અલકનંદા (નદી) : ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી. તે ઉત્તરપ્રદેશના ગઢવાલ-હિમાલય પ્રદેશમાંની ગંગા નદીની ઉપનદી છે. કામેટ શિખર પરથી વહેતી વિષ્ણુગંગા (જે ધૌલી નામથી પણ એ વિસ્તારમાં ઓળખાય છે.) અને સરસ્વતી – આ બે નદીઓનો સંગમ જોશીમઠ પાસે થાય છે અને ત્યારબાદ તે અલકનંદા નામથી ઓળખાય છે. અલકનંદા જ્યારે કર્ણપ્રયાગ પહોંચે છે ત્યારે તેને પિંડર નદી મળે છે. ત્યારબાદ તેહરી-ગઢવાલ પ્રદેશમાંથી પશ્ચિમ તરફ વહેતા તેના પ્રવાહના કિનારા પર રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ – આ બે તીર્થસ્થાનો વસેલાં છે. ત્યાં તેને મંદાકિની (જે કાલિગંગા નામથી પણ ઓળખાય છે.) અને ભાગીરથી મળે છે. અલકનંદા અને ભાગીરથીનો સંયુક્ત પ્રવાહ ગંગા અથવા ગંગા-ભાગીરથી નામ ધારણ કરે છે. ભારતના ધાર્મિક ઇતિહાસમાં જ નહિ પરંતુ સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ ગંગા નદી પ્રાચીન કાળથી અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે.

અલકનંદા નદીના પ્રવાહના કાંઠા પર બદ્રિનાથ, ભીમશિલા, માનસોદ્ધવ, નંદપ્રયાગ અને વિષ્ણુપ્રયાગ – આ તીર્થસ્થાનો આવેલાં છે; જેને લીધે તેનું મહત્વ વધ્યું છે. અલક્ધાંદા નદીની કુલ લંબાઈ 120 કિમી. છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે