અરણ્યેર અધિકાર

January, 2001

અરણ્યેર અધિકાર (1977) : બંગાળનાં પ્રસિદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની 1979માં શ્રેષ્ઠ બંગાળી કૃતિ તરીકે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર નવલકથા. અરણ્યના જે સાચા અધિકારીઓ છે, જેઓ અરણ્યનું એક અવિચ્છેદ્ય અંગ બની ગયા છે, તેમને કેવી દયાહીનતાથી અરણ્યથી વંચિત કરવામાં આવે છે તેની કરુણકથા એમાં કલાત્મક રીતે ગૂંથાઈ છે. મહાશ્વેતાદેવી અરણ્યમાં જ ઊછર્યાં છે. એમના પિતા આદિવાસીઓના સેવક હતા. તેથી આરણ્યકોના જીવનથી તેઓ પૂર્ણાંશે પરિચિત હતાં. એટલે તેમણે આદિવાસીઓની કરુણ દશાનું વાસ્તવિક પણ હૃદયવિદારક ચિત્ર અહીં દોર્યું છે. વન્ય સંસ્કૃતિ પર થતા ભદ્ર સંસ્કૃતિના આક્રમણની આ કથા છે. આ કૃતિ માટે એમને રવીન્દ્ર પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો.

ચન્દ્રકાન્ત મહેતા