અર્થવાદ (પૂર્વમીમાંસા)

January, 2001

અર્થવાદ (પૂર્વમીમાંસા) : પ્રશંસા કે નિંદારૂપ બાબત(અર્થ)નું કથન (વાદ) કરતું વેદવાક્ય. વેદના પાંચ વિભાગો પાડેલા છે : (1) વિધિ, (2) મંત્ર, (3) નામધેય, (4) નિષેધ અને (5) અર્થવાદ.

વેદ (આમ્નાય) ક્રિયાપરક હોવાથી વિધિ કે યાગરૂપ ધર્મના અનુષ્ઠાન માટે પ્રેરે છે તેવો મીમાંસકોનો સિદ્ધાંત છે. તેથી પ્રશંસા કે નિંદાપરક અર્થવાદને ધર્મ કે યાગ સાથે સીધો સંબંધ થશે નહિ અને પરિણામે તે વ્યર્થ બની જશે. તેને સાર્થક બનાવવા લક્ષણા દ્વારા પરોક્ષ કે આડકતરી રીતે તેનો વિધિ કે નિષેધ સાથે સંબંધ દર્શાવવામાં આવે છે. આમ વિધિ-નિષેધનો પૂરક (શેષ) બનીને તે ધર્મ(યાગ)ના અનુષ્ઠાન માટે પ્રેરણા આપીને પ્રયોજનયુક્ત સિદ્ધ થાય છે. આ દૃષ્ટિએ અર્થવાદના બે પ્રકાર પાડેલા છે :

(1) વિધેયપ્રાશસ્ત્યપરક અને (2) નિષેધ્યનિંદાબોધક. વિધેયની પ્રશંસા કરીને વિધિને સહાયક થતો અર્થવાદ પ્રશંસા અર્થવાદ કહેવાય છે, જ્યારે નિષેધ્યની નિંદાનો બોધ કરાવી નિષેધને સહાયક થનાર નિંદા અર્થવાદ કહેવાય છે.

(1) પ્રશંસા અર્થવાદ – ‘વાયુ માટેના સફેદ(પશુ છાગ)નું બલિદાન આપવું જોઈએ’ (वायव्यं श्वेतमालभेत ।) એ વિધિવાક્યની સાથે ‘વાયુ સૌથી ઝડપી દેવતા છે’ (वायुर्वै क्षेपिष्ठा देवता ।) વગેરે અર્થવાદ વાક્યનો અન્વય થતાં આમાં વાયુની પ્રશંસા લાગે છે. કારણ કે સૌથી ઝડપી હોવાથી વાયુદેવતા પોતાને યોગ્ય આહુતિ (શ્વેત પશુ) વડે પ્રસન્ન કરનારને ત્વરાથી સમૃદ્ધિ આપે છે તેમ કહેલું છે. પરંતુ શ્વેત પશુનું બલિદાન આપવાના યજ્ઞ (રૂપી ધર્મ) સાથે વાયુની પ્રશંસાને સીધો સંબંધ નથી. તેથી લક્ષણા દ્વારા એમ સમજવામાં આવે છે કે અહીં શ્વેત પશુનું બલિદાન આપવાના યજ્ઞરૂપી વિધેયની પ્રશંસા છે. આમ આ અર્થવાદ સપ્રયોજન (અર્થવત્) બને છે.

(2) નિંદા અર્થવાદ – ‘બર્હિસ્ (દર્ભઘાસ) ઉપર (દક્ષિણા રૂપે) રૂપું નહિ આપવું જોઈએ’ (बर्हिषि रजतं न देयम् ।) એ નિષેધવાક્યની સાથે ‘તે (અગ્નિ) રડ્યો. તે જે રડ્યો તે રુદ્રનું રુદ્રપણું છે.’ (सोऽरोधीदरोदीत्तद्रुद्रस्य रुद्रत्वम् ।) એ અર્થવાદ વાક્યનો અન્વય કરવાનો છે. તેને નિષેધ સાથે સીધો સંબંધ નહિ હોવાથી લક્ષણા દ્વારા એમ સમજવામાં આવે છે કે રૂપાનું દાન નિષેધ્ય બાબત છે તેથી તેની નિંદા કરીને આ અર્થવાદ નિષેધ્યનાં નિંદિત તત્વબોધક બની આડકતરી રીતે નિષેધનો શેષ બને છે.

ઉપરાંત (3) પરકૃતિ (મહાન વ્યક્તિનાં કાર્યો) અને (4) પુરાકલ્પ. – (પ્રાચીન પ્રસંગો)ને અર્થવાદમાં ગણવામાં આવે છે.

અર્થવાદમાં નિરૂપિત વિષયને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પાડેલા છે : (1) ગુણવાદ, (2) અનુવાદ અને (3) ભૂતાર્થવાદ.

(1) ગુણવાદ : વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ તથા પ્રમાણો સાથે વિરોધ થાય તેવા વિધાનને ગુણવાદ કહે છે. ‘આદિત્ય (સૂર્ય) યૂપ (યજ્ઞમાંનો પશુ-સ્તંભ) છે’ એમાં સૂર્યને યૂપ કહેવો એ

વસ્તુસ્થિતિ તથા પ્રત્યક્ષપ્રમાણની વિરુદ્ધ છે. તેથી લક્ષણાથી તેનો ગૌણ અર્થ સમજવામાં આવે છે કે ‘યૂપ સૂર્ય જેવો ચમકતો છે.’

(2) અનુવાદ : અન્ય પ્રમાણ વડે સિદ્ધ થયેલી બાબતનું કથન.

(3) ભૂતાર્થવાદ : વસ્તુસ્થિતિ સાથે વિરોધ ન થાય તેમજ તેને અનુરૂપ ન હોય તેવા વિધાનને ભૂતાર્થવાદ કહે છે. ‘ઇન્દ્રે વૃત્રની સામે વજ્ર ઉગામ્યું’ એ વિધાનની હકીકત જેમ વસ્તુસ્થિતિની વિરુદ્ધ જણાતી નથી તેમ પ્રત્યક્ષપ્રમાણથી પુરવાર પણ થતી નથી. ભૂતકાળમાં બનેલા બનાવનું નિરૂપણ કરતા આવા વિધાનને ‘ભૂતાર્થવાદ’ કહે છે તે યથાર્થ છે.

મનસુખ જોશી