અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

January, 2001

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (1920) : અલીગઢ આંદોલનના ફળસ્વરૂપે સ્થપાયેલી યુનિવર્સિટી. ભારતમાં બ્રિટિશ શાસકોએ દાખલ કરેલ પશ્ચિમી કેળવણીથી મુસ્લિમો લાંબો સમય અલિપ્ત રહ્યા. આથી તેઓ આર્થિક તેમજ રાજકીય બાબતોમાં ઘણા પછાત રહ્યા. તેમનું આ પછાતપણું દૂર કરવા માટે પશ્ચિમી કેળવણી જરૂરી છે એમ માનનાર મુસ્લિમ સુધારકોના વર્ગે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘અલીગઢ આંદોલન’ શરૂ કર્યું. તેના પરિણામે ઈ. સ. 1875માં અલીગઢ(ઉત્તર પ્રદેશ)માં મોહમેડન ઍંગ્લો ઓરિયેન્ટલ કૉલેજની સ્થાપના થઈ. મહાન મુસ્લિમ વિદ્વાન અને સમાજસુધારક સર સૈયદ અહમદખાન આ ઝુંબેશના પ્રણેતા હતા. તેમના નેતૃત્વ નીચે ભંડોળ એકઠું કરવા તથા મુસ્લિમોનો જનમત કેળવવાના વ્યાપક પ્રયત્નો થયા. પરિણામે ઈ. સ. 1920માં એ વખતની કેન્દ્રીય ધારાસભામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ધારો પસાર થયો અને મોહમેડન ઍંગ્લો ઓરિયેન્ટલ કૉલેજનું એક વૈધિક, નિવાસી યુનિવર્સિટીમાં રૂપાંતર થયું.

Bab-e-Sayyad

પ્રવેશદ્વાર, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

સૌ. "Bab-e-Sayyad" | CC BY-SA 3.0

કાલક્રમે એ યુનિવર્સિટીનો ઘણો વિકાસ થયો છે. સંસદે એના મૂળ કાયદામાં કેટલાક ફેરફારો કરી તેને કેન્દ્રીય યુનિવર્સિટી બનાવી છે અને મોટા પ્રમાણમાં આર્થિક સહાય આપવાની જોગવાઈ કરી છે. ભારતના રાષ્ટ્રપતિ આ યુનિવર્સિટીના ‘વિઝિટર’ છે. યુનિવર્સિટીનું કૅમ્પસ 1,200 એકરનો વિસ્તાર ધરાવે છે. મસ્જિદને મધ્યબિંદુ ગણી 25 કિમી.ની ત્રિજ્યામાં આવતા પ્રદેશને યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર ગણવામાં આવ્યું છે. યુનાની વૈદક, ઉર્દૂ, અરબી, ફારસી, શિયા તથા સુન્ની પંથનાં ધર્મશાસ્ત્રો, ઇસ્લામી ધર્મ અને તે સંબંધી વિષયોનું અધ્યાપન એ એની વિશેષતા છે. યુનાની વૈદકમાં ઉચ્ચતમ કક્ષા સુધીના શિક્ષણનું માધ્યમ ઉર્દૂ છે. માનવીય વિદ્યાઓ તથા વાણિજ્યમાં પણ સ્નાતક કક્ષા સુધી ઉર્દૂ, હિંદી તથા અંગ્રેજી એમ ત્રણ માધ્યમો છે પણ એ સિવાયના બીજા વિષયોમાં જેમ કે વિજ્ઞાન સ્થાપત્ય ઇત્યાદિમાં અંગ્રેજી માધ્યમ છે, વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1982માં અગિયાર હજાર હતી. એ વિશ્વવિદ્યાલયના છાત્રોએ રાષ્ટ્રમાં ઉચ્ચોચ્ચ સ્થાન મેળવ્યું છે; જેમ કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફખ્રુદ્દીનઅલી અહમદ, અનેક ખાતામાં મંત્રી થઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર રફી અહમદ કીડવાઈ, પ્રતિષ્ઠિત લેખક સૈયદ ઝહીર ઇત્યાદિ.

આ યુનિવર્સિટી એક નિવાસી સંસ્થા હોઈ તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના નિવાસ માટે વિશાળ ‘હૉલ’ની વ્યવસ્થા છે, જે ઑક્સફર્ડની નિવાસ-વ્યવસ્થાને મળતી આવે છે. અહીં આઠ વિદ્યાશાખાઓ  – વિનયન, વાણિજ્ય, સમાજશાસ્ત્રો, વિજ્ઞાન, કાયદો, ધર્મશાસ્ત્ર, ઇજનેરી અને તકનીકી – નું ડૉક્ટરેટ કક્ષા સુધીનું શિક્ષણ મેળવવાની અને સંશોધન કરવાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઇજનેરી કૉલેજ, મેડિકલ કૉલેજ, તિબ્બિયા કૉલેજ, પૉલિટેક્નિક, મહિલા કૉલેજ ઉપરાંત છોકરાઓ માટે બે, છોકરીઓ માટે એક અને અંધ બાળકો માટે એક એમ કુલ ચાર માધ્યમિક શાળાઓ આવેલી છે, જે યુનિવર્સિટી પોતાની દેખરેખ નીચે ચલાવે છે. આમ માધ્યમિક કક્ષાથી માંડી ડૉક્ટરેટ કક્ષાના શિક્ષણની પોતાની આગવી વ્યવસ્થા ધરાવતી આ એક અનોખી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં કેટલીક બાહ્ય પરીક્ષાઓની સુવિધા પણ છે, જેનો લાભ સમગ્ર દેશના લોકો લઈ શકે છે.

Maulana Azad Library

મોલાના આઝાદ ગ્રંથાલય, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

સૌ. "Maulana Azad Library" | CC BY-SA 4.0

આ યુનિવર્સિટીનું ગ્રંથાલય ખૂબ સમૃદ્ધ છે. તેની પાસે એક અદ્યતન કમ્પ્યૂટર-કેન્દ્ર પણ છે. યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે અગ્રિમ અભ્યાસના કેન્દ્ર તરીકે તેને માન્યતા આપી છે. ઊંચાં શૈક્ષણિક ધોરણો પ્રસ્થાપિત કરેલ આ યુનિવર્સિટીએ મુસ્લિમ સમાજમાં શિક્ષણ ફેલાવી સામાજિક ક્રાંતિનાં બીજ વાવ્યાં છે. એના વિદ્યાર્થી અને અધ્યાપક-ગણમાં અનેક ધર્મોના સભ્યો હોવાથી રાષ્ટ્રીય એકતાનો એક સુંદર નમૂનો એ પૂરો પાડી રહી છે.

રિખવભાઈ શાહ

ચન્દ્રકાન્ત મહેતા