અર્થ (ફિલ્મ) : જાણીતી હિન્દી ફિલ્મ (1982) : કથા તથા દિગ્દર્શન : મહેશ ભટ્ટ તથા સુજિત સેન. ગીત : કૈફી આઝમી, સંગીત : ચિત્રા સિંગ અને જગજિત સિંગ. મુખ્ય અભિનય : કુલભૂષણ ખરબંદા, શબાના આઝમી, સ્મિતા પાટીલ. નિર્માતા : કુલજિત પાલ.

ઇન્દર મલહોત્રા અને પૂજા સુખી દંપતી છે. પૂજા અનાથાશ્રમમાં ઊછરી હોવાથી એ અસલામતી અનુભવે છે. એથી પતિનો વિરહ જરાય સહી શકાતો નથી; કારણ કે પતિએ એને આરામની જિંદગી અને સુરક્ષિતતા આપ્યાં છે. પતિ ઇન્દર એના કામકાજ અંગે ફિલ્મ-અભિનેત્રી કવિતાના સંપર્કમાં આવે છે. એ પણ સલામતીની શોધમાં છે, જે એને ઇન્દર દ્વારા મળે છે. આખરે ઇન્દર કવિતાની સાથે જુદો રહેવા ચાલ્યો જાય છે. (બંને સ્ત્રીઓને ઇન્દર જોઈએ છે.) ત્યાં પૂજાને ખબર પડે છે કે જે મકાન ઇન્દરે એને માટે કર્યું છે, તેનાં નાણાં કવિતાએ પૂરાં પાડ્યાં છે. આથી પૂજા ઘર છોડીને મહિલા છાત્રાલયમાં રહેવા ચાલી જાય છે. એક પાર્ટીમાં પૂજા ઇન્દર અને કવિતાને જોતાં હતાશા અનુભવે છે અને ખૂબ પીએ છે, ત્યારે ગાયક રાજ એને બચાવે છે. ઇન્દર પણ કવિતાથી ત્રાસી ગયો છે. કવિતાને પણ ગુનાહિત ભાવના સતાવે છે અને એ ઇન્દરને કાઢી મૂકે છે. ઇન્દર પાછો પૂજા પાસે જાય છે પણ પૂજા હવે સ્વસ્થ થઈ છે, એનામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. પોતાની નોકરાણીના છોકરાને તે દત્તક લે છે, તેમજ રાજના પ્રણયને તે ફગાવે છે.

આ કથા પાત્રોના આંતરસંઘર્ષની છે અને સ્વત્વને પામવાની સ્ત્રીની શક્તિનો પરિચય કરાવે છે.

કેતન મહેતા