અરબી સમુદ્ર : હિન્દ મહાસાગરના વાયવ્ય ભાગમાં આવેલો સમુદ્ર. આ સમુદ્ર હિન્દ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), કિરિયા-મુરિયા (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. ઓમાનના અખાત અને અરબસ્તાનના અખાતને સાંકળતી હાર્મુઝની સામુદ્રધુની તથા એડનના અખાત અને રાતા સમુદ્રને સાંકળતી બાબ-અલ-માન્ડેબની સામુદ્રધુની આ સમુદ્રના ભાગરૂપ છે. તેના ઈશાન ભાગમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલા છે. પશ્ચિમે અલ-હદ્દની ભૂશિર અને મડ્રાક(ઓમાન)ની ભૂશિર તેમજ સોમાલિયાની ગ્વારદાફુયની ભૂશિર આવેલી છે. અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં આવેલી અધોદરિયાઈ કાર્લ્સબર્ગ ડુંગરધાર તેની દક્ષિણ સીમારૂપ ગણાય છે. સિંધુ અને નર્મદા-તાપી જેવી મુખ્ય નદીઓનાં જળ આ સમુદ્રમાં ઠલવાય છે. તેનો કુલ વિસ્તાર આશરે 38,62,000 ચોકિમી. જેટલો છે.

સમુદ્રતળ-લક્ષણો : આ સમુદ્ર આશરે 15 કરોડ વર્ષ પૂર્વે એટલે કે મધ્યજીવયુગના મધ્યકાળ વખતે અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. હિન્દી મહાસાગર તળ પર ભૂગર્ભીય નિક્ષેપ થવાથી તેના તળ પર કાર્લ્સબર્ગ ડુંગરધાર નિર્માણ પામતી ગયેલી છે, તેને કારણે અહીંનું દરિયાઈ થાળું બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે. પૂર્વ વિભાગ અરેબિયન થાળા અને પશ્ચિમ વિભાગ સોમાલી થાળા તરીકે ઓળખાય છે. આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ 3,000 મીટરની છે. તેનું સૌથી વધુ ઊંડાણ વ્હેટલી ઊંડાણ (Wheatly Deep) નામથી ઓળખાય છે, જેની ઊંડાઈ 5,803 મીટર જેટલી છે. કાર્લ્સબર્ગ ડુંગરધાર ચાપ સ્વરૂપે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે, તેની નજીકનું ઊંડાણ 4,000 મીટર જેટલું છે. અરબ થાળા અને ઓમાનના અખાતને જુદી પાડતી અધોદરિયાઈ મુરે ડુંગરધાર (Murray Ridge) પણ તેના તળ પર આવેલી છે. આ સમુદ્રની ઊંડાઈએ આવેલાં અધોદરિયાઈ કોતરોનું સિંધુ નદીના પ્રવાહે ધોવાણ કર્યું છે, તે જ રીતે નિક્ષેપનું કાર્ય પણ થયું છે. સિંધુ નદીના કાંપ-નિક્ષેપને લીધે સમુદ્રતળ પર 1,500 કિમી. લાંબું અને 880 કિમી. પહોળું પંખાકાર ભૂમિસ્વરૂપ રચાયું છે. સમુદ્રકિનારે આવેલી ખંડીય છાજલી પ્રમાણમાં સાંકડી છે, જ્યારે ખંડીય ઢોળાવ ૩,000 મીટરની ઊંડાઈ સુધી આવેલો છે. 4,000 મીટરની ઊંડાઈ પર લાલ માટી પથરાયેલી છે. અરબ થાળા અને સોમાલી થાળાના વિભાગોમાં ફેરોમૅંગેનીઝનાં ક્ષેત્રો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. 5,000 મીટરની ઊંડાઈએ નિક્ષેપિત દ્રવ્યનું પડ પ્રમાણમાં પાતળું છે. સમુદ્રની મધ્યમાં એક પણ ટાપુ નથી. અગ્નિકોણમાં આવેલો લક્ષદ્વીપ પરવાળાંથી બનેલો છે, જ્યારે પશ્ચિમ તરફનો સોકોત્રાનો ટાપુ ઉચ્ચપ્રદેશ સ્વરૂપે છે. આશરે 2,400 ચોકિમી.માં પથરાયેલો આ ટાપુ ઉત્તર-દક્ષિણ 96 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે.

તાપમાન અને ક્ષારતા : જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં આ સમુદ્રની જળસપાટીનું લઘુતમ તાપમાન આશરે 240થી 250 સે. તથા જૂનથી નવેમ્બર માસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે 280 સે. રહે છે. ચોમાસાની ઋતુમાં 50 મીટરની ઊંડાઈ સુધી ક્ષારતાનું પ્રમાણ 35 %0 (ppt) છે, જ્યારે સૂકી ઋતુમાં નવેમ્બરથી માર્ચ માસ દરમિયાન 50 ઉત્તર અક્ષાંશ સુધી ક્ષારતાનું પ્રમાણ 36 %0 (ppt) જેટલું રહે છે. સોકોત્રાના કિનારે સોમાલી પ્રવાહ અનુભવાય છે, જેની ઝડપ આશરે 7 નોટ હોય છે. ચોમાસાની ઋતુમાં નૈર્ઋત્ય દિશા તરફથી વાતા ફરકાઓ(ચક્રવાત)ને લીધે વરસાદ પડે છે. કોઈ વાર હળવા દબાણવાળાં કેન્દ્રો સર્જાતાં હરિકેન જેવાં પવનનાં વાતાવરણીય તોફાનો અનુભવાય છે. 1999માં કચ્છના અખાતમાં હરિકેન ચક્રવાતે કંડલાના વિસ્તારને નુકસાન પહોંચાડ્યું હતું.

મત્સ્ય-સંપત્તિ : આ સમુદ્રના જળમાં ફૉસ્ફેટનાં તત્વો રહેલાં હોવાથી તે મત્સ્યસૃષ્ટિ માટે લાભદાયી બની રહે છે. આ સમુદ્રના જળવિસ્તારમાંથી સારડીન, બિલફિશ, વાહૂ, શાર્ક, લેનસેટફિશ, મુનફીન જેવી માછલીઓ મેળવાય છે. અહીંના જળક્ષેત્રમાં મોટેભાગે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, ઓમાન, યેમેન, ફ્રાંસ, યુનાઇટેડ આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને માલદીવ દેશોનાં જહાજો માછલીઓ પકડવા આવે છે.

પરિવહન : રાતો સમુદ્ર સુએઝ નહેર મારફતે ભૂમધ્ય સમુદ્ર સાથે સંકળાયેલો છે. યુરોપના મોટાભાગના દેશોનાં જહાજો એશિયા તરફ આવવા આ માર્ગનો ઉપયોગ કરે છે. ઈરાની અખાતના જળવિસ્તારમાં ખનિજતેલ ઉત્પન્ન કરતાં રાષ્ટ્રો આવેલાં હોવાથી આ સમુદ્રના જળવિસ્તારમાં જહાજોની અવરજવર વધુ જોવા મળે છે. આથી તેનું વ્યૂહાત્મક મહત્વ વધી જાય છે. આ સમુદ્રને કિનારે આવેલાં મુખ્ય બંદરોમાં મુહમ્મદ-બીન-કાસિમ, કરાંચી, કંડલા, મુંબઈ અને માર્માગોવાનો સમાવેશ થાય છે.

સંશોધન : રોમન સમયમાં આ સમુદ્ર મૅર ઇરિથ્રિયમ (Mare Erythreum) અર્થાત્ ઇરિથ્રિયન સમુદ્ર તરીકે ઓળખાતો. આરબો આ સમુદ્રને હિન્દી મહાસાગરનો ભાગ અથવા તો મહાન સમુદ્ર તરીકે ઓળખતા, પરંતુ આઠમી કે નવમી સદીમાં આ ભ્રમ દૂર થયો. નવમી સદીથી પંદરમી સદી દરમિયાન અરબસ્તાન, પૂર્વ આફ્રિકા, ભારત, મલેશિયા અને ચીનના દરિયા-ખેડુઓએ વેપાર અર્થે આ સમુદ્રનો ઉપયોગ વધાર્યો. આ જળમાર્ગને લગતાં અનેક પુસ્તકો લખાયાં છે. પર્શિયન ભાષામાં લખાયેલ પુસ્તક ‘રાહમાંગ્સ’(Rahmangs  Books of routes)માં કિનારા, ટાપુઓ, પવનો, પ્રવાહો, ઊંડાણો અને ખગોળીય માહિતીનો ઉલ્લેખ જોવા મળે છે. વીસમી સદીમાં અનેક સામુદ્રિક સંશોધનો થયાં છે, જેમાં ઈ. સ. 1933-34માં જૉન મૂરેનું સંશોધન નોંધપાત્ર છે. તેમાં ભૂપૃષ્ઠ, પ્રવાહ, રાસાયણિક તત્વો, જળ-જથ્થા અને નિક્ષેપિત દ્રવ્યોની બાબતો આવરી લેવાઈ છે. ઈ. સ. 1960-65માં થયેલું આંતરરાષ્ટ્રીય હિન્દી મહાસાગરનું સંશોધન વધુ વિશિષ્ટ બન્યું છે. આ અભિયાનમાં બ્રિટિશ, અમેરિકા, રશિયા અને જર્મનીનાં જહાજોએ રસ લીધો હતો.

નીતિન કોઠારી