અલ્લમ-પ્રભુ

January, 2001

અલ્લમ-પ્રભુ (બારમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ. કર્ણાટકમાં બારમી સદીમાં થઈ ગયેલા કવિઓમાં અલ્લમ-પ્રભુ શ્રેષ્ઠ ગણાય છે. વીરશૈવ સંપ્રદાયના ગુરુસ્થાને ગણાતા અલ્લમ-પ્રભુ અથવા પ્રભુદેવે પોતાના સમકાલીન બસવેશ્વર વગેરે સાધકો પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો. એમનાં કાવ્યોએ સામાજિક તથા ધાર્મિક ક્રાન્તિ માટે પર્યાપ્ત માત્રામાં સામગ્રી પૂરી પાડી હતી, એ દૃષ્ટિએ એમની ગણના ક્રાંતિપ્રેરક કવિ તરીકે થાય છે.

અલ્લમ-પ્રભુનો જન્મ કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાના બળ્ળિ ગામમાં થયો હતો. તેમનો જન્મ લોકનર્તકોના વંશમાં થયેલો તેથી બાલ્યકાળથી જ તેમને મૃદંગવાદનમાં રસ હતો. તરુણાવસ્થામાં તેઓ કામલતા નામની એક નર્તકી પ્રત્યે પ્રબળ સ્નેહગાંઠથી બંધાયા હતા. તેના મૃત્યુ પછી અલ્લમ વૈરાગી બની ગયેલા અને સાધનામાં રચ્યાપચ્યા રહેતા હતા. કાળક્રમે તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

પ્રભુદેવનાં કીર્તનો રહસ્યભરપૂર છે. તેમાં આધ્યાત્મિક અનુભવોની અભિવ્યક્તિ છે. તેમનાં વચનોમાં સામાજિક રીતરિવાજોની વિડંબના છે. દાંભિક ભક્તોનો તેમણે ખૂબ પરિહાસ કર્યો છે. કબીરની જેમ અલ્લમ-પ્રભુએ પણ ઉખાણાં દ્વારા અધ્યાત્મ-અનુભવને વિશદ રીતે વ્યક્ત કરેલો છે.

અલ્લમ-પ્રભુનો જન્મ નીચલા વર્ગમાં થયો હતો તેમ છતાં એમણે યોગસાધના તથા કીર્તનો દ્વારા ઉપલા ગણાતા વર્ગનો પ્રેમ પણ પ્રાપ્ત કર્યો હતો.

એચ. એસ. પાર્વતી