અરાજકતાવાદ (anarchism) : રાજ્યસત્તાવિહીન તંત્રની હિમાયત કરતી વિચારધારા. કોઈની પણ અધિસત્તા નહિ સ્વીકારવાનું વ્યક્તિ કે સમૂહનું વલણ અરાજકતાવાદના પાયામાં રહેલું છે. આ મતના પુરસ્કર્તાઓ માને છે કે સાર્વભૌમત્વ અને સરકાર દ્વારા રાજ્ય મુખ્ય અધિસત્તા બને છે. આથી અરાજકતાવાદીઓ આ બંને(સરકાર અને રાજ્ય)ના વિસર્જનની માંગ કરે છે. તેઓ માને છે કે રાજ્યની આ અધિસત્તાને કારણે જ શોષણ, અન્યાય, દમન, વર્ગભેદ જેવાં અનિષ્ટો સર્જાયાં છે; અધિસત્તાથી પ્રાપ્ત થતા બળથી અને રાજકીય સંસ્થાઓના પીઠબળથી સ્થાપિત હિતો આ અન્યાયી વ્યવસ્થાને ટકાવી રાખે છે અને પરિવર્તન તથા વિકાસને અવરોધે છે. વળી તેમનું કહેવું છે કે રાજ્યની નાબૂદી સાથે સત્તા-બળથી વ્યવસ્થા જાળવતી સંસ્થાઓ ને વ્યક્તિ-જૂથ, પ્રદેશ, રાષ્ટ્ર વગેરે વચ્ચેના સ્વૈચ્છિક સહકારી સંબંધોથી વ્યવસ્થા જળવાશે, શોષણવિહીન અને સત્તાવિહીન અરાજક સમાજ રચાશે; તેમાં વ્યવસ્થાના નિયમો કે ધોરણોનું પાલન બળના કે તેવા અન્ય બાહ્ય દબાણ દ્વારા નહિ થાય; પરંતુ દરેક વ્યક્તિ સ્વેચ્છાએ તેનામાં મૂળભૂત રીતે રહેલી નૈતિક સમજને કારણે આ ધોરણો પાળશે. અરાજકતાવાદીઓ માને છે કે માનવી મૂળભૂત રીતે સારો છે, નીતિમાન છે, પણ સમાજની વિકૃત વ્યવસ્થા અને તેનાં દબાણો નીચે તે ભ્રષ્ટ થાય છે. શબ્દશ: જોઈએ તો અરાજકતા માટે વપરાતો ‘Anarchos’ શબ્દ ગ્રીક ભાષાનો છે, તેનો અર્થ થાય છે ‘શાસનવિહીનતા’.

આધિપત્ય પ્રત્યેના અણગમામાં, એટલે કે, સ્વતંત્રતાની પ્રાકૃતિક વૃત્તિમાં, અરાજકતાવાદનાં મૂળ રહેલાં છે. આથી, આ વિચારધારાના અંગરૂપ અનેક ખ્યાલો તથા માન્યતાઓના અંકુરો ખૂબ પ્રાચીન સમયના ચિંતનમાં પણ નજરે ચઢે છે. ભારતીય ચિંતનમાં ઋતને ઐહિક-ભૌતિક-રાજકીય આધિપત્ય ઉપર પ્રાધાન્ય આપીને, આ અભિગમને દાર્શનિક મહત્તા અપાઈ હતી, જ્યારે ચાર્વાકાદિ દર્શન-પ્રણાલીમાં ઈશ્વરના અસ્તિત્વ તથા પરલોકને પડકારીને આધ્યાત્મિક અધિસત્તાને ઇન્કારવામાં આવી હતી. રાજકીય ચિંતનના જનક ગ્રીસમાં સ્ટૉઇક પ્રણાલીના ઝેનોએ પ્લેટોની સમગ્રતાવાદી વ્યવસ્થાની હિમાયત સામે રાજ્યવિહીન સમાજની તરફેણ કરી. નિ:સારવાદી પ્રણાલીના ડાયોનિસિયસના વિચારોમાં પણ તેના અંશ છે. એકંદરે દરેક પ્રજામાં એવા સુવર્ણયુગની કલ્પના મળી આવે છે, જેમાં વ્યક્તિ સ્વાવલંબી, આત્મશાસિત, સ્વૈરવિહારી, મુક્તજીવન ગાળે. અનેક ધર્મપ્રવર્તકોના વિચારોમાં પણ અરાજકતાવાદના સિદ્ધાંતોનું સમર્થન કરતાં વિધાનો શોધી શકાય. ઈસુનાં વાણી તથા વર્તનમાંથી પણ આવાં વિધાનો ખોળી કાઢવામાં આવે છે. બીજી સદીમાં અસ્તિત્વમાં આવેલા ‘કાર પ્રૉકેટ્સ’ વિચાર પ્રવાહમાં પણ અરાજકતાવાદી વલણો જોવા મળે છે.

અરાજકતાવાદની મુખ્ય માન્યતાઓ, હેતુઓ અને કાર્યપદ્ધતિ દર્શાવતો એક મુસદ્દો, અમેરિકામાં પિટ્સબર્ગ ખાતે 1883માં મળેલી અરાજકતાવાદી પરિષદે બહાર પાડ્યો હતો. તેમાં રાજ્ય તત્વત: અયોગ્ય હોવાની માન્યતા છે. પ્રથમ તો, રાજ્ય દ્વારા સામાજિક અને નૈતિક દૂષણોનો ઇલાજ કે ઘટાડો અસંભવિત છે, કારણ કે રાજ્ય અનિવાર્યપણે આધિપત્ય અને શોષણનું સાધન છે. બીજું, માનવી તત્વત: સારો છે, પરંતુ રાજ્યની સંસ્થાઓ તેને દૂષિત કરે છે. આ વિધાનમાં માનવસ્વભાવ અંગેનો આશાવાદ વ્યક્ત થાય છે. ત્રીજું, તે માને છે કે ઉપરથી સુધારા કરવાની તેમજ ઉપરથી નીચે તરફ જતી સત્તાસંબંધોની શ્રેણીરચનાને બદલે મૂળભૂત એકમ માનવીથી ઉપર તરફ જવાની વ્યવસ્થા હોવી જોઈએ, જે અંતે સમગ્ર વિશ્વ માટેની એક સહકારી વ્યવસ્થામાં પરિણમવી જોઈએ. નૂતન વ્યવસ્થાની રચના માટે અરાજકતાવાદ ક્રાંતિની હિમાયત કરે છે. ક્રાંતિ પછી સરકારનું વિસર્જન થવું જોઈએ અને નવી વ્યવસ્થામાં બળપ્રયોગને કોઈ સ્થાન રહેવું જોઈએ નહિ. અરાજકતાવાદ ઉત્ક્રાંતિવાદી કે નિયતિવાદી અભિગમને બદલે બુદ્ધિ, ન્યાય અને વૈજ્ઞાનિક જ્ઞાનથી પ્રેરાયેલા મનુષ્ય દ્વારા કરાયેલી ક્રાંતિમાં વિશ્વાસ ધરાવે છે. બળને બદલે તે મનુષ્યના સહકાર, સ્વૈચ્છિક અને સંપ્રજ્ઞ માનવપ્રયાસને ચાવીરૂપ સ્થાન આપે છે.

ફ્રેન્ચ ક્રાંતિની પૂર્વસંધ્યાએ ઝૅક રો(Jacques Roux)નું, ઇંગ્લૅન્ડમાં ડીગર ચળવળ જેવું એનરેગ આંદોલન અરાજકતાવાદના અંશો ધરાવતું હતું. અરાજકતાવાદી વિચારોનો વ્યવસ્થિત સૈદ્ધાંતિક પાયો વિલિયમ ગૉડવિન(1756-1836)નાં લખાણોમાં જોવા મળે છે. માનવીની મુક્ત ઇચ્છાના પાયા ઉપર માનવીની બુદ્ધિનિષ્ઠામાં વિશ્વાસ અને શિક્ષણ દ્વારા સાચા નૈતિક વર્તનનું ઘડતર કરી અરાજક વ્યવસ્થાની રચનાનો માર્ગ તેણે ચીંધ્યો હતો. માર્કસના સમકાલીન મૅક્સ સ્ટર્નર (જ્હૉન્ના કાસ્પર શ્મિડ્ટ) વ્યક્તિના અહમના પાયા ઉપર તેના અક્ષુણ્ણ સ્વત્વની હિમાયત કરે છે. આ શ્રેણીમાં પ્રુધૉ (1809-1865) નોંધપાત્ર ચિંતક છે. મિલકતને ચોરી ગણાવી તેણે ન્યાયી આધિપત્યની વાત કરી તથા કામદાર મંડળો દ્વારા આર્થિક ક્રાંતિ અને આવાં મંડળોના સમવાયતંત્ર દ્વારા નૂતન વ્યવસ્થા સિદ્ધ કરવાની હિમાયત કરી હતી. માઇકલ બાકુનીન (1814-1876) મૂલત: વિદ્રોહી વ્યક્તિ છે. ઈશ્વર હોય તો તેને નાબૂદ કરવો પડશે તેવી હાકલ સાથે તેણે દરેક આધિપત્ય સામે સશસ્ત્ર વિદ્રોહની હિમાયત કરી છે. તેણે સાઇબીરિયામાં કારાવાસ પણ ભોગવ્યો હતો. અનેક નિષ્ફળ વિદ્રોહોમાં ભાગ લીધો હતો. માર્ક્સ સાથે ‘ઇન્ટરનૅશનલ’માં બાખડ્યો હતો. બાકુનીન ક્રાંતિ માટે મંડળના નેતૃત્વની હિમાયત કરે છે; નવરચનાનો નકશો પ્રજા જાતે જ ઘડશે તેવો તે આગ્રહ રાખે છે. પ્રિન્સ ક્રોપૉટક્રિન પ્રમાણમાં સૌમ્ય અને બૌદ્ધિક અભિગમ દર્શાવે છે. તે માને છે કે માનવ-પ્રગતિનો ઇતિહાસ માનવી કે જૂથો વચ્ચેના સંઘર્ષનો નહિ, પરંતુ સહકારનો ઇતિહાસ છે. નૂતન વ્યવસ્થામાં પણ તે આ સહકારની વૃત્તિને મહત્વ આપે છે. તે ક્રાંતિને એક નક્કર ઘટના રૂપે જુએ છે તથા નૂતન સમાજ કેવો હોઈ શકે તેનું આકર્ષક ચિત્ર ‘ભૂખમરાનો ઉપાય’ પુસ્તકમાં નિરૂપે છે. આ ઉપરાંત થૉરોના નીતિનિષ્ઠાના ખ્યાલમાં, ઈમા અને ઍલેક્ઝાંડર દંપતીનાં લખાણોમાં (ABC of Anarchism) અને ટકરના મ્યુચ્યુઅલ બૅંકિંગના ખ્યાલમાં પણ અરાજકતાવાદના તંતુઓ જણાય છે. તૉલ્સ્તૉયના પ્રકૃતિવાદ અને ખ્રિસ્તી નીતિમત્તા, અસહકાર, સવિનય કાનૂનભંગના ખ્યાલમાં તથા ગાંધીજીના વિચારોમાં પણ અરાજકતાવાદનાં વિવિધ લક્ષણો પ્રગટ થાય છે. આ ચિંતકોમાંથી એક પ્રવાહ ઔદ્યોગિક સમાજમાં અરાજકતાવાદી વ્યવસ્થા કેવી રીતે રચી શકાય તેની વાત કરે છે, જેના ફળરૂપે ગિલ્ડ સમાજવાદ અને સિન્ડિકેલિઝમ જેવાં આંદોલનો ઉદભવ્યાં. બીજી બાજુ સાદા ગ્રામસમાજ તરફ અભિમુખ થવાની વાત છે. અરાજકતાવાદી આંદોલનને હિંસક ક્રાંતિની હિમાયત કરતા તથા અહિંસક નૈતિક ક્રાંતિની હાકલ કરતા બે ફાંટાઓના સ્વરૂપે પણ નિરૂપી શકાય. જ્યારે એક પ્રવાહ આડેધડ, ત્રાસવાદી હિંસાની, તમામ નૈતિક ધોરણોની અવજ્ઞા કરતા નેશ્યેવ જેવા નિષેધવાદી (Nihilist) દ્વારા પણ રજૂ કરે છે. સામાન્ય પ્રજામાં આવી આતંકવાદી, અંધાધૂંધીની હિમાયત કરનાર એટલે અરાજકતાવાદી એવી સમજ, આ જૂથનાં સનસનાટીપૂર્ણ પગલાંઓને મળેલાં પ્રચાર તથા ટીકાઓને કારણે જન્મી છે. વાસ્તવમાં અરાજકતાવાદ કોઈ પણ અધિસત્તા સામે વ્યક્તિનાં ગૌરવ, સર્જનશક્તિ અને પરિવર્તનના પ્રેરક તરીકેના સ્થાનની પ્રસ્થાપના માટેનું આંદોલન છે.

જયંતી પટેલ