અલ્-ફિહરિશ્ત

January, 2001

અલ્-ફિહરિશ્ત (ઈ. 988) : અરબી ભાષાનો પ્રથમ જ્ઞાનકોશ. તેનો કર્તા અલ નદીમ ઉર્ફે અબુલ ફરાજ બિન મુહમ્મદ બિન ઇસ્હાક. તેણે બગદાદમાં આ સુપ્રસિદ્ધ ગ્રંથ રચેલો. આ ગ્રંથના વિવિધ વિભાગોમાં વિભિન્ન ભાષાઓ, લિપિઓ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર અને કાવ્યો, તત્વજ્ઞાન, દંતકથાઓ-વાર્તાઓ, જાદુ-ચમત્કાર, કાયદાશાસ્ત્ર  એમ અનેક વિષયો ઉપરાંત મુસ્લિમોએ માન્ય કરેલા પવિત્ર ગ્રંથો, અરબી સાહિત્યનાં સાત સંભાષણો-સંવાદો, વિદેશી ધર્મો-સંપ્રદાયો અને કીમિયાઓ વગેરેની માહિતી આપી છે. અરબી ભાષામાં લખાયેલા જ્ઞાન-વિજ્ઞાનના મૂળ ગ્રંથો તેમજ તેમના અનુવાદોની સૂચિ મૂકવા ઉપરાંત તેમાં તે તે ગ્રંથોના કર્તાઓની સંક્ષિપ્ત જીવનરેખા, તેમજ તેમની કૃતિઓ ઉપરની વિવરણનોંધ આપેલી છે. તેમાં મધ્ય એશિયાના સાંસ્કૃતિક ઇતિહાસને લગતી હકીકત પણ સમાવેલી છે. ‘અલ-ફિહરિશ્ત’ અરબી ભાષાના વિશાળ ગ્રંથભંડારનો પરિચય કરાવે છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ