અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય બાજુ આઠ વિદ્વાન પ્રશ્ર્ન પૂછવા બેસે છે. એમાંથી એક અવધાનીને કોઈ એક વિષય આપી તે પર કવિતા રચવા કહે છે. બીજો એની સામે સમસ્યા રજૂ કરે છે. ત્રીજો ચાર અસંબદ્ધ શબ્દો આપીને એનો પ્રયોગ કવિતામાં કરવા જણાવે છે. ચોથો કોઈ એક પુરાણનો પાઠ કરીને તેની વ્યાખ્યા કરવાનું કહે છે. પાંચમો ઘંટડી વગાડતાં વગાડતાં અવધાની પર ફૂલ ફેંકે છે. અવધાનીએ એ ફૂલ ગણીને એની કુલ સંખ્યા બતાવવાની હોય છે. છઠ્ઠો કોઈ ને કોઈ અસંબદ્ધ પ્રલાપ કરીને અવધાનીના ચિત્તની એકાગ્રતાનો ભંગ કરવા પ્રયત્ન કરે છે. સાતમો જ્યારે કોઈ વિષય પર અવધાની કવિતા રચતો હોય ત્યારે કવિતાના અક્ષરોને આઘાપાછા કરીને અવધાનીને ભુલાવામાં નાખવાનો પ્રયત્ન કરે છે અને આઠમો સાહિત્યિક ચર્ચા કરતો રહે છે. અવધાનીએ છેવટ સુધી આ બધું યાદ રાખીને વચમાં વચમાં એક એક પૃચ્છકને એક એક કાવ્યની પંક્તિ શીઘ્રતાથી કહેતાં કહેતાં અંતમાં બધાં કાવ્યોનું પુનરપિ ઉચ્ચારણ કરવાનું હોય છે. આવી સિદ્ધિ અવધાનીની બહુશ્રુતતા, કઠોર સાધના અને તીવ્ર સ્મૃતિ પર અવલંબિત હોય છે. શુદ્ધ કવિતા સાથે એને ભાગ્યે જ સંબંધ ગણાય.

ચન્દ્રકાન્ત મહેતા