અલિયા બેટ

January, 2001

અલિયા બેટ : નર્મદા નદીના મુખ પાસેના અનેક બેટોમાંનો એક. અલિયા બેટ, વાકિસ બેટ અને ધંતૂરિયા બેટ તેમાં મુખ્ય છે. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા આ બેટ નર્મદા ઉપરાંત ભૂખી નદીના કાંપ, કાદવ, માટી, રેતી જેવા નિક્ષેપિત પદાર્થોમાંથી બનેલા છે. અલિયા બેટને કારણે નદીનો પટ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. દક્ષિણ તરફની નાળમાં ઓટ કે નાની ભરતી વખતે પાણી રહેતું નથી, જ્યારે ઉત્તર તરફની જોગેશ્વર, આંભેટા, સુવા, વેંગણી અને ભાડભૂતની નજીક નાળમાં વહાણો અવરજવર કરી શકે તેટલું પાણી કાયમ રહે છે.

કાળી ચીકણી માટી અને રેતીને કારણે ટૂંકું ઘાસ અને દરિયાઈ વનસ્પતિ અહીં ઊગે છે, જેનો ઉપયોગ ઘાસચારા તરીકે થાય છે. આ બેટ નજીકના ખંભાતના અખાત વિસ્તારમાં તાજેતરમાં ગાંધાર ક્ષેત્રમાંથી પુષ્કળ ખનિજ તેલ પ્રાપ્ત થયું છે. નર્મદાના મુખ પાસે 40 કિમી. સુધી આ બેટનો મોટો ભાગ ડૂબી જાય છે. ગુજરાત સરકાર આ બેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વિચારવામાં આવેલું છે. જેથી સ્થાનિક લોકોને રોજીરોટી મળી શકે. આ બેટ ઉપરની વસ્તી ફક્ત 411 (2019) છે. અહીં ફક્ત કાયમી આવાસોની સંખ્યા 92 છે.

મહેશ મ. ત્રિવેદી