અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો સમ સંખ્યામાં જોવા મળે છે. સ્ફટિક વર્ગની સમમિતિની નિમ્ન કક્ષાઓમાં ક્યારેક અક્ષને એક છેડે જોવા મળતાં ફલકો બીજે છેડે હોતાં નથી. આ લાક્ષણિકતાને કારણે અક્ષને બંને છેડે જુદાં જુદાં સ્વરૂપો વિકસેલાં જોવા મળે છે. પરિણામે અર્ધરૂપતાવાળા સ્ફટિકોમાં સમમિતિનું કેન્દ્ર હોઈ શકે નહિ. આ માટેનું ઉત્તમ ઉદાહરણ ટુર્મેલિન (અને ઝિંકાઇટ) પ્રકારની સમમિતિ પૂરું પાડે છે.

અર્ધરૂપતા દર્શાવતો હેક્ઝાગોનલ વર્ગનો સ્ફટિક : ઝિંકાઇટ

રાજેશ ધીરજલાલ શાહ