અલ્-જામિયા અલ્-સૈફિયહ

January, 2001

અલ્-જામિયા અલ્-સૈફિયહ : દાઉદી વહોરા કોમની, સૂરત શહેરમાં આવેલી એક ખાનગી વિદ્યાપીઠ. વિશ્વભરમાં વસતા અને વેપાર-ધંધો કરતા દાઉદી વહોરાઓની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત શહેરમાં હતું. તેથી એ જ શહેરમાં 1799માં વડા ધર્મગુરુ અબ્દે અલીએ દર્સે સૈફી નામની શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. આ મદરેસામાં દાઉદી વહોરા કોમની ઇસ્માઇલી માન્યતાઓ ઉપર આધારિત ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. 1961માં તે સમયના વડા મુલ્લાજી સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબે આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ આપવાના હેતુથી, દર્સે સૈફી મદ્રેસાને વિશ્વવિદ્યાલય(યુનિવર્સિટી)નું નવું રૂપ આપ્યું હતું અને તેનું નવું નામ અલ-જામેઆ અલ-સૈફિયહ રાખ્યું હતું. આ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ નામદાર સૈયદના તાહેર સૈફુદ્દીન અને તેની નૂતન રચનાની રૂપરેખા તૈયાર કરનાર, અમીર અલ-જામેઆ (rector) યૂસુફભાઈ નજમુદ્દીન સાહેબ હતા. પછી આ જામેઆના કુલપતિ વડા મુલ્લાજી ડૉ. સૈયદના મુહમ્મદ બુરહાનુદ્દીનસાહેબ આવ્યા. અલ્-જામેઆ અલ-સૈફિયહ, દાઉદી વહોરા કોમના ધાર્મિક વડા મારફત ચલાવાતી, માત્ર દાઉદી વહોરા કોમના વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે, જેમાં વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા દાઉદી વહોરા કોમના વિદ્યાર્થીઓ પોતાની માન્યતાઓને અનુરૂપ ધાર્મિક તેમજ વિશેષ કરીને અરબી ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ત્યાં આવે છે અને બધા પ્રકારની સેવાઓ તથા સુવિધાઓ નિ:શુલ્ક મેળવે છે. આ સંસ્થામાં અરબી ભાષા, ઇસ્લામી શાસ્ત્રો ઉપરાંત અંગ્રેજી, ગણિત, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આધુનિક પુસ્તકાલય, ભાષા-પ્રયોગશાળા તથા શિક્ષણ-કાર્યને મદદરૂપ થાય એવાં અન્ય વીજ-ઉપકરણો પણ વસાવવામાં આવ્યાં છે. આ સંસ્થામાં દર વર્ષે આશરે 425 વિદ્યાર્થીઓ અને 125 વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવે છે અને 11 વર્ષના સઘન અભ્યાસ બાદ અલ-ફકીહ અલ-જય્યિદની સ્નાતક કક્ષાની પદવી અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીને ઉત્તીર્ણ થવા માટે લેખિત પરીક્ષા ઉપરાંત કુલપતિ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ-વાલીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નોના મૌખિક ઉત્તરો જાહેરમાં આપવાના હોય છે. આ સંસ્થામાં જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડની International Bacccalaureate Diploma પરીક્ષાનું કેન્દ્ર પણ આવેલું છે. આ પરીક્ષા પાસ પસાર કરી ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થી વિશ્વની ઘણી નામાંકિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશનો હકદાર બને છે.

Surat Jamea

અલ્-જામિયા અલ્-સૈફિયહ

સૌ. "Surat Jamea" | CC BY-SA 4.0

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી