અલ્મા-આતા

January, 2001

અલ્મા-આતા : રશિયામાં અગ્નિ કઝાખમાં આવેલો પ્રદેશ અને તેનું પાટનગર. વસ્તી : પ્રદેશ  18,66,000 (1980); શહેર  11,47,000 (1990). વિસ્તાર 1,04,700 ચોકિમી. ઉત્તરમાં બાલ્ખાશ સરોવરથી શરૂ કરી ઇલી નદીના બંને કાંઠે, અગ્નિએ ચીનની સરહદ સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. કૃષિ અને પશુપાલન આ પ્રદેશના મુખ્ય વ્યવસાયો છે. ઉદ્યોગો અલ્મા-આતા શહેરમાં કેન્દ્રિત થયેલા છે. 1854માં સ્થપાયેલું આ આધુનિક શહેર 1855થી 1921 સુધી વર્ની તરીકે જાણીતું હતું. તેરમી સદીથી લોકો શહેરના સ્થળે વસતા હતા. 1918માં ત્યાં રશિયન શાસન સ્થપાયું. 914 મીટર ઊંચાઈએ ધરતીકંપના અને ભેખડો ધસી પડવાના જોખમી વિસ્તારમાં તે વસેલું છે. 1887, 1911 અને 1921માં થયેલી હોનારતમાં તે વિસ્તારમાં જાનમાલની ભારે હાનિ થઈ હતી. શહેરમાં 1907માં બંધાયેલ રશિયન ‘ઑર્થૉડૉક્સ કેથીડ્રલ’ વિશ્વની બીજા ક્રમે આવતી સૌથી ઊંચી લાકડાની ઇમારત છે.

હેમન્તકુમાર શાહ