અલકનંદા (1967) : આસામનાં અર્વાચીન રહસ્યવાદી કવયિત્રી  નલિનીબાલાદેવી(1899-1977)નો છઠ્ઠો કાવ્યસંગ્રહ. 1968માં એમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો.

યૌવનના ઉંબરે પ્રવેશતાં જ વિધવા થયેલાં નલિનીબાલાને ગીતા અને ઉપનિષદે, શંકરદેવના વૈષ્ણવ સાહિત્યે તથા રવીન્દ્રનાથની કવિતાએ ધૃતિ આપીને એમના જીવનમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું. આ સંગ્રહમાંની કવિતામાં એમણે પ્રત્યેક પ્રાકૃતિક તત્વમાં રહેલા સૌંદર્યનું પણ પ્રતીતિકર રીતે દર્શન કરાવ્યું છે. આ સંગ્રહની કવિતામાં વિષયવૈવિધ્ય સારા પ્રમાણમાં છે. તેમાં કેટલીક રહસ્યવાદી કવિતા છે તો કેટલાંક ભક્તિગીતો છે અને રાષ્ટ્રપ્રેમનાં ગીતો પણ છે. એમની આ કવિતામાં કર્ણમધુર પદાવલિ છે. એમણે સંસ્કૃત સાહિત્યમાંથી અજસ્ર પ્રેરણા લીધી છે. અલંકારો, શબ્દાવલિ, કથનશૈલી એ બધાંમાં શિષ્ટ સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ અનુભવાય છે, પણ તેથી એમની કવિતાની મૌલિકતાને લવલેશ પણ આંચ આવતી નથી.

પ્રીતિ બરુઆ