અરબી ભાષા અને સાહિત્ય

January, 2001

અરબી ભાષા અને સાહિત્ય 

ભાષા : અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓ પછી વિશ્વના મોટા જનસમુદાયમાં બોલાતી તેમજ પશ્ચિમ આફ્રિકાથી લઈ પશ્ચિમ એશિયાના દેશોમાં સ્થાનિક ભાષા તરીકે વપરાતી અરબી ભાષાનું ઉદભવસ્થાન એશિયાખંડના નૈર્ઋત્યમાં આવેલ અરબસ્તાન દ્વીપકલ્પ છે. સામી ભાષાગુટના ઉત્તર સામી પેટા-વર્ગની ત્રણ મુખ્ય ભાષાઓમાંની એક અરામી ભાષામાંથી ઊતરી આવેલી આ ભાષાની ઉત્પત્તિ ક્યારે અને કયા સંજોગોમાં થઈ તે વિશે નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. આ વિષયમાં પ્રાપ્ત માહિતી આપતાં લેખિત સાધનો તેના સાહિત્યના પરમ વિકાસના યુગ એટલે અબ્બાસી યુગ (ઈ. સ. 750-1258) પહેલાં મળતાં નથી. મોટેભાગે રણમાં વસતા ભિન્ન ભિન્ન કબીલાઓમાં વહેંચાયેલા અરબવાસીઓ નિરક્ષર હોવાથી ધર્મ, વ્યાપાર કે એકહથ્થું સત્તા જેવાં તેમને એકભાષી પ્રજાના રૂપમાં સાંકળી લેવા જેટલાં સમર્થ પરિબળો ન હતાં. ઈ. સ. ત્રીજાથી છઠ્ઠા શતક સુધી સમગ્ર અરબસ્તાનમાં ઓછામાં ઓછી શિષ્ટ (classical) અરબી ભાષાને મળતી ત્રણ બોલીઓ પ્રચલિત હતી. ઇસ્લામના આગમન (ઈ. સ. 610) પહેલાં બાઇબલનો પૂરો નહિ તો આંશિક અનુવાદ અરબી ભાષામાં થઈ ચૂક્યો હતો. તેમજ અરબસ્તાનના ખ્રિસ્તીઓ અને યહૂદીઓ અરબી ભાષાનો ઉપયોગ કરતા હતા તે લગભગ નિશ્ચિત રૂપે કહી શકાય.

પણ અરબી લિપિ ઘણા સમય પછી અસ્તિત્વમાં આવી. અરબસ્તાન દ્વીપકલ્પના યમન જેવા જે પ્રદેશો વ્યાપાર વગેરે વ્યવસાયને લઈને વિશ્વની બીજી સંસ્કૃતિઓના સમાગમમાં આવ્યા હતા, તે સિવાય ભદ્રવાસીઓમાં બોલાતી ભાષા લખવાનો રિવાજ ન હતો. રોમન લિપિથી બીજે નંબરે આવતી અને અરબસ્તાન, યમન, સીરિયા, ઇરાક, જૉર્ડન, લેબેનોન (લુબ્નાન), ઇજિપ્ત, લિબિયા, ટ્યૂનિસિયા, મોરૉક્કો, અલ્જીરિયા, સેનેગાલ, ન્યુબિયા, સુદાન, નાઇજીરિયા, ઝાંઝીબાર, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મધ્ય એશિયાનાં રિપબ્લિક, તુર્કસ્તાન, સિક્યાંગ (ચીન), ભારત, ઇન્ડોનેશિયા, મલાયા ઇત્યાદિ દેશોમાં પ્રચલિત એવી આ લિપિનો ઉદભવ ઈ. સ. ત્રીજા કે ચોથા શતક પહેલાં થયો ન હતો, છઠ્ઠા શતકમાં તો અરબી વર્ણમાળા નિશ્ચિત રૂપે આકાર લઈ રહી હતી. રાતા સમુદ્રતટે હાલના ઇઝરાયલ-પૅલેસ્ટાઇન-લેબેનોનવાળા વિસ્તારમાં વસતા ફિનીકી તેમજ નબાતી લોકોની ભાષાના મૂળાક્ષરો પરથી અરબી મૂળાક્ષરોનું પ્રથમ અણઘડ સ્વરૂપ ઈ. સ.ના ચોથા શતકમાં અસ્તિત્વમાં આવ્યું હોય તેમ ઉપલબ્ધ નમૂનાઓ પરથી પ્રતીત થાય છે.

જમણેથી ડાબી બાજુ લખાતી અરબી લિપિની વર્ણમાળાનો પ્રાચીન ક્રમ અત્યારે પ્રચલિત ક્રમ કરતાં સાવ જુદો છે. પ્રાચીન ક્રમ આ પ્રમાણે હતો : અ બ જ દ હ વ ઝ઼ હ઼ ત઼ ય ક લ મ ન સ અ ફ સ઼ ક઼ ર શ ત થ઼ (થ અને સ વચ્ચેનો ઉચ્ચાર) ખ઼ ઝ઼ દ઼  ગ઼.

પ્રચલિત ક્રમ આમ છે : અ બ ત થ઼ જ હ ખ઼ દ ઝ઼ ર ઝ઼ સ઼ શ સ દ઼ ત઼  અ઼ ગ઼ ફ ક઼ ક લ મ ન વ હ ય.

28 અક્ષરોની આ લિપિ વ્યંજનબદ્ધ છે, જેમાં ત્રણ મૂળાક્ષરો (અ, વ, ય) લાંબા સ્વર તરીકે પણ વપરાય છે. આ કુલ 28 અક્ષરોનું રેખામય સ્વરૂપ 17 મૂળભૂત વિશિષ્ટ આકારો પર આધારિત છે. અર્વાચીન વર્ણમાળા એક જ રેખામય આકારના અક્ષરોને એકસાથે રાખી રચવામાં આવી હતી, જેથી લિપિ સહેલાઈથી શીખી શકાય. આ એકસરખા આકારોવાળા અક્ષરોને એક કે વધુ બિંદુ ઉપર કે નીચે મૂકી 17માંથી 28 અક્ષરો બનાવવામાં આવ્યા છે. રોમન લિપિના વ્યંજનો કે દેવનાગરીની કાનામાત્રા જેવી સંજ્ઞાઓ હ્રસ્વ સ્વરોનું કામ આપે છે તેવું અરબી લિપિમાં નથી. આ સ્વરો અક્ષરદેહની ઉપર કે નીચે ત્રણ અલ્પ આકારો દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે.

લિપિના ઉદભવ સાથે બિંદુઓ કે હ્રસ્વ સ્વર-સંજ્ઞાઓ આયોજિત થયાં ન હતાં. વર્ણમાળાનો ક્રમ ઈ. સ. સાતમા શતક પહેલાં પ્રચલિત થયા પછી કોઈ સમયે તેનો ઉપયોગ થયો હતો તેમ પ્રતીત થાય છે. આઠમા શતકમાં તેમનો નિયમિત રૂપે વપરાશ દૃષ્ટિગોચર થાય છે.

સાહિત્ય : વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓના જન્મસ્થાન જેવા ઇરાક, ઇજિપ્ત વગેરે દેશોમાં પ્રચલિત સામી ભાષાઓના ગુટની અરબી ભાષાનું સાહિત્ય તેની પ્રાચીનતા તેમજ વિપુલતા અને વૈવિધ્યને લઈને વિશ્વની મુખ્ય ભાષાઓના સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. ઈ. સ. સાતમા – આઠમા શતકમાં ઇસ્લામ ધર્મના વિશ્વના મોટાભાગમાં પ્રસાર સાથે અરબી ભાષા માત્ર એક કોમ કે પ્રજા સુધી સીમિત ન રહી, પણ જે દેશોમાં ઇસ્લામધર્મી રાજવીઓનું વર્ચસ્ થયું ત્યાં તે રાજ્યભાષા તથા ઇજિપ્ત જેવા પ્રદેશોમાં તો સ્થાનિક ભાષા બની. આને લઈને વિપુલતા સાથે ઉત્તર આફ્રિકાના ઇજિપ્ત, મોરૉક્કો, અલ્જીરિયા, ટ્યૂનિસિયા,  સુદાન આદિ તેમજ પશ્ચિમ એશિયાના ઇરાક, સીરિયા, ફિલસ્તીન, ઈરાન આદિ દેશોની પ્રજાઓ માટે ભિન્ન ભિન્ન વિચાર વ્યક્ત કરવાનું માધ્યમ બનવાની સાથે તેમાં વ્યાપકતા અને વિષયવૈવિધ્ય આવ્યાં.

અરબી સાહિત્યને પાંચ ભાગોમાં વહેંચી શકાય : (1) જાહિલિયતનો યુગ (આશરે ઈ. સ. 450થી 622), (2) ઇસ્લામી (ઉમવી) યુગ (ઈ. સ. 622-750), (૩) ઇસ્લામી (અબ્બાસી) યુગ (ઈ. સ. 750-1258), (4) તુર્કી યુગ (ઈ. સ. 1258-1805), (5) અર્વાચીન યુગ (ઈ. સ. 1805થી અદ્ય પર્યંત.)

(1) જાહિલિયતનો યુગ : અરબસ્તાનમાં વર્ષના જુદા જુદા માસોમાં વિવિધ સ્થળોએ વ્યાપાર અર્થે મેળાઓ કે બજારો ભરાતાં, જેમાં મોટી સંખ્યામાં માણસો દૂરદૂરથી આવી હાજરી આપતા. આ અવસર પર અમુક લોકો ગદ્ય કે પદ્યમાં વક્તવ્ય અથવા વ્યાખ્યાન દ્વારા પોતાની, પોતાના કુટુંબ કે પોતાના કબીલાની ગૌરવગાથા ગાતા કે ઇતિહાસ વર્ણવતા. આવા મેળાઓમાં ઉકાઝ, તાઇફ અને નખલાના મેળાઓ પ્રખ્યાત હતા. ઉકાઝનો મેળો હજના દિવસોમાં ભરાતો, જ્યારે સમગ્ર અરબસ્તાનમાંથી અમીરો કે કબીલાઓના વડાઓથી લઈ સામાન્ય માનવી મક્કામાં કાબાના દર્શને આવતા. ઇસ્લામ પહેલાંનો યુગ જાહિલિયત(અજ્ઞાનતા કે અંધકાર)નો યુગ કહેવાય છે. ઉક્ત વ્યાખ્યાનો કે વક્તવ્યો આદિની આ યુગના ગદ્ય કે પદ્યમાં ગણના થાય છે. આ  વ્યાખ્યાનો કલમબદ્ધ થતાં નહિ, પણ પાછળના ઇતિહાસકારોએ તેમના પરંપરાગત અહેવાલો નોંધ્યા છે. આવા છટાદાર સચોટ શૈલીના વ્યાખ્યાનકારો કે વક્તાઓમાં કુસ બિન સાઇદા, અલ-અયાદી, અમ્ર બિન કુલ્થુમ, અત્તઘલબી, અકથમ બિન સૈફી અત્તમીમી, હારિથ બિન ઇબાદ, અબ્બાદ અલ-બકકરી, કૈસ બિન ઝુહૈર અલ-અબસી, અમ્ર બિન સઅ્દ યકરબ ઝૈબદી આદિનો સમાવેશ થાય છે. આ યુગના બીજા મહાન કવિઓ મુહલહિલ, નાબિગા, અઅ્શા તથા અલકમા છે.

આ યુગના વિપુલ પદ્યસાહિત્યનો માત્ર અંશ જ સચવાયો છે. આ સમયનાં કાવ્યોનું સંપાદન હમ્માદ અને ખલફ અલ-અહમર જેવાની મૌખિક રિવાયત પરથી આઠમા સૈકામાં થયું હતું, એટલે આ કાવ્યોમાં પાછળથી થોડાઘણા વધારા થયા હોવાનું અરબી સાહિત્યના અભ્યાસીઓનું માનવું છે. આ યુગના પ્રમાણિત પદ્યમાં અદ્ય પર્યંત લોકપ્રિય અને પ્રખ્યાત ‘મુઅલ્લકાત’ અથવા સાત કસીદા-પ્રશંસાકાવ્યો છે, જેને સોનેરી અક્ષરોથી લખાવી પવિત્ર કાબાના દ્વાર પર લટકાવવામાં આવ્યાં હતાં. આ કૃતિઓના રચનાર કવિઓ ઇમ્રઉલકૈસ, ઝુહૈર બિન અબા સુલ્મા, તરફા બિન અલ-અબ્દ, લબીદ બિન રબિયા, અન્તરા બિન શદ્દાદ, અમ્ર બિન કુલ્થુમ અને હારિથ બિન હિલ્લિઝા છે.

આ યુગમાં કઅ્બ બિન ઝુહૈર, (કવયિત્રી) ખન્સા, દુરૈદ બિન અસ્સિમ્મા, ઉમય્યા બિન અબીસ્સલ્લત, હસ્સાન બિન થાબિત, હાતિમ તાઇ આદિ પદ્યકારો પણ કાવ્યરચનામાં પ્રવૃત્ત હતા.

ગદ્યમાં ઉપર્યુક્ત મેળાઓ કે બજારોમાં પ્રસંગોપાત્ત, ભાષા ઉપર અદભુત પ્રભુત્વ ધરાવતા વક્તાઓ કે વ્યાખ્યાતાઓ દ્વારા કરાતાં વક્તવ્યો કે અપાતાં વ્યાખ્યાનો, જેને અરબીમાં ‘ખુતબો’ કહેવામાં આવે છે, તેનાથી અરબી સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રકાર ‘ખિતાબત’નો જન્મ થયો.

આ યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ રણવાસી અરબોના સ્વભાવને અનુરૂપ તેની વાસ્તવિકતા અને કોઈ પણ જાતની કૃત્રિમતા કે અતિશયોક્તિનો અભાવ છે. તેમાં વિચારનું સાતત્ય કે ક્રમબદ્ધતા જોવા મળતાં નથી. અપરિચિત શબ્દભંડોળ કે વાક્યરચના અને અભિવ્યક્તિ પદ્ય તેમજ ગદ્યમાં દૃષ્ટિગોચર થાય છે. વિષયવૈવિધ્યનો પણ અભાવ છે. કાવ્યોનો સાધારણ રીતે ખંડેરો કે રહેણાક સ્થાનોના વર્ણનથી આરંભ થાય છે, જે અરબોના અસ્થાયી જીવનનું મુખ્ય અંગ છે.

(2) ઇસ્લામી (ઉમવી) યુગ : આ યુગ(સાતમા-આઠમા શતક)ના સાહિત્યમાં ઇસ્લામના આગમન તેમજ અરબી સામ્રાજ્યના ઝડપી વિસ્તારના ફલસ્વરૂપ અરબોમાં શિક્ષણક્ષેત્રે પ્રગતિ, નાણાકીય અર્થશાસ્ત્ર, એકહથ્થું સત્તાની સ્થાપના આદિ પરિબળો પ્રતિબિંબિત છે. પદ્ય કરતાં ગદ્યમાં આ વધુ જોવા મળે છે.

આ યુગનું સાહિત્ય બે તબક્કામાં વિભાજિત કરી શકાય : પહેલા તબક્કામાં ઇસ્લામના પ્રથમ ચાર ખલીફાઓના સમય(ઈ. સ. 632-692)નું સાહિત્ય તથા બીજા તબક્કામાં ઉમવી રાજકાળ(ઈ. સ. 692-750)નું સાહિત્ય.

મુસ્લિમો જેને ઈશ્વરી પુસ્તક ગણે છે તે કુર્આનશરીફ, પયગંબર સાહેબનાં વચનો કે તેમની દિનચર્યા અને વર્તન વિશેનાં તેમના સહવાસીઓ દ્વારા થયેલાં વર્ણનોનો સંગ્રહ હદીથ અને જાહિલી યુગના કવિઓ દ્વારા રચિત પદ્યસાહિત્યનો પહેલા તબક્કામાં સમાવેશ થાય છે. કુર્આન અરબી ભાષાનું પ્રથમ કલમબદ્ધ અને સંપાદિત પુસ્તક છે, જેનું ગદ્ય આરંભથી જ અરબી ગદ્યનો ઉત્કૃષ્ટ નમૂનો લેખાતું આવ્યું છે. તેની ભાષાની મીઠાશ, કર્ણપ્રિયતા, શબ્દરચનાની સંગીતમયતા, પ્રાસાનુપ્રાસ ઇત્યાદિથી, ઇસ્લામનો સ્વીકાર કર્યો ન હતો તેવા જાહિલી યુગના મહાન કવિઓ પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. તે જ પ્રમાણે હદીથ અરબી ગદ્યમાં કુર્આન પછી મહત્વનું સ્થાન ધરાવે છે. હદીથની મૌખિક પરંપરા આઠમા-નવમા શતકમાં પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય હદીથવેત્તાઓ દ્વારા સંકલિત થઈ કલમબદ્ધ કરવામાં આવી, જેમાં મુખ્ય છ પ્રમાણભૂત સંગ્રહો ‘સિહાહે સિત્તા’ અને તત્પશ્ચાત્ ઇમામ અહમદ બિન હંબલના સંગ્રહ ‘અલ મૂસ્નદ’નો સમાવેશ થાય છે.

ઇસ્લામ યુગમાં પણ ‘ખિતાબત’ ગદ્યનું એક અગત્યનું અંગ રહ્યું. પયગંબરસાહેબે તેમની છેલ્લી હજયાત્રા સમયે હાજીઓના વિશાળ સમુદાય સમક્ષ આપેલું વ્યાખ્યાન તેના વિષય ઉપરાંત ભાષાશૈલીનો ઉત્તમ નમૂનો લેખાય છે. તે જ પ્રમાણે ઇસ્લામના બીજા અને ચોથા ખલીફા હજરત ઉમર અને હજરત અલીના પણ ખુતબાઓ સુંદર ગદ્યના નમૂનાઓ ગણાય છે. હજરત અલીના ખુતબાઓ તેમજ પત્રો, બોધ-વચનો આદિનો સંગ્રહ ‘નહજુલ્-વલાગહ્’ પાછળથી શરીફ રદી. દ્વારા સંપાદિત થયો હતો. બીજા પ્રસિદ્ધ ખતીબોમાં સહબાન બિન વાઇલ, ઝિયાદ બિન અબીહ આદિ ઉલ્લેખનીય છે.

કુર્આનમાં કવિઓ તરફ દર્શાવાયેલ અભિક્રોશ અને અણગમાને લઈને પદ્યનો જોઈએ તેટલો વિકાસ થયો નહિ; પણ જાહિલી યુગના કવિઓ દ્વારા કાવ્યરચના થતી રહી અને પયગંબરસાહેબની પ્રશંસાનાં કાવ્યો રચાતાં રહ્યાં.

ઉમય્યા વંશની સ્થાપના (ઈ. સ. 662) પછીનું બીજા તબક્કાનું સાહિત્ય થોડા અપવાદ સિવાય નાગરિક સાહિત્ય (urban literature) છે, જે ઈરાનીઓ તથા તેમના જેવી બીજી બિનઅરબ કે અર્ધઅરબ કોમો દ્વારા અસ્તિત્વમાં આવ્યું, આ સમયે કાવ્યક્ષેત્રે વિશેષ બૌદ્ધિક વિકાસ થયો હોવાનું પ્રતીત થાય છે. ‘કસીદા’ કાવ્યે સારી પ્રગતિ કરી, ‘કસીદા’ના જ ‘તશ્બીબ’ એટલે આરંભના ખંડમાંથી ઉદભવેલ ગઝલે અરબીમાં તો નહિ, પણ ફારસી, ઉર્દૂ (અને ગુજરાતી) ભાષામાં પણ એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યુગના વિખ્યાત કવિઓનાં નામ આ પ્રમાણે છે : ઉમર ઇબ્ન અબી રબી અહ, જમીલ, હમ્માદ, ફરઝદક, જરીર અને અખ્તલ (છેલ્લી ત્રિપુટી ઉપહાસ-વ્યંગ્ય તેમજ અશ્લીલ કાવ્ય રચનાર તરીકે પ્રખ્યાત છે), અબૂલ-અસ્વદ, ઐમન બિન ખઝીમ, ઇબ્ન મુફર્રદહ્, હુઝૈરી, અબ્દુલ્લાહ બિન હિશામ, (કવયિત્રી) ઉમ્મ હકીમહ, મઆઝ ઇત્યાદિ.

ગદ્યમાં ‘ખિતાબતે’ આ તબક્કામાં પણ અજોડ પ્રગતિ કરી. શુક્રવારની નમાજના સમયે અપાતા ખુતબાઓ (વ્યાખ્યાનો), સેનાપતિ દ્વારા સૈનિકોને પાનો ચઢાવવા કરાતાં ઉદબોધનો તેમજ પ્રાસંગિક પ્રવચનો અરબી ગદ્યનું મહત્વનું અંગ છે. તે ઉપરાંત પ્રાસાનુપ્રાસ, આડંબરયુક્ત ઝમકદાર શૈલીવાળા ‘ઇન્શા’(સુંદર ભાષાલેખન જેનો વિશેષ ઉપયોગ રાજકીય પત્રવ્યવહાર આદિ પ્રસંગોએ થતો)ના ક્ષેત્રમાં અબ્દુલહમીદ અલકાતિબ જેવા સમર્થ ભાષા-વિશારદે મહત્વનો ફાળો આપ્યો છે. આ યુગમાં લખાયેલાં ઇતિહાસ-પુસ્તકોમાં ઉબૈદ બિન શર્યાનું ‘અલમુલૂક વ અખ્બારુલ માઝી’, વહબ બિન મુનબ્બિહનું ‘અવાઇલ’ પ્રકારનું પુસ્તક તેમજ કરબ અલ-અહ્બારનું ‘અત્તીજાન ફી મુલૂકે હિમ્યર’ ઉલ્લેખનીય છે. ઇતિહાસમાં ઉમવી ખલીફાઓને રસ હોઈ આ યુગમાં આ ક્ષેત્રમાં સારું કામ થયું. તે જ પ્રમાણે વિજ્ઞાનક્ષેત્રે વિશેષ કરીને ઉમવી રાજવૈદો દ્વારા ઔષધશાસ્ત્રમાં પણ ઉચ્ચ કોટિના ગ્રંથોનું નિર્માણ થયું હતું. આ યુગનાં બીજાં ગદ્ય-પુસ્તકો નાશ પામ્યાં છે.

(૩) ઇસ્લામી (અબ્બાસી) યુગ (ઈ. સ. 750-1258) : અબ્બાસી યુગ (તત્કાલીન) સમગ્ર મુસ્લિમ જગતના બૌદ્ધિક વિકાસ, માનસિક જાગૃતિ તેમજ ઉચ્ચ વિચાર અને સંસ્કૃતિનો સુવર્ણયુગ ગણાય છે. દસમા શતકની લગભગ અરબી ભાષા જે અત્યાર સુધી ધર્મશાસ્ત્ર અને કાવ્યની ભાષા લેખાતી તેમાં અદભુત પરિવર્તન આવ્યું અને હવે તે ગૂઢ ફિલૉસૉફી તથા વૈજ્ઞાનિક વિષયો વ્યક્ત કરવાનું સબળ માધ્યમ બની. આ યુગ સુધીમાં અરબી ભાષાનો પ્રસાર ઉત્તર આફ્રિકા પાર થઈ યુરોપમાં સ્પેન અને પૂર્વમાં ભારતની સરહદ સુધી થઈ ચૂક્યો હતો, જ્યારે આ યુગમાં તેનો પ્રસાર મધ્ય એશિયા તથા ચીન તરફ થયો. આ કારણે વિદેશ, વિજ્ઞાન અને સાહિત્યે આ યુગના સાહિત્ય પર મહત્વનો પ્રભાવ પાડ્યો છે.

ગ્રીક, ઈરાની (પહેલવી), સંસ્કૃત આદિ ગ્રંથોનાં મોટા પાયે થયેલાં ભાષાંતરો કે અનુવાદો દ્વારા ઍરિસ્ટૉટલ જેવા દાર્શનિકો, જાલીનૂસ જેવા વૈદકીય શાસ્ત્ર-નિષ્ણાતોનાં પુસ્તકો, ઈરાનનાં લલિતેતર સાહિત્ય તથા અલંકારશાસ્ત્ર જેવા વિષય પરનાં પુસ્તકો અને ભારતનાં ગણિતશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્ર પરનાં પુસ્તકોથી અરબી સાહિત્ય સમૃદ્ધ થયું છે. સમગ્ર વિશ્વ પર અરબોનું સૌથી મોટું ઋણ એ ગણાય છે કે તેમણે આ ભાષાંતરો દ્વારા તેમના સ્પેન તથા સિસિલી પરના આધિપત્યના સમયમાં યુરોપમાં જ્ઞાનનું પુનરુત્થાન કર્યું. યુરોપ પણ જે સમયે ગ્રીક વિચારસરણી અને વિજ્ઞાનથી તદ્દન અજ્ઞાત હતો અને બારમા શતકમાં મૂળ ગ્રીક કે ભારતીય ગ્રંથો અપ્રાપ્ય હતા ત્યારે આ વિવિધ જ્ઞાનોની જ્યોત જ્વલંત રાખવાનું શ્રેય તેમને જાય છે.

અબ્બાસી યુગમાં મામૂન અલ-રશીદ(ઈ. સ. 809-833)ના સમયમાં સાહિત્યસર્જનને અતિવેગ પ્રાપ્ત થયો. તેણે એક ‘બૈતુલ્–હિક્મહ’ (તત્વજ્ઞાન-મહાલય) નામની સંસ્થા સ્થાપી, જેમાં એક સમૃદ્ધ પુસ્તકાલય ઉપરાંત જ્ઞાન-સભા (academy) આદિ વિભાગો હતા. આ સંસ્થા દ્વારા વિવિધ વૈજ્ઞાનિક વિષયોના ગ્રીક ભાષાના પારિભાષિક શબ્દો નહિવત્ ફેરફાર સહિત લઈ લેવામાં આવ્યા; દા.ત., ‘ઍરિથમેટિક’ માટે ‘અરિથમાતિકી’, ‘ફિલૉસૉફી’ માટે ‘ફલ્સફા’; ‘મ્યૂઝિક’ માટે ‘મૂસીકી’, ‘મૅગ્નેટ’ માટે ‘મક્નાતીસ’ ઇત્યાદિ. ગ્રીક લલિત સાહિત્ય (નાટક, કાવ્ય વગેરે) તરફ વધુ અભિરુચિ આ યુગમાં થઈ હોય તેમ લાગતું નથી; પણ વૈદકશાસ્ત્ર, દર્શન, ગણિત, ખગોળ ઇત્યાદિ વિષયોમાં અરબોએ ગ્રીક તથા ભારતીય સાહિત્યનો પૂરતો ઉપયોગ કર્યો. આ ક્ષેત્રમાં જેમનું વિશેષ યોગદાન છે તે અરબી ભાષાંતરકારોમાં અબૂ યાહ્યા બિત્રીક, યુહન્ના બિન માસવૈહ, હુનૈન બિન ઇસ્હાક, યાહ્યા બિન અર્દી, અબૂ અલી ઈસા ઇબ્ન ઝુર્અહ, મુહમ્મદ અલફઝારી, હજ્જાજ બિન મતર આદિનાં નામ મોખરે છે. તેમની સર્જનશક્તિ માત્ર ભાષાંતરો કે અનુવાદ પૂરતી સીમિત ન હતી;  તેમણે મૌલિક ગ્રંથો પણ રચ્યા હતા.

આરંભની ભાષાંતરપ્રવૃત્તિ પછી મૌલિક લખાણ તરફ ધ્યાન અપાયું. ઇબ્ન માસવૈહના ‘દગલુલ–ઐન’ તથા તેના શિષ્ય હુનૈનના ‘અલ અશ મકાલાત ફીલ ઐન’ની ગણના નેત્રરોગચિકિત્સાના શિષ્ટમાન્ય (classic) ગ્રંથો તરીકે થાય છે. ઔષધશાસ્ત્રમાં તબરીનાં ‘ફિર્દૌસુલહિક્મહ’ તેમજ ‘કિતાબુદ્દીન’, વૈદકશાસ્ત્રમાં એક સો તેર ઉચ્ચ અને અઠ્ઠાવીસ મધ્યમ કક્ષાનાં પુસ્તકોના કર્તા મુહમ્મદ બિન ઝકરિય્યા અર્–રાઝી (જેને યુરોપ Rhazesના નામે ઓળખે છે)નું શીતળા રોગ પર ‘અલ જીદ્રી વલ્ હસબહ્’ તથા ‘અલ-હાવી’, વિખ્યાત ફિલસૂફ અને હકીમ અબુ અલી સીના(જે યુરોપમાં Avicenna તરીકે વિખ્યાત છે)ના ‘અશ્શિફા’ અને ‘અલ-કાનૂન ફીત્તિબ્બ’ (જેમાં ‘અલ-કાનૂન’ વૈદકીય બાઇબલ લેખાઈ, સૈકાઓ સુધી યુરોપમાં અભ્યાસક્રમમાં રહ્યું હતું.) વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે.

દર્શનશાસ્ત્રમાં પણ આ યુગમાં ઘણી પ્રગતિ થઈ. પ્રખ્યાત દાર્શનિક યા કુબ અલ-કિન્દીનાં બસોપાંસઠ પુસ્તક-પુસ્તિકાઓમાંથી આજે એક પણ ઉપલબ્ધ નથી. આ યુગનો બીજો વિખ્યાત તત્વજ્ઞ ‘રિસાલાતો ફિલ્સુફિયાહ્’ અને ‘સિયાસતુલ્-દનિય્યહ્’નો કર્તા અબૂ નસ્ર ફારાબી યુરોપમાં પણ અતિલોકપ્રિય હતો.

આ યુગના અગ્ર ખગોળવેત્તાઓમાં અબૂલ અબ્બાસ અહમદ અલ ફર્ગાની, અબૂ મઅ્શર અલ બલ્ખી, મુહમ્મદ બિન ઝકરિય્યા અર્-રાઝી આદિ ઉલ્લેખનીય છે. ખગોળયંત્ર પર અલી બિન ઈસા ઉસ્તુર્લાબી તેમજ અલ-ફર્ગાનીના ગ્રંથો ઘણા પ્રમાણભૂત લેખાય છે. અબ્દુર્રરહમાન અસ્-સૂફી, અબૂ જઅ્ફર અલ ખાઝિન ખુરાસાની, મુહમ્મદ બિન જાબિર આદિ આ શાસ્ત્રના મહાન વિશારદો દ્વારા અરબી વૈજ્ઞાનિક સાહિત્ય સમૃદ્ધ થયું. દસમા-અગિયારમા શતકમાં પ્રસિદ્ધ વિદ્વાન અને લેખક અબૂ રૈહાન અલ બિરૂનીએ ‘કાનૂને મસઊદી’ અને ‘ગુર્રતુલ અઝયાજ’ (જે અમદાવાદના દરગાહ પીર મુહમ્મદશાહ પુસ્તકાલયની એકમાત્ર પ્રત પરથી પ્રકાશિત થયું છે) તેનું અંગ્રેજી ભાષાંતર પણ પ્રગટ થયું છે.) અને વિશ્વવિખ્યાત ફારસી કવિ ઉમર ખય્યામે ‘તારીખે જલાલી’ દ્વારા આ શાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.

ગણિતશાસ્ત્રમાં ઉક્ત અલ-ફઝારી અને અલ-ખ્વાર-ઝમી ઉપરાંત થાબિત બિન કુર્રાઅ્, હબશ અલ-હાસિબ ઇત્યાદિનાં નામ અગ્રસ્થાને છે. ખ્વારઝમીના ગણિત અને બીજગણિત પરના ગ્રંથો સોળમા શતક સુધી યુરોપમાં પાઠ્યપુસ્તક તરીકે વપરાયા હતા. બીજગણિતનો વિષય યુરોપમાં તેના પુસ્તક દ્વારા પ્રચલિત થયો હતો. ઉમર ખય્યામનું બીજગણિત પરનું પુસ્તક ખ્વારઝમીના પુસ્તકની સંશોધિત આવૃત્તિ લેખાય છે.

રસાયણશાસ્ત્રમાં પણ વિપુલ સાહિત્યસર્જન થયું હતું. અર્-રાઝી પછી બીજે નંબરે જેનું નામ આવે છે અને અરબી રસાયણશાસ્ત્રના પિતા સમાન લેખાય છે તે જાબિર બિન હય્યાનનાં બાવીસેક પુસ્તકોમાં ‘કિતાબુર્રહમહ્’, ‘કિતાબત્તજમીઅ્’ અને ‘ઝિઅ્બુશ્શર્કી’ પ્રગટ થઈ ચૂક્યાં છે. જાબિરનું સ્થાન વૈદકશાસ્ત્રમાં પણ ઘણું ઊંચું છે.

ભૂગોળવિદ્યામાં સંખ્યાબંધ અરબ ભૂગોળવિદોએ વિશ્વપરિભ્રમણ કરી ગ્રંથો રચ્યા છે. સુલેમાન બિન તાજીર, અહમદ બિન ફુઝલાન, થાબિત બિન કુર્રાઅ્ (જેણે ટૉલેમીના ‘જ્યૉગ્રાફી’ ગ્રંથનું અરબી ભાષાંતર કર્યું હતું), અલ-મસઊદી, ઇબ્ન ખુર્દાદ બેહ, અલ-યઅ્કૂબી, ઇબ્નુલફકીહ અલ-હમદાની, કુદામહ્, ઇબ્ન રુસ્તહ, અલ ઇસ્તખ્રી, અલ મકદિસી, ઇબ્ન હૌકલ, અલ ઇદ્રીસી વગેરેના ગ્રંથો અરબીનો બલકે વિશ્વસાહિત્યનો મહામૂલો વારસો લેખાય છે. વિશ્વના વિભિન્ન પ્રદેશોની માત્ર ભૌગોલિક નહિ પણ રાજકીય, સામાજિક અને આર્થિક માહિતીથી સભર એવાં આ અત્યંત ઉપયોગી પુસ્તકોમાંથી ઘણાં યુરોપની અરબી ભૂગોળમાળામાં પ્રગટ થયાં છે. તેમાંનાં અનેકનાં યુરોપીય ભાષાઓમાં ભાષાંતર પણ પ્રકાશિત થઈ ગયાં છે.

ઇતિહાસમાં પણ આ યુગનું સાહિત્ય સમૃદ્ધ છે. પ્રાગ્ઇસ્લામી ઇતિહાસના પારંગત લેખાતા અલ-કલ્બીનાં એક સો ઓગણીસ પુસ્તકોમાંથી માત્ર ત્રણ જ પ્રાપ્ય છે. ઉપર્યુક્ત હદીથના ગ્રંથો ઉપરાંત, ઇતિહાસનું સર્વપ્રથમ પુસ્તક ઇબ્ન ઇસ્હાકનું ‘સીરતો રસૂલિલ્લાહ’ છે, જે માત્ર ઇબ્ન હિશામની સંશોધિત આવૃત્તિ દ્વારા જ ઉપલબ્ધ છે. મૂસા અલ-વાકિદીનું પયગંબરસાહેબનાં ધર્મયુદ્ધો વિશેનું ‘કિતાબુલ્-મગાઝી’, ઇબ્ન-અબ્દિલ-હકીમનું ‘ફુતૂહુલ-મિસ્ર’, અહમદ અલ બિલાઝુરીનું ‘ફુતૂહુલ-બુલ્દાન’ તથા ‘અનસાબુલ-અશરાફ’ આ યુગના પૂર્વાર્ધમાં લખાયેલા ઉપયોગી ઇતિહાસ-ગ્રંથો છે. વિધિસર ઇતિહાસના નમૂનારૂપ પહેલવી ભાષાના ‘ખુદાયનામા’ ગ્રંથનું અરબી ભાષાંતર ઇબ્નુલ્-મુક્ફ્ફાએ ‘સિયરુલ-મુલૂકિલ-અજમ’ના શીર્ષકથી કર્યું હતું. યહૂદી અને ખ્રિસ્તી પ્રણાલી અનુસાર મુસ્લિમ રાજ્યોના ઇતિહાસની પ્રસ્તાવના રૂપે વિશ્વ-ઇતિહાસનું આલેખન એ ઇતિહાસના પુસ્તકનું અવિભાજ્ય અંગ જેવું બન્યું હતું. આ પદ્ધતિ પાછળથી ફારસી ઇતિહાસોમાં પણ અપનાવવામાં આવી. બીજા પ્રખ્યાત ઇતિહાસકારોમાં ઇબ્ન હૌકલ, અદ્-દીનવરી, યઅ્કૂબી, ઇબ્રાહીમ અસ્-સાબી, ઇબ્ન-મિસ્કવૈહ, મુહમ્મદ બિન જરીર તબરી, મસઊદી ઇત્યાદિનાં નામો ઉલ્લેખનીય છે. આ યુગના ઉત્તરાર્ધના મહાન ઇતિહાસકારોમાં ઇબ્ન-અસાકિર, ઇબ્ન અથીર, ઇબ્નુલ જવ્ઝી, ઇબ્ન ખલ્લિકાન વગેરેના ગ્રંથો આજે પણ ઇતિહાસના મૂલ્યવાન સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે.

આ ઉપરાંત, આ યુગમાં કેટલાક અજ્ઞાત વિદ્વાનો દ્વારા ‘ઇખ્વાનુસ્-સફા’ (નિખાલસ ભ્રાતા) સંસ્થા, જેની સાથે પ્રસિદ્ધ અંધકવિ અબૂલ-અઅ્લા અલ-મઅર્રી અને વિદ્વાન અબૂ હય્યાન સંકળાયેલા હોવાનું કહેવાય છે, તે અસ્તિત્વમાં આવી. આ સંસ્થા દ્વારા સંખ્યાબંધ પુસ્તિકાઓ (રિસાલા) ગણિત, ભૂગોળ, સંગીત, તત્વજ્ઞાન, જ્યોતિષ આદિ વિષયો પર રચાઈ હતી અને તે અતિલોકપ્રિય થઈ હતી.

આ યુગમાં ગદ્યસાહિત્યનો એક નવો પ્રકાર વિષયની દૃષ્ટિએ અસ્તિત્વમાં આવ્યો. ધર્મસ્મૃતિ (ફિકહ) સાહિત્ય કુર્આન અને હદીથમાં અપાયેલા આદેશોનું સમગ્રીકરણ કરી ઇસ્લામી શરીઅતના નિયમો ઘડવાનું કાર્ય કુર્આન અને હદીથના પ્રખર અભ્યાસી (ફકીહ) દ્વારા થયું, જેના ફલસ્વરૂપ ઇમામ અબૂ હનીફા, ઇમામ માલિક, ઇમામ શાફિઈ, ઇમામ અહમદ બિન હબલ દ્વારા ફિકહનું સંપાદન થયું. ત્યારબાદ સૂફીવાદ અને શરીઅતની ભિન્ન જેવી લાગતી વિચારસરણીઓનો સમન્વય સાધતું એક નવું શાસ્ત્ર ઇલ્મે કલામ (Scholastic Theology) મૂસા અલ-અશ્અરી દ્વારા પ્રચલિત થયું. આમાં અલ-માતુરીદીનું યોગદાન પણ ઉલ્લેખનીય છે. કુર્આનની તફસીર(ભાષ્ય)માં ઝમખ્શરી તથા ફખ્રુદ્દીન રાઝીના ગ્રંથો પ્રમાણભૂત મનાય છે.

નીતિશાસ્ત્ર(ethics)માં ઇબ્નુલ-મુકફ્ફા, હુનૈન બિન ઇસ્હાક તથા ઇબ્ન મિસ્કવૈહ જેવા મહાન લેખકોનાં પુસ્તકો ઉપરાંત ઇમામ ગઝાલીનું ‘ઇયહાએ ઉલૂમિદ્દીન’ અરબી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વ્યાકરણશાસ્ત્ર, કોષવિદ્યા આદિમાં સૈબવૈહ, કિસાઈ, ખલીલ બિન અહમદ, ઇબ્ન દુરૈદ, અલ-અસ્મઇ વગેરે વિદ્વાનોએ અમૂલ્ય ફાળો આપ્યો છે.

આ યુગના લલિત ગદ્ય સાહિત્યની વિશિષ્ટતા તેની છટાદાર આડંબરયુક્ત ભાષા છે. અલ-જાહિઝ, અબૂલ-ફરજ અલ-ઇસ્ફહાની, બદીઉઝ્ઝમાન અલ-હમદાની, અથ્થઅ્લબી, અલ-હરીરી, ઇબ્નુલ અમીદ, સાહિબ બિન અબ્બાદ, અબૂ બક્ર ખ્વારઝ્મી ઇત્યાદિ સાહિત્યકારોએ આ ક્ષેત્રમાં નામ કાઢ્યું છે. આ યુગના ગદ્યસાહિત્યમાં ‘મકામહ’ નામના એક નવા પ્રકારનો ઉમેરો થયો. હમદાની અને હરીરીનાં આ વિષયનાં પુસ્તકો ભારત તેમજ સમગ્ર અરબી દેશોમાં આજે પણ પાઠ્યપુસ્તક તરીકે શીખવવામાં આવે છે. જગપ્રસિદ્ધ અરેબિયન નાઇટ્સ (અલ્ફ લયલહ્ વ લયલહ્) પણ આ યુગની યાદગાર કૃતિ છે. સંગીતમાં પણ આ યુગમાં ગ્રીક ભાષાના અડધોએક ડઝન ગ્રંથોના અનુવાદ થયા, તેમજ મૌલિક પુસ્તકો પણ રચાયાં, જેમાં ઉપર્યુક્ત ફિલસૂફ અલ ફારાબીનું ‘કિતાબુલ-મૂસીકીય્યુલ્-કબીર’ ઉલ્લેખનીય છે.

પદ્યમાં પણ અબ્બાસી યુગનો ફાળો મહાન છે. આ યુગના કવિઓમાં અંધકવિ બશ્શાર બિન બુર્દ, અબૂ નુવાસ (જેનાં મધુકાવ્યો-‘ખમરિય્યાત’ પ્રખ્યાત છે), અબૂલ્-અતાહિયહ (જે ભક્તિપરાયણ કાવ્યો – ‘ઝુહદિય્યાત’ માટે વિશેષ પ્રખ્યાત છે), અબૂ તમ્મામ, અલ-બુહ્તુરી, ઇબ્નુર્રૂમી, અલ-મુતનબ્બી, ઇબ્ન-હાની અલ-અંદલુસી (પ્રસિદ્ધ નિરામિષા હારી કવિ), અબૂલ-અઅ્લા અલ-મુઅર્રી, ઇબ્નુલ્ મુઅ્તઝ્ઝ, ઇબ્નુલ્-ફારિદ, ઝુહૈર આદિનો સમાવેશ થાય છે.

સ્પેન, ઉત્તર આફ્રિકા આદિ પ્રદેશોના સાહિત્યસર્જકોમાં (જેમાં અમુકનો આગળ ઉલ્લેખ થઈ ગયો છે) ઇબ્ન અબ્દ રબ્બિહ્ સ્પેનનો સર્વશ્રેષ્ઠ લેખક ગણાય છે. તેનું ‘અલ ઇક્દુલ્ ફરીદ’ પુસ્તક આજે પણ લોકપ્રિય છે. બીજો મહાન લેખક ઇબ્ન હઝ્મ છે, જેણે બધાં મળીને 400 પુસ્તકો લખ્યાં હોવાના ઉલ્લેખો મળે છે. તેનાં ઉપલબ્ધ પુસ્તકોમાં ‘તહાફતુત્તહાફહ’ તથા જગતના ધર્મોનો તુલનાત્મક અભ્યાસ આલેખતું ‘અલ ફિસલ ફીલ મિલલ વલ્-અહવા વન-નિહલ’ અરબી સાહિત્યનાં ઉત્કૃષ્ટ પુસ્તકોમાં લેખાય છે. આવું બીજું તુલનાત્મક પુસ્તક બારમા શતકમાં ઈરાનના ખુરાસાન પ્રાંતમાં જન્મેલા શહરિસ્તાનીનું ‘કિતાબુલ્-મિલલ્ વન્નિહલ’ છે, જેનું બીજી ભાષાઓમાં ભાષાંતર થઈ ચૂક્યું છે. ઇતિહાસમાં પણ સ્પેનના અબૂ બક્ર ઇબ્ન કુતૈબા, ઇબ્ન હય્યાન આદિનાં પુસ્તકો પ્રખ્યાત છે. સ્પેનમાં ઇતિહાસના પેટાવિભાગ તરીકે જીવનચરિત્ર (biography) વિષય અરબી સાહિત્યના એક અંગ રૂપે વિકસ્યો, જે ઇતિહાસના અરબી ગદ્યસાહિત્યનું અદ્ય પર્યંત લોકપ્રિય અંગ રહ્યું છે. સ્પેન ઉપરાંત બીજા અરબીભાષી દેશોમાં (ભારતમાં પણ) પ્રત્યેક શતકમાં મૃત્યુ પામેલ ઇસ્લામી જગતની મહાન વિભૂતિઓનાં મૃત્યુવર્ષ પ્રમાણે ક્રમવાર જીવનચરિત્રો આપતાં પુસ્તકોની શ્રેણીમાં સંખ્યાબંધ મુદ્રિત અને હસ્તલિખિત પુસ્તકો ઇતિહાસનું અજોડ સાધન લેખાય છે. સ્પેનમાં બીજા વિષયો પર પણ ઘણાં પુસ્તકો લખાયાં હતાં, જેમની ગણના આજે પણ અરબી સાહિત્યમાં મહત્વનાં પુસ્તકો લેખે થાય છે. સાઇદ બિન અહમદ અંદલૂસી (વિખ્યાત ‘તબકાતુલ-ઉમમ’નો કર્તા), અલ-ઇદ્રીસી, અલ-માઝિની, અઝ્-ઝર્કાલી, ઇબ્ન બૈતાર (જે અરબી જગતનો શ્રેષ્ઠ વનસ્પતિશાસ્ત્રી અને ઔષધવિદ્યાનિષ્ણાત મનાય છે), અલ-ગ્રાફિકી, અઝ્ઝહરાવી, સુલેમાન બિન ગેબ્રીઓલ, ઇબ્ન બાજ્જહ, ઇબ્ન તુફૈલ, ઇબ્ન રૂશ્દ (મહાન તત્વચિંતક જેને યુરોપ Averrosના નામે ઓળખે છે.), ઇબ્ન મૈમૂન, ઇબ્ન અરબી આદિ સંખ્યાબંધ પુસ્તકોના કર્તા, તત્વજ્ઞાની તેમજ સાહિત્યધુરંધરો છે. તેમાંના અનેકના ગ્રંથોનું વિશ્વની બીજી ભાષાઓમાં ભાષાંતર થઈ ગયું છે અને હજુ પણ થાય છે.

સ્પેનમાં આ યુગના ઉત્તરાર્ધમાં તુલયતહ્ (Toledo) ખાતે ખ્રિસ્તી ધર્માધ્યક્ષ રેમંડ પહેલાના (ઈ. સ. 1126-51)ના પ્રયાસોથી એક નિયમિત ભાષાંતર-કક્ષની સ્થાપના થઈ હતી, જ્યાં ઈ. સ. 1135થી 1284 દરમ્યાન સ્થાનિક તેમજ બ્રિટન જેવા દૂર દૂરના દેશોથી આવેલા વિદ્વાનો દ્વારા અરબીના સેંકડો ગ્રંથોના અનુવાદ થયા છે.

આ ઉપરાંત ઇજિપ્ત વગેરે દેશોમાં જે સાક્ષરોએ સાહિત્યમાં ફાળો આપ્યો તેમાં મુખ્ય મુહમ્મદ અલ-કિન્દી, ઇબ્ન સલામહ્, ઇબ્ન હૈથમ, અમ્માર ઇબ્ને મૌસિબી વગેરે છે.

(4) તુર્કી યુગ (ઈ. સ. 1258-1805) : અબ્બાસી ખિલાફતના વિભાજન પછી ઇસ્લામી જગતના વિવિધ પ્રદેશોમાં સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં તેની સાથે સીરિયા, ઇરાક, ઈરાન અને પાછળથી ઇજિપ્ત પર તુર્ક લોકોનું આધિપત્ય થયું. તુર્કોના ઈરાની સામ્રાજ્ય હેઠળના પ્રદેશોમાં ફારસી ભાષાનું પ્રાધાન્ય થયું, છતાં ત્યાં પણ અરબીનું બીજી મુખ્ય ભાષા તરીકે ઘણા સમય સુધી ચલણ રહ્યું.

આ યુગના સાહિત્યની એક વિશિષ્ટતા એ છે કે એક ગદ્યકૃતિમાં એકથી વધુ વિષયોનું સંકલિત આલેખન કરવામાં આવ્યું છે. ઉદાહરણરૂપ, અન્ નુવૈરીનું ‘નિહાયતુલ-અરબ’ ભૂગોળ, પ્રાકૃતિક વિજ્ઞાન, ઇતિહાસ ઇત્યાદિને આવરી લે છે.

લલિત સાહિત્યમાં પ્રાસાનુપ્રાસવાળી ગદ્યશૈલીના લેખક અઝ્-ઝરખ્શી, ‘ઇન્શા’ લેખક ઇમાદુદ્દીન અલ–કાતિબ ઇસ્ફહાની, અસ્-સક્કાકી, શરફુદ્દીન અલ-બૂસીરી (જેના ‘કસીદતુલ-બુર્દા’ કાવ્યની અદ્વિતીય લોકપ્રિયતાને અરબીનું કોઈ પણ કાવ્ય પહોંચી શક્યું નથી અને જેનો વિશ્વની મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયો અને જેનો આજે પણ ભારત તેમજ ઇસ્લામી દેશોમાં નિયમિત સભા-પાઠ થાય છે), સફાયુદ્દીન અલ-હિલ્લી, ઇબ્ન મન્ઝૂર, ઇબ્ન નબાતા, ઇબ્ન હજ્જાહ હમવી, અહમદ અલ-કલકશન્દી આદિની ગદ્ય અને પદ્ય કૃતિઓ અરબી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ભાષાશાસ્ત્રમાં ઇબ્ન માલિકનું ‘અલફિય્યહ’, જમાલુદ્દીન ઇબ્ન મન્ઝૂરનું ‘લિસાનુલ-અરબ’ મજદુદ્દીન ફીરોઝાબાદીનું ‘અલ-કામૂસ’ આદિ ઉચ્ચ કોટિનાં પુસ્તકો પણ આ સમયમાં રચાયાં; ઇતિહાસ તથા ભૂગોળમાં ઇબ્ન અબી ઉસૈબિયહ્ તકીયુદ્દીન અલ-મક્રીઝી, ઇબ્ન તકતકી, ઇબ્ન ખલ્દૂન (જેનું તેના ઇતિહાસના આમુખરૂપે લખાયેલ દળદાર પુસ્તક ‘મુકદ્દમા’ આધુનિક ઇતિહાસતત્વનો પાયો મનાય છે), ઇબ્ન ખતીબ આદિનો અતિમૂલ્યવાન ફાળો છે. વિશ્વયાત્રા(travels)ને લગતાં પુસ્તકોમાં અબૂ હામિદ ગરનાતી, ઇબ્ન જુબૈર અને ભારતવાસીઓ જેનાથી પરિચિત છે તે ઇબ્ન બત્તૂતાના ગ્રંથો ઐતિહાસિક તેમજ ભાષાકીય દૃષ્ટિએ અતિમહત્વના લેખાય છે. સૂફીવાદની વિવિધ વિચારસરણીઓના શિહાબુદ્દીન સુહવર્દ્દી (‘અવારિફલમ-આરિફ’ના કર્તા) જેવા સૂફી મહાનુભાવો દ્વારા પણ અનેક ગ્રંથો રચાયા હતા, જે આજે પણ સૂફી તેમજ સાહિત્યિક વર્તુળોમાં લોકપ્રિય છે.

આ યુગના વિવિધ વિષયના બીજા મહાન લેખકોમાં ઇબ્ન ફઝલુલ્લાહ ઉમરી (જેના ‘મસાલિકુલ્-અમસાર’માં 14મા શતકના ભારતના ઇતિહાસ પર પડતા નવા પ્રકાશની એકથી વધુ વાર નોંધ લેવાઈ ચૂકી છે), ઇબ્ન હજર અલ-અસ્કલાની તેમજ તેના શિષ્ય હાફિઝ શમ્સુદ્દીન-અસ્ સખાવી, ઇબ્ન નદીમ (અરબી ભાષાનાં તત્પર્યંત સમગ્ર વિષયો પર રચાયેલાં અરબી પુસ્તકોની સવિસ્તર માહિતી આપતા અતિ મૂલ્યવાન ગ્રંથ ‘કિતાબુલ-ફિહરિસ્ત’ના કર્તા), વિવિધ વિષયો ઉપર ચાર સોથી વધારે પુસ્તક-પુસ્તિકાઓના લેખક ઇસ્લામી જગતના સૌથી મહાન બહુવિષયી લેખક (polygrapher) જલાલુદ્દીન સુયૂતી, કમાલુદ્દીન દમીરી આદિનો સમાવેશ થાય છે. સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં હાજી ખલીફા, ચલયી કાતિબે ‘કશ્ફૂઝ-ઝુનૂન’ના શીર્ષક હેઠળ ‘અલ-ફિહરિશ્ત’ના અનુકરણમાં અરબી ભાષાનાં પુસ્તકોની સવિસ્તર યાદી આપતું પુસ્તક લખ્યું, જે અરબી સાહિત્યના ઇતિહાસના અભ્યાસીઓ માટે અનિવાર્ય સાધન લેખાય છે.

ઈ. સ. પંદરમા-સોળમા શતકમાં આયેશા બાઉતિયહ નામની એક કવયિત્રીએ ધાર્મિક વિષયો પર કાવ્યો અને પુસ્તકો લખ્યાં હતાં.

(5) અર્વાચીન યુગ (ઈ.સ. 1805થી અદ્યપર્યંત) : અઢારમા શતકના અંતમાં નેપોલિયનના ઇજિપ્ત પરના આક્રમણ પછી ઇજિપ્ત દ્વારા, અને તે પછી તુર્કી સામ્રાજ્યના ક્રમિક અધ:પતન સાથે યુરોપના દેશોના વિશેષ કરીને ફ્રાંસ અને બ્રિટનના વધતા જતા સામર્થ્ય સાથે અરબીભાષી દેશો પશ્ચિમી  વિશ્વ સાથે સંપર્કમાં આવ્યા. તેના ફળસ્વરૂપે અરબી સાહિત્યમાં નવાં પરિબળોએ જન્મ લીધો અને તેના નવઘડતરમાં સક્રિય ભાગ ભજવ્યો. પ્રખ્યાત મુહમ્મદ અલી પાશાના નેતૃત્વમાં થયેલા ઇજિપ્તના રાજપલટા બાદ ઇજિપ્તમાં શિક્ષણને અગ્રિમ સ્થાન અપાયું અને ત્યાંની શાળાઓ અને વિદ્યાલયોમાં આમંત્રિત ફ્રેંચ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવાનો પ્રબંધ થયો. ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ અભ્યાસ માટે સરકારી ખરચે ફ્રાંસ મોકલવામાં આવ્યા. તેમણે સ્વદેશાગમન પછી વિવિધ વિષયોના ફ્રેંચ ગ્રંથોનો અરબીમાં અનુવાદ કર્યો. આ અરસામાં આવી જ પ્રવૃત્તિનો ફ્રાંસના પ્રભાવ હેઠળ આવી ગયેલ સીરિયા, ઇરાક, લેબનન, ફિલસ્તીન(હાલ ઇઝરાયલ)માં પણ આરંભ થયો. ત્યાં ફ્રેંચ અને અમેરિકન મિશનરીઓએ સ્થાપેલ વિદ્યાલયો તથા મુદ્રણાલયો દ્વારા નવા શિક્ષણ અને સાહિત્યનું પ્રસારણ થયું. વીસમા શતકના પૂર્વાર્ધ દરમિયાન પણ આ પ્રવૃત્તિ ચાલુ રહી અને બીજા વિશ્વયુદ્ધ પછી અરબ દેશોના સ્વાતંત્ર્ય પછી તે વધુ વેગવાન બની.

આ યુગમાં પ્રારંભમાં ‘મકામાતે હરીરી’ તથા ‘મુકદ્દમા ઇબ્ન ખલ્દૂન’ જેવાં પુસ્તકોને પાઠ્યક્રમમાં પ્રાધાન્ય અપાયું. તત્પશ્ચાત્ જાહિઝ, ઇબ્નુલ મુકફ્ફા આદિનાં પુસ્તકોને સ્થાન મળ્યું. ફ્રાંસ સાથેના સંપર્ક પછી વિષયક તેમજ શૈલીની દૃષ્ટિએ અરબી સાહિત્ય પશ્ચિમી સાહિત્યધારાથી પ્રભાવિત થયું. નાટ્ય, નવલિકા, નવલકથા આદિ તરફ વધુ ધ્યાન આપવામાં આવ્યું. આ દિશામાં લેબેનોનવાસીઓ તરફથી પહેલ થઈ.

નવસર્જિત સાહિત્યના ઇજિપ્તના લેખકો અને કવિઓમાં શેખ અબ્દુર્રહીમ જીબ્રતી, શેખ મુહમ્મદ મહદી, સૈયદ અલી દરવેશ, શેખ શિહાબુદ્દીન, રિફાઆ બેક તહ્તાવી, મહમૂદ સાઆતી, શેખ અબ્દુલ્હાદી અબ્યારી, અલ્લામા શેખ હુસૈન મુરસફી, અબ્દુલ્લાહ પાશા ફિક્રી, અલી મુબારક પાશા, તુર્કી અને અરબી ભાષાની કવયિત્રી અને લેખિકા સૈયિદા આયેશા તૈમૂરિયા, કાસિમ બેક અમીન, મુસ્તફા પાશા કામિલ, સઅ્દ પાશા ઝગલોલ, અહમદ પાશા તૈમૂર, અહમદ ઝકી, પ્રોફેસર મુહમ્મદ હુસેન હૈકલ મુખ્ય છે.

પશ્ચિમ એશિયાના સીરિયા, ઇરાક, લેબેનોન આદિ દેશોના સાહિત્યકારોમાં બતરસ કિરામી હુમ્સી, ફ્રાંસિસ મરઅસી હલબી, સલીમ બુસ્તોની, ઇસ્હાક, શેખ અબ્દુર્રહમાન કવકિબી, જમીલ અલ-મુદવ્વિર, જીર્જીબેક ઝૈદાન, શેખ નજીબ હદ્દાદ, શેખ તાહિર અલ-જઝાયિરી, ડૉક્ટર યઅ્કૂબ સર્રૂફ, શિહાબુદ્દીન અલ-ઉલૂસી, સૈયદ મુહમ્મદ અલ-ઉલૂસી, અબ્દુલ ગફ્ફાર અલઅખ્રસ, મુહમ્મદ બૈરમ, ખૈરુદ્દીન પાશા વગેરે ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત આ યુગના બીજા અગ્રગણ્ય લેખકોમાં જમાલુદ્દીન અફઘાની, મુહમ્મદ અબ્દુહ, ઇબ્રાહીમ બેક મુવૈલહી, (કવયિત્રી) બાહ્સતુલ-બાદિયા, મુસ્તફા લુત્ફી, અબ્દુલઅઝીઝ જાવીશ, નાસિફ અલ યાઝિજી, અહમદ ફારિસ શદ્યાક, બતરસ-અલ-બુસ્તાની, ઇબ્રાહીમ અલ યાઝિજી, મુસ્તુફા કામિલ, ખલીલ મતરાન, મુહમ્મદ સામી પાશા બારૂદી, ઇસ્માઇલ સબ્રી, અહમદ શૌકી બેક, જમાલ સિદ્કી તથા અઝ્ઝહાવીનો પણ અરબી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો છે.

અમેરિકામાં સ્થાયી થયેલ અરબ લેખકોએ અરબી કાવ્ય અને સાહિત્યને પશ્ચિમની વિચારધારાઓ તથા સાહિત્યસ્રોતથી પ્રભાવિત થઈને અરબી સાહિત્યને નવો ઓપ આપ્યો. તેમાં સાહિત્યકાર, નવલકથાકાર, નાટ્યલેખક ફિલસૂફ વગેરેનો સમાવેશ થાય છે. આવા સિદ્ધહસ્ત લેખકોમાં અમીન અર્-રૈહાની, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કવિ ફિલસૂફ ચિત્રકાર ખલીલ જિબ્રાન, મિખાયેલ નુએમિયા, અહમદ ઝર્કી વગેરેનાં નામ મોખરે છે.

વર્તમાન સાહિત્યકારોમાં અબ્બાસ અલ-અક્કાદ, અલ-માઝની શમી, ખલીલ મર્દુમ, દામૂસ, બઝ્મ, ખાઝિન્દાર, હિલાલ ફાસી, તૌફીક અલ હકીમ, યૂસુફ વહબી, અલ-મફલૂતી, મુહમ્મદ તૈમૂર, ઇબ્નુન્નૂર, અબૂ અલી સમી અલ-કાસિમ, ફૌઝી અલ-અસમર, તૌફીક ઝિયાદ, મુહમ્મદ મન્દૂર, ડૉ. ઝકી અલ-મહાસિની, ડૉ. હુસૈન સુલેમાન કવરા અને મુસ્તુફા મહમૂદ અરબી લલિત સાહિત્યના અગ્રણીઓ લેખાય છે. આ સાહિત્યકારોમાં પૅલેસ્ટાઇનવાસી ઇઝરાયલવિરોધી અરબી કવિઓ અને સાહિત્યકારો પણ સામેલ છે. તેમની રચનાઓ ‘પ્રતિકાર-સાહિત્ય’ના સુંદર મનોગમ્ય નમૂના પૂરા પાડે છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ