાનિકો પેદા થાય છે. વળી યુરેનિયમ અને થૉરિયમયુક્ત પૃથ્વીના ખડકોમાંથી વિકિરણધર્મી રેડૉનવાયુ વાતાવરણમાં પ્રસરે છે. ન્યૂક્લિયર વિસ્ફોટને કારણે ત્રણ પ્રકારના અવપાત પેદા થાય છે : સ્થાનિક, ક્ષોભમંડળીય (tropospheric) અને સમતાપમંડળીય (stratospheric). ન્યૂક્લિયર બૉમ્બના વિસ્ફોટના સ્થાનની નજીક સ્થાનિક અવપાત થાય છે, આમાં ભારે કણો હોય છે અને તે અત્યંત ઘાતક અસર ધરાવે છે; પણ તે મર્યાદિત સમય પૂરતી જ હોય છે. વિસ્ફોટથી ઉત્પન્ન થયેલ મધ્યમથી નાના કણો પવન મારફત વાતાવરણના નીચલા ભાગ, ક્ષોભમંડળમાં દાખલ થાય છે અને આશરે બે અઠવાડિયાંમાં પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે. વિસ્ફોટના એક માસ  પછી પવનની દિશામાં વિશાળ ક્ષેત્ર પર ફેલાઈને તે જમીન ઉપર ઊતરે છે. વિસ્ફોટમાં પેદા થયેલ બહુ નાના કણો ક્ષોભમંડળની ઉપરના વિભાગ સમતાપમંડળમાં એકઠા થાય છે અને આ સ્થાને વર્ષો સુધી રહી શકે છે. આ કણો ક્ષોભમંડળના કણો સાથે મિશ્ર થઈને ધીમે ધીમે પૃથ્વીના સમગ્ર વિસ્તારમાં વિકિરણધર્મી રજ રૂપે કે પાણીનાં ટીપાં સાથે જોડાઈને વર્ષા રૂપે નીચે ઊતરે છે. આ પ્રકારના અવપાત અતિશક્તિશાળી વિસ્ફોટને કારણે જ શક્ય બને છે. સમતાપમંડળમાં એકઠા થયેલ વિકિરણધર્મી સમસ્થાનિકોમાં સીઝિયમ (Cs–137), સ્ટ્રૉન્શિયમ (Sr–9૦) અને આયડિન(I–131)નાં અર્ધઆયુષ્ય અનુક્રમે 27 વર્ષ, 28 વર્ષ અને 8 દિવસ છે. આમાંનું Sr–9૦ પ્રાણીસૃષ્ટિ માટે અત્યંત જોખમકારક છે, કારણ કે કૅલ્શિયમને મળતું આવતું હોવાથી ખોરાક મારફત શરીરમાં દાખલ થઈને અસ્થિતંત્રમાં કેન્દ્રિત થાય છે. તેમાંથી નીકળતા વિકિરણને કારણે અસ્થિ અને રક્તનું કૅન્સર પેદા થાય છે.

વિકિરણધર્મી અવપાતનું ઘણા દેશો સતત નિરીક્ષણ (monitoring) કરે છે. દરેક જગાએથી હવા તથા ખોરાકના નમૂનો લઈ તેની વિકિરણધર્મિતા અત્યંત ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે અને તે મનુષ્ય તથા પ્રાણીઓ માટે જોખમી છે કે નહિ તેની સતત ચકાસણી કરવી પડે છે. આ અંગેના વાર્ષિક હેવાલ યુ.એન.ઓ. તરફથી બહાર પડે છે. રશિયાના ચેર્નોબિલ પરમાણુ વિદ્યુતમથકમાં અકસ્માત થતાં પેદા થયેલ અવપાતની નોંધણી છેક સ્વિડનમાં થઈ હતી. તે ઉપરથી અવપાતનું મૂળ સ્થળ ત્યાંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું.

પ્રવીણસાગર સત્યપંથી