અયોધ્યા : 26° 48´ ઉત્તર અક્ષાંશ અને 82° 12´ પૂર્વ રેખાંશ પર આવેલું, ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લામાં ગોગ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું, ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન શહેર. 1980 પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને સંયુક્ત શહેર ગણાયું છે. તેની કુલ વસ્તી 1,77,505 (1991) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.

હિંદુ ધર્મમાં ભારતનાં સાત શહેરો ધાર્મિક મહત્વ ધરાવે છે, તેમાં અયોધ્યાનો સમાવેશ થાય છે. ભગવાન રામચંદ્રની તે જન્મભૂમિ હોવાથી આ નગરનો ભારે મહિમા છે. ત્યાં રામચંદ્રજીનાં અનેક સંસ્મરણોને મૂર્તિમંત સ્વરૂપ આપતાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે; જેવાં કે, શ્રી રામચંદ્રજીનું મંદિર, હનુમાન મંદિર (હનુમાનગઢી), સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, રામકોટ, મણિ પર્વત વગેરે. આને કારણે અયોધ્યા પ્રાચીન મંદિરોના શહેર તરીકે જાણીતું છે.

પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. બૌદ્ધકાળ દરમિયાન અયોધ્યા મહત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ ચીની બૌદ્ધ સાધુ ફાહિયાને કરેલો છે (પાંચમી સદી). અહીં સમ્રાટ અશોકે (ઈ. પૂ. ત્રીજી સદીમાં) સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. પુષ્યમિત્ર શુંગનો એક મહત્વપૂર્ણ શિલાલેખ અહીંથી મળ્યો છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું હતું. આમ ઐતિહાસિક કાળમાં પણ અયોધ્યાની ખ્યાતિ અકબંધ રહી હતી.

અયોધ્યા પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ હોવાથી તેમના ચિરસ્મરણાર્થે અઢારમી સદીમાં ત્યાં પાંચ જૈન મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.

મુઘલ શાસનકાળ દરમિયાન રામ-અવતારનો જે સ્થળે અંત આવ્યો ત્યાં બાંધેલું સ્વર્ગદ્વાર નામનું મંદિર તોડી, ઔરંગઝેબે મસ્જિદ બંધાવેલી, જે આજે ભાંગીતૂટી હાલતમાં છે. તે પહેલાં 1528માં તેના સાન્નિધ્યમાં મુઘલ સમ્રાટ બાબરે બંધાવેલી બાબરી મસ્જિદ વિવાદનો વિષય બનેલ. તે ઇમારતનો પછી 6 ડિસેમ્બર 1992ના રોજ ધ્વંસ થયો હતો. ફૈઝાબાદમાં અવધના નવાબી કાળની ઘણી ઇમારતો નજરે પડે છે.

રામ-જન્મભૂમિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. અલ્લાહાબાદ હાઈકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો. એ ચુકાદમાં ત્રણ પક્ષકારો – રામલલ્લા, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને ત્રણ હિસ્સામાં વિવાદિત જમીન આપવાનો આદેશ થયો હતો. એ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પુરાતત્વ વિભાગને જમીનના ખોદકામ દરમિયાન મળેલા પુરાવા અને અયોધ્યાના પ્રાચીન ઉલ્લેખો સહિતનો આધાર લઈને સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બર, 2019ના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પ્રમાણે વિવાદિત સ્થળને રામ-જન્મભૂમિ તરીકે સ્વીકારીને સુપ્રીમ કોર્ટ ત્યાં રામમંદિર નિર્માણને માન્યતા આપી હતી. સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. એ રીતે કોર્ટે મંદિર-મસ્જિદ બંનેની જોગવાઈ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા પછી કેન્દ્ર સરકાર દ્વારા નવા બનેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ ટ્રસ્ટે રામમંદિર નિર્માણની પ્રક્રિયા શરૂ કરી હતી. અયોધ્યામાં 5મી ઑગસ્ટ, 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસની વિધિ કરીને મંદિરનિર્માણ શરૂ કરાવ્યું હતું.

નંદકિશોર ગો. પરીખ