અયનાંત (solstices) : ક્રાંતિવૃત્ત ઉપર, (ખગોલીય) વિષુવવૃત્તથી મહત્તમ અંતરે આવેલાં બિંદુઓ.

પૃથ્વીના સૂર્ય આસપાસ થતા પરિભ્રમણને કારણે પૃથ્વી ઉપરથી જોતાં, આપણને આકાશી ગોલકમાં સૂર્ય તારા-નક્ષત્રોની સાપેક્ષમાં રોજ રોજ પૂર્વ દિશા તરફ ખસતો જણાય છે. સૂર્યનું આ દેખીતું (apparent) પરિભ્રમણ એક વર્ષમાં પૂરું થાય છે. સૂર્યબિંબનું કેન્દ્ર આકાશી ગોલકમાં જે માર્ગ ઉપરથી પસાર થતું આપણને દેખાય છે તેને રવિમાર્ગ અથવા ક્રાંતિવૃત્ત (ecliptic) તરીકે ઓળખવામાં આવે છે.

પ્રતિવર્ષ 22 ડિસેમ્બરથી સૂર્યનું (દેખીતું) ઉત્તર તરફ જવું – ઉત્તરાયન (ઉત્તર + અયન) – શરૂ થાય છે, જે ૨૧ જૂન સુધી ચાલે છે. 21 જૂનથી ૨૨ ડિસેમ્બર સુધી આપણને સૂર્ય દક્ષિણ તરફ ખસતો જતો દેખાય છે, એ સમયગાળાને દક્ષિણાયન (દક્ષિણ + અયન) કહેવાય છે. સૂર્ય તો સ્થિર છે, પરંતુ પૃથ્વીનું ભ્રમણતલ, જેમાં ઉપર દર્શાવેલું ક્રાંતિવૃત્ત આવેલું છે તે, પૃથ્વીના વિષુવવૃત્ત સાથે લગભગ 23.5° નો ખૂણો રચે છે; એટલે પૃથ્વી ઉપરથી જોતાં સૂર્યનું (દેખીતું) ઉત્તરાયન તેમજ દક્ષિણાયન દેખાય છે. આ ‘અયન’ થંભી જઈને અગાઉના કરતાં વિરુદ્ધ દિશામાં સૂર્યની ગતિ જણાય તે સમયને – 21 જૂન અને 22 ડિસેમ્બરના દિવસોને – અનુક્રમે ગ્રીષ્મ અયનાંત (summer solstice) અને શિશિર અયનાંત (winter solstice) કહેવામાં આવે છે, કારણ કે ઉત્તર ગોળાર્ધમાં જૂન માસ ગ્રીષ્મઋતુ અને ડિસેમ્બર માસ શિયાળાની ઋતુનું પ્રતિનિધિત્વ કરે છે.

21 જૂને સ્થાનિક મધ્યાહ્નસમયે પૃથ્વીના કર્કવૃત્ત (23.5° ઉત્તર અક્ષાંશવૃત્ત) ઉપરથી અને 22 ડિસેમ્બરે મકરવૃત્ત (23.5° દક્ષિણ અક્ષાંશવૃત્ત) ઉપરથી જોતાં સૂર્ય બરોબર માથે આવેલો દેખાય છે. 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં મોટામાં મોટો દિવસ અને નાનામાં નાની રાત્રિ તેમજ ૨૨ ડિસેમ્બરે (ઉ. ગોળાર્ધમાં) મોટામાં મોટી રાત્રિ અને નાનામાં નાનો દિવસ થાય છે.

પ્ર. દી. અંગ્રેજી