અર્ન્સ્ટ, મૅક્સ (જ. 2 એપ્રિલ 1891; અ. 1 એપ્રિલ 1976, પેરિસ ફ્રાન્સ) : દાદા ચિત્રશૈલીના જર્મન ચિત્રકાર. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે સૈનિક તરીકે જર્મન લશ્કરમાં સેવા આપી હતી. યુદ્ધના અંતે તેઓ ઝ્યૂરિખ નગરની દાદા ચળવળ સાથે નિકટના સંપર્કમાં આવ્યા તથા તેમને દ કિરિકૉ અને પોલ ક્લૅનાં ચિત્રો તરફ પણ આકર્ષણ થયું. 1921માં તેઓ પૅરિસ ગયા તે અગાઉ તેમનાં ચિત્રોમાં ડ્યૂરર, બૉશ અને ગ્રૂનવાલ્ડનાં ચિત્રો જેવો ગૉથિક કલ્પનાનો તરંગી સ્વૈરવિહાર જોવા મળે છે. 1919માં તેમણે કૉલાજ અને ફોટોમૉન્ટાજ બનાવ્યાં, જેમાં એક જ આકૃતિનાં બે અર્થઘટન થઈ શકે; દા.ત., ચિત્ર ‘હિયર એવરિથિંગ ઇઝ સ્ટિલ ફ્લોટિંગ’માં ઊંધા પડેલા વંદાની આકૃતિને દરિયાના ઊંડાણમાં તરતા જહાજ તરીકે પણ જોઈ શકાય. આમ એક પ્રકારનો ચાક્ષુષ શ્લેષ ઊભો કરી તેમણે ત્યાર પછી આવનારી પરાવાસ્તવવાદી કલાનાં એંધાણ આપ્યાં. આ દૃષ્ટિએ અર્ન્સ્ટનું વીસમી સદીની પશ્ચિમની કલામાં ઘણું મહત્વનું સ્થાન છે. 1919માં તે જર્મન દાદા ચળવળના અન્ય કલાકાર જ્યાં આર્પ સાથે સંકળાયા અને કોલોન નગરમાં દાદા ચળવળને મજબૂત કરી. આર્પ અને અર્ન્સ્ટનું કલાકારયુગ્મ ઘણું ફળદાયી પુરવાર થયું. હકીકતમાં ઉપરોક્ત ચિત્રનું શીર્ષક આર્પે આપ્યું હતું. તે બંનેને ફ્રેંચ કવિ અને વિવેચકો આન્દ્રે બ્રેતોં અને લુઈ આરાગોન સાથે પણ સંપર્ક હતો.

Max Ernst 1968

મૅક્સ અર્ન્સ્ટ

સૌ. "Max Ernst 1968" | Public Domain, CC0

1921 પછી અર્ન્સ્ટનાં ચિત્રોમાં ભૂતાવળનું વાતાવરણ અને દુ:સ્વપ્નોનો ઓથાર પ્રવેશ્યાં. અહીં આકૃતિઓનાં પ્રતીકાત્મક અર્થઘટનો તર્કની મર્યાદાની બહાર છે. વિચિત્ર અને કઢંગા વિરોધાભાસો વડે તેઓ દર્શકની ચેતનાને ઢંઢોળવા માંગે છે : દા.ત., ‘ધી એલિફન્ટ સિલિબસ’ ચિત્રમાં બૉઇલરના ભંગારમાંથી બનાવેલા હાથીને શિષ્ટ નગ્ન સ્ત્રીના મસ્તિષ્કવિહોણા દેહની બાજુમાં ગોઠવી દીધો છે. આમ આર્પની કલા માનવીની અર્ધજાગ્રત ચેતનાને ઢંઢોળવા મથે છે.

અમિતાભ મડિયા