અલ્મોડા

January, 2001

અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું વડું મથક છે. જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર પહાડી, અસમતળ તથા જંગલોથી છવાયેલો હોવાથી કૃષિપાકો નદીખીણો પૂરતા મર્યાદિત છે. ડાંગર, ઘઉં, બાજરી, ચા અને ફળો અહીંના મુખ્ય પાક છે. તાંબું અને મૅગ્નેસાઇટ જેવા ખનિજનિક્ષેપો પણ મળે છે. અલ્મોડા અને રાણીખેત આ જિલ્લાનાં મુખ્ય નગરો છે.

ભારતનાં ગિરિમથકોમાં અલ્મોડા એક મહત્વનું સ્થળ છે. પર્યટકો માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનાં ‘પૉઇન્ટસ’ આકર્ષણરૂપ છે. તે યુનિવર્સિટીનું પણ મથક છે. અલ્મોડાથી આશરે 20 કિમી.ના અંતરે કૃષ્ણ-પ્રેમાનંદાશ્રમ છે. અલ્મોડાની આજુબાજુમાં કોસાની, રાણીખેત તથા કૉર્બેટ નૅશનલ પાર્ક છે. કોસાની ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ છે એવો અભિપ્રાય મહાત્મા ગાંધીએ વ્યક્ત કર્યો હતો.

હેમન્તકુમાર શાહ

ગિરીશભાઈ પંડ્યા